તા. 21-9-2003ના રોજ સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજતા હતા. તે સમયે સહારા ટી.વી.ના એક સંવાદદાતા અજિતકુમાર શ્રીવાસ્તવ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓનો પરિચય મેળવ્યા બાદ સ્વામીશ્રીએ તેઓને ભગવાન સ્વામિનારાયણનું જીવન, કાર્ય, સંસ્થાની વિસ્તારપૂર્વક વાતો કરી.
છેલ્લે સાથેના સંતો કહેવા લાગ્યાઃ ‘સ્વામીશ્રીએ બધી વાતો કરી પણ હકીકતે બી.એ.પી.એસ. સંસ્થાની તમામ બાબતોના પ્રાણ તેઓ છે. તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય કાર્ય થાય છે. અમે સંત થયા તે પણ એમનાં પ્રેમ અને પ્રેરણાથી. એટલે કાર્ય તો તેઓ જ કરે છે.’
તરત જ સ્વામીશ્રી કહેઃ ‘કર્તા તો શ્રીજીમહારાજ છે. એમની આજ્ઞા, આદેશ પ્રમાણે આપણે સેવા-ભક્તિ કરીએ છીએ. બાકી અનંત કોટિ બ્રહ્માંડના કર્તા એ છે. કોઈપણને નિમિત્ત બનાવીને કાર્ય કરે છે. જો આપણે માની લઈએ કે હું કરું છું તો અહમ્ આવી જાય. માણસને જરાક આવડત આવે તો અહમ્ આવી જાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સેવક થઈને કામ કરો.’
તા. 18-2-2009ના રોજ દિલ્હીમાં અક્ષરધામનાં દર્શનથી ખૂબ પ્રભાવિત થયેલા ભારતીય સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી લાહોટી સાહેબે પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક બિરદાવ્યા ત્યારે તેનો યશ લેવાને બદલે સ્વામીશ્રીએ કહ્યું, ‘भगवान शक्ति देते हैं, उससे काम होता है। उसके बिना एक तीनका भी नहीं हिल सकता। मैंने किया, मैं करता हूँ ऐसा मानने से दुःख आता है, लेकिन भगवान ने किया ऐसा मानने से शांति रहती है। जो कुछ करते हैं वो भगवान ही करते हैं। हमारा जो कुछ है वो उसके हाथों में है, ऐसी भावना रखने से शांति होती है।’
ભગવાન પ્રત્યેની સ્વામીશ્રીની આ અચલ દાસત્વ ભક્તિથી તેઓ વિશેષ પ્રભાવિત થયા.
તા. 20-7-1985નો દિવસ ઇંગ્લેન્ડના જ ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એક અદ્વિતીય પૃષ્ઠ સમાન હતો. ભારતીય અધ્યાત્મના મૂર્તિમાન સ્વરૂપ સમાન પ્રમુખસ્વામી મહારાજને આ દિવસે લંડનના ક્યુ.પી.આર. સ્ટેડિયમમાં એક અભૂતપૂર્વ સમારોહમાં સુવર્ણ-સન્માનથી બિરદાવાયા હતા. આ દિવસે આ ભવ્ય સન્માન બાદ પ્રમુખસ્વામી મહારાજની નમ્રતાસભર વાણીમાં આજના સન્માનનો પ્રતિભાવ આપવાને બદલે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની તેમની પારાવાર પરાભક્તિ છલકતી હતી. હકડેઠઠ ભરાયેલા સ્ટેડિયમમાં સૌ પ્રમુખસ્વામી મહારાજના ઉદ્ગારો સાંભળવા તત્પર હતા. તેઓએ કહ્યું: ‘પ્રથમ તો પરબ્રહ્મ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને વંદન, જેમણે મને આ શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેમના આશીર્વાદ મને મળ્યા. જેમણે મને સ્વીકાર્યો તેમની કૃપા ને આશીર્વાદ છે તો તમારી સામે ઊભો છું. તેમને લાખો વંદન. તેમની કૃપા ન હોત તો હું આ સ્થાને ઊભો ન હોત (ગળગળા થઈ ગયા) તેમણે આશીર્વાદ ને સેવા કરવાની તક આપી. તે મારાં અહોભાગ્ય. મારી શક્તિ બહારની વાત, પણ મને શક્તિ આપી. એથી હું સેવા કરી શક્યો. ભારતના સંતો, પંડિતોના આશીર્વાદ. આપ સહુના સહકાર વિના આ કાર્ય ન થાય... ભગવાનની કૃપા મરજી વગર કાંઈ કાર્ય થતું નથી. હું જ કરી શકું તે મિથ્યા છે. સર્વકર્તા પરમાત્મા છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ હાલતું નથી. ભગવાનની કૃપા વગર આપણે કોઈને કાંઈ કરવા - કહેવા - પામવા સમર્થ નથી. ભગવાનની શક્તિથી સર્જન - પાલન - સંહાર થાય છે. ભગવાન કારણ છે, જગત કાર્ય છે. આ મહિમા સમજીએ તો અહં જતું રહેશે. ભગવાનની શક્તિ વગર શેકેલો પાપડ પણ ભાંગે નહીં.’
સ્વામીશ્રીની આ દાસત્વ ભક્તિએ સૌનાં હૃદયને ભીંજવી દીધાં.
તા. 11-9-2006ના રોજ પ્રમુખસ્વામી મહારાજ દિલ્હીમાં બિરાજતા હતા. રાષ્ટ્રપતિ શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ તેઓનાં દર્શન-આશીર્વાદ મેળવવા આવ્યા હતા. કલામ સાહેબે ભક્તિભાવપૂર્વક સ્વામીશ્રીની અપાર પ્રશંસા કરતાં તેમને સો વર્ષ સુધી પૃથ્વી પર બિરાજવા પ્રાર્થના કરી હતી. તેઓની વિદાય બાદ એ સંદર્ભમાં સંતોએ સ્વામીશ્રીને કહ્યું: ‘રાષ્ટ્રપતિએ આપને સો વર્ષ જીવવાનું કહ્યું છે એટલે આપ સો વર્ષ સુધી સૌને દર્શન આપતા રહેજો.’
સ્વામીશ્રીએ કહ્યું: ‘એ બધું મહારાજની ઇચ્છાની વસ્તુ છે. ભગવાન કામ કરે છે. આમાં આપણું કંઈ બળ છે નહીં. ભગવાનનું બળ હોય તો કામ થાય એવું છે. અનંત બ્રહ્માંડનું સંચાલન, પોષણ કે રક્ષણ એ કરે છે.’
યજ્ઞેશદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતનાં વચનોને યાદ કરીને કહ્યું: ‘ગઢડા પ્રથમના 27મા વચનામૃત પ્રમાણે આપના દ્વારા ભગવાન એ જ રીતે કાર્ય કરી રહ્યા છે.’
સ્વામીશ્રી કહેઃ “એ આપણામાં હોય તો જ કામ થાય છે ને! ભાવના એ જ છે, પરંતુ બોલવામાં અવળસવળ ના કરી દેવું. ‘તમે ભગવાન છો, તમે ભગવાન છો’ એમ કહેતાં ફરો તો મારી ઠોકીને કોઈ બહાર કાઢે. ભગવાન તો એક શ્રીજીમહારાજ છે. આપણે તો તેમના દાસ છીએ, એ સમજી રાખવું.”