ગીતામાં મનુષ્યવિગ્રહધારી અક્ષરબ્રહ્મ
જીવતાં જીવન મોહમુક્તિનો અહેસાસ થવો જોઈએ એ ગીતાનું તાત્પર્ય છે. મોહમાયાની શક્તિ જેવી તેવી નથી. અર્જુન જેવા મહારથીને પણ તે પરાજય પમાડી શકે છે. 'कृपया परयाविष्टः'(ગીતા ૧/૨૮), 'कृपयाविष्टम्'(ગીતા ૨/૧) વગેરે શબ્દોમાં પાર્થની મોહપરવશતા પિછાણી શકાય છે. તેના વિષાદ અને આક્રંદનાