Essays Archives

'શિક્ષણ' એ ભારતવર્ષનો પુરાતન વારસો છે. વૈદિક અધ્યયન- અધ્યાપન પરંપરા તેનો શ્રેષ્ઠ પુરાવો છે. જેટલું અને જે પ્રકારનું શિક્ષણ ભારતવર્ષમાં થયું છે તે આશ્ચર્ય ઉપજાવે તેવું છે. વૈવિધ્ય અને વિપુલતા બંને તેને વરેલાં છે તે વૈદિક સાહિત્યનું મંથન કરતાં અનુભવાય છે. આ કરતાં પણ તેની સર્વોચ્ચ વિશેષતા તો એ છે કે આ શિક્ષણ વિકલાંગ નથી, સર્વાંગ સંપૂર્ણ છે. નિષ્ફળ કે અલ્પફલક નથી, પરંતુ સફળ અને અનંતફલક છે. કારણ તેમાં  પ્રાણ પુરાયા છે,  અધ્યાત્મવિદ્યાના! બ્રહ્મવિદ્યાના!

આવો, બ્રહ્મવિદ્યાથી રસબસ વૈદિક શિક્ષણનું આચમન કરીએ, આ તૈત્તિરીય ઉપનિષદના ચિંતન રૂપે.

તૈત્તિરીય ઉપનિષદ : પરિચય

આ ઉપનિષદ કૃષ્ણયજુર્વેદમાં સ્થાન ધરાવે છે. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય નામની શાખામાં તૈત્તિરીય આરણ્યક અંતર્ગત આ ઉપનિષદનો પાઠ થાય છે. તેથી આ ઉપનિષદને પણ તૈત્તિરીય સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તૈત્તિરીય ઉપનિષદ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. આ વિભાગોને અહીં 'વલ્લી' કહેવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષાવલ્લી છે. બીજી આનંદવલ્લી અને ત્રીજી છે ભૃગુવલ્લી. આ ત્રણેય વલ્લીઓમાં ઉપદેશાયેલા મર્મને જાણીએ.

શિક્ષાવલ્લી - સર્વસુખમયતાની યાચના - शन्नो मित्रः शं वरुणः

તૈત્તિરીય ઉપનિષદનો પાઠ આરંભાય અને શિક્ષાવલ્લીનો નાદ સંભળાવા લાગે - ‘शन्नो मित्रः शं वरुणः। शन्नो भवत्वर्यमा। शन्न इन्द्रो बृहस्पतिः। शन्नो विष्णुरुरुक्रमः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧) ઉપનિષદના ઉપદેષ્ટાએ ઉપદેશ કરતાં પહેલાં કરેલ શાન્તિપાઠના આ શબ્દો છે. સર્વત્ર સુખમયતાની, સર્વત્ર શાન્તિની એમાં યાચના છે. મિત્ર, વરુણ, અર્યમા, બૃહસ્પતિ વગેરે સૃષ્ટિસંચાલનમાં પરમાત્મા દ્વારા નિમાયેલા દેવતાઓ અમારા માટે સુખમય બને અને શાન્તિ વરસાવે એમ પ્રભુપ્રાર્થના કરી ઉપનિષદના આરંભમાં જ સકલ સૃષ્ટિનું હિત માગી લીધું છે. ભારતીય અધ્યાત્મ વિચારવૈભવની આ અદકેરી વિશેષતા છે. સર્વનાં સકલ દુઃખોનું નિવારણ, પરમસુખની અનુભૂતિ, પરમ શાન્તિની પ્રાપ્તિ એ જ આપણા ભારતવર્ષના ચિંતનની દિશા રહી છે.

હવે આ જ મંત્રમાં બીજી વાત જોઈએ.

અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને નમન - नमो ब्रह्मणे

‘नमो ब्रह्मणे’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧) 'બ્રહ્મને નમું છુ _.' ઉપદેષ્ટા ૠષિએ અહીં ‘ब्रह्मणे’ એવો એક જ શબ્દ પ્રયોજીને એક સાથે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એમ બે દિવ્ય તત્ત્વોને નમન કર્યું છે. કારણ આગળ જતાં આ જ ઉપનિષદમાં ‘ब्रह्मविदाप्नोति परम्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧), ‘सत्यं ज्ञानमनन्तं ब्रह्म’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) વગેરે વાક્યોમાં બ્રહ્મ શબ્દ પ્રયોજી અક્ષરબ્રહ્મની વાત કરી છે. તો સાથે સાથે ‘आनन्दो ब्रह्मेति व्यजानात्’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૬) વગેરે વાક્યોમાં બ્રહ્મ શબ્દ જ પ્રયોજી પરબ્રહ્મની પણ વાત કરી છે. આમ અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ બંને શબ્દોમાં સામાન્યપણે પ્રયોજાયેલા એક બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરી ૠષિ એક સાથે એ બંને દિવ્ય સ્વરૂપોનું અનુસંધાન કરતા કહે છે ‘नमो ब्रह्मणे’ અક્ષર-પુરુષોત્તમને નમસ્કાર!

આ નમનનો હેતુ પણ સમજાય તેવો છે. ઉપનિષદ બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર છે. આ બ્રહ્મવિદ્યાનું લક્ષણ ઉપનિષદ પોતે જ સમજાવે છે. ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्।’ (મુંડક ઉપનિષદ ૧/૨/૧૩) જેના વડે અક્ષર કહેતાં અક્ષરબ્રહ્મનું અને પુરુષ કહેતાં પુરુષોત્તમનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય. તેથી જ આ તૈત્તિરીય ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરતાં પહેલાં તે બ્રહ્મવિદ્યામાં સમાયેલાં બંને દિવ્ય તત્ત્વોને એક સાથે સ્મરણ કરી નમન કર્યું છે.

પ્રત્યક્ષભાવે સ્તુતિ - त्वमेव प्रत्यक्षं ब्रह्मासि

નમન પછી હવે સ્તુતિ કરે છે. ‘त्वमेव प्रत्यक्षं ब्रह्मासि’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧) અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મની પ્રત્યક્ષતાનો પ્રગટતાનો અહીં નિર્દેશ છે. ગુણાતીત ગુરુમાં આવો પ્રત્યક્ષભાવ લાવી ઘૂંટવાનો હોય છે. ગુરુ પોતે અક્ષરબ્રહ્મ છે અને તેઓમાં પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ અખંડ રહ્યા છે તેથી આપ જ અમારા માટે પ્રગટ અક્ષરબ્રહ્મ અને પ્રગટ પરબ્રહ્મ છો એવા પરમ દિવ્યભાવે સહિત પ્રગટ ગુરુહરિનું સેવન કરવું એવો આ વાક્યનો મર્મ છે.

શિક્ષણ આપવા તત્પર ૠષિનો એક મહાન આચાર પણ આ શાન્તિપાઠમાં નિહાળવા મળે છે. તે હવે જોઈએ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS