Essays Archives

સન 2007ની દિવાળી બાદ એક મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ હતો. ઘનશ્યામપ્રસાદદાસ સ્વામી અને મને કેટલા હરિભક્તોની રસોઈ કરશો? વગેરે બધું જ સ્વામીશ્રીએ પૂછી લીધું. પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર ગામને જમાડવાનું હતું, એટલે કેવી રીતે વ્યવસ્થા કરશો? તે બધું પણ સ્વામીશ્રીએ પૂછી લીધું. ગામમાં રહેલા દલિતોને જમાડવાની શું વ્યવસ્થા કરી છે? એ પણ પૂછ્યું. સ્વામીશ્રી આવું પૂછશે એ અમને ખ્યાલ જ નહોતો. પણ, એટલું યાદ હતું કે ધંધૂકામાં મંદિરની પ્રતિષ્ઠા થઈ તે સમયે પણ સમગ્ર ગામને જમાડ્યું હતું. આખા ગામને જમાડતી વખતે દલિત ભાઈઓની વ્યવસ્થા સ્વામીશ્રીએ કરાવી હતી. એ મને ખ્યાલ હતો. એટલે મેં વિચાર્યું નહોતું, પણ એના અનુસંધાનમાં કંઈક વાત કરી. પરંતુ સ્વામીશ્રીએ તો એમનો પ્રશ્ન આગળ લંબાવ્યોઃ ‘ગામના મુસલમાન ભાઈઓનું શું?? એને પણ આપણે બુંદી અને ગાંઠિયાનાં પડીકાં આપવાં.’
કેટલું સૂક્ષ્મતાથી સ્વામીશ્રી વિચારી શકે છે! અમે સ્તબ્ધ થઈ ગયા.
એક વખત બોચાસણમાં એક અગત્યની મીટિંગ ચાલતી હતી ત્યાં જ ધર્મચરણદાસ સ્વામીએ આવીને કહ્યું કે ‘સુરેશભાઈ શેલત દર્શને આવ્યા છે.’ સ્વામીશ્રીએ કહ્યું, ‘વેદજ્ઞ સ્વામીને કહો કે તેમને બેસાડે અને પાણી વગેરેની વ્યવસ્થા કરે.’ આ વાત સાંભળીને ધર્મચરણદાસ સ્વામી ગયા. એ પછી તરત જ સ્વામીશ્રીએ મને તેમને પાછો બોલાવવા મોકલ્યો. ધર્મચરણદાસ સ્વામી આવ્યા એટલે સ્વામીશ્રી કહે, ‘તમે એક પ્રસાદનું બોક્સ પણ તેમના માટે તૈયાર રાખજો.’
આ વાતચીત પૂર્ણ થઈ ત્યાં વેદજ્ઞદાસ સ્વામી આવ્યા. પુનઃ સ્વામીશ્રીએ બધી સૂચનાઓ શરૂ કરી દીધીઃ ‘તેમને બેસાડજો, પાણી-શરબત પાજો, જમાડજો, પ્રસાદનું બોક્સ તૈયાર રાખજો.’ વળી, કૃષ્ણવલ્લભદાસ સ્વામીને પણ તે અંગે જણાવી દેવા કહ્યું. ત્યારબાદ ઘનશ્યામપ્રસાદદાસ સ્વામીને પણ આ જ પ્રકારની સૂચનાઓ આપી.
આટલી બધી સૂક્ષ્મ સૂચનાઓ સાંભળીને બ્રહ્મવિહારીદાસ સ્વામીએે કહ્યું, ‘બાપા! આપ તો ગુરુપદે બિરાજો છો, ને સંસ્થાના પ્રમુખ છો, આપને પણ ખબર છે કે આ સંતો હરિભક્તોની સરભરા કરવાનું જાણે છે. તો પછી આટલી બધી સૂચનાઓ શા માટે?’
આ વાત સાંભળીને સ્વામીશ્રી એકદમ જ ઠાવકાઈથી બોલ્યા, ‘મારી સેવા થઈ જાય ને!’
અહર્નિશ સેવામય સ્વામીશ્રીના આવા પ્રત્યેક પ્રસંગમાં એમના નિઃસ્વાર્થ વાત્સલ્યનો જાદુ અનુભવાય છે, અને ‘હેત તો કરે છે એવું, અનંત જનની જેવું...’ પંક્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.

- સાધુ વિવેકનિધિદાસ

સન 1995માં મુંબઈ ખાતે સ્વામીશ્રીનો અમૃત મહોત્સવ ઊજવાયો તે વખતે સ્વામીશ્રીના ઉતારામાં સ્વાગતકક્ષની મને સેવા મળેલી. તે વખતે સ્વામીશ્રીના ઉતારાની બહાર શોભા માટે અમે ચાર સફેદ સસલાં લાવ્યાં હતાં. દિવસ દરમ્યાન બહારની લોનમાં ફરે-ચરે અને રાત્રે સ્વામીશ્રી તેઓની મોજડી ઉતારે તે જગ્યાએ ખૂણામાં લપાઈને બેઠાં હોય.
ઉત્સવ દરમ્યાન એક સવારે ઉતારા બહારની લોનમાં હું બેઠો હતો. બાજુમાં સસલાને રમતાં જોઈ લાગ્યું કે ચારમાંથી ત્રણ સસલાં કૂદાકૂદ અને કિલ્લોલ કરી રહ્યાં છે. પરંતુ એક સસલું એક બાજુ બેસી રહે છે. આવું કેમ થયું હશે? હું વિચાર કરી રહ્યો હતો, તે જ સમયે પાછળથી એક વ્યક્તિએ આવીને મને પૂછ્યું કે ‘કયું સસલું બીમાર છે?’ આ સાંભળી હું ચમક્યો કે આમને કોણે કહ્યું કે સસલું બીમાર છે? સફાળા મેં પૂછ્યું કે તમને કેમ ખબર પડી કે સસલું બીમાર છે? કેમ કે રાત દિવસ સાથે તો અમે અહીં રહીએ છીએ!
તે વ્યક્તિ મને કહે, ‘આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના અલ્પાહાર દરમ્યાન તેમની સમક્ષ આ મહોત્સવના મેડિકલ વિભાગનું રિપોર્ટિંગ કરવાનું હતું. તેમાં બધા જ સ્વયંસેવક ડોક્ટરો વચ્ચે એક માત્ર વેટરનરી ડોક્ટર તરીકે હું પણ ઉપસ્થિત હતો. રિપોર્ટિંગ દરમ્યાન મારી ઓળખાણ સ્વામીશ્રી સમક્ષ અપાઈ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અહીં બહાર એક સસલું બીમાર લાગે છે, તો તમે તેની દવા કરજો. એટલે હું દવા કરવા આવ્યો છું.’
આ સાંભળી મને થયું કે મહોત્સવમાં ઊમટતી રોજની લાખો વ્યક્તિ અને અસંખ્ય મહાનુભાવોની વચ્ચે આવા પામર સસલા જેવા જીવની પણ સ્વામીશ્રી ખબર રાખે છે! આવા મહાપુરુષના શરણે આપણે આવ્યા છીએ અને તેઓના જ થયા છીએ તો આપણે ક્યાં કોઈ ચિંતા કરવાની રહી...!!


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS