ગુજરાતને સજીવન કરનાર...
શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આન્તર સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજીમહારાજને 'Last of the old Hindu Reformers' કહેતા. ભાંગ, ગાંજો, તમાકુ તજાવી શ્રીજીએ ગૃહસ્થીનાં જીવન નિર્માદક કીધાં, રંગેલાં તુંબડાં ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા, બાઈ-ભાઈનાં દર્શનદ્વાર નિરનિરાળાં સ્થપાવી શ્રીજીએ દેવમંદિરોને પવિત્ર કીધાં. 'શિક્ષાપત્રી' આપી વ્યવહારશુદ્ધ કીધા, વચનામૃતો સંભળાવી જ્ઞાનશુદ્ધ કીધા, પ્રેમભક્તિ વરસાવી અન્તર્શુદ્ધ કીધા. પર્વો, ઉત્સવો, સમૈયા ઉજવાવી જનતામાં ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અિહસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજાવિધાન, પારણાં, હિંડોળા, વસંતપંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જળઝીલણી ને રામનવમીના સમારંભો કરી જનતાને ઉમંગી કીધી. ભાવહિંડોળે હિંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો. સંસારને સજીવન કીધો.
મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો.
સદાચરણનાં ઝરણાં શ્રીજીએ મંદિરોમાંથી વહેતાં કીધાં. પંચવર્તમાન સ્થાપી સાધુ-સત્સંગીઓમાં ને સત્પ્રણાલિકાઓ સ્થાપી દેવમંદિરોમાં સદાચરણપ્રચાર શ્રીજીએ કીધો. ચકમક ને લોઢું ભેગાં થાય કે અગ્નિ પ્રકટે - એ અનુભવે શ્રીજીએ સ્ત્રીપુરુષને મંદિર ઘુમ્મટમાંયે અળગાં પાડ્યાં ને સ્પર્શનિષેધ ઉચ્ચાર્યા. સ્ત્રીપુરુષના દર્શનમાર્ગેય નિરનિરાળા, એમની કથાવાર્તાઓ નિરનિરાળી, ક્યાંક ક્યાંક તો આમનાં મંદિરોયે નિરનિરાળાં કીધાં. સ્ત્રીજનને પંચવર્તમાન ધરાવવાનું પણ સોંપ્યું. સંતોને અષ્ટધા નારી વર્જી નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદેશ અપાયો. દેશમાં ડંકો વાગ્યો કે સ્વામિનારાયણ તો સદ્ધર્મ સ્થાપવાને આવ્યા છે.
વચનામૃતો, શિક્ષાપત્રી, સદ્ધર્મપ્રણાલિકાઓ, કવિઓ, સદ્ગુરુઓ, ઉત્સવો, સમૈયા - એ સકળ ધર્મસામગ્રી સ્વામી સંપ્રદાયને સાગમટે સાંપડી એ સંપ્રદાયનાં ને દેશનાં ધન્ય ભાગ્ય. પણ સે સર્વ સંપત્તિઓ એક પલ્લામાં મુકાય ને બીજી એક સંપદ બીજા પલ્લામાં મુકાય તોય એ બીજા પલ્લાની દાંડી નમે એવી એક મહાસંપદ સંપ્રદાયનાં બીજ રોપાતાં હતાં ત્યારે સંપ્રદાયમાં હતી. પરિબ્રહ્મ પણ અવતાર ધરે છે ત્યારે કાળધર્મને ઓઢે છે, એટલે આજે એ મહાસંપદ સંપ્રદાયે નથી, પણ ત્યારે તો એ દૈવી સંપદ સંપ્રદાયમાં અણમૂલી હતી. એ સંપત્તિ તે શ્રીજીનું મુદ્રાકર્ષણ : Personal Magnetism. અને સંતકવિઓએ અનેક વેળા ને અનેક વિધ્યે એ વર્ણવેલ છે.
ન્હાનાલાલ દલપતરામ કવિ
શાંતિના સર્જક સહજાનંદ સ્વામી...
કરવા પૂરતી જ સહજાનંદ સ્વામી (સ્વામિનારાયણ)ની પ્રતિભા સીમિત ન રહેતાં, તે જમાનાનાં પ્રદૂષણો સામે અને સમગ્ર ગુજરાતમાં હજારો કમનસીબ માનવીઓ કે અત્યાર સુધી જેમની આજીવિકાનો આધાર અચોક્કસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હતો, તેમના ઉત્કર્ષ તરફ પણ દોરાઈ છે. વિશાળ ઝુંડોને તેમણે પ્રામાણિક અને ઉદ્યમી જીવનના પંથે વાળ્યા છે. એમાંથી આ દિશામાં એમની સફળતાના અનેક પુરાવાઓ મળી રહે છે.
અગાઉની પરિસ્થિતિની સરખામણીએ, રાજ્યનું હાલનું શાંત વાતાવરણ ભગવાન સ્વામિનારાયણ માટે ગ્રંથોના ગ્રંથો રચશે.
હેનરી જ્યોર્જ બ્રિગ્સ (બ્રિટિશ ઇતિહાસકાર)
લોકસમૂહનો ઉદ્ધારક પ્રવાહ...
તેઓએ ગુજરાત-કાઠિયાવાડની હલકી જાતિઓ પાસે મદ્યમાંસનો ત્યાગ કરાવી, હિંસાનો પણ ત્યાગ કરાવી, નાહવા ધોવાનો આચાર શીખવી તેઓનો ઉદ્ધાર કર્યો એ મોટું કામ કર્યું છે. એમના સમયમાં જ અંગ્રેજોએ સ્વામિનારાયણને આ કારણથી જ મોટા કહ્યા છે.
ગુજરાતની વસ્તીના જે વર્ગમાં હજી સુધી કોઈ સંપ્રદાયે પ્રવેશ કર્યો ન હતો, તે વર્ગમાં આ નવો પંથ ચાલ્યો અને એ પંથની છાયામાં એ વર્ગ કાંઈક ઊંચો આવ્યો... વર્તમાનમાં આ દેશનાં કરોડો હૃદયોને દુઃખમાં શાંતિનું તથા ઈશતત્ત્વમાં આશ્રયનું દ્વાર કેવળ આ વૈષ્ણવ ધર્મનો પ્રવાહ આ દેશના લોકસમૂહનો ઉદ્ધારક બની શક્યો છે. અને હજી ઘણા વખત સુધી બની રહેશે.
દુર્ગાશંકર શાસ્ત્રી
રાજદંડ નહીં જ કરી શકે...
જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે.
મહાત્મા ગાંધી
દેશને આબાદ કરનારો સંપ્રદાય...
જે સમયે દરેક ધર્મ ને ધર્માચાર્ય સ્ત્રીને ઉતારી પાડતા - પુરુષને પોતાના ધર્મમાંથી, આત્મસાધનની મહેચ્છામાંથી પાડી નાંખવાના હેતુથી બનાવેલી જણાવી; સર્વદા ત્યજનીય વર્ણવી નિંદતા, તેવા કાળમાં આ સંપ્રદાયે સ્ત્રીનો દરજ્જો વધારનારો - તેને પુરુષના જેટલી જ સ્વતંત્રતા આપનારો - ઉપદેશ ફેલાવ્યો. સ્ત્રીને સાધનામાંથી ભ્રષ્ટ કરનારી ન જણાવતાં તેના પ્રતિ પવિત્ર વ્યવહાર રાખવાનું સમજાવ્યું અને તેમ કરવાથી તે સાધનામાંથી ભ્રષ્ટ નહીં કરે પણ તેથી ઊલટું તેની સહાયતાથી શ્રેયઃસાધનાનું કાર્ય વધુ સરળ અને સહેલું થઈ પડશે એમ ઉપદેશ્યું.
પ્રામાણિક અને ઉદ્યોગી, પોતાની ફરજ અદા કરવાના દૃઢ નિશ્ચયવાળા અને નીતિના દરેક નિયમનું દૃઢ પાલન કરવાવાળા, નિર્દંભ, નિષ્કપટ અને નિર્દોષ જીવન ગાળવાવાળાં સ્ત્રીપુરુષોથી આ સંપ્રદાયે દેશને આબાદ કર્યો અને સમાજમાં શાંતપણે બાહ્ય આડંબર વિનાનો ફેરફાર કરી નાંખ્યો. સમગ્ર ગુજરાતમાં તે પ્રસરી ગયો અને પોતાના અનુયાયીઓ ઉપર તેમજ ઇતર સંપ્રદાયના અનુયાયીઓ ઉપર પણ અસર થઈ; અને તેમના પ્રત્યક્ષ તથા પરોક્ષ ઉપદેશને લીધે તથા તેમના સાહિત્યના પ્રચારને લીધે તે જનસમાજના હૃદય પર દૃઢ જામી ગઈ.
