Essays Archives

આધ્યાત્મિક સાધના કરવા ઇચ્છતા અને સાધનામાં પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા કોઈપણ મુમુક્ષુ માટે અક્ષરબ્રહ્મ તત્ત્વ જાણવું અનિવાર્ય છે. એટલે જ હિન્દુ ધર્મનાં સનાતન શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મના અપરંપાર મહિમાનો સાગર છલકાય છે. સનાતન હિન્દુ ધર્મનાં સર્વમાન્ય શાસ્ત્રોમાં શિખર પર બિરાજે છે - ઉપનિષદો, શ્રીમદ્ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. સનાતન ધર્મના 'પ્રસ્થાનત્રયી' તરીકે ઓળખાતાં આ શાસ્ત્રોની સર્વોપરિતા તમામ આચાર્યોએ સ્વીકારી છે. અહીં એ શાસ્ત્રોએ કરેલા અક્ષરબ્રહ્મ તત્ત્વના વિશદ, ગહન અને અદ્ભુત નિરૂપણને સરળ અને સંક્ષિપ્ત સ્વરૂપે માણીએ. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા દ્વિશતાબ્દી મહોત્સવે અક્ષરબ્રહ્મનો આ શાસ્ત્રીય પરિચય કોઈપણ સાધક માટે ખૂબ ઉપકારક બની રહેશે.

‘एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! सूर्याचन्द्रमसौ विघृतौ तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! द्यावापृथिव्यौ विघृते तिष्ठतः। एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! निमेषा मुहूर्ता अहोरात्राण्यर्घमासा मासा ऋतवः संवत्सरा इति विघृतास्तिष्ठिन्ति।’ (બૃહદારણ્યક ઉપનિષદ, ૩/૮/૯)
'હે ગાર્ગી! આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં તો સૂર્ય, ચંદ્ર વગેરે વશ વર્તી રહ્યા છે, પૃથ્વી લોક અંતરિક્ષ લોક વગેરે બધા જ લોકો વશ વર્તી રહ્યા છે. અને નિમેષ, મુહૂર્ત, રાત્રિ, દિવસ, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ, મહિનાઓ, ૠતુઓ કે વર્ષો વગેરે જે કોઈ કાળનું વિભાજન છે તે પણ અક્ષરબ્રહ્મના પ્રશાસનથી જ થાય છે.'
અર્થાત્  અક્ષરબ્રહ્મ સર્વનું પ્રશાસક, નિયામક છે.
આ છે હજારો વર્ષ પહેલાં ઉપનિષદમાં અપાયેલી અક્ષરબ્રહ્મની ઓળખ! શબ્દો પણ અન્ય કોઈના નહીં, બૃહદારણ્યક ઉપનિષદના મહામનીષી યાજ્ઞવલ્ક્યજીના છે. રાજા જનકના દરબારમાં પ્રખર પંડિતો સાથેના શાસ્ત્રાર્થમાં વિદૂષી ગાર્ગીને ઉપરોક્ત વચનો દ્વારા તેમણે અક્ષરબ્રહ્મની આ ઓળખ આપી હતી.
પ્રસ્તુત લેખમાં આપણે અક્ષરબ્રહ્મના આવા અલૌકિક પરિચયને વધુ ને વધુ પ્રાપ્ત કરવાના છીએ. ઉપનિષદો, ભગવદ્-ગીતા તથા બ્રહ્મસૂત્ર જેવા પ્રમાણભૂત શાસ્ત્રો આપણને એ પરિચય કરાવશે.
આવો, અક્ષરબ્રહ્મની શાસ્ત્રીય ઓળખ પામીએ.

किम् तद् ब्रह्म? તે બ્રહ્મ શું છે?

‘किम् तद् ब्रह्म?’ (ભગવદ્ગીતા, ૮/૧) 'તે બ્રહ્મ શું છે?' ભગવદ્ગીતામાં પાર્થ અર્જુને જાણે આપણો જ પ્રશ્ન પૂછી લીધો. પાર્થસારથિ શ્રીકૃષ્ણભગવાને શો જવાબ આપ્યો હશે!
‘अक्षरं ब्रह्म परमम्।’ (ભગવદ્ગીતા, ૮/૩) 'વહાલા અર્જુન! આ ત્રિગુણમય પ્રપંચથી પર એવું જે અક્ષર છે તે જ બ્રહ્મ છે.' એટલે કે અક્ષર એ બ્રહ્મનું બીજું નામ. બંને ભેગા કરો એટલે તેને અક્ષરબ્રહ્મ કહેવાય.
કેવું છે એ અક્ષરબ્રહ્મ? એ પણ તેમણે સાથે સાથે કહી દીધું. ‘यद् अक्षरं वेदविदो वदन्ति।’ (ભગવદ્ગીતા, ૮/૧૧) 'હે અર્જુન! આ અક્ષરબ્રહ્મના સ્વરૂપનો તથા તેમના ગુણોનો મહિમા તો વેદના જાણકારો પણ ગાયા કરે છે.' એટલે કે આ અક્ષરની વાત આજની નથી, આ તો સનાતન વાત છે.
ભગવાન શ્રીકૃષ્ણ જાણે, ‘सर्वे वेदा यत्पदमामनन्ति’ (કઠોપનિષદ, ૨/૧૫) 'સર્વે વેદો પણ જેનો મહિમા ગાય છે', ‘एतद्ध्येवाक्षरं ब्रह्म’ (કઠોપનિષદ, ૨/૧૬) 'આ જે અક્ષર છે તે જ બ્રહ્મ છે' એમ યજુર્વેદમાં સમાયેલા કઠ ઉપનિષદના નાદને કે, કે પછી, ‘तदेतद् अक्षरं ब्रह्म’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૨) 'આ તે જ અક્ષરબ્રહ્મ છે' એમ અથર્વવેદમાં સમાયેલા મુંડક ઉપનિષદના નાદને પ્રતિધ્વનિત કરતા હોય તેમ અર્જુનને સંભળાવી રહ્યા હતા. એટલે જ તો તેમણે પણ કહ્યું કે, ‘ॐ इत्येकाक्षरं ब्रह्म’ (ભગવદ્ગીતા, ૮/૧૩) 'ૐ  એવા નામવાળું અક્ષરબ્રહ્મ છે.'

અક્ષરબ્રહ્મ - બ્રહ્મવિદ્યાનું અનિવાર્ય ઘટક

‘विद्ययाऽमृतमश्नुते’, ‘विद्यया विन्दतेऽमृतम्’ વગેરે શ્રુતિઓ પરમ કલ્યાણ માટે બ્રહ્મવિદ્યાનો જ નિર્દેશ કરે છે. પરંતુ એ બ્રહ્મવિદ્યા એટલે શું એ વાત મુંડક ઉપનિષદમાં મહર્ષિ અંગિરાના મુખે જાણવા મળે છે. ‘येन अक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्’ (મુંડક ઉપનિષદ, ૧/૨/૧૨) બ્રહ્મવિદ્યાનું આ લક્ષણ છે. ‘अक्षरम्’ એટલે અક્ષરબ્રહ્મ અને ‘पुरुषम्’ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ, આ બંને દિવ્ય સ્વરૂપોનું તત્ત્વે કરીને જ્ઞાન થાય એને બ્રહ્મવિદ્યા કહેવાય.
આવી જ કંઈક વાત પ્રશ્નોપનિષદમાં મહર્ષિ પિપ્પલાદ ઉચ્ચારે છે. અહીં પરમ મુક્તિના ઉપાય તરીકે ૐકારના ધ્યાન અંગેનું નિરૂપણ કરતાં તેઓ કહે છે, ‘एतद् वै सत्यकाम परं च अपरं च ब्रह्म यद् ॐकारः’ (પ્રશ્ન ઉપનિષદ, ૫/૨) મહર્ષિ કહી રહ્યા છે, 'હે સત્યકામ! આ ૐકાર તો પોતામાં સમગ્ર બ્રહ્મવિદ્યાને સમાવી બેઠો છે. એટલે પહેલાં તો તેનો અર્થ જાણી લેવો જોઈએ. સત્યકામ! આ ૐકારના બે અર્થ છે. એક ‘परं ब्रह्म’ અર્થાત્ પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ અને બીજો ‘अपरं ब्रह्म’ કહેતાં અક્ષરબ્રહ્મ.' આમ ૐકારનું ઉચ્ચારણ કરતાં તેના અર્થરૂપે અક્ષર અને પુરુષોત્તમ એ બંને તત્ત્વોનું અનુસંધાન કરે તો તે - ‘स सामभिरुन्नीयते ब्रह्मलोकं स एतस्माज्जीवघनात् परात्परं पुरिशयं पुरुषमीक्षते।’ (પ્રશ્ન ઉપનિષદ, ૫/૫) 'બ્રહ્મલોક કહેતાં દિવ્ય અક્ષરધામને પામી, સર્વ આત્માઓ કરતાં પણ પર એવા જે અક્ષરબ્રહ્મ, તેનાથી પણ પર પુરુષોત્તમનો સાક્ષાત્કાર પામે છે.
આ રીતે ઉપનિષદ અને ભગવદ્ગીતામાં બ્રહ્મવિદ્યાનું આલોચન કરીને તેને સારરૂપે સંક્ષેપમાં રજૂ કરવા વ્યાસજીએ ઇચ્છા કરી. બ્રહ્મવિદ્યાનો એ સારભૂત ગ્રંથ એટલે આપણાં બ્રહ્મસૂત્રો. ‘अथातो ब्रह्मजिज्ञासा।’ (બ્રહ્મસૂત્ર, ૧/૧/૧) એમ બ્રહ્મસૂત્રનાં શ્રીગણેશમાં જ એમણે સમગ્ર બ્રહ્મવિદ્યાને એક સૂત્રમાં ગૂંથી લીધી! અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને શબ્દમાં સામાન્યપણે પ્રયોજાયેલા ‘ब्रह्म’ શબ્દને પસંદ કરીને એમણે અક્ષર અને પુરુષોત્તમ એ બંને તત્ત્વોની જિજ્ઞાસાને મોક્ષના ઉપાય તરીકે પ્રસ્થાપિત કરી છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS