અસ્મિતા હોય તો નિયમપાલનમાં દૃઢ રહેવાય
સને 2003માં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગુરુચરણસિંહ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને પધાર્યા હતા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું: ‘અત્યારના આધુનિક સંદર્ભમાં શિક્ષાપત્રીમાં બે નવા શ્લોક ઉમેરવાના થાય તો આપ કયા બે શ્લોક ઉમેરો?’
ત્યારે સ્વામીશ્રીએ દૃઢતાપૂર્વક કહ્યું: ‘શ્રીજીમહારાજે આધુનિક માટે પણ બધું જ લખ્યું છે. માટે શિક્ષાપત્રીમાં કાંઈ નવું ઉમેરવાનું છે જ નહીં.’
સ્વામીશ્રીને સાંપ્રદાયિક નિયમોની એવી અસ્મિતા છે કે બધું જ તેઓને પરિપૂર્ણ લાગે છે. તેથી જ તેઓ તે નિયમોને દૃઢતાથી અનુસરી શકે છે. મોતિયો પાકી જવાને કારણે આંખો ગુમાવવાની નોબત વાગી જવાની ઘડીઓ ગણાતી હોવા છતાં તેઓએ પુરુષનર્સની વ્યવસ્થા ન થાય તો ઓપરેશન ઠેલવાની તૈયારી દાખવેલી. નિયમપાલનની આ દૃઢતાના મૂળમાં તેઓમાં રહેલી અસ્મિતા છે.
ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી એચ. એમ. પટેલ, જાણીતા સાહિત્યકાર ઈશ્વર પેટલીકર જેવા નામાંકિત મહાનુભાવોએ સ્વામીશ્રીને કહેલું કે ‘આપ સ્ત્રી-સાધુ મર્યાદામાં આંશિક છૂટ મૂકો, તો સંપ્રદાય ઘણો વધી જાય.’
ત્યારે સ્વામીશ્રી બોલેલા: ‘સંપ્રદાય ભગવાનની ઇચ્છાથી વધે છે. ભગવાને આપેલા નિયમ લોપીને સંપ્રદાય વધારવો નથી. સંપ્રદાય નહીં વધે તો ખૂણામાં બેસીને ભજન કરશું.’
આવા માંધાતાઓ આગળ સ્વામીશ્રી નિયમપાલનની વાત ખોંખારીને કરી શકે છે, તેનું કારણ પણ અસ્મિતા જ છે.
સુરાખાચર અડધી રાત, એકાંત અને યુવાવસ્થાના ત્રિભેટે પણ કુલટા સ્ત્રીના પંજામાં ફસાયા નહીં અને નિષ્કલંક પરત આવ્યા ત્યારે શ્રીજીમહારાજ પણ બોલી ઊઠ્યા: ‘જુઓ, અમારા જતિ આવ્યા!’ હનુમાનજતિ જેવી દૃઢતા સુરાખાચર દાખવી શક્યા, કારણ કે તેઓને સંપ્રદાયની લાજ હતી, અસ્મિતા હતી.
અભેસિંહ દરબારે જામ બાપુને મોંઢામોંઢ ઊભે ડાયરે કહી દીધું કે, ‘જે જીભે સ્વામિનારાયણનું નામ લઉં છું તે જીભ પર દારૂનું ટીપું નહીં મુકાય. આપને જો મને દારૂ પાવો હોય તો મારી આ તલવારથી પહેલાં મારું માથું વાઢી નાંખો. પછી તમે ધરાઈ જાઓ એટલો દારૂ રેડજો આ ધડમાં.’
જામ બાપુ સહિત આખો ડાયરો અભેસિંહની અડગતા પર ઓવારી ગયો. આ નિયમપાલનની અડગતા અભેસિંહમાં આવી અસ્મિતાથી.
દુકાળના ભયંકર કપરા કાળમાં એક દાણો પણ પેટ ભરવા હાથ લાગતો નથી, તે વખતે સગરામ વાઘરીની પત્ની સામેથી મળેલા રૂપાના તોડા માટે કહે છે કે, ‘પારકી વસ્તુ આપણા માટે ધૂળ સમાન છે. આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે.’
એક વાઘરણ બાઈના આ ઉદગારમાં અસ્મિતા ઝગારા મારે છે. આવી અસ્મિતા વિશ્વમાં ફેલાયેલી બી.એ.પી.એસ.ના સત્સંગીઓમાં જાગી છે તો નિયમ-ધર્મમાં ક્યારેય ચુક પડવા દેતા નથી. એ પછી રાજરાણીનાં સન્માન હોય કે સામાજિક સંસ્થાઓનું નિયંત્રણ હોય - શિક્ષાપત્રીનો લોપ થવા દેતા નથી. પૂજા કર્યા વિના પાણીનું ટીપું ન પીનારા; ચેષ્ટા બોલ્યા વિના ન સૂનારા; શાકાહારી ભોજન ન મળે તો છ-છ મહિના સુધી બાફેલા ચણા ખાઈને રહેનારા; ડૉક્ટરની સૂચના અને સંજોગોની માંગ હોય છતાં જીભ પર દારૂનું ટીપું કે ઈંડા, માંસ ન મૂકીને નિયમપાલન માટે જીવની બાજી લગાવનારા; કરોડોની માતબર રકમ સામેથી મળતી હોવા છતાં તેને હરામ સમજી ઠોકરે ચડાવનારા કૈંક દૃષ્ટાંતો જોવા મળે છે. આ ચમત્કારો અને ઇતિહાસ સર્જવાનું કાર્ય કરે છે - અસ્મિતા. અસ્મિતા છે એટલે પૂજા કર્યા વિના પાણી અહીં સૌ માટે ઝેર જેવું બની જાય છે. તેને કોઈ હોઠે અડાડી શકતું નથી. અસ્મિતા છે એટલે અહીં બજારુ ખાણી-પીણી કે અભક્ષ્ય આહાર સૌ માટે અંગારા સમાન બની જાય છે; કોઈએ તેને જીભ પર મૂક્યું નથી. અસ્મિતા છે એટલે અહીં હરામની કરોડોની મત્તા સૌ માટે મળતુલ્ય બની જાય છે; કોઈ તેનાથી ગજવા ભરતું નથી.
એક કવિએ કહ્યું છે: ‘એ અવગતની એંધાણી, ચાતક પીએ એંઠું પાણી.’
ચાતક હંમેશાં સ્વાતિ નક્ષત્રનાં બુંદ વરસે તે જ પીએ. જો તે ન વરસે તો તરસે મરી જાય પણ બીજાં પાણીને અડે જ નહીં. અને જો તે સ્વાતિબુંદ સિવાય બીજું પાણી પીએ તો સમજવું કે અવગતિનું આગમન થઈ ચૂક્યું છે.
સ્વામીશ્રીના સાંનિધ્યમાં હજી હજારો ચાતકો પ્રાણાંતની ઘડી આવે તોય નિયમ બહાર પગ મૂકતા નથી. આ જોઈએ છીએ ત્યારે અવગતની નહીં, અસ્મિતાની એંધાણીઓ નજરે ચડે છે.