ઈશ્વરલાલ મશરૂવાળા
અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ...
બ્રાહ્મણ, બહુશ્રુત વિદ્વાન, ચુસ્ત વૈષ્ણવ અને આદર્શ સંન્યાસી-સાધુ એવા આ સુધારકે પોતાના જીવન અને કાર્યથી ગુજરાતના સંસ્કારઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો. આ રીતે તેમના આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ ઓગણીસમી સદીના ઊંબરે આવીને ઊભો રહ્યો.
તેમણે સમાજમાંથી દૂષણો દૂર કર્યાં અને નીતિની સમજણનાં સાચાં ધોરણો પ્રસરાવ્યાં. તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત એવા વ્યભિચાર અને દુઃખો દૂર કર્યાં. તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો.
કનૈયાલાલ મુનશી
નૈતિકતાને સુધારનાર...
પ્રાંતના શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો માને છે કે શ્રી સ્વામિનારાયણના ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં ખૂબ મહાન અસર પાડી છે. અને રિપોર્ટર અંતે ઉમેરે છે કે 'My own intercourse with the natives leads me to form the same opinion.' મતલબ કે મારો પોતાનો સ્થાનિક દેશવાસીઓ સાથેનો અનુભવ-વાર્તાલાપ પણ મને એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે.
'એશિયાટિક જર્નલ'
(લંડનથી પ્રકાશિત, સને ૧૮૨૩)
ભાગવત ધર્મના પોષક...
પોતાના પ્રકાશથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકનાં ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુવચને ચૂરેચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર, કાઠી-કોળી જેવા અનેકની ચૌર્યવૃત્તિઓને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર, શૂદ્રોને આચારશુદ્ધિ શીખવનાર, સાહિત્ય-સંગીત તથા કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમાધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા.
કિશોરલાલ મશરૂવાળા
નીચલી જાતિઓના સુધારક...
આ પંથની સારી રહેણી કરણીથી જ ગરીબ વર્ગ એ તરફ વધુ ખેંચાયો છે અને તેમનો કંઈક અંશે તેથી ઉદ્ધાર પણ થયો છે. કાઠિયાવાડમાં તો મુસલમાનોએ (ખોજાઓએ) પણ સહજાનંદ સ્વામીની કંઠી ધારણ કરી છે. આચાર-વિચાર બંનેમાં સહજાનંદ સ્વામીના આ પંથે લોકોને શુદ્ધ બનાવ્યા છે. આ ધર્મની વિશેષતા તો એ છે કે કાઠિયાવાડની કેટલીક તોફાની અને લૂંટફાટનો જ ધંધો કરનારી જાતિઓ એના ઉપદેશને પરિણામે પોતાનો ધંધો છોડીને સુધારાની હારમાં આવી ગઈ છે.
કૃષ્ણલાલ મો. ઝવેરી
હિંદુ ધર્મના ઇતિહાસમાં અજોડ...
સ્વામિનારાયણ સંપ્રદાયની વિશિષ્ટતા એ હતી કે તેમના સાધુઓ અને ભક્તો ઉપર પ્રહારો થતા છતાં તેનો સામનો કર્યા વિના, સહન કરીને તેઓ પોતાના ધર્મને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા હતા. અંગ્રેજ લેખકોએ આ કારણે જ સ્વામિનારાયણને મહાન હિંદુ સુધારક (એ ગ્રેટ હિન્દુ રીફોર્મર) તરીકે ઓળખાવ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું ક્ષેત્ર ગુજરાત પૂરતું જ મર્યાદિત હોવાથી તેના સ્થાપકનું નામ સમગ્ર ભારતમાં જાણીતું થયું નથી. પરંતુ તેમણે કરેલું કાર્ય સંગીન હતું.
સમાજના નીચલા થરોની નૈતિક સુધારણા કરનાર આત્મશોધક બળ તરીકે આ પંથ ખરે જ હિન્દુ ધર્મના ઇતિહાસમાં અજોડ છે.
ધીરુભાઈ ઠાકર
અસાધારણ બુદ્ધિ સ્વાતંત્ર્ય-મનોબળ
જે ઉપદેશ સ્વથી શરૂ થતો ન હોય, તે કદાચ મનોરંજન કરી શકે પણ મનોપરિવર્તન નહિ, કારણ કે પાયામાં જ સાંભળનાર ને કહેનારમાં જ અમલ નથી, એટલે અવિશ્વાસ પેદા થાય છે. ગાંધીજી એથી કહેતા 'મારો પહેલો શિષ્ય હું પોતે છું.' આવી તેમજ સામાજિક સૂચિતા એ કાલે અનેક જાતના વાસપંજાઓ, હિંસકયજ્ઞો અને વેદાંતની તર્કજાળને લીધે લોપ થતી હતી - તેનો જીવના જોખમે શ્રીજીમહારાજ અને તેમના મંડળે ઉદ્ધાર કર્યો, કારણ કે એ તો કાર્યક્રમ સામાન્યજનને પાળવાની શક્તિની મર્યાદામાં હતો. નેતાએ આગળ રહેવું જોઈએ પણ અલગ પડી જાય તેટલા આગળ નહિ. આ રહસ્ય જેટલું શ્રીજીમહારાજે જાણ્યું છે, તેટલું બીજા ઓછા ધર્મસુધારકોએ જાણ્યું છે.
જે માન્યતા કે આચરણો ધર્મસંમત મનાતાં હોય, પણ મિથ્યા અર્થઘટનથી તેમને સંમતિ મળી હોય તો તેનો વિરોધ કરવો ઘટે. નહિતર તો ભૂતકાળનું માત્ર સમર્થન રહે.
શ્રીજીમહારાજે વેદાંતનો તે કાળે જે અર્થ થતો હતો, તેનો વિરોધ કર્યો. આકાર, સગુણ-મૂર્તિપૂજા, ઓચ્છવોને સ્થાપ્યા. દારૂ-અફીણ, દીકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ, માંસાહાર, આ બધાને ગમે તે પરંપરાનું ધર્મકથાનું સમર્થન હોય તો પણ નિષેધ પ્રબોધ્યો છે. તે તેમના અસાધારણ બુદ્ધિસ્વાતંત્ર્ય અને મનોબળનું સાક્ષી છે.
તેમણે જે કંઈ કહ્યું તે સ્વાનુભવના જોર પર કહ્યું.
મનુભાઈ પંચોલી 'દર્શક'
સર્વક્ષેત્રનો અંધકાર ઉલેચ્યો...
આખો સમાજ રાજકીય, સામાજિક અને ધાર્મિક અંધકાર અને અંધાધૂંધીમાં સબડતો હતો, તે કાળે અવધ પ્રદેશમાં જન્મેલા ઘનશ્યામે શ્રીજીમહારાજે - શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. શ્રીકૃષ્ણે મથુરામાં જન્મી દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી, તે પ્રાચીન યુગનું પુનરાવર્તન શ્રી સ્વામિનારાયણના અવતાર-કાર્યમાં થયેલું જોવા મળે છે. ૪૯ વર્ષની ઉંમરે લીલા સંકેલી લેનાર શ્રી સ્વામિનારાયણે લાગલાગટ ૩૦ વર્ષ એ કાળનો સર્વક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કર્યે રાખ્યું હતું.
ઈશ્વર પેટલીકર
સંસ્કૃતિકરણના મહાન યોજક...
ચારેકોર જે ચાલતું હતું તેમાં સ્વામિનારાયણે તેમની યોજક બુદ્ધિ, પ્રભાવક શક્તિ, એમનું પોતાનું શીલ, એમનું તપ, એમનું ચારિત્ર્ય, એમની નિર્મળતા - આ બધાંનો એવો સુંદર પ્રભાવ પાડ્યો કે બે લાખ જેટલા માણસો થોડા વખતમાં જ તેમના અનુયાયી થઈ ગયા. કાઠીઓ, ક્ષત્રિયો, લૂંટારાઓ આ બધા એમના શરણે આવ્યા, એમના જીવનમાં પરિવર્તન થયું અને પરિવર્તન પણ એવા પ્રકારનું કે તેમને તેવા ને તેવા રાખીને અથવા બીજાને તેમની સાથે ભેળવીને એમને નીચે ઉતારીને નહિ, પણ ખુદ આ નીચલા વર્ગને - એ હિંદુ હોય, એ મુસલમાન હોય, એ પારસી હોય કે બીજી કોઈ કોમના હોય તેમને - ઊંચા લીધા. જેને પ્રો. શ્રીનિવાસ 'અપગ્રેડિંગ' કહે છે અથવા 'સંસ્ક્રિટાઈઝેશન' કહે છે, તેવું તેમનું સંસ્કૃતીકરણ કર્યું, તેમને સંસ્કારીને ઊંચા લીધા.
સ્વામિનારાયણ ભગવાને અવતાર બનીને - તેમણે પોતાને માટે હિંમતથી એમ કહ્યું છે : 'વચનામૃત'માં પોતાને માટે એ 'અમે' શબ્દ વાપરે છે. જેમ આજે 'એડિટર' - તંત્રીઓ - 'વી' બોલે છે, તેમ 'એડિટોરિયલ વી' જેવા આ 'સ્પિરિચ્યુઅલ વી'નો પ્રયોગ તેઓ વારંવાર કરે છે. તેમણે સંપૂર્ણ આત્મશ્રદ્ધાથી, આત્મપ્રયત્નથી પોતે અવતાર છે એમ નિઃસંકોચપણે જાહેર કર્યું છે. એમણે જે ફેરફારો કર્યા અને એ ફેરફારોને કારણે સ્થાપિત હિતોને જે આઘાત પહોંચ્યા, તેમણે સ્વામિનારાયણને રંજાડવા માટે ઓછું નથી કર્યું.
ભારે જહેમત વેઠીને, ભારે સાહસ કરીને, ભારે સંકટો વેઠીને અને પોતાની પરમહંસ મંડળીને પણ દુઃખ વેઠતી જોઈને, હંમેશાં ક્રોધ કર્યા વગર, અહિંસાત્મક રીતે કોમળતાથી અને કોમળ ભાવોનું જતન કરીને તેમણે એક વાતાવરણ સર્જ્યું, જે વાતાવરણનો હિસ્સો આપણી ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અર્વાચીનતા પ્રત્યે અભિમુખ કરવામાં સાર્થક બને છે.
યશવંત શુક્લ
સ્ત્રી-જગતના ઉદ્ધારક...
આ ખેદાનમેદાન થઈ ગયેલા સમાજને નીતિ અને ન્યાયના પ્રાથમિક પાઠો શીખવ્યા - સ્વામી સહજાનંદે. આશાના કિરણ માટે વલખાં મારતી પ્રજાએ તેમને ઈશ્વરના અવતાર માન્યા. અનેક સ્ત્રીઓએ સ્વામિનારાયણનો પંથ સ્વીકાર્યો. કાઠિયાવાડી સ્ત્રીઓ તેમને માટે આભલાનાં ભરત ભરતી, ગુજરાતણો પકવાન્ન બનાવતી અને એ રીતે શ્રદ્ધાળુ કૃતજ્ઞ દિલનો ઊમળકો વ્યક્ત કરતી.
મંદિરને આંગણે ભુલાઈ ગયેલી સામાજિક વૃત્તિ ફરી સજીવન થઈ. ઘણી સ્ત્રીઓ લંપટ મહંતોના પાશમાંથી છૂટી. સ્વામી સહજાનંદે દુકાળ આવતા પહેલાં ચેતવણી આપી, દુકાળ આવ્યા પછી રાહતકાર્ય કરતાં શીખવ્યું. લોકો પાસે તળાવો ખોદાવ્યાં, સભામંડપો બંધાવ્યાં. ચૂંથાયેલા ઘરસંસારની ઘડ સમી બેસાડવા માટે તેમણે ગુજરાતને શિસ્તબદ્ધ ઉદાર દિનચર્ચા આપવાના પ્રયાસો આરંભ્યા. સ્ત્રીજગતે તેમને સાથ આપ્યો.
શાંતા ગાંધી
સમાજ પરિવર્તનમાં સચોટ અસર...
જનતામાં શ્રી સહજાનંદ સ્વામીની પ્રતિષ્ઠા એક અવતારી પુરુષ તરીકે સ્થપાઈ છે. આપણે ચમત્કારમાં માનતા હોઈએ કે ના માનતા હોઈએ, તો પણ શ્રી સહજાનંદ સ્વામીએ એ યુગમાં શાંતિદાયક અને કલ્યાણકારી વાતાવરણ દેશમાં પેદા કરી ભયંકર, જંગલી અને અધમ ગણાતી જાતોને ઉપદેશ આપી, એમનો ઉદ્ધાર કર્યો અને એમને સન્માર્ગે દોર્યા, એ એક અદ્ભુત ચમત્કાર નહિ તો બીજું શું હોઈ શકે ! પછાત કહેવાતી અનેક કોમો એમના ઉપદેશ અને સંસ્કારથી ઉન્નતિને પામી, સુખી થઈ છે, એ એક ઇતિહાસપ્રસિદ્ધ બીના છે.
ગમે તેમ હો, પણ કાઠિયાવાડમાં શ્રી સહજાનંદ સ્વામીના ધર્મપ્રચાર કાર્યથી કાઠી પ્રજામાં એવું જબરજસ્ત પરિવર્તન થવા પામ્યું હતું કે એથી આશ્ચર્યચકિત થઈને મુંબઈના ગવર્નર સર જાૅન માલ્કમ શ્રી સહજાનંદ સ્વામીની મુલાકાત કરવા ખાસ રાજકોટ આવ્યા હતા. રાજકોટ મુકામે સર જાૅન માલ્કમ અને સ્વામી મહાશયની મુલાકાત થઈ તે વખતે શ્રી સહજાનંદ સ્વામી તેમના અતિ ચારિત્રવાન પરમહંસોથી વીંટાયેલા હતા. સર જાૅન માલ્કમને શ્રી સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભેટ આપી અને તેના ઉચ્ચ હેતુઓ સમજાવ્યા. તે વખતે નાનચંદ શાહ તથા દલીચંદ હાજર હતા. તે વખતનું જે અલૌકિક દૃશ્ય તેની છાપ જોનારના મન ઉપર પડ્યા વગર રહે તેમ નહોતું. તે વખતનાં દૃશ્યે, શિક્ષાપત્રીએ તથા પરમહંસોના બોધે સચોટ અસર કરી.
હીરાલાલ ત્રિ. પારેખ
મહિલા ઉત્કર્ષનું મહાન કાર્ય...
'સ્વામિનારાયણને ઘણી વખત પરંપરાગત હિન્દુવાદના છેલ્લા સંત ગણવામાં આવે છે. છતાં નવ્ય હિન્દુવાદની ઘણી લાક્ષણિકતાઓ તેમનામાં જોવા મળે છે. આ સંપ્રદાયને હિન્દુ સમાજમાં સુધારાનો પ્રથમ પ્રયાસ કહી શકાય. સ્થાપિત સમાજ વ્યવસ્થાને ઉલ્લંઘ્યા સિવાય અને પરંપરાગત મૂલ્યોને ચુસ્ત રીતે વળગી રહીને, આ સુધારાએ નીચલા વર્ગના અને મહિલા અનુયાયીઓના ઉત્કર્ષનું મહાન કાર્ય કર્યું છે. તેની વર્તમાન સફળતાનું આ કારણ છે, જે પાછળથી શરૂ થયેલ નવ્ય હિન્દુવાદના સુધારાની ઝુંબેશથી ચઢિયાતું છે.'
ફ્રેન્ચ વિદુષી ફ્રાન્ઝવાં મેલીસા
સ્વામિનારાયણીય સંસ્કાર...
ગુજરાત-કાઠિયાવાડની શૂદ્ર જાતિઓની ધાર્મિક ઉન્નતિ કરનાર પણ સ્વામિનારાયણ પહેલા હતા. એમણે કહેવાતી નીચ જાતિઓમાં એટલું બધું કાર્ય કર્યું હતું કે જૂના સંપ્રદાયીઓને સ્વામિનારાયણના ઘણાખરા શિષ્યો કડિયા, દરજી, સુથાર, ખારવા, મોચી અને ઢેઢ હતા, એ જ તે ધર્મનો વિરોધ કરવાને સબળ કારણ લાગતું હતું... નીચી જાતિઓને સુસંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈને ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો ન હતો, પણ નીચ જાતિઓને ચઢાવી એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવામાં સમાયો હતો. એટલે એમણે ઢેઢ, મોચી, સુથાર, કણબી અને મુસલમાન સુદ્ધાંને શુદ્ધ બ્રાહ્મણ જેવી રહેણી રહેતાં શીખવી દીધું. મદ્ય, માંસ, ખાવું નહિ, ગાળ્યાં વિનાનાં દૂધ-જળ પીવાં નહિ, અરે, ડુંગળી, લસણ અને હિંગ જેવી વસ્તુઓનો પણ ત્યાગ રાખવો - એ સ્વામિનારાયણીય સંસ્કારો હતા.
કિશોરલાલ મશરૂવાળા
નૈતિકતાની સર્વોચ્ચ નીપજ...
શાસ્ત્રમાંથી કોઈપણ શીખી શકે તેના કરતાં, તેમની નૈતિકતા ઘણી વધુ ઉચ્ચ હતી. તેમણે એટલી ઉચ્ચ પવિત્રતા અને સંયમની ભાવના સિંચી હતી કે તેમના શિષ્યો ત્યાંથી પસાર થતી સ્ત્રીઓ સામે નજર માંડીને જોતા નહિ. અને તેઓ જે જે ગામોમાં, જિલ્લાઓમાં ગયા, જ્યાં જ્યાં તેમને લોકોએ સ્વીકાર્યા, તે લોકો અને સ્થળો પહેલાં અત્યંત હીન કક્ષાનાં હતાં, આજે પ્રાંતમાં શ્રેષ્ઠ કક્ષાનાં છે !
બિશપ હેબર
(ભગવાન સ્વામિનારાયણના સમકાલીન ખ્રિસ્તી ધર્મગુરુ)
જો સહજાનંદ સ્વામી ન હોત તો...
છેવટે ગુજરાત, સહજાનંદજીને યાદ કરશે તે સંત તરીકે નહીં, ધર્માચાર્ય તરીકે નહીં, સાહિત્યપ્રેરક તરીકે નહીં, ......પણ એમણે જનતામાંથી માંસ, દારૂ, વ્યભિચાર, અસત્ય ને ચોરી એ પાંચ મુખ્ય બદીઓ દૂર કરી તેને માટે; એમણે ગુજરાતના પશુ જેવા માણસોને માણસો બનાવ્યા, તેટલા માટે. સહજાનંદ સ્વામી ન હોત તો આપણે 'ગરવી' કહીએ એવું ન હોત, ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એ જોવું ન ગમે એવું ગંદુ હોત.
આજે જે ગુજરાતનું નામ સાંભળી, આપણું હૈયું ઊછળે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો, ગુજરાતનું નામ સાંભળતાં આપણને શરમના માર્યા નીચું જોવું પડત. એટલે આજે, ગુજરાતમાં જે સદાચાર છે, અહિંસા છે, ગુજરાત ગુણવંતું છે, તેમાં શ્રી સહજાનંદજીનો ફાળો જેવો તેવો ન કહેવાય.
ગુજરાતને અધમદશામાંથી ઉગારનાર અને અણીને વખતે આવીને ગુજરાતનો ઉદ્ધાર કરનાર, અધમોદ્ધારક ને પતિતપાવન સહજાનંદજીને દરેક ગુજરાતીના વંદન છે. ગુજરાતનું તેજ ઝાંખું ન પડવા દેનાર, જ્યોર્તિધર તરીકે શ્રી કનૈયાલાલ મુનશી જેને ઓળખાવે છે એવા ગુજરાતના મહાપરુષોમાં સહજાનંદજીનું સ્થાન પહેલી હરોળમ છે.
ચંદ્રવદન મહેતા