Essays Archives

પ્રગટ અક્ષરબ્રહ્મનો પ્રસંગ

સાક્ષાત્ અક્ષરબ્રહ્મ આ રીતે અતિ કરુણાએ કરી આ લોકમાં અવતરતા તો હોય, આપણી વચ્ચે વિચરતા પણ હોય, પરંતુ જો તેમને ઓળખી તેમનો જેમ છે તેમ પ્રસંગ આપણે ન કરીએ તો જે લાભ થવો જોઈએ તે ન થઈ શકે. તેથી જ ઉપનિષદમાં આ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિને ધનુષની ઉપમા આપીને સુંદર વાત સમજાવી છે. ‘प्रणवो घनुः शरो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुत्व्यते। अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत्।’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૪) પ્રણવ એટલે ૐકાર. ૐકાર એટલે અક્ષરબ્રહ્મ. ‘ॐ इत्येतद् एतद्ध्येवाऽक्षरं ब्रह्म’ (કઠ ઉપનિષદ, ૧/૨/૧૫,૧૬),  ‘ॐ इत्येकाक्षरं ब्रह्म’ (ગીતા, ૮/૧૩) વગેરે શાસ્ત્રવચનોમાં ૐકાર શબ્દથી અક્ષરબ્રહ્મને નિરૂપ્યા છે. ‘गुरुमेवाभिगत्व्छेत्  समित्पाणिः श्रोत्रियं ब्रह्म निष्ठम्।’ (મુંડક ઉપનિષદ, ૧/૨/૧૨) એ શ્રુતિ પ્રમાણે એ અક્ષરબ્રહ્મ એટલે બ્રહ્મસ્વરૂપ ગુરુ.
એટલે આ મંત્રનો અર્થ થયો - પ્રણવ અર્થાત્ સાક્ષાત્ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિ તે ધનુષ્ય છે. આપણો આત્મા તે બાણ છે. અને એ જ અક્ષરબ્રહ્મ આપણું લક્ષ્ય છે, નિશાન છે. માટે હવે જેમ બાણ ધનુષ્ય સાથે બરાબર વળગેલું રહીને લક્ષ્યમાં તલ્લીન થઈ જાય છે. તેમ આપણે પણ ધનુષસમ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ સાથે પોતાના આત્માનું બરાબર સંધાન કરીને, કહેતાં તેમનો દૃઢ પ્રસંગ કરીને એ જ બ્રહ્મરૂપી નિશાનને પામવાનું છે. કહેતાં બ્રહ્મરૂપ થઈ અક્ષરધામ પામવાનું છે. કારણ કે તે અક્ષરધામમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમનારાયણ સાક્ષાત્ વિરાજમાન છે.

બ્રહ્મના સ્વરૂપમાં નારાયણસ્વરૂપની ભાવના

‘शरवत् तन्मयो भवेत्।’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૫) એમ કહી પ્રત્યક્ષ બ્રહ્મમાં તન્મયતા કરવાનું તો કહ્યું, પરંતુ એ તન્મયતામાં ભાવના કેવી હોવી જોઈએ તે પણ આપણાં શાસ્ત્રોએ સમજાવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં છેલ્લા અધ્યાયમાં છેલ્લો મંત્ર આ ભાવનાને મુખરિત કરે છે - ‘यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ। तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥’ (શ્વેતાશ્વતર ઉપનિષદ, ૬/૨૩) સાધાનાનું સર્વોચ્ચ શિખર આ છે. પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુમાં નારાયણના સ્વરૂપની ભાવના! આવું થાય તો એને કાંઈ જાણવાનું, પામવાનું રહેતું નથી. તે કૃતકૃત્યતા અનુભવે છે. પૂર્ણકામ બને છે.
અક્ષરબ્રહ્મ પોતે તો ભગવાનના દાસ છે, પરંતુ તેમણે પુરુષોત્તમનારાયણને સમ્યક્ અને સદાય ધારી રાખ્યા છે. એટલે ઉપરોક્ત રીતે તેમનામાં ભગવાનની પ્રત્યક્ષતાનો ભાવ દૃઢ કરવાનો ઉપદેશ કર્યો છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને પોતે જ આ સિદ્ધાંત આપણને સ્પષ્ટપણે સમજાવ્યો છે. ઉપર જણાવેલા શ્વેતાશ્વતર ઉપનિષદના મંત્રનો જાણે પોતે જ ભાષ્યાર્થ કરતા હોય તેમ તેમણે કહ્યું, 'શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.' (વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ, ૨)
આ રીતે અક્ષરબ્રહ્મ આપણા સૌના ગુરુરૂપે વિરાજી પરબ્રહ્મની અવિરત પ્રત્યક્ષતાનો સૌને અનુભવ કરાવે છે.

આમ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ભગવદ્ગીતા દ્વારા એટલે કે પ્રસ્થાનત્રયી દ્વારા અક્ષરબ્રહ્મ તત્ત્વની આગવી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે.

ઓળખની ફળશ્રુતિ

આવા અલૌકિક અતિ અપાર માહાત્મ્ય ધરાવતાં અક્ષરબ્રહ્મને કોઈ ઓળખે તો તેને ફળ પણ કાંઈ જેવું તેવું ન મળે. શાસ્ત્રો કહે છે :
‘एतद्ध्येव अक्षरं ज्ञात्वा यो यदित्व्छति तस्य तत्॥’ (કઠ ઉપનિષદ, ૧/૨/૧૬) 'આ અક્ષરબ્રહ્મને યથાર્થપણે જાણનાર જે વસ્તુને ઇચ્છે તે તેને પ્રાપ્ત થાય છે.'
‘ब्रह्मविद् ब्रह्मणि स्थितः’ (ભગવદ્ગીતા, ૫/૨૦) 'જે અક્ષરબ્રહ્મને જાણે છે તે બ્રાહ્મીસ્થિતિને પ્રાપ્ત કરે છે.'
‘ब्रह्मविद् आप्नोति परम्’ (તૈત્તિરીય આનંદવલ્લી, ૧) 'જે અક્ષરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.'
‘एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते।’ (કઠ ઉપનિષદ, ૧/૨/૧૭) 'પરમ આલંબનરૂપે આ અક્ષરબ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મલોક, કહેતાં અક્ષરધામને પામીને પરબ્રહ્મના પરમ આનંદનો ઉપભોક્તા બને છે.'
‘स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षय्यमश्नुते।’ (ભગવદ્ગીતા, ૫/૨૧) 'જે અક્ષરબ્રહ્મના યોગથી યુક્ત બને છે, તે અવિનાશી સુખને ભોગવે છે.'
આ રીતે અક્ષરબ્રહ્મને યથાર્થરૂપે ઓળખનાર આ લોકના સુખને પામે છે, ત્રણ દેહથી પર બ્રાહ્મીસ્થિતિને જીવતાં જ પ્રાપ્ત કરે છે, એવી બ્રાહ્મીસ્થિતિએ યુક્ત થકો પરબ્રહ્મને પણ પામે છે અને દેહ મૂકીને અક્ષરધામને પ્રાપ્ત કરી પરમાત્માના અક્ષયસુખને ભોગવે છે.
આ જ અક્ષરબ્રહ્મની ઓળખની ફળશ્રુતિ છે.
અંતમાં બૃહદારણ્યક ઉપનિષદના મહામનીષી યાજ્ઞવલ્ક્યજીએ કરેલી વાત યાદ રાખીએ. યાજ્ઞવલ્ક્ય કહે છે, ‘यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्मिंल्लोके जुहोति यजते तपस्तप्यते बहूनि वर्षसहस्राण्यन्तवदेवास्य तद् भवति’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૩/૮/૧૦)
અર્થાત્ 'હે ગાર્ગી! જે કોઈ વ્યક્તિ આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર ભલેને યજ્ઞો કરે, હજારો વર્ષો સુધી તપ કરે, છતાં પણ તે નાશવંત ફળને જ પામશે. કહેતાં અવિનાશી ફળને નહીં પામે.' વળી, ‘यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्माँल्लोकात् प्रैति स कृपणः’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૩/૮/૧૦) 'હે ગાર્ગી! જે આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર મૃત્યુ પામે છે તે બીચારો ખરેખર દયનીય છે, હીન છે.' (કારણ એને ફરી જન્મ લેવો પડશે.)
એની સામે, ‘अथ य एतद् अक्षरं गाíग विदित्वा अस्माँल्लोकात् प्रैति स ब्राह्मणः।’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૩/૮/૧૦) 'જે આ અક્ષરબ્રહ્મને જાણીને મૃત્યુ પામે છે તે સાચો બ્રહ્મવિદ્યાનો જાણકાર છે.'

ઉપસંહાર

આમ ભારતવર્ષનાં સનાતન શાસ્ત્રોનું અધ્યયન કરતાં એક વાત તો ઊડીને આંખે વળગે છે કે જ્યારે જ્યારે મુંડક ઉપનિષદના મહર્ષિ અંગિરા જેવા, કે પછી કઠ ઉપનિષદના યમરાજ જેવા, કે પછી બૃહદારણ્યક ઉપનિષદના મહિર્ષ યાજ્ઞવલ્ક્ય જેવા, કે પછી પ્રશ્ન ઉપનિષદના મહર્ષિ પિપ્પલાદજી જેવા મહામનીષીઓ અધ્યાત્મચિંતનમાં રમમાણ થયા હોય, કે વળી, વિષાદમાં અટવાયેલા અર્જુનને ગીતા દ્વારા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ થયો હોય, કે પછી આ સકળ બ્રહ્મવિદ્યાના સંગ્રહરૂપે મહર્ષિ વ્યાસજી સૂત્રશાસ્ત્રની રચના કરી હોય, ત્યારે ત્યારે તે સૌએ પરબ્રહ્મની સાથે સાથે અક્ષરબ્રહ્મનું મનન કરવાનું કહીને તેમનો અપાર મહિમા ગાયો છે.
આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ અક્ષરબ્રહ્મની ઓળખાણ આપણને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીરૂપે કરાવી છે અને એ જ અક્ષરબ્રહ્મ આજે પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજરૂપે આપણી સમક્ષ વિલસી રહ્યું છે. આપણે તેમની યથાર્થ ઓળખ પામીને શાસ્ત્રોએ નિર્દેશેલા સનાતન ફળના ઉપભોગી થઈએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS