પ્રમુખસ્વામી મહારાજે શબ્દોથી નહીં, આચરણથી ઉપદેશ આપ્યો છે
પ્રમુખસ્વામી મહારાજે શબ્દોથી નહીં, પરંતુ આચરણથી ઉપદેશ આપ્યો છે. તેમના જીવનમાં સરળતાનો જે ગુણ હતો, સાથે જ નિર્માનીપણું હતું કે જે માત્ર શબ્દોથી કહેવાતું નથી, તેને પ્રમુખસ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળે આપણે અનુભવીએ છીએ.
હું વાત કરી રહ્યો છું પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની. તેમને જ્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, તે સમયની. માત્ર ૨૮ વર્ષની નાની વયે તેઓ સંસ્થાના ‘પ્રમુખ’ બન્યા હતા. તેમને વિધિવત્ ચાદર ઓઢાડવાનો પ્રસંગ પૂર્ણ થયો, ભોજન સમારંભ થયો અને સૌ છૂટા પડી રહ્યા હતા અને તે સમયે બધા હરિભક્તોનાં એઠાં વાસણ પ્રમુખસ્વામી મહારાજ સ્વયં એકલા હાથે ઊટકતા હતા.
સંસ્થાના ‘પ્રમુખ’ બનાવાયા તેના ગણતરીના સમયમાં પણ તેમની વિનમ્રતા અને સેવાભાવનાનાં દર્શન થતાં હતાં. આ જ તેઓનું નિર્માનીપણું દર્શાવે છે.
બી.એ.પી.એસ.ની ગળથૂથીમાં જે સેવાભાવના જોવા મળે છે, તેમાં સંસ્થાના ‘પ્રમુખ’નું આચરણ જ ઉપદેશ બની જાય છે.
વર્ષો પછી સંતોએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે તમે પ્રમુખ બન્યા અને તરત જ વાસણ ઊટક્યાં? સ્વામીશ્રી કહે, ‘પ્રમુખ બન્યા એટલે સેવક થોડા મટી ગયા.’
પ્રમુખસ્વામી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને શું થવું ગમે? ત્યારે તેમણે કહ્યું કે ‘મને તો સેવક બનવું જ ગમે.’ માટે પ્રમુખસ્વામી મહારાજ આપણા જ નહીં, વિશ્વભરના સેંકડો, હજારો લોકોના ગુરુ હોવા છતાં, સતત સેવક જ રહ્યા છે.
ઉપરોક્ત પ્રસંગમાં બીજા કોઈ પ્રમુખ હોય અને તેને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવાનો આવે તો લિસ્ટ બનાવે કે બે જણ વાસણ ઊટકશે, બે જણ વાસણને લૂછશે, બે જણ વાસણ ગોઠવશે, બે જણ વાસણ ગણશે અને પ્રમુખના હાથમાં તો માત્ર સેવા સોંપણીનું લિસ્ટ જ રહે.
હવે સેવક એટલે શું? દુનિયામાં અનેક ગુરુ છે, પરંતુ સ્વામીશ્રીને મેં નજીકથી જોયા છે એટલે તેમને માટે કહું છું. બીજા ગુરુજનોનો મને અનુભવ નથી, સ્વામીશ્રીનો છે, તેથી સ્વામીશ્રીની વાત કરીએ. જો તમે હિમાલય ચઢીને આવ્યા હો તો તમે હિમાલયની જ વાત કરો, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે તમને આલ્પ્સ નથી ગમતા. એન્ડીઝ નથી ગમતા, પણ જે ચઢીને આવ્યા હોય એની વાત કરો એ વાજબી કહેવાય.
દુનિયામાં અનેક ગુરુજનો આ રીતે સેવાભાવના રાખતા હશે, પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની રીત કંઈક જુદી હતી. આવો જ એક પ્રસંગ એક સમયના ગુજરાતના ચીફ જસ્ટિસ બી. જે. દીવાન વર્ણવે છે. ખૂબ જ લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિ, તેઓ પ્રમુખસ્વામી મહારાજ માટે જાહેરમાં એવું કહેતા હતા કે ‘બી.એ.પી.એસ. સંસ્થાના ‘પ્રમુખ’ બન્યા પછી નાનકડા પ્રમુખસ્વામી મહારાજને મેં સારંગપુરમાં ગારો લીપતાં અને છાણાં થાપતાં જોયા છે.’ આ ઉપરાંત પણ કેટલાય મહાનુભાવો કહે કે અટલાદરામાં પ્રમુખસ્વામી મહારાજને ચૂનો ગાળતાં, મજૂરની જેમ કામ કરતાં અમે જોયા છે.
મહેસાણાની અંદર પણ મજૂરોની સાથે મજૂરી કરતાં, માથે તબડકાં ઊંચકીને ખાડા પૂરતા પ્રમુખસ્વામી મહારાજને જોયા છે. ભાદરણમાં જ્યારે પાઇપ-લાઇન નાખવાની હતી ત્યારે અઠવાડિયા સુધી રાત-દિવસ જોયા વગર, ખાધા-પીધા વગર, કાળ-ઝાળ ગરમીમાં પ્રમુખસ્વામી મહારાજે પાણીની પાઇપો નાખી છે.
અરે! સારંગપુર મંદિરમાં પણ તેમને પથ્થર ઊંચકતાં પણ અનેકે જોયા છે. એ જ રીતે બોટાદમાં ટ્રેન આવી હોય અને તેમાંથી પથ્થર ઉતારવાના હોય અને તે પથ્થર ઉતારતી વખતે આંગળીમાં ઈજા થવાથી પ્રમુખસ્વામી મહારાજને બેભાન થતાં પણ લોકોએ જોયા છે.
સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ જ્યારે ગોંડલ મંદિરમાં જાય અને રસોડામાં જ્યારે રસોઇયા હાજર ન હોય ત્યારે પ્રમુખસ્વામી મહારાજને સ્વયં રોટલી કરતાં કે પૂરી તળતાં પણ અનેક લોકોએ જોયા છે. ક્યારેક સારંગપુરથી નીકળ્યા હોય અને ધંધૂકા પહોચ્યા હોય ત્યારે રસ્તામાં હરિભક્તોની ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હોય અને રસ્તામાં અટવાઈ ગયા હોય ત્યારે આપણા સૌના સન્માનનીય ગુરુ, પ્રમુખસ્વામી મહારાજ ગાડીમાંથી નીચે ઊતરીને પેટ્રોલ પંપની નોઝલ પકડીને હરિભક્તોની ગાડીમાં પેટ્રોલ પૂરતા પણ જોયા છે.
કેટલીય વાર એવું પણ બન્યું છે કે કારમાં જતા હોય અને પંચર પડે અને અંધારું હોય અને કોઈ વ્હીલ બદલતો હોય ત્યારે કેટલીયવાર પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે આવે અને ઘૂંટણીએ બેસીને હરિભક્તોને સહાય કરતા હોય તેવાં પ્રસંગો પણ બન્યા છે.
અરે! એટલું પૂરતું નથી. સંતોનો કોઈ સંઘ જતો હોય અને કોઈ નાના સંત હોય તેમની સાથે જોડમાં પણ જતા જોયા છે. આવા જ એક સંઘમાં હરિદ્વાર ખાતે જ્યારે પરમેશ્વર સ્વામીને ઈજા થઈ હતી અને બધાને હરિદ્ધારથી અન્ય સ્થળે જવાનું થયું. તે સમયે અમે ૪૦૦ જેટલા સંતો હતા. તેમાંથી પરમેશ્વર સ્વામીને ઈજાને કારણે રોકાઈ જવાનું થયું અને આ જ ગુરુ, પ્રમુખસ્વામી મહારાજે સૌને કહ્યું કે ‘આ સંતની સાથે હું રોકાઈ જઈશ, તમે બધા સુખેથી આગળ યાત્રાએ જાઓ.’ આમ, જોડ બનીને, આધાર બનીને સાથે રહેતા પણ પ્રમુખસ્વામી મહારાજને સૌએ જોયા છે.
ધર્મજમાં તેમની જન્મ જયંતી ઊજવાઈ રહી હતી. સવારના સમયે ભક્તો દાતણ કરીને આમ-તેમ ફેંકી દેતા હતા અને તે દાતણો ભેગા કરીને સ્વચ્છતા કરતાં પણ પ્રમુખસ્વામી મહારાજને હરિભક્તોએ જોયા છે.
સારંગપુર જેવા નાના ગામડામાં સંડાસ-બાથરૂમને સાફ કરતા પણ પ્રમુખસ્વામી મહારાજને લોકોએ જોયા છે. આ સમયે તેમને કોઈ કહે કે ‘બાપા! તમે આ કામ ન કરો.’ એ સમયે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘કોઈ કામ નાનું નથી, હવે તું આવ્યો જ છે તો જા અને જઈને એક ડોલ પાણી લઈને આવ, જેથી હું બરાબર સફાઈ કરું.’ આવા સેવાનિષ્ઠ પ્રમુખસ્વામી મહારાજે જિંદગીમાં તમામ પ્રકારની સેવા કરી છે.
પ્રમુખસ્વામી મહારાજને જ્યારે હૃદયરોગનો હુમલો થયો હતો ત્યારે બધા જ તેમની ખબર-અંતર પૂછવા આવતા હતા. એવામાં પૂજ્ય મહંત સ્વામી પણ તેમની ખબર પૂછવા અવ્યા. તેઓ જ્યારે પ્રમુખસ્વામી મહારાજની ખબર-અંતર પૂછવા માટે ઊભા હતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અન્ય સંતોને કહે છે કે ‘મહંત સ્વામી મગ સિવાય કંઈ ખાતા નથી માટે તમે મહંત સ્વામી માટે મગ તો બનાવ્યા છે ને?’ આ રીતે સ્વયં બીમાર હોવા છતાં પોતાની ખબર કાઢવા આવનારાની પણ તેઓ કાળજી રાખતા કે કોઈને સહેજ પણ તકલીફ ન પડે.
બીજી તરફ આપણે બીમાર પડીએ અને કોઈ આપણી ખબર પૂછવા આવે તો કહીએ મારા માટે શું લાવ્યા છો? ન ખાતા હોય તોય ઇચ્છા થાય કે કંઈક લાવે તો સારું, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ હમેશાં બીજાના સુખ માટે વિચાર કરે.
આમ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હમેશાં કહેતા હતા કે આપણે તો દાસના પણ દાસ બનીને રહેવાનું છે, સેવક બનીને રહેવાનું છે અને ખૂબ જ મહત્ત્વની વાત કહેતા કે જીવનમાં બે જ કાર્યો કરવાનાં છે, સેવા કરવી અને સહન કરવું. સાચો સેવક કોણ? જે સેવા કરતાં સતત સહન કરે તે.