વિશ્વના અતિ પ્રભાવશાળી 20 વ્યક્તિઓમાં પણ સ્વામીશ્રીને સ્થાન આપીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝે તેઓને સન્માન્યા છે. વળી, વિશ્વમાં બી.એ.પી.એસ.નાં સૌથી વધુ હિન્દુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરનાર તરીકે પણ આ સંસ્થાએ તેઓને સન્માન્યા છે.
પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રતિભા, તેમની પ્રતિછાયા એટલે બી.એ.પી.એસ.નું વિરાટ કાર્ય. સંસ્થાએ અનેક વિક્રમી કાર્યો કરીને સંપ્રદાયનાં અજવાળાં જગે વિસ્તાર્યાં છે.
યુનો દ્વારા સામાજિક અને આર્થિક બાબતોમાં સલાહકાર તરીકે ગુજરાતની એકમાત્ર સંસ્થા બી.એ.પી.એસ. છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાર માટે ગયેલા સૌપ્રથમ સંતો બી.એ.પી.એસ.ના છે.
યુરોપ અને આફ્રિકા ખંડમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં કલાત્મક શિખરબદ્ધ મંદિરો બાંધનાર તરીકે પણ બી.એ.પી.એસ. પ્રથમ છે.
તો ભારતમાં ગાંધીનગર-દિલ્હીમાં વિશાળ ભૂમિ ઉપર વિરાટ કલાભરપૂર અક્ષરધામ મંદિરો દ્વારા અનેક હિંદુઓને સંસ્કૃતિ અસ્મિતા જગાવનાર પણ બી.એ.પી.એસ. છે.
લાખો વાંચકો ધરાવતું સ્વામિનારાયણ સંપ્રદાયનું જૂનામાં જૂનું માસિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ 72 વર્ષથી એકધારું પ્રકાશિત થયા કરે છે. મહિલાઓ અને બાળકો માટેનાં સામયિકો અને વેબસાઇટ તથા અંગ્રેજી અને હિન્દીમાં સામયિકો પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બી.એ.પી.એસ. સંસ્થાની પહેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વપ્રથમ વાર યોગીજી મહારાજ દ્વારા શરૂ થયેલ સાંપ્રદાયિક રવિ સત્સંગસભાઓ, બાળ અને યુવા સભાઓથી સત્સંગનો વિકાસ થયો છે. અનેક ધર્મ સંસ્થાઓએ તેનું અનુકરણ કર્યું છે. દેશ-વિદેશમાં મહિના - બે મહિના સુધી ચાલતા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવો અને અન્ય મહોત્સવોની પ્રણાલી એ બી.એ.પી.એસ. સંસ્થાની સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેણ છે, જેમાં બાળ-બાલિકાઓ, કિશોર-કિશોરીઓ, યુવા-યુવતીઓ, સત્સંગીઓ અને મહિલાઓના વિવિધ સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સાંપ્રદાયિક અસ્મિતાનો પરિચય વિશ્વને થયો છે.
તત્ત્વજ્ઞાન એ સંપ્રદાયનો પાયો છે. સંસ્થાના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્રો, ઉપનિષદો અને ગીતા) ઉપર ‘સ્વામિનારાયણભાષ્ય’ રચીને ભગવાન સ્વામિનારાયણના હૃદગત સિદ્ધાંતનો વિશ્વને પરિચય કરાવ્યો છે. આ પણ સંપ્રદાયની અસ્મિતા છે. આ ભાષ્યોને ‘સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’એ પોતાના અભ્યાસક્રમમાં લીધાં છે. એટલું જ નહીં, ભારતના પ્રકાંડ વિદ્વાન ધુરંધરોએ આ ભાષ્યોમાં પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણ અક્ષર-પુરુષોત્તમના સિદ્ધાંતને વૈદિક અને સ્વતંત્ર તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર્યું છે.
સંસ્થાના વિદ્વાન સંત શ્રુતિપ્રકાશ સ્વામીએ અક્ષર અને પુરુષોત્તમનાં ચરિત્રોથી ભરપૂર તથા સંપ્રદાયની પ્રણાલી અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને નિરૂપતો સંસ્કૃત ભાષામાં લગભગ 19,000 શ્લોકોવાળો ‘અક્ષરપુરુષોત્તમ માહાત્મ્યમ્’ ગ્રંથ રચીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને જ પુષ્ટ કરે તેવા દસ મહાનિબંધો (પીએચ.ડી.) પણ સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા તૈયાર થયા છે અને આ કાર્ય ચાલુ જ છે. આમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બી.એ.પી.એસ. સંસ્થા તાત્ત્વિક સાહિત્યની રચનામાં પણ મોખરે છે.
ભારતમાં જ્યારે કલર ચલચિત્રો પ્રચલિત નહોતાં થયાં ત્યારે સને 1949માં શાસ્ત્રીજી મહારાજના 85મા જન્મજયંતી ઉત્સવની ફિલ્મ સંસ્થાએ ઇસ્ટમેન કલરમાં ઉતારી હતી.
બી.એ.પી.એસ. સંસ્થાએ તૈયાર કરેલી ‘મિસ્ટિક ઇન્ડિયા’ (નીલકંઠ યાત્રા) આઇમેક્સ ફિલ્મે વિશ્વભરમાં ધૂમ મચાવી. પાંચેય ખંડના વિવિધ દેશોના, વિવિધ ધર્મોના લોકોએ આ ફિલ્મ દ્વારા ભગવાન સ્વામિનારાયણનો મહિમા જાણ્યો. બી.એ.પી.એસ. સંસ્થાની આ પણ એક અનેરી સિદ્ધિ છે.
મંદિરોમાં નીલકંઠ વર્ણીની પંચધાતુની મૂર્તિઓ પર મનોરથ સિદ્ધિ માટે જલાભિષેક વિધિની શરૂઆત પણ બી.એ.પી.એસ.ની પહેલ છે.
ગાંધીનગર ખાતે અક્ષરધામમાં નવા આકર્ષણરૂપે તૈયાર થયેલો, વિશ્વનો સૌપ્રથમ આધ્યાત્મિક વૉટર-શૉ તૈયાર કરનાર પણ બી.એ.પી.એસ. જ છે.
આ ઉપરાંત ‘રવિ સત્સંગસભા’, ‘નિત્ય ઘરસભા’, મહિલા સત્સંગ પ્રવૃત્તિનું મહિલાઓ દ્વારા સંચાલન, ‘પ્રેમવતી’ સામયિક પ્રકાશન, બાળમંડળો, સત્સંગ શિક્ષણ પરીક્ષા, સમૈયા-ઉત્સવોની પરંપરા, તેમાં આધુનિક યંત્રોનો ઉપયોગ, યુવા-કિશોર-બાળપ્રવૃત્તિનું વ્યવસ્થિત સંચાલનબદ્ધ માળખું - વગેરે બી.એ.પી.એસ.ની આગવી ભેટ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક વસ્તુઓને સુચારુ મ્યુઝિયમ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રથમ પ્રયાસ પણ બી.એ.પી.એસ. દ્વારા જ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ દૃષ્ટિકોણ (Concept) આપનાર તરીકે પ્રથમ બી.એ.પી.એસ. જ છે.
તાજેતરમાં જ ગુજરાતના સ્વર્ણિમ જયંતી અવસરે પ્રસાર માધ્યમોએ ગુજરાતની 50 આગવી વિશેષતાઓ રજૂ કરી હતી. જેમાં એક હતી: ‘બી.એ.પી.એસ.નો નમૂનેદાર વહીવટ.’ આ શીર્ષક હેઠળ લખવામાં આવેલું કે, ‘બી.એ.પી.એસ.નો વહીવટ અને કાર્યકરોના કમિટમેન્ટને કારણે વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝંડો ફરક્યો. પ્રમુખસ્વામીએ ધર્મ આચરણના પ્રસાર માટે પાંચ દાયકામાં જે કામ કર્યું તે સૈકાઓ સુધી ગુજરાતી સમાજ યાદ રાખશે.’
વળી, એ જ 50 વિશેષતાઓ રજૂ કરતી કૉલમમાં ઉલ્લેખ થયેલો કે, ‘ગુજરાતે અગાઉ ક્યારેય આતંકવાદી હુમલા જોયા નહોતા, ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરનો હુમલો પ્રથમ ત્રાસવાદી હુમલો હતો. પ્રમુખસ્વામીએ તે વખતે જો કરુણાસભર નિવેદનો ન કર્યાં હોત તો ગુજરાતમાં સ્થિતિ કંઈક અલગ જ હોત.’
આમ, સર્વ રીતે જોતાં આપણી સંસ્થા અને આપણા ગુરુની મહત્તા કંઈક આગવી જ જણાય છે.
કીર્તિદેવ દ્વારા રઘુવંશના આધારે કાકના ગુણાનુવાદ સાંભળીને હર્ષવિભોર બનેલી મંજરી બોલી ઊઠેલી કે તે તો ‘સૌભાગ્યનાથો મમ’ - મારા પતિદેવ છે. તેમ વિશ્વસન્માનનીય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વનાં વિવિધ ક્ષેત્રોની સંમાનનીય વ્યક્તિઓ દ્વારા ગવાતા ગુણાનુવાદ સાંભળીને આપણી છાતી અસ્મિતાથી ફુલાય છે કે તેઓ તો ‘સૌભાગ્યનાથો મમ’ - આપણા ગુરુદેવ છે.
વિશ્વની અજાયબી સમા કંચન-કામિનીના ત્યાગી અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિથી ભરેલા આવા ગુરુદેવની ઉપસ્થિતિ એ વિશ્વનું પરમ સૌભાગ્ય છે.
સત્પુરુષની પ્રાપ્તિનું આવું જ્ઞાન આપણા અંતરમાં અસ્મિતાનો ઉજાસ ફેલાવે છે.
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા આ પંચામૃતના પાનથી મહોરી ઊઠે છે. તેથી જ આ પંચામૃત-ઇષ્ટદેવ, શાસ્ત્ર-મંદિર-સંત-ભક્ત સમુદાય અને સત્પુરુષના મહિમાને ઓળખીએ, સમજીએ, અનુભવીએ; અને તે દ્વારા ઉદ્ભવેલી અસ્મિતા દ્વારા હવે વર્ણવવામાં આવનાર અનેક લાભ મેળવી જીવન કૃતાર્થ કરીએ.