Essays Archives

દેવતા હોય કે મનુષ્ય, ગૃહસ્થ હોય કે ત્યાગી, સ્ત્રી હોય કે પુરુષ, સૌ માટે બ્રહ્મવિદ્યા આત્મસાત્ કરવી અનિવાર્ય છે. કારણ, સુખ તો આ બધાયે ઇચ્છ્યું જ છે. અને એ સુખનો માર્ગ બ્રહ્મવિદ્યાથી જ પ્રકાશિત થાય છે. આપણાં ઉપનિષદોમાં આ ધ્વનિ વારંવાર પડઘાતો રહ્યો છે. તેનું એક ઉદાહરણ આ બૃહદારણ્યક ઉપનિષદ પણ છે.
યાજ્ઞવલ્ક્ય જેવા પતિનો સ્પષ્ટ નિશ્ચય, મૈત્રેયી જેવી પત્નીનું ચિંતનસમૃદ્ધ વિવેકજ્ઞાન, ગાર્ગી જેવી સ્ત્રીની તર્કપક્વ વિદ્વત્તા કે પછી એક જ અક્ષરમાં દેવ, મનુષ્ય તથા અસુરોને કર્તવ્યધર્મનો ઉપદેશ, વગેરે ઘણું ઘણું આ ઉપનિષદમાં સહજ સંવાદરૂપે રજૂ થયું છે. આવો, તેમાંથી કેટલુંક જાણીએ.

પરિચય

આ ઉપનિષદ યજુર્વેદમાં સ્થાન ધરાવે છે. શુક્લ યજુર્વેદના વાજસનેયી બ્રાહ્મણમાં તેનો સમાવેશ થયો છે. બૃહદ્ એટલે મોટું. જીવ, ઈશ્વર, માયા અને મુક્તોથી બૃહદ્ એવા અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના નિરૂપણ દ્વારા બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પાથરતું હોવાથી અને અરણ્યમાં તેનું મનન-ચિંતન થયું હોવાથી આ ઉપનિષદને બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવે છે.
આ ઉપનિષદ છ અધ્યાયોમાં વહેંચાયેલું છે. આ પ્રત્યેક અધ્યાય એક કરતાં વધારે બ્રાહ્મણોમાં (પેટા પ્રકરણોમાં) વહેંચાયેલો છે.

યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયી આખ્યાન

યાજ્ઞવલ્ક્ય નામે મહર્ષિ હતા. મુનિ યજ્ઞવલ્ક્યના તેઓ પુત્ર હતા. યાજ્ઞવલ્ક્યજીને બે પત્નીઓ હતી. કાત્યાયની અને મૈત્રેયી. તેમાં કાત્યાયની વ્યવહારકુશળ હતી. ઘરની સંભાળ લેવી, સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર રસોઈ બનાવવી, અતિથિઓને સત્કારવા, તેઓને સાચવવા, વગેરે કાર્યોમાં તેણે ખૂબ નિપુણતા મેળવી હતી. એટલે જ આજુબાજુના પંથકમાં આ અંગે તેણે નામના પણ મેળવી હતી. જ્યારે મૈત્રેયીની વાત જુદી હતી. તેને બ્રહ્મજ્ઞાનમાં વિશેષ અભિરુચિ હતી. અધ્યાત્મચિંતન તેનો સહજ સ્વભાવ હતો. તેથી જ યાજ્ઞવલ્ક્ય તથા કાત્યાયની બંને તેનો આદર કરતાં.
એક સમયે યાજ્ઞવલ્ક્યજીને ઘર છોડી સંન્યાસ લેવાનો વિચાર આવ્યો. તેમણે બંને પત્નીઓ પાસે આ પ્રસ્તાવ મૂકવા વિચાર્યું. તેઓ મૈત્રેયી પાસે ગયા અને કહ્યું, 'मैत्रेयीति होवाच याज्ञवल्क्य उद्यास्यन् वा अरेऽहमस्मात् स्थानादस्मि हन्त तेऽनया कात्यायन्याऽन्तं करवाणीति।'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૧) 'હે મૈત્રેયી! હવે હું આ સ્થાનનો ત્યાગ કરવા ઇચ્છુ _ છુ _. તેથી મારી ઇચ્છા છે કે આ ધન, જમીન તથા અન્ય જે કાંઈ આજીવિકાનાં સાધનો છે, તે તમને બંનેને વહેંચી આપું. એ પ્રાપ્ત કરી તમે તમારું ગુજરાન ચલાવી શકશો.'
આ સાંભળી મૈત્રેયીએ તુરંત પૂછ્યું, 'यन्नु म इयं भगोः सर्वा पृथिवी वित्तेन पूर्णा स्यात् कथं तेनाऽमृता स्यामिति।'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૨) 'હે પતિદેવ! કદાચ આ સમગ્ર પૃથિવી ધનથી ભરેલી હોય અને તે હું પામું તો પણ તેથી શું મને અમૃતત્વ, કહેતાં મોક્ષ મળી શકશે?'
યાજ્ઞવલ્ક્યજી માટે આ સવાલ અણધાર્યો હતો, પણ જવાબ સ્પષ્ટ હતો. 'नेति होवाच याज्ञवल्क्यः'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૨) 'ના, મૈત્રેયી.' યાજ્ઞવલ્ક્યએ ચોખવટ કરી. 'હે પતિદેવ! તો પછી આપ જે આજીવિકા માટેનાં સાધનો અમને આપવાં ઇચ્છો છો તેનાથી અમને કેટલો લાભ થશે?', મૈત્રેયીએ પૂછ્યું.
ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહે, 'यथैवोपकरणवतां जीवितं तथैव ते जीवितं स्याद्। अमृतत्वस्य तु नाशाऽस्ति वित्तेनेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૨) 'મૈત્રેયી! આ દુનિયામાં આજીવિકાઓ માટેનાં સાધનોથી સમૃદ્ધ મનુષ્યનું જીવન જે રીતે પસાર થાય, બસ, તે જ રીતે તારું જીવન પણ પસાર થઈ શકશે. પણ તું જે અમૃતત્વની, એટલે કે મોક્ષની વાત કરે છે તે અમૃતત્વની આશા ધન-દોલત, વગેરેથી ક્યારેય ન રાખી શકાય. પૈસા વગેરે તો કેવળ આ લોકના આધારો છે, તેનાથી સગવડો ભેગી કરી શકાય. પણ મુક્તિને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.' યાજ્ઞવલ્ક્યએ સત્ય સંભળાવ્યું.
સાંભળી મૈત્રેયીએ શું પ્રત્યુત્તર વાળ્યો હશે? હા, જે આ પ્રત્યુત્તર હતો તે આજેય ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવનાઓનો પરિચય આપે છે. 'सा होवाच मैत्रेयी येनाऽहं नाऽमृता स्यां किमहं तेन कुर्यां यदेव भगवान् वेद तदेव मे ब्रूहीति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૩) મૈત્રેયી કહે, 'જેના વડે હું અમૃતત્વ ન પામી શકું, તેને લઈને હું શું કરું? વળી તમે જે બધું ત્યાગીને જવા ઇચ્છો છો તે શું અમને બંધન નહીં કરે? માટે જે સમજણથી આપ આ બધું છોડી જાવ છો તે સમજણ અમને પણ આપો.'
મૈત્રેયીના શબ્દોમાં સાચી અધ્યાત્મજિજ્ઞાસા સાંભળી શકાતી હતી. યાજ્ઞવલ્ક્ય હરખી ઊઠ્યા અને કહ્યું, 'प्रिया बताऽरे नः सती प्रियं भाषसे। एह्यास्स्व। व्याख्यास्यामि ते व्याचक्षाणस्य तु मे निदिध्यासस्वेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૩) 'મૈત્રેયી, તું મને વહાલી તો હતી જ, પણ તારી આ ભાવના સાંભળીને એ વહાલ ખરેખર વધી ગયું છે.'
આટલું કહી યાજ્ઞવલ્ક્યએ અધ્યાત્મજીવનના સર્વોચ્ચ સિદ્ધાંતોની સમજ આપતા કહ્યું, 'न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति। आत्मनस्तु कामाय पतिः प्रियो भवति।'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) 'હે મૈત્રૈયી! આ હું તારો પતિ છુ _ અને એ પતિની ઇચ્છા માટે તે પતિ તને પ્રિય લાગે છે એવું નથી. એ તો આપણા સૌમાં પરમાત્મા રહ્યા છે, તે પરમાત્માની ઇચ્છાથી જ પતિ પત્નીને પ્રિય લાગે છે.' વળી 'न वा अरे जायायै कामाय जाया प्रिया भवति आत्मनस्तु कामाय जाया प्रिया भवति।'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) 'તું મારી પત્ની છે. પરંતુ એમાં પણ એ પત્નીની ઇચ્છાને લીધે પત્ની પ્રિય બની છે એવું નથી. પરંતુ એ પત્નીમાં પણ પરમાત્માનો વાસ છે. તે પરમાત્માના સંકલ્પથી જ પત્ની પતિને પ્રિય લાગે છે.' આમ પ્રથમ વાક્યમાં જ સાંસારિક સંબંધોને વિશિષ્ટ રીતે સમજવાનો દૃષ્ટિકોણ આપી દીધો. ત્યારબાદ 'न वा अरे पुत्राणां कामाय पुत्राः प्रिया भवन्ति।... न वा अरे वित्तस्य कामाय वित्तं प्रियं भवति।... न वा अरे लोकानां कामाय लोकाः प्रिया भवन्ति।...'(બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) એમ પુત્ર, પૈસા કે પછી અન્ય લોકો - જે કોઈ પ્રિય લાગે છે તે બધાનું કારણ પરમાત્મા છે. આ રીતે એક એક વસ્તુ જુદી ગણાવી તે બધાને એક વાક્યમાં સમાવતાં કહી દીધું કે 'न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति। आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) 'આ દુનિયાની સર્વ વસ્તુઓમાં જે કાંઈ પ્રેમસભર, સુંદર કે મનમોહક લાગે છે, તે પ્રેમ, સુંદરતા કે મનમોહકતા પરમાત્માની મૂકેલી છે.' માટે હે મૈત્રેયી! 'आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः।' (બૃહદારણ્યક ઉપનિષદ ૨/૪/૫) એ પરમાત્માનો સાક્ષાત્કાર પામવા પ્રયત્ન કરવો જોઈએ અને તે સાક્ષાત્કાર પામી શકીએ તે માટે 'श्रोतव्यः' કહેતાં તેમના મહિમાની, તેમનાં લીલા ચરિત્રોની, તેમનાં દિવ્ય ગુણ, ઐશ્વર્ય વગેરેની વાતો સાંભળવી જોઈએ. 'श्रोतव्यः' એ શબ્દ અહીં સાંભળવાની સાથે સાથે આંખ, રસના વગેરે ઇન્દ્રિયોની ક્રિયાનો પણ બોધ કરાવે છે. તેથી જેમ કર્ણ ઇન્દ્રિયથી તેમનું માહાત્મ્ય સાંભળીએ છીએ, તેમ નેત્ર ઇન્દ્રિયથી તેમને શુદ્ધભાવથી નિહાળવા જોઈએ. રસના, વગેરે ઇન્દ્રિયથી તેમના દિવ્ય ગુણોનું ગાન, વગેરે કરવું જોઈએ. આમ પ્રથમ તો દરેક ઇન્દ્રિયને પરમાત્માના સ્વરૂપમાં જોડવી એમ ઉપદેશ કર્યો.
હવે આટલું કરેય સાક્ષાત્કાર પૂરેપૂરો ન પમાય. આ તો સાક્ષાત્કાર માટેનું પ્રથમ પગથિયું હતું. ત્યાર પછી બીજા ક્રમાંકે આવે છે - 'मन्तव्यः' મનન! પરમાત્માના વિષયમાં જે સાંભળ્યું, જ્યાં જ્યાં તેમને જે જે રીતે નિહાળ્યા કે પછી તેમની સેવા કરી, જે જે કાંઈ કર્યું તેનું મનન કરવું જોઈએ. વારંવાર સાંભળ્યું હોય, અનેકવાર નિહાળ્યું હોય પણ જો તેને મનનનો સાથ ન મળે તો સાંભળ્યું ન સાંભળ્યા જેવું અને જોયું ન જોયા જેવું થઈ જાય. મનનની શક્તિ જેવી તેવી નથી. એકવાર દર્શન કે શ્રવણ કર્યું હોય અને જો તેનું એક જ વાર મનન કરે તો તે સો વખત જોયું, સાંભળ્યું હોય તેટલું મજબૂત અને ચિરકાલી બની જાય છે. તો પછી વારંવાર મનન કરે તે તો કેટલું પામે? માટે પરમાત્માનો પ્રત્યક્ષપણે લાભ લીધો હોય તેનું મનન કરવું.
આટલું કહી હવે હજુ એક પગથિયું આગળ લઈ જાય છે - 'निदिध्यासितव्यः' નિદિધ્યાસન! નિદિધ્યાસન એટલે જે કાંઈ સાંભળ્યું, જોયું અને મનન કર્યું તેમાંથી પોતાના જીવનમાં સુધારો કરવા માટે અનુકૂળ જણાતી બાબતોને અલગ તારવવી, ફરી તેનો થોડો વિચાર કરવો, અને જીવન સાથે તેને એકરસ બનાવી દેવી.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS