Essay Archives

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધારસ્તંભ સમા પ્રાતઃસ્મરણીય સદ્‌ગુરુ સંતો અને તેમની વચ્ચે માળાના મેરની જેમ શોભતા મહંત સ્વામી મહારાજની ઉપરની છબિ, એક રોમાંચક ઇતિહાસ સંગ્રહીને બેઠી છે. ગુરુભક્તિ, સાધુતા અને પરસ્પર મૈત્રી-સુહૃદભાવની એક અનોખી ગાથા ગાય છે આ છબિ.
આ એ સ્થળ છે જ્યાં તા. 17-8-2016ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તા. 13-8-2016ના રોજ 95 વર્ષની વયે લાખોના જીવનપ્રાણ સમા પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે આઘાતમાં સરી પડેલા બી.એ.પી.એસ. સંસ્થાના હરિભક્તો જ નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી મહારાજના કરોડો ચાહકોના મનમાં એ સવાલ હતો કે તેમના સ્થાને હવે પછી કોણ?
પરંતુ એ સવાલ ઝાઝી ક્ષણો સુધી ટકી શક્યો નહીં.
પૂજ્ય ડૉક્ટર સ્વામીના એક વિધાન સાથે પ્રકાશિત થયેલો પ્રમુખસ્વામી મહારાજનો માત્ર પાંચ-સાત લીટીનો પત્ર સૌને પ્રતીતિ કરાવી ગયો કે, પ્રમુખસ્વામી મહારાજના સ્થાને એક ધર્મગુરુ તરીકે જ નહીં, પરંતુ તેમના સ્વરૂપ તરીકે હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સૌને શીતળ છત્રછાયા આપશે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લગભગ સાડા ચાર દાયકાઓ સુધી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુપદે બિરાજીને માત્ર બી.એ.પી.એસ. સંસ્થા જ નહીં, પરંતુ હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાનની ગરિમાને વિશ્વફલકે વિસ્તારી છે. સન 1950માં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ પદે બિરાજ્યા, ત્યારે કોઈને કલ્પના નહોતી કે 28 વર્ષની એ નાનકડી કાયામાં કેવી વિરાટ શક્તિ વ્યાપેલી છે. પરંતુ સતત 65 વર્ષ સુધી પ્રમુખ તરીકે બી.એ.પી.એસ. સંસ્થાને વૈશ્વિક પ્રતિભા-સંપન્ન નેતૃત્વ આપનાર પ્રમુખસ્વામી મહારાજની એ વિરાટ પ્રતિભાનું દર્શન કર્યાં પછી, સૌ કોઈ ઉચ્ચારતા હતાઃ વન્સ ઇન અ મિલેનિયમ. શતાબ્દીઓમાં ક્યારેક જ આવા મહાપુરુષ પ્રગટે છે. તેમના દેહવિલય પછી કેટલાયના મનમાં સવાલ થયો હશે કે શું મહંત સ્વામી મહારાજ એવી જ પ્રતિભાનું દર્શન કરાવશે? કેટલાયના મનમાં એવો પણ સવાલ હશે કે શું મહંત સ્વામી મહારાજના સમોવડિયા સમા સંસ્થાના સદ્‌ગુરુ સંતો પણ તેમના આધ્યાત્મિક ગુરુ પદને એવું જ સ્વીકારશે? જેવું પ્રમુખસ્વામી મહારાજ અને યોગીજી મહારાજ માટે સ્વીકાર્યું હતું?
પ્રથમ સવાલનો જવાબ છેલ્લાં આઠ વર્ષમાં મળી ગયો છે. બી.એ.પી.એસ.ના લાખો ભક્તોની નૈયા તેમજ વિરાટ કાર્યાેની ભાગીરથીને વહાવીને, મૌન રહીને મહંત સ્વામી મહારાજે પોતાના દિવ્ય વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. તેમની શાંત પ્રતિભાએ પ્રમુખસ્વામી મહારાજના સતત સાંનિધ્યનો અનુભવ કરાવ્યો છે.
અને સૌનાં આશ્ચર્ય વચ્ચે, મહંત સ્વામી મહારાજના ગુરુબંધુઓ કે તેમના સમોવડિયા ગણાતા સદ્‌ગુરુ સંતોએ પોતાના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી જ ગુરુભક્તિ મહંત સ્વામી મહારાજ પ્રત્યે અદા કરીને એક અનોખી ઊંચાઈનો સૌને પરિચય કરાવ્યો છે.
આમ તો, એ બધાની ઉંમર વચ્ચે બહુ નહીંવત્‌ ફર્ક છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી મહારાજની ઉંમરમાં માત્ર છ મહિનાનો ફર્ક છે, પરંતુ મહંત સ્વામી મહારાજને શિષ્યભાવે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતા ડૉક્ટર સ્વામીને નિહાળીએ ત્યારે હૃદય અહોભાવથી લળી પડે છે. એક સમયે વિદ્યાર્થી અવસ્થામાં સાથે રહેતા, સાથે ભણતા સમવયસ્ક આ મિત્રો વચ્ચેનો વિરલ ગુરુ-શિષ્ય સંબંધ અને તેમની વિરલ સાધુતા કોઈને પણ આશ્ચર્ય ઉપજાવે તેવાં છે! અન્ય સદ્‌ગુરુ સંતો અને મહંત સ્વામી મહારાજ વચ્ચે ઉંમરમાં આશરે પાંચેક વર્ષનો ફર્ક છે. 1951-1960ના દાયકામાં વિદ્યાર્થી અવસ્થામાં એ બધા યોગીજી મહારાજના સાંનિધ્યમાં સાથે રહીને જ યોગીજી મહારાજનો આધ્યાત્મિક લાભ માણતા હતા. છેલ્લાં 60 કરતાં વધારે વર્ષોથી ચાલી આવતી એ બધા વચ્ચેની આધ્યાત્મિક મૈત્રીમાં આજેય એવી ને એવી તાજગી તો છે જ, પરંતુ હવે તેમાં ગુરુભક્તિનો રંગ ઉમેરાયો છે. એ તમામ સમવયસ્ક સદ્‌ગુરુ સંતોની મહંત સ્વામી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ બી.એ.પી.એસ. સંસ્થાના વર્તુળ બહાર અનેક લોકોને આશ્ચર્ય પમાડે છે.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS