Essay Archives

જેવું વલણ જીવન માટે રાખશો, એવું જીવન તમારી સમક્ષ છતું થશે

મહાભારતમાં જીવનને ક્ષુલ્લક ગણાવવામાં આવ્યું છે ત્યારે ધર્મના માર્ગે જવાથી જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે, તેવું કહેવામાં આવે છે ત્યારે ઘણા વિચારકો સાદી ભાષામાં આપણને જીવનની વાત કરતા હોય છે.
કોઈક કહે છે કે - ‘Life is like an ice-cream, so eat it before it melts.’ ‘જીવન આઇસક્રીમ જેવું છે, તે પીગળી જાય તે પહેલાં ખાઈ લો.’ આ ભોગવાદ છે. ‘Life is like a candle, it melts but gives light to others.’ એટલે કે ‘જીવન મીણબત્તી જેવું છે, તે પીગળીને પણ બીજાને પ્રકાશ આપે છે.’ એટલે કે આ પરોપકાર છે.
‘Life is like a camera, click it; if the photo is not good then delete it and click it again.’ ‘જીવન એક કેમેરા જેવું છે. ચાંપ દાબો અને ફોટો પાડો. જો સારો ફોટો ન આવે તો તેને ડિલીટ કરીને બીજો પાડો.’ કર્મ સારું કરો. જો સારું નથી, તો તેને દૂર કરીને, નવું કરો, આ કર્મવાદ છે.
‘Life is like a box of chocolates, if one is not tasty then try another.’ એટલે કે ‘જીવન એક ચોકલેટના બોક્સ જેવું છે, એક સારી ન મળે તો બીજી ખાવ.’ જીવનમાં આ આશાવાદ છે.
હવે જે ઉદાહરણ આપું છું. શૂન્યવાદ માટે ઘણા લોકો ડુંગળીનું ઉદાહરણ આપે છે, ‘Life is like an onion, when you open one layer, there will be another layer; but after all the layers are peeled, there is nothing!’ ‘જીવન એક ડુંગળીના દડા જેવું છે, તમે તેનાં એક પછી એક પડ ખોલતાં જ જાવ પણ અંતે અંદરથી કંઈ જ ન નીકળે.’ આ શૂન્યવાદ છે.
પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે, તેટલાં મન, એટલા વિચારો, એટલી અનુભૂતિ, એટલા અભિપ્રાયો. એ રીતે જીવનમાં ભેદ અને ભિન્નતા ઊભી થાય છે. આ પૃથ્વીમાં સાત અબજ લોકો છે, તેટલાં મન છે. અને તેટલા જ જીવનના અભિપ્રાય ઉદ્ભવે છે!
જેટલી સંસ્કૃતિ છે, તેટલાં વિધિ-વિધાન, પ્રથા છે, તેટલી માન્યતાઓ છે. એક જ વાત નથી. સાઉથ અમેરિકન - માયન Mayan સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે વર્ષ-૨૦૧૨માં પૃથ્વીનો અંત આવી જવાનો છે, પરંતુ તેનું કેલેન્ડર પૂરું થઈ ગયું પણ આપણે જીવીએ છીએ. ઇજિપ્શિયન (Egyptian) સંસ્કૃતિ કહે છે કે મૃત્યુ પછી પણ જીવન છે એટલે તેઓ Mummy ‘મમી’ રાખે છે. મૃત્યુ પછી દેહને ઔષધિયુક્ત કરીને પાટાથી બાંધીને એક પેટીમાં રાખી મૂકે છે. એટલે કે જો પછીથી જીવન હોય તો તેને દેહ મળી શકે. એ જ રીતે Eskimo - એસ્કિમો કે જેઓ ઉત્તર ધ્રુવમાં રહે છે ત્યાં એક અકલ્પ્ય પ્રથા છે: જ્યારે કોઈ વૃદ્ધ માણસ બીમારીમાંથી ઊગરી શકે તેવો ન હોય ત્યારે તેને જીવતાં જ બરફની એક શિલા ઉપર સુવાડી દે છે અને તેને સમુદ્રમાં વહેતો મૂકી દે છે. વૃદ્ધ-બીમારને વહેતો મૂકી દે છે, આ તેઓની જીવનશૈલી છે.
વેનેઝુએલા-બ્રાઝિલમાં એક આદિવાસી પ્રજાતિ-મામીઝ છે, તેઓ એવું માને છે કે તમારા નજીકનાં સગાં-વહાલાં છે તેનો અંતિમસંસ્કાર કરીને તેની જે ભસ્મ બચે તે ભસ્મ સૂપમાં ભેળવીને પી જવામાં આવે તો તમારે નજીકના પ્રેમીઓનો વિયોગ સહન કરવો ન પડે.
આ રીતે જેટલી સંસ્કૃતિ, જેટલા લોકો, એટલા જીવનના ખ્યાલો બદલાતા હોય છે. હકીકતની અંદર આ જીવન ઉપર દૃષ્ટિ કરીએ ત્યારે એક સુંદર વાત આવે છે કે –
‘Life is a small journey from B to D - B(irth) to D(eath).’ એટલે કે ‘જીવન એક નાની મુસાફરી છે - B થી D સુધીની! B એટલે કે (બર્થ) જન્મથી D એટલે કે (ડેથ) મૃત્યુ સુધીની છે.’ પણ B અને D વચ્ચે શું આવે? ‘C’ આવે છે! C is for Choice પસંદગી! જીવન કેવું જીવવું તે પસંદગી આપણી! તમારું અને મારું જીવન એક યાત્રા છે. તેમાં પળે પળે પસંદગી આવે છે. આપણી પાસે એક તાકાત છે કે આપણે જીવન કેવી રીતે જીવવું? પરમ કૃપાળુ પરમાત્મા તો બધું સર્જન કરે છે, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ તો મારા અને તમારા હાથમાં જ છે. જીવન જીવવાની સ્વતંત્રતા આપે છે!
સામાન્ય રીતે માનવીના જીવનમાં પસંદગી એટલે શું? ક્યાં ફરવા જવું? કેવાં કપડાં પહેરવાં? કેવું ભોજન કરવું? આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ તો શું જોવું તેની તૈયારી ન કરીએ પણ શું જમવું તેની તૈયારી કરીએ! તીર્થયાત્રામાં પણ ક્યાં દંડવત્ કરીશું, ક્યાં માળા કરીશું અને ઉપવાસની વાત તો ભૂલી જ જઈએ છીએ!
આમ બહુધા આપણે આ જ રીતે આખેઆખું જીવન રોજબરોજની પસંદગીમાં જ ગાળી દઈએ છીએ.
હકીકતમાં આપણે એ જ સમજવાનું છે કે પસંદગી એટલે શું? Choice માટે એટલું જ કહેવાનું છે કે જીવનમાં હંમેશા જે કોઈ પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિમાં અવળું કે સવળું વલણ લેવું તે પસંદગી આપણી છે! સવળું વલણ અજમાવી શકીએ એવી આપણી પાસે તાકાત છે. ‘Choice becomes your attitude.’ એટલે કે ‘પસંદગી તમારું વલણ બની જાય છે!’
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે શું શીખવાનું છે? તે કાયમ સવળું વલણ રાખે છે! તેઓ કહે છે કે ‘જેવું વલણ જીવન માટે રાખશો, એવું જીવન તમારી નજર સમક્ષ છતું થશે.’

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS