વલ્લભવિદ્યાનગર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં દર વર્ષે ચાતુર્માસ દરમ્યાન લગભગ ૧૫૦થી ૨૦૦ યુવકો ધારણાં-પારણાં, લિક્વિડ, ખટરસ વગેરે પ્રકારનાં વ્રતો ૧૫ દિવસ માટે કરતા હોય છે. જે યુવકોને છાત્રાલયમાં આવતાં પહેલાં સત્સંગ ન હોય, જેમણે કદી ફરાળી એકાદશી પણ ન કરી હોય તેવા યુવકો પણ છાત્રાલયનું પવિત્ર વાતાવરણ અને સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવને કારણે, આ કઠિન વ્રતો હોંશે હોંશે કરતાં હોય છે. સ્વામીશ્રી વિદ્યાનગરની આજુ બાજુ વિરાજતા હોય તો વ્રતની પૂર્ણાહુતિ સ્વામીશ્રીના સાંનિધ્યમાં કરવામાં આવતી હોય છે. એવા એક ચાતુર્માસની વાત છે. વિદ્યાર્થીઓના વ્રતની પૂર્ણાહુતિના સમયે સ્વામીશ્રી બોચાસણ વિરાજમાન હતા. વ્રતવાળા તમામ યુવકોને બોચાસણ લઈ જવામાં આવ્યા હતા. ઠાકોરજીનાં દર્શન કર્યાં બાદ ત્યાગવલ્લભ સ્વામીએ યુવકોને લીંબુનું શરબત આપી વ્રતનાં પારણાં કરાવ્યાં. પૂજામાં તથા વૉકિગમાં સ્વામીશ્રીનાં દર્શન કર્યા બાદ યુવકો સંતનિવાસના પ્રથમ માળની લોબીમાં ગોઠવાઈ ગયા. સ્વામીશ્રીને અલ્પાહાર દરમ્યાન જાણ કરી કે આ વ્રત કરનારા યુવકોને પારણાં કરાવી દીધાં છે અને બહાર લોબીમાં બેઠા છે. આપ લોબીમાં પધારી આશીર્વાદ આપો તો સારું.
સ્વામીશ્રી ભોજન અને મુલાકાત બાદ લોબીમાં રોસ્ટ્રમ ગોઠવેલું ત્યાં પધાર્યા. ખૂબ જ ઊલટભેર સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આશીર્વાદ બાદ સ્વામીશ્રીની ઇચ્છા હતી કે યુવકોને પ્રસાદ આપવો. એટલે મેસૂબ લાવવામાં આવ્યો. સાથેના સેવક સંતને એમ કે સ્વામીશ્રીને તકલીફ ન પડે એટલે સ્વામીશ્રી માત્ર આશીર્વાદ આપે અને મેસૂરનો પ્રસાદ અન્ય સંતો આપે. એટલે મેસૂરની ચોકી થોડે દૂર રાખેલી. યુવકો વારાફરતી સ્વામીશ્રીનાં વ્યક્તિગત દર્શન કરવા આવવા લાગ્યા. સ્વામીશ્રી પ્રસાદની રાહ જુ એ. સ્વામીશ્રીએ કહ્યું, 'પ્રસાદ લાવો.' સેવક સંત કહે, 'અમે આપી દઈશું.' સ્વામીશ્રી ભાવમાં આવી ગયા અને રોસ્ટ્રમ ઉપર હાથ પછાડી આગ્રહપૂર્વક બોલ્યા, 'પારણાં મારે કરાવવાં છે. પ્રસાદ અહીં લાવ.' તરત જ પ્રસાદ સ્વામીશ્રીની નજીક લાવવામાં આવ્યો અને સ્વામીશ્રીએ એક એક યુવકને સ્વહસ્તે પ્રસાદ આપ્યો.
જોકે યુવકોએ એવી કોઈ બહુ મોટી તપશ્ચર્યા કરી નાખી હોય એવું પણ નહોતું, પરંતુ આજના રજોગુણી વાતાવરણમાં આ કૉલેજિયન વિદ્યાર્થીઓ આવું તપ કરે છે એ સ્વામીશ્રીને મન મોટી વાત હતી. યુવકોની નાની સાધનાને પણ પોતે મોટી માની પોતાનો રાજીપો દર્શાવ્યો. છાત્રાલયના યુવકો ઉપર સ્વામીશ્રી કાયમ આવી કૃપાવર્ષા કરતા રહ્યા છે તેના અનેક પ્રસંગો છે.
સને ૧૯૮૭-૮૮ના અરસાની વાત છે. એકવારસ્વામીશ્રી વલ્લભવિદ્યાનગર છાત્રાલયમાં પધાર્યા હતા. સ્વામીશ્રીનો ઉતારો છાત્રાલયના પરિસરમાં જૂના મંદિરમાં હતો. એ બ્લોકની લોબીમાં સ્વામીશ્રી વૉકિંગ કરતા હતા. બંને તરફ યુવકો દર્શન કરતા હતા. તે વખતે છાત્રાલયના વિદ્યાર્થી મૂકેશ થાનકીએ બનાવેલા કીર્તનની બે પંક્તિઓ રજૂ થઈ :
'પ્રમુખસ્વામીની પડી ગઈ છે મીઠી નજર,
અમને તો થઈ છે સત્સંગની અસર;
નાવ ડૂબે કે તરે અમે તો બેફિકર,
અમને તો થઈ છે સત્સંગની અસર.'
છાત્રાલયના એક વિદ્યાર્થી જીતુ પટેલ (મલાવી) સ્વામીશ્રી સમક્ષ આ પંક્તિઓ રજૂ કરી રહ્યો હતો. સ્વામીશ્રીએ આ પંક્તિ સાંભળી અને તેમને પ્રેમનો ઊભરો આવ્યો. જીતુનો હાથ પકડીને બોલ્યા, 'આમ હાથ પકડી રાખજે, તો તારી નાવ ડૂબવા નહીં દઈએ.' જીતુનો હાથ એમનો એમ પકડી રાખીને સ્વામીશ્રીએ વૉકિંગ ચાલુ રાખ્યું. સ્વામીશ્રીની આ અણધારી કૃપાવર્ષાથી જીતુ ધન્ય થઈ ગયો. હવે થાનકીથી ન રહેવાયું. એના મનમાં થયું કે 'કીર્તન બનાવ્યું મેં અને લાભ આ જીતુ ખાટી જાય છે.' એટલે એ બધાની વચ્ચેથી બહાર નીકળીને સ્વામીશ્રી સાથે ચાલતાં ચાલતાં બોલ્યો, 'બાપા! આ કીર્તન તો મેં બનાવ્યું છે.' સ્વામીશ્રીએ આનંદથી હાથનું લટકું કરી એને આશીર્વાદરૂપે સ્મૃતિ આપી. પછી તેનો પણ હાથ પકડ્યો અને ચાલવા લાગ્યા. પછી તો આજુ બાજુ ઊભેલા કેટલાય યુવકો પ્રેમાવેશમાં આવી ગયા અને મર્યાદાનાં બંધન તૂટી ગયાં. બધા સ્વામીશ્રીની પાછળ નાચતાં-કૂદતાં ચાલવા માંડ્યા. જાણે પૂર્ણિમાનો ચંદ્ર જોઈને સાગર હિલોળે ચડ્યો! અદ્ભુત દૃશ્ય હતું એ! આનંદ-કિલ્લોલ, ગમ્મત કરતાં સ્વામીશ્રીએ એક-બે રાઉન્ડ લઈને વૉકિંગ પૂર્ણ કર્યું ને સ્વામીશ્રી ઉતારે પધાર્યા ને યુવકોને જીવનભરનું સંભારણું આપી દીધું.
જગતના કોઈ મહાનુભાવ પોતાના પુત્ર કે બીજાં સગાં-સ્નેહીઓ સાથે આટલી હળવાશથી મળતા જોયા નથી, જ્યારે આધ્યાત્મિકતાનાં ઉચ્ચ શિખરો સર કર્યાં પછી પણ સ્વામીશ્રી યુવકો સાથે યુવકો જેવા બની, તેમના પ્રિય સુહૃદ બની જે અદ્ભુત સ્નેહવર્ષા કરે છે તે અજોડ છે. તેને માણવી એ પણ એક ધન્યતાનો અવસર બની જાય છે.
સ્વામીશ્રીનો અમૃત મહોત્સવ ૧૯૯૫માં મુંબઈ ખાતે ઊજવાયો ત્યારે હરિભક્તો માટે ઉત્સવ બે તબક્કામાં કરવાનું નક્કી થયેલું. પ્રથમ તબક્કો તા. ૨૭-૧૧-૯૫થી તા. ૨૯-૧૧-૯૫ દરમ્યાન અને બીજો તબક્કો તા. ૨-૧૨-૯૫થી તા. ૪-૧૨-૯૫ દરમ્યાનનો હતો. પ્રથમ તબક્કામાં દેશના કેટલાક હરિભક્તો હતા અને સાથે પરદેશના તમામ હરિભક્તો હતા. અગાઉથી સ્વામીશ્રી સાથે નક્કી કર્યા મુજબ વલ્લભવિદ્યાનગર છાત્રાલયનો ત્રિદશાબ્દી મહોત્સવ તા. ૩૦-૧૧-૯૫ના રોજ મુંબઈમાં મહોત્સવ સ્થળે જ ઊજવવાનું નક્કી કરેલું. અમૃત મહોત્સવનો તા. ૨૭-૧૧-૯૫થી ૨૯-૧૧-૯૫ના પ્રથમ તબક્કાનો ઉત્સવ તા. ૨૯-૧૧ના રાત્રે લગભગ ૧૧-૦૦ વાગે પૂરો થયો. ત્રણ દિવસના ઉત્સવ દરમ્યાન હજારો હરિભક્તોએ ઉત્સવનો લાભ લીધો. આ દરમ્યાન અત્યંત વ્યસ્તતાને કારણે દેશ-પરદેશથી આવેલા ઘણા હરિભક્તોને સ્વામીશ્રી વ્યક્તિગત મળી શક્યા નહોતા. સ્વામીશ્રીને પોતાને પણ તે વાતનો રંજ હતો. પૂર્ણાહુતિની રાત્રે આશીર્વાદ દરમ્યાન તેમણે જણાવ્યું પણ ખરું કે 'બધાને મળવાની મારી ઇચ્છા છે, પણ મળી શકાયું નથી તો માફ કરશો... આપણે સાથે જ છીએ...' વગેરે બોલતાં બોલતાં તેઓ હજારોની મેદની સમક્ષ જાહેરમાં ગળગળા થઈ ગયેલા. અમૃત મહોત્સવનો લાભ લઈને હરિભક્તો બીજે દિવસે સવારે વિદાય લેવાના હતા. પરદેશથી આવેલા ઘણા હરિભક્તોને સ્વામીશ્રીને મળવાની ઇચ્છા હોય તે સ્વાભાવિક હતું ને બીજી બાજુ એ જ દિવસે સવારે ૯-૦૦ વાગ્યાથી શરૂ થતા છાત્રાલયના ત્રિદશાબ્દી સમારોહમાં સ્વામીશ્રીએ સવારે ૧૦-૦૦ વાગે પધારવાનું હતું. અમે સૌ સ્વામીશ્રીની પ્રતીક્ષામાં હતા, પરંતુ સંદેશો આવ્યો કે સ્વામીશ્રી ત્રિદશાબ્દી સમારોહમાં પધારી શકશે નહીં. થોડો ધ્રાસ્કો પડ્યો, પરંતુ સાથે સાથે મન મનાવ્યું કે પોતપોતાના ગામ જનારા ઘણા હરિભક્તોને સ્વામીશ્રીને મળવું હશે એટલે તેઓ પણ શું કરે? પરંતુ આશ્ચર્યજનક રીતે પાંચ-દસ મિનિટમાં જ ફરી સંદેશો આવ્યો કે સ્વામીશ્રી પધારે છે. સહુ યુવકોને એકદમ આનંદ આનંદ થઈ ગયો. સ્વામીશ્રી પધાર્યા. સ્વામીશ્રીએ પૂછ્યું, 'શું કાર્યક્રમ છે?' સ્વામીશ્રીને કહેવામાં આવ્યું કે 'પ્રથમ આપના આશીર્વાદ અને ત્યારપછી યુવકોને વ્યક્તિગત દર્શનનો લાભ આપવાનો છે.' સ્વામીશ્રીની કરુણાનું શું કહેવું? આટલા વ્યસ્ત હોવા છતાં સ્વામીશ્રી કહે, 'બીજો કાંઈ કાર્યક્રમ હશે તોપણ હું બેસીશ.' સ્વામીશ્રીને કીધું, 'ના, ના, બે જ કાર્યક્રમોમાં આપ લાભ આપો તે પૂરતું છે.' સ્વામીશ્રીએ ઊલટથી આશીર્વાદ આપ્યા અને છાત્રાલયના વર્તમાન તેમજ પૂર્વ વિદ્યાર્થીઓને ખૂબ ભાવભરીને મળ્યા. કેટલાક યુવકોનો વ્યક્તિગત પરિચય પણ કર્યો. અમે સૌ તેઓની આ કૃપાથી નતમસ્તક બની ગયા.
કાયમ જોયું છે કે વલ્લભવિદ્યાનગરના બી.એ.પી.એસ. છાત્રાલયના વિદ્યાર્થી-યુવકો સાથે સ્વામીશ્રીને આત્મીય નાતો રહેલો છે. છાત્રાલયના યુવકોને તેઓએ જે ખૂબ લાડ લડાવ્યાં છે, પ્રેમ આપ્યો છે તેની સ્મૃતિ કરતા એ હજારો યુવકો આજેય ગદ્ગદ થઈ જાય છે ને સ્વામીશ્રી પ્રત્યે સમર્પણભાવથી સેવા કરી રહ્યા છે.
૧૯૭૭ની સાલમાં સ્વામીશ્રી એકવાર વિદ્યાનગર શ્રી અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં પધાર્યા હતા. તે વખતે અહીં વીરમગામની બાજુ ના કાંકરાવાડી ગામનો એક કિશોર ગણેશ સિંધવ ધો.૧૦માં ભણતો હતો. ભાવિક અને સેવાભાવી આ તરુણને સ્વામીશ્રી પ્રત્યે ખેંચાણ હતું. તેણે સ્વામીશ્રીને પોતાના ગામ પધારવા વિનંતી કરી. સ્વામીશ્રીએ કહ્યું, 'એ બાજુ નો કાર્યક્રમ ગોઠવાશે ત્યારે જરૂર આવશું.'
ફૂલદોલના સમૈયા ઉપર સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. ત્યાં આગામી વિચરણનો કાર્યક્રમ પણ ગોઠવાયો. ગણેશ પણ સમૈયામાં આવ્યો હતો. તેણે સ્વામીશ્રીને પોતાના ગામમાં પધારવાનું યાદ કરાવ્યું. કાર્યક્રમ તો બીજે ગોઠવાયો હતો પણ નારાયણ ભગતને (વિવેકસાગર સ્વામી) બોલાવી સ્વામીશ્રીએ તરત જ કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાવ્યો અને કાંકરાવાડી ગામ જવાનું ગોઠવાયું.
તા. ૧-૫-૭૭ના રોજ સ્વામીશ્રી સાંજે ૭ વાગ્યે કાંકરાવાડી પધાર્યા. ગણેશના ખાસ આગ્રહથી વિદ્યાનગરથી હું અને અરવિંદભાઈ સ્વામિનારાયણ અગાઉ ત્યાં પહોંચી ગયેલા.
ધુળિયા અને ખાડાટેકરાવાળા રસ્તાને લીધે ઊડતી ધૂળના ગોટા વચ્ચે, સ્વામીશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો. ગણેશના પિતાશ્રી નાનજીભાઈના ઘરે કાચા મકાનમાં સ્વામીશ્રીનો ઉતારો હતો. ગામ નાનું. ગામમાં માત્ર એક જ પાકું મકાન હતું. લાઇટની કોઈ સગવડ નહિ કે સંડાસ-બાથરૂમની પણ સુવિધા નહિ.
નાના ફળિયામાં પેટ્રોમેક્સનાં અજવાળે સ્વામીશ્રીએ સભા કરી. સખત ગરમીના દિવસો હતા. ઇલેક્ટ્રિસિટી જ નહોતી ત્યાં પંખા તો હોય જ ક્યાંથી ? રાત્રે સૂવા માટે બાજુ ના એક મકાનનું ધાબું હતું ત્યાં ગયા અને સંતો સાથે જ નીચે ગાદલું પાથરેલું તે પર સ્વામીશ્રી સૂતા. સવારે નિત્યક્રમથી પરવારી ગામમાં પધરામણી કરી, સભા કરી જમ્યા અને બપોરે માટીના ઓરડામાં આરામ માટે પધાર્યા. તાપ કહે મારું કામ ! હવા ઉજાસ વિનાના એ ઓરડામાં સ્વામીશ્રી નિરાંતે પોઢ્યા. અમે વારાફરતી હાથ વીંઝ ણાથી સ્વામીશ્રીને પવન નાખ્યો. આવી સંપૂર્ણ અગવડોની વચ્ચે પણ તેમના મુખ પર એ જ આનંદ વર્તાતો હતો! એક નાનકડા તરુણનો ભાવ પૂરો કરવા ગામમાં કોઈ જ સત્સંગી કે કોઈ જ સુવિધા ન હોવા છતાં પ્રેમથી પધાર્યા અને જાણે ઉત્સવમાં આવ્યા હોય તેમ દરેકને ખૂબ સ્મૃતિ અને પ્રેમથી લાભ આપ્યો. યુવકોને રાજી કરવા એમણે કોઈ દિવસ સગવડ-અગવડનો વિચાર કર્યો નથી તે નજરે નિહાળ્યું છે.
સ્વામીશ્રીની વિનમ્રતા અને સરળતાની એક છબિ વર્ષો પહેલાં હૃદયમાં અંકાઈ ગયેલી છે, તે આજેય એવી ને એવી તાજી છે. આશરે ૧૯૬૭ની સાલની વાત છે. તે સમયે લીંબડી પાસે કંથારિયા ગામમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિર નિર્માણ પામ્યું હતું. અહીંના હરિભક્તો શ્રી મોડુભા વગેરે યોગીજી મહારાજને મૂર્તિપ્રતિષ્ઠા માટે ગોંડલ આમંત્રણ આપવા ગયા. યોગીજી મહારાજે તરત જ આજ્ઞા કરી કે 'પ્રમુખસ્વામી અને સંતસ્વામીને કંથારિયા લઈ જાવ.' એ રીતે પ્રમુખસ્વામી મહારાજ અને સંતસ્વામી કંથારિયા પધાર્યા. પ્રતિષ્ઠા અગાઉ ત્રણેક દિવસના પારાયણનું પણ આયોજન હતું. સવાર-સાંજ પ્રમુખસ્વામી મહારાજ અને સંતસ્વામી કથાનું પાન કરાવતા હતા.
એક દિવસ બપોરે કથા પછી પ્રમુખસ્વામી રસોડામાં પધાર્યા. દેવચરણ સ્વામી પૂરી વણતા હતા. પણ પૂરી તળનાર કોઈ નહોતું. પ્રમુખસ્વામીએ આ જોયું અને તરત જ તેલના એક ખાલી ડબ્બાને ઊંધો કરી તે પર બેસી ગયા અને પૂરી તળવા લાગ્યા. બીજે દિવસે જેમના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થવાની હતી, એ સ્વામીશ્રી આજે ભક્તો માટે પૂરી તળતા હતા ! ન કોઈ પ્રમુખ તરીકેનો અહંભાવ ! ન કોઈ કથાકાર તરીકેનું માન ! આવા સદા સેવકભાવે વર્તતા સ્વામીશ્રીને નિહાળ્યા. તે વખતે તો હું યુવક હતો છતાં તેમના આ વર્તનની છાપ હૃદયમાં ઊંડી કોતરાઈ ગઈ, જે આજે દાયકાઓ પછી પણ એવી ને એવી પ્રબળ રહી છે.