Essays Archives

જ્ઞાન અને કર્મનો સહભાવ

આપણે આગળ જોયું તેમ 'र्इशा वास्यम् इदं सर्वम्' જેવા શબ્દો આપણી સમજણને સુધારે છે. અને 'कुर्वन्नेवेह कर्माणि' જેવા શબ્દો એવી સમજણ સાથે કર્મો કરતાં રહેવાની હિતકારી સૂચના આપે છે. જીવનમાં આવી સમજણ પૂર્વકનાં જ કર્મો સાચી સફળતામાં પરિણમે છે. એમ બંને મંત્રો ભેગા કરીએ એટલે તારણ નીકળે છે. તેથી જ હવે અહીં જ્ઞાન અને કર્મના સહભાવનું સ્પષ્ટ પ્રતિપાદન છ મંત્રોમાં કરવામાં આવ્યું છે તેનો સાર સમજીએ.

'અંધપંગુ ન્યાય'નો આધાર લેવાથી આ વાત ચોખ્ખી સમજાશે. એક માણસ દેખી શકે છે, પણ પાંગળો છે એટલે ચાલી શકતો નથી. બીજો ચાલી શકે છે, પણ અંધ છે એટલે જોઈ શકતો નથી. બંને ભેગા થાય તો કામ પાર પડે. આને 'અંધપંગુ ન્યાય' કહેવામાં આવે છે. એવું અહીં જ્ઞાન અને કર્મનું છે. એકલું કર્મ આંધળું છે. એકલું જ્ઞાન પાંગળું છે. બંનેને એકબીજાની જરૂર છે. બંનેનો સુભગ સમન્વય થાય તો જ મુક્તિનો આનંદ મળે. આમ, અહીં પ્રમાદ અને અજ્ઞાન બંને ટાળવાની વાત છે.

તેથી જ જે લોકો કેવળ લૌકિક કર્મમાં જ રચ્યા-પચ્યા રહે છે, પોતાનાં કર્મોમાં બ્રહ્મ અને પરબ્રહ્મના જ્ઞાનને ભેળવતા નથી અથવા તો જેઓ કેવળ શાસ્ત્રજ્ઞાનની શુષ્ક ચર્ચાઓમાં જ રમમાણ રહે છે, પરમાત્માની પ્રસન્નતા અર્થે કોઈ પણ પ્રકારનું કર્મ જ નથી કરતા, દેહાભિમાની થઈને ખોટા જ્ઞાનનો આડંબર લઈ ફર્યા કરે છે, એવા પરસ્પર વેરવાળા અંધ-પંગુઓની સખત શબ્દોમાં અહીં ઝ ëટકણી કાઢી છે. શબ્દો આવા છે : 'अन्घं तमः प्रविशन्ति येऽविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૯).

विद्या શબ્દ અહીં જ્ઞાન માટે અને अविद्या શબ્દ જ્ઞાનથી ભિન્ન એવાં કર્મ માટે વપરાયો છે, તેથી 'વિદ્યા અર્થાત્ પૂર્વે કહેલા જ્ઞાનને પ્રાપ્ત કર્યા વગર કેવળ કર્મનું જ આચરણ કરનારા લોકો મહામાયાના ગાઢ અંધકારમાં જાય છે. અને વળી જેઓ કેવળ જ્ઞાનની જ વાતો કર્યા કરીને સેવા-પરિચર્યા વગેરે કોઈ કર્મ કરતા નથી તે તો તેથી પણ વધુ ગાઢ અંધકારમાં ધકેલાય છે.' એવો આ મંત્રનો ભાવાર્થ છે.

હા, તેની સામે જેઓના જીવનમાં જ્ઞાન અને કર્મનો સપ્રમાણ સમન્વય સધાયો છે, બંનેનો મહિમા ઘૂંટાયો છે, તેમના માટે આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે 'विद्यां चाऽविद्यां च यस्तद् वेदोभयं सह। अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥' 'જેના જીવનમાં જ્ઞાન અને કર્મનો સહભાવ છે. તેઓ મૃત્યુને તરે છે કહેતાં અમૃતત્વને પામે છે.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૧)

આમ, જ્ઞાન અને કર્મ એકબીજાનાં વેરી નથી પણ પૂરક છે. એવો બોધ આપણને પ્રાપ્ત થાય છે.

હવે આ ઉપનિષદમાં સમાયેલી કેટલીક દિવ્ય પ્રાર્થનાઓ વિષે જાણીએ.

દિવ્ય અને નમ્ર પ્રાર્થનાઓ

'र्इशा वास्यम् इदं सर्वम्’ કે પછી 'कुर्वन्नेवेह कर्माणि' જેવા સનાતન સિદ્ધાંતો સાંભળી મુમુક્ષુ તે પામવા તત્પર થઈ ઊઠ્યો. આ ધ્યેયોને સરળતાથી પાર પાડવા તેને સાચો અને શ્રેષ્ઠ ઉપાય સૂઝયો : પ્રાર્થના ! પ્રાર્થના એટલે વિનમ્ર શરણાગતનો આર્તનાદ.
આ રહ્યા એ શબ્દો

૧. સત્યનું મુખ ઉઘાડો — तत् त्वं पूषन्नपावृणु

'हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत् त्वं पूषन्नपावृणु सत्यघर्माय दृष्टये॥' — 'હે સર્વનું પોષણ કરનાર પરમાત્મા ! સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. આપ તેને દૂર કરો જેથી હું એ સત્યધર્મોનો અનુભવ કરી શકું.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૫).
હિરણ્ય એટલે સુવર્ણ. સુવર્ણ જેમ આકર્ષે છે, વાસના વધારે છે. તેવી જ માયા છે. તેથી અહીં હિરણ્મય પાત્ર તરીકે માયાને કહી છે. સત્ય શબ્દથી સત્યસ્વરૂપ આત્મા, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મનો બોધ કરાવ્યો છે. મુખશબ્દનો સ્વરૂપ એવો અર્થ થાય છે.
મુમુક્ષુ કહે છે : 'હે પ્રભુ! અનાદિ કાળથી માયાના મોહામણા આવરણે સત્ય એવા મારા આત્માના સ્વરૂપને ઢાંકી દીધું છે. એટલે મારા આત્મામાં રહેલા સત્ય એવા આપ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ મારા માટે એ પડદા પાછળ રહી ગયા છો. પરિણામે 'र्इशा वास्यम् इदं सर्वम्'ની ભાવના કઈ રીતે અનુભવીશ? જ્યાં પોતાના જ સ્વરૂપનું અજ્ઞાન હોય, બ્રહ્મ-રૂપતાનું ભાન ન હોય અને સાચા અર્થમાં પરમાત્માને પિછાણ્યા ન હોય ત્યાં સર્વત્ર પરમાનંદ અનુભૂતિની વાત જ ક્યાંથી હોઈ શકે? પરંતુ હે પ્રભુ! મારે ખરેખર આ બધું અનુભવવું છે. તો આપ એ સત્યના સ્વરૂપને ઉઘાડું કરો. મને એ સત્યધર્મોનો સાક્ષાત્કાર કરાવો.'
આમ એક પ્રાર્થના કરી. હવે બીજી પ્રાર્થના કરે છે.

૨. 'આ બ્રહ્મ તે હું બનું!' — योऽसावसौ पुरुषः सोऽहमस्मि।

પુરુષોત્તમનો સાક્ષાત્કાર પામનારને અક્ષરના સાક્ષાત્કારની ભૂમિકા પ્રાપ્ત કરવી પડે. જે અક્ષરરૂપ થાય તે જ પુરુષોત્તમને પામી શકે. આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને મુમુક્ષુ પ્રાર્થે છે : 'यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि' — 'હે પરમાત્મન્! આપનું જે કલ્યાણમય સ્વરૂપ છે તેને હું જોવા ઇચ્છુ _ છુ _.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૬). પણ જો હું બ્રહ્મભાવ નહીં પામ્યો હોઉં તો આપ તે મને દેખાડશો તોય મને સાચો આનંદ નહીં મળે. માટે હે દયાળુ! 'योऽसावसौ पुरुषः सोऽहमस्मि' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૬) પુરુષ શબ્દ અહીં અક્ષરબ્રહ્મ માટે છે. તો 'દિવ્ય અક્ષરધામમાં જે આ આપની સમીપમાં પુરુષાકાર અક્ષરબ્રહ્મ (આપના સેવકરૂપે) રહ્યા છે તે હું છુ _, કહેતાં એ અક્ષરબ્રહ્મ મારું સ્વરૂપ છે' એવી સમજણ આપ મને દૃઢ કરાવો.

૩. મને ભૂલશો નહીં — ॐ क्रतो स्मर

ફરી મુમુક્ષુ પ્રાર્થે છે : 'अमृतमथेदं भस्मान्तमिदं शरीरम्' — 'હે પ્રભુ! આ શરીર નાશવંત છે અને આત્મા જ અમર છે.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૭)
આ નાશવંત શરીરથી મેં જે કોઈ સેવામય કાર્યો આપની પ્રસન્નતાર્થે કર્યાં છે તેને આપ ભૂલશો નહીં. આપ મને પણ ભૂલશો નહીં, કારણ હું આપનો છુ . તેથી મને અને મારી સેવાને સંભારી રાખજો. 'ॐ क्रतो स्मर! कृतं स्मर!' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૭)

૪. આપને નમસ્કાર હોં! — ते नमउक्तिं विघेम

અંતે નમ્રતા ઝળહળી ઊઠી, મુમુક્ષુ નમી પડ્યો, આર્તનાદ થયો — 'अग्ने नय सुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान्। युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नमउक्तिं विघेम॥' — 'હે પ્રભુ! અધ્યાત્મના દિવ્ય માર્ગે અમને લઈ જાવ. આપ તો સર્વજ્ઞ છો. માયાને જીતવાના ઉપાયો આપ સારી પેઠે જાણો છો, તે અમને બતાવો. માયા સામે જંગ છેડી શકીએ તેવી શક્તિ અમને આપો અને આપ જ અમને વિજયી બનાવો. હે અક્ષરાધિપતિ! આપને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો.' (ઈશાવાસ્ય ઉપનિષદ : ૧૮)
નમ્રતા! શરણાગતિ! આ ઉપનિષદમાં જે કાંઈ કહેવાયું તેને આત્મસાત્ કરવા નમ્ર બનવું પડશે. પ્રત્યક્ષ નારાયણના સ્વરૂપની શરણાગતિ લેવી પડશે. બીજો કોઈ આરો નથી. એમ છેલ્લે છેલ્લે શીખવી દીધું.
આમ, આ ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણને બ્રહ્મ અને પરબ્રહ્મના પ્રશાસનનો, તેમની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. વિષયભોગમાં ત્યાગનો મહિમા સમજાય છે. કર્મયોગનું રહસ્ય શીખવા મળે છે. જીવનમાં જ્ઞાન અને કર્મના સમન્વયની અગત્યતા સમજાય છે અને નમ્રતા ભરી પ્રાર્થનાઓનું મહત્ત્વ જાણવા મળે છે. અસ્તુ.  


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS