સ્વામિનારાયણ ધર્મમાર્ગના ધર્મસ્તંભો કેવાક હતા? આજે એમની છાયાઓ પણ પુણ્ય પ્રતાપી ને ધર્મપ્રેરણાભરી ભાસે છે, પ્રેમાનંદની પ્રેમભક્તિ, ગોપાળાનંદની યોગ વિશારદા, નિષ્કુળાનંદનો વૈરાગ્ય, બ્રહ્માનંદના બ્રહ્મપડછંદા ને સહુનાં વૈરાગ્ય ને સાધુતા ભારતના સનાતન કાષાયનેય શોભાવે એવાં હતાં. કલકત્તાના બિશપ હેબરને આ સંતમંડળીનાં દર્શન થયાં હતાં. બિશપ હેબરને કોડ જાગ્યા હતા : 'આવું સંતમંડળ મારે હોય તો !'
- કવિવર ન્હાનાલાલ
શોભે તારે વીંટ્યો જેમ ચંદ્ર
ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય સાહિત્યકાર કવિવર ન્હાનાલાલ લખે છે, 'સૂર્ય ફરતી સૂરજમાળ ને ચંદ્ર ફરતી નક્ષત્રમાળ છે એવી સહજાનંદ ફરતી બ્રહ્મચર્ય ને વૈરાગ્યની સાક્ષાત્ મૂર્તિઓ સમી સંતમાળ સોહાતી.'
તો વળી, નિષ્કુળાનંદ સ્વામી ને ભૂમાનંદ સ્વામીને, મહામુનિના વૃંદથી વીંટળાયેલા શ્રીજીમહારાજ 'તારે વીંટ્યો જેમ ચંદ્ર'ની જેમ શોભતા લાગ્યા.
કેવા હતા સહજાનંદજી મહારાજના એ ૫૦૦ આધ્યાત્મિક નક્ષત્રો?
ગુણાતીતાનંદ સ્વામી જેવા સાક્ષાત્ અક્ષરબ્રહ્મનો અવતાર; ગોપાળાનંદ સ્વામી જેવા ગ્રહણની ગતિ ફેરવનાર સિદ્ધયોગી; મુક્તાનંદ સ્વામી જેવા સાધુતાનું મૂર્તિમંત સ્વરૂપ; બ્રહ્માનંદ સ્વામી જેવા બુદ્ધિમત્તામાં અજોડ; નિત્યાનંદ સ્વામી જેવા શાસ્ત્રના વિશારદ; નિષ્કુળાનંદ સ્વામી જેવા બૃહદ વૈરાગી; સ્વરૂપાનંદ સ્વામી જેવા અખંડ આત્મસાક્ષાત્કારવાળા; સંતદાસજી જેવા સમાધિનિષ્ઠ ને ત્રિલોકમાં વિહાર કરનાર; ભાયાત્માનંદ સ્વામી જેવા દેહાતીત સ્થિતિવાળા; વ્યાપકાનંદ સ્વામી જેવા ઐશ્વર્યવાન; અને પ્રેમાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી જેવા સિદ્ધહસ્ત કવિઓ.
આવા સમર્થ, સમૃદ્ધ અને શુદ્ધ મુમુક્ષુઓ ગુજરાતભરથી અને વળી ઉત્તર ભારત, બંગાળ વગેરેથી શ્રીહરિમાં ખેંચાયા હતા. કેટલાક તો સ્વયંપ્રકાશાનંદ સ્વામીની જેમ સેંકડો શિષ્યો છોડીને આવ્યા હતા, તો કેટલાકે તો અદ્વૈતાનંદ સ્વામીની જેમ સિદ્ધાઈનો ત્યાગ કર્યો હતો. કેટલાક રામાનુજાનંદ સ્વામી જેવા ધનાઢ્ય વૈશ્ય હતા, તો કેટલાક આનંદાનંદ સ્વામી જેવા મોટા-મોટા મઠાધિપતિઓ હતા. નૃસિંહાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી જેવા મહંતાઈ મૂકીને ચાલી નીકળેલા ઘણા પૂજારીઓ ને શુદ્ધ મુમુક્ષુઓ હતા. તો વળી, અદ્ભુતાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા રાજવૈભવને ઠોકર મારીને શ્રીજીનાં ચરણે જીવન કુરબાન કરનાર પણ હતા.
શ્રીહરિનું શરણું સ્વીકાર્યા પછી પણ આ સંતોને સખ્ત કઠિનાઈ અને કેટલીયે હાડમારી વેઠવી પડી. શેરીએ શેરીએ હડધૂત થનાર, ઢોંગી બાવાઓના ચીપિયાના વારંવાર ભોગ બનનાર, અણસમજુ ના સતત ત્રાસ સહેનાર, આવા નિર્મળ પરમહંસોને વળી શ્રીજીમહારાજે પોતે તપાવ્યા. કેવા વર્તમાનમાં વર્તાવ્યા!! કેવા પ્રકરણમાંથી પસાર કર્યા! કૂતરું ભસે તે પણ ન સંભળાય તેટલે દૂર ગામની બહાર ઓઘાનો પણ આશ્રય લીધા વિના સૂવાનું, ખાવામાં તો રસકસ વિનાના ગોળા ઉપરાંત કેવળ ધૂળ, ગાળો ને માર સિવાય કશું જ ન હતું. પરમહંસોએ ઘૂમટા તાણ્યા, ઉઘાડે પગે ચાલ્યા, ટાઢ-તડકો, ભૂખ-તરસ અને અપમાન સહ્યાં. શ્રીજીમહારાજની પ્રસન્નતા માટે એમની પ્રત્યેક આજ્ઞા શિરોધાર્ય કરી એમના માટે રાન-રાન ને પાન-પાન થઈ ગયા હતા. તેઓ કેફથી મહારાજને કહેતા :
'કહો તો મટકું ન ભરીએ મીટે,
કહો તો અન્ન ન જમીએ પેટે.
કહો તો તજીએ છાદનનો સંગ,
રહીએ હિમમાં ઉઘાડે અંગ;
કહો તો પીવું તજી દઈએ પાણી,
રહીએ મૌન ન બોલીએ વાણી.
કહો તો બેસીએ આસન વાળી,
નવ જોયે આ દેહ સંભાળી;
એમ હિંમત છે મનમાંય,
તમે કહો તે કેમ ન થાય.
(ભ.ચિં. પ્ર. ૭૨/૩૨-૩૪)
આવા સમર્થ અને સમર્પિત શિષ્યવૃંદ સંપાદિત કરવામાં શ્રીહરિએ કઈ યુક્તિ હાથ ધરેલી?
ચમત્કાર? ના. આ સંતો-પરમહંસો તો કાંઈ ચમત્કારથી નમે એવા ન હતા. કારણ ? તેઓ પોતે ચમત્કારી હતા. અને એમાંય વ્યાપકાનંદ સ્વામી જેવા તો પોતે મૃત ઘોડીને સજીવન કરે એવા ચમત્કારી હતા.
પાણ્ડિત્ય દર્શન ? ના. વિદ્યાવારિધિ નિત્યાનંદ સ્વામી જેવા શાસ્ત્રવેત્તા અને શાસ્ત્રકર્તા તો તત્ત્વજ્ઞાનને ઘોળીને પી ગયા હતા. મૂર્તિમાન પંડિતાઈ જેવા આ પરમહંસો પાંડિત્યથી આટલા બધા કેવી રીતે આકર્ષાય ?
કલા કૌશલ્ય? ના. બ્રહ્માનંદ સ્વામી જેવા શતાવધાની આગળ એનો શો ભાર ?
લૌકિક લાલચ ? ના. સ્વપ્નમાં જેને સંસાર અસાર લાગતો એવા નિષ્કુળાનંદ સ્વામીને અને બ્રહ્માથી કીટ લગી જગતને જૂઠું જોનારા મુક્તાનંદ સ્વામી જેવાને વળી લાલચ કઈ?
તો કેવી રીતે આ પરમહંસો શ્રીજીમહારાજને વશ થયા ? એ વશ થયા કેવળ બે કારણથી : શ્રીજીમહારાજની પારલૌકિક પ્રતિભા અને પારલૌકિક પ્રેમથી.
વિખ્યાત ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળા શ્રીજીમહારાજ માટે નોંધે છે : 'એક કુશળ આયોજક હોવા છતાં એમના નેણમાંથી પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો.'
આ પ્રેમના પ્રચંડ પૂરમાં પરમહંસો નાહ્યા. મગ્ન બન્યા. તણાયા. નિઃસ્પૃહી ત્યાગીઓના પણ અંતર ભીંજવી દેનાર એ શ્રીહરિની હેતલ ગંગાનાં કેટલાંક બુંદનું આચમન કરીએ.
ˆ
એકવાર સ્વરૂપાનંદ સ્વામીને જીવલેણ બીમારી વળગેલી. ત્રણ દેહ અને ત્રણ અવસ્થાના ભાવથી રહિત થઈને વર્તનારા આ મહાન-આત્માની શાંતિ માંદગીમાં ક્યાંય ફંગોળાઈ ગયેલી. મહારાજનાં દર્શન થાય ત્યારે જ તેમને શાંતિ વળતી. મહારાજ એમની પ્રીતિની આ વાત જાણતા હતા. તેથી પોતાના આ પ્યારા પરમહંસને સુખ આપવા શ્રીહરિ નિત્ય મધરાતે આવતા. રંગીન ગૂઢો રેંટો પહેરીને તથા બુરાનપુરનો રેંટો માથે બાંધીને કમર ઉપર એક રેંટો બાંધતા. સોનાનાં વેઢ, વીંટી ધારતા. એવી રીતે બુકાની સાથે આવીને ગાદીતકિયે બેસતા. ચાર ઘડી સુધી નિત્ય નવીન વાતો કરતા. જે સાંભળીને સંત તૃપ્ત થતા નહિ. અરુણોદય થાય ત્યારે પાર્ષદો શ્રીહરિને સૂચન કરતા તેથી શ્રીહરિ ચાલી નીકળતા અને પલંગ પર આવીને સૂઈ જતા. કોઈ દિવસ વાત કરતા, કોઈ દિવસ પ્રેમાનંદ મુનિ પાસે કીર્તન ગવરાવતા. ક્યારેક રામાનંદ સ્વામીની વાત કરતા, ક્યારેક પોતાના અલૌકિક વિચરણની વાત કરતા, ક્યારેક અયોધ્યાપુરીમાંનાં પોતાનાં ચરિત્રો કોઈએ ન સાંભળ્યાં હોય તેવાં કહેતાં, ક્યારેક વનવિચરણની વાતો કરતા... શ્રીહરિ પોતે ચંદન ઉતારી કટોરો ભરી તેમના અંગે લેપ કરતા.
(હ.ચ.સા. ૧૫/૪૬)
ˆ
એકવાર મહારાજ જેતલપુરમાં સાંખ્યયોગી વિપ્ર ગંગામાને ત્યાં જમવા જતા હતા. સાથે ચાલતા સંતો કીર્તન ગાઈ રહ્યા હતા. મહારાજ પણ સાથે સાથે તાળી વગાડી ગાતા હતા. કપાળમાં પ્રસ્વેદનાં બિંદુઓ મોતીની જેમ ચમકતાં હતાં. ભાદરવાનો તાપ હતો એટલે ભગુજીએ મહારાજને માથે છત્ર ધર્યું હતું. મહારાજે એક બે વખત છત્ર હાથે કરીને દૂર કર્યું છતાં ભગુજીએ તે જોરથી પકડી રાખ્યું. મહારાજ થોડું આગળ ચાલ્યા અને એકદમ ઊભા રહ્યા. છત્રનો ડંડો જોરથી પકડ્યો, છત્ર ભગુજીના હાથમાંથી પડી ગયું અને મહારાજે તેને ત્યાં બુરજમાં પછાડ્યું અને છત્રના બધા જ સળિયા છૂટા થઈ ગયા. પછી મહારાજે તેમને ઠપકો આપતાં કહ્યું : 'સંતો બધા તડકામાં ચાલે છે અને અમારા ઉપર છત્ર શીદ ધરો છો ?' (ભગ. સ્વા. ૩/૫૦૨)
ˆ
સુરતના મુનિબાવાના આમંત્રણને માન આપી મહારાજ સુરત પધારવાના હતા. માર્ગમાં સંતોના સંઘ સાથે મહારાજ કારેલી ગામમાં પધાર્યા. અહીં મહારાજે મોટેરા સંતો સિવાય બીજા સંતોને કહ્યું : 'તમે સૌ આ મહીકાંઠાના ગામડામાં મંડળ લઈને ફરો. અમે જ્યારે બોલાવીએ ત્યારે અમારી પાસે સૌ આવજો.' મહારાજની આ આજ્ઞા સાંભળી સંતો તરત જ મહારાજને દંડવત્ કરી નીકળી ગયા. મહારાજ તેમને જતા જોઈ રહ્યા. પછી ધીરેથી બોલ્યા, 'કેટલા સરળ છે મારા સંતો! આજ્ઞા પાળવા ઉપર જ એમનું અખંડ અનુસંધાન છે.'
એટલે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું : 'મહારાજ! આવા પ્રસંગે તો સંતોનો સમૂહ હોય તો જ પ્રસંગ શોભે. સુરત જેવું મોટું શહેર, ત્યાંના અરદેશર કોટવાળ જેવા મોટા રાજકીય પુરુષ. ત્યાં તો આપણે દબદબાથી જવું જોઈએ.' મહારાજ તેમની વાત સાંભળી રહ્યા. પછી બોલ્યા, 'તમે એકે જ આ કહ્યું. બીજા કોઈ મોટેરા બોલ્યા નહિ અને આ મુનિબાવા તેડવા આવ્યા છે તેમણે પણ આગ્રહ ન કર્યો. ખરેખર અમને તો સંત વગર નિદ્રા જ આવતી નથી.' (ભગ. સ્વા. ૫/૨૯)
ˆ
અગણોતેરાના મહાકાળ પછી મહારાજે ગઢપુરમાં ફૂલદોલનો ઉત્સવ ઊજવવા નક્કી કરેલું. દૂર-સુદૂર વિચરતા સંતોને આમંત્રણ મોકલ્યું. મહારાજનો સંદેશો મળતા સૌ સંતો આવવા લાગ્યા. મહારાજને પણ સંદેશો મળ્યો કે સંતો આવી રહ્યા છે. તેથી તેમણે નાજા જોગિયાને કહ્યું : 'ઘોડી તૈયાર કરો. સંતોની સામા જવું છે.' દાદાખાચર, એભલખાચર, નાગમાલા, જીવાખાચર વગેરે તમામ દરબારોને પણ તૈયાર કર્યા. મહારાજ ચાલ્યા. કુંડળ સુધી આવ્યા અને સામે સંતો આવતા દેખાયા. મહારાજ સંતોને જોઈ એકદમ આનંદમાં આવી ગયા અને બોલી ઊઠ્યા : 'બાપુ! જુ ઓ, સંતો આવે છે ! દાદા, જો જો સંતો આવે છે.' મહારાજ તરત જ ઘોડી ઉપરથી ઊતરી ગયા ને સંતોને દંડવત્ કરવા લાગ્યા. સંતોએ આ જોયું અને તેઓ સામા દોડ્યા. મહારાજનાં ચરણમાં પડી ગયા. મહારાજને સૌ સંતો દંડવત્ કરતા હતા. મહારાજ એક એક સંતને ઊભા કરી ખૂબ પ્રેમથી ભેટ્યા. ઘણા સમયના વિરહ પછી મહારાજના આ દિવ્ય આશ્લેષથી સંતોનાં હૈયાં ચૈત્ર-વૈશાખની ધગેલ ધરતીને જેમ પાણી મળે તેમ પ્રેમભીનાં થઈ ગયાં. મહારાજના પ્રેમે જ સૌને પ્રેમાન્વિત કરી દીધા. સૌ અશ્રુપૂર્ણ નયને મહારાજના નિર્નિમેષ દર્શન કરી રહ્યા.
મહારાજે તેમને કહ્યું : 'સંતો ! તમારો અમારા પ્રત્યેનો પ્રેમ જોઈ અમારું અંતર દ્રવી જાય છે. તમે દેશદેશમાં ફર્યા. અપમાન, તિરસ્કાર, માર સહન કર્યાં છતાં અમારું સ્વરૂપ ઓળખાવવામાં, અમારા આદેશનું પ્રસારણ કરવામાં, તમે પાછા ન પડ્યા, તમને અમે અનેક પ્રકારે તાવ્યા, આકરાં વ્રતો આપ્યાં, ખાવામાં - ભિક્ષામાં આવેલ નિઃસત્ત્વ પાશેર અન્નનો ગોળો જ કેવળ આપ્યો. ટાઢ-તડકો-વરસાદ સહન કરાવ્યાં છતાં તમારો અમારા પ્રત્યેનો પ્રેમ અણનમ રહ્યો. તમારી આ દૃઢતા જોઈ અમારું મસ્તક તમને નમી પડે છે. તમારાં ચરણની ધૂળ લેવા તત્પર બની જાય છે!'ˆ
અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં નોંધે છે કે 'એકવાર મહારાજ રાત્રે કથામાં જાગતા સંતોને ભેટવા લાગ્યા. તે સમયે માંડ દસ-વીસ સાધુ સભામાં બેઠેલા. તેથી સૌ મહારાજને મળવા વારાફરતી આવવા લાગ્યા. તે દરમ્યાન જિજ્ઞાસાનંદ સ્વામી સૂતેલા. સૌ સંતોને જગાડીને કહેવા લાગ્યા, 'જાગો, જાગો, તમારો બાપ મળતા છે.' તેથી સૂતેલા સૌ સંતો પણ આવવા લાગ્યા. બીજા સંતોને મળતાં મળતાં અને તેઓની સાથે રમૂજ કરતા થકા આખી રાત વીતી ગઈ. (શ્રીહરિની અદ્ભુત વાર્તાઓ - ૭૨)
ˆ
એક વખત શ્રીજીમહારાજ વરતાલમાં સંતોની પંગત પાડી પીરસવા નીકળ્યા હતા. મોતૈયા લાડુની રસોઈ હતી. આ સમયે એક લોભી વણિક હરિભક્ત પોતાના નાનકડા બાળક સાથે દૂરથી દર્શન કરી રહ્યા હતા. પ્રસાદીની લાલસાને વશ થઈ તેઓએ પોતે જ પોતાના બાળકને જોરથી ચૂંટલો ખણ્યો. બાળકનું રુદન ચોકમાં છવાઈ ગયું. પછી સૌને સંભળાય તેમ મોટેથી બાળક પ્રત્યે બોલવા લાગ્યા : 'છાનો રે... છાનો રે...! હમણાં મહારાજ તને પ્રસાદી આપશે. છાનો રે...!' મહારાજ આ સાંભળી વાક્યનો મર્મ પામી ગયા. તેમણે સામે કટાક્ષ કરતાં વણિકને કહ્યું : 'તું તારા બાળકને જમાડ. હું મારા બાળકને જમાડું !'
ˆ
મહારાજ ગઢપુરમાં નિત્ય સંતોને પીરસવા પધારતા. તે વખતે તપસ્વી સંત અદ્ભુતાનંદ સ્વામી બીમાર પડેલા. તેમને અંતરમાં વસવસો રહ્યા કરે કે મહારાજ પ્રસાદી આપે છે, પણ મારાથી એ પ્રસાદી લઈ શકાતી નથી. પંક્તિમાં જવાનું મન થઈ આવે પણ પાછી મહારાજનીયે બીક લાગે કે 'બીમાર છો ને કેમ લાડુ જમવા આવ્યા?' એમ પૂછે તો ? છતાંય ઘણી મથામણ પછી એક દિવસ તેઓ પંક્તિમાં આવીને બેસી ગયા. મહારાજ પંગતમાં પીરસવા નીકળ્યા. ને બધાને આપતા હતા એટલા ચાર લાડુ તેમને પીરસી દીધા. બીજીવાર નીકળ્યા ને બીજા બે લાડુ આપ્યા. સ્વામી હવે તૃપ્ત થઈ ગયા હતા. એટલે ત્રીજીવાર મહારાજ પીરસવા આવ્યા ત્યારે તેમણે ના પાડી. પણ મહારાજ કહે : 'બે આંખો બે લાડવા માંગે છે.' એમ બોલી બે લાડુ મૂકી મહારાજ આગળ નીકળી ગયા. સ્વામી તે લાડુ જમી રહ્યા ને મહારાજ પુનઃ આવી પહોંચ્યા. સ્વામીથી તો હવે જમાય તેમ હતું જ નહિ પણ તે વખતે મહારાજ કહે : 'હવે જો બે લાડુ લો તો છાતીમાં ચરણારવિંદ આપું.'
સ્વામી આ સાંભળી વિમાસણમાં મુકાયા. એકબાજુ ભોજનની તૃપ્તિના ઓડકાર હતા તો બીજી બાજુ મહારાજના લાભની ભૂખ. અંતે કોટિ જન્મની સાધના પછી જે ચરણનો સ્પર્શ ન થાય તેની છાપો લેવા સ્વામીએ બે લાડુ લીધા. માંડમાંડ તે જમ્યા ને મહારાજ ફરી આવ્યા ને સ્વામીને કહેઃ 'હવે જો એક લાડુ લો તો બે ચરણારવિંદ આપું.' મહારાજ આજે જાણે પોતાના તપસ્વી સાધુ ઉપર અઢળક ઢળેલા. પોતાના એક વચને આ સંતો મહિનાઓ સુધી ખટરસનો ત્યાગ કરીને રહેલા, રસકસ વિનાના ગોળાઓ મહિનાઓ સુધી ખાઈને રહેલા. અરે ! કેવળ વાયુ ભરખીને રહેલા... આવા સંતોને જમાડવાની મહારાજને આજે ઊલટ આવેલી. એટલે એક પછી એક તેઓ હેતભરી શરતો મૂક્યે જ જતા હતા. અંતે સ્વામીએ મહારાજની વાત માની એક લાડુ લીધો. મહારાજે પણ તેમને બે ચરણારવિંદ આપ્યાં. હવે તો સ્વામી ધરાઈ જ ગયા હતા. બીમાર અવસ્થામાં કેવળ મહારાજનું સુખ લેતા તેઓ દેહ ભૂલી અગિયાર લાડુ જમી ગયા હતા. તે પૂરો થતાં જ મહારાજ ફરી ત્યાં આવ્યા ને કહે : 'હવે જો તમે એક લાડુ લો તો ચરણારવિંદ આપું ને મસ્તક પર પણ હાથ મૂકીએ.' મહારાજે શરતમાં લાભને બેવડાવ્યો હતો તેની આગળ સ્વામી ઝૂકી ગયા અને એક લાડુ લઈને જમ્યા. મહારાજ આ જોઈ પ્રસન્ન થઈ ગયા. કેમેય કરીને એક લાડુ પણ ન જમી શકે તેવી સ્થિતિમાં આ સંત કેવળ પોતાની મૂર્તિ અને પ્રસાદીનું સુખ લેવા બાર લાડુ જમી ગયા ! મહારાજે તેમને ચરણારવિંદ પણ આપ્યા ને મસ્તક પર હાથ મૂકવા માટે તેઓ ઘીવાળા હાથ ધોવા જવા લાગ્યા. તે જોઈ તરત જ અદ્ભુતાનંદ સ્વામીએ તેમનો હાથ પકડ્યો ને કહે : 'ક્યાં જાઓ છો ?'
મહારાજ કહે : 'હાથ ધોઈને પાછો આવું છુ _.'
સ્વામી કહે : 'ઘીવાળા ચાલશે. તેવા જ હાથ મસ્તકે મૂકો.'
મહારાજે ઘીવાળા હાથ સ્વામીના મસ્તક પર મૂકી દીધા.
ˆ
મહારાજે તેમના લાડીલા સંતો-પરમહંસોને કેવા લાડ લડાવ્યા છે...! કેવી પ્રગાઢ હતી એ શ્રીહરિ અને પરમહંસોની પરસ્પરની પ્રીતિ...! કેવી અદ્ભુત હતી એ શ્રીજીની પ્રેમલહાણ...! પ્રેમ તરબોળ થયેલા પરમહંસો એટલે તો ગાઈ ઊઠે છે :
'જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે;
માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે.
આપ જાણો છો ?
ભગવાન સ્વામિનારાયણે એક જ રાતમાં ૫૦૦ પરમહંસોને દીક્ષા આપી હતી એ વાત ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. પરંતુ તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન કુલ કેટલા સંતોને દીક્ષા આપી હતી ? આનો જવાબ સંપ્રદાયના ઐતિહાસિક ગણાતા ગ્રંથ 'હરિચરિત્રામૃતસાગર'માં મળે છે. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન આધારાનંદ સ્વામી આ ગ્રંથમાં નોંધે છે કે એ સંતોની સંખ્યા ઓછામાં ઓછી હતી - ૩૦૦૦ ! હા, ત્રણ હજાર! આધારાનંદ સ્વામી લખે છે : ''હરિભક્તને શ્રીહરિ કહે કે 'જેટલાં ગામના હરિભક્તો હોય તે પ્રમાણે બે-ચાર-પાંચ સંતો ગામેગામ મોકલીએ. તે નિત્ય ઝોળી માંગશે પણ પૂરું ન મળે ત્યારે તમારે સંભાળ રાખવી.' તે સાંભળી હરિભક્તો આનંદ પામ્યા ને શ્રદ્ધા પ્રમાણે સાધુની સંખ્યા લખાવી. પાંચથી અધિક સંતો શ્રીહરિ લખવા દેતા નહિ. એ પ્રમાણે લખતાં ત્રણ હજાર જેટલી સંખ્યા થઈ.'' (પૂર-૨૮, તરંગ-૩૫)
આ ૩૦૦૦ સંતોનાં નામો પૈકી કુલ ૯૧૪ સંતોનાં નામ ઉપલબ્ધ છે. શ્રીહરિ-ચરિત્રામૃતસાગર, ભક્ત-ચિંતામણિ અને સત્સંગિ-જીવનમાં મળેલા કુલ નામો આટલાં છે. હકીકતે જોવા જઈએ તો માત્ર ૧/૩ સંતોનાં જ નામ પ્રાપ્ત થાય છે. આવું શાથી બન્યું હશે? પ્રથમ કારણ તો એ હતું કે સેંકડોની સંખ્યામાં દીક્ષા લઈને વિચરતા એ સંતોની મંડળીઓને તે સમયના કેટલાક દ્વેષી લોકોએ જીવતા જ રહેંસી નાંખ્યા હતા. સંદેશાવ્યવહારનાં સાધનોની અપૂરતી વ્યવસ્થાને કારણે કેટલાય સમય પછી તો જાણ થતી કે આવી ઘટના બની હતી. આથી આવા કેટલાય સંતોની યાદી ઉપલબ્ધ થતી નથી. વળી, ભગવાન સ્વામિનારાયણના કડક નિયમો અને દ્વેષીઓના ખૂબ જ ત્રાસને કારણે ધીરજ ગુમાવી બેઠેલા કેટલાક સંતો એકડમલ થઈને વિચરતા હતા. એકડમલ એટલે કે જેઓ ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની પંક્તિમાંથી વેગળા થવા છતાં જેમણે સાધુતા ખંખેરી નાંખી નહોતી તેવા ફક્કડ થઈને એકાકી ફરતા સંતો. તેઓ સ્વામિનારાયણનું જ ભજન કરતા, ઉપદેશ પણ સ્વામિનારાયમ સંપ્રદાયનો જ કરતા, સ્ત્રી-ધનના ત્યાગી રહેતા, ભગવાન સ્વામિનારાયણની જ ઉપાસના કરતા. આવા સેંકડો એકડમલ સંતોની કોઈ યાદી ઉપલબ્ધ થતી નથી. સંપ્રદાયના સંતસંઘથી બહાર નીકળ્યા પછી પણ તેઓ અવારનવાર ભગવાન સ્વામિનારાયણનાં દર્શને આવીને તેમને રીઝવતા, તેનાં અનેક ઉદાહરણો પ્રસિદ્ધ છે.
અને છેલ્લે, એક દુર્લભ તસ્વીર પણ પ્રસ્તુત છે. ભગવાન સ્વામિનારાયણના હસ્તે દિક્ષા લેનારા એ ૩,૦૦૦ પરમહંસો પૈકી, આ છે ચાર પરમહંસોનો ઓરિજીનલ ફોટોગ્રાફ! કોણ છેએ ઐતિહાસિક પાત્રો? ડાબી બાજુ થીઃ પ્રજ્ઞાનંદ સ્વામી, 'જમો થાળ જીવન જાઉં...'ના રચયિતા ભૂમાનંદ સ્વામી, લગ્નની ચોરીમાંથી મીંઢળ તોડીને સાધુ થવા નીકળી પડનાર અદ્ભુતાનંદ સ્વામી અને પવિત્રાનંદ સ્વામી.
છે ને ઇતિહાસના અમર પાત્રો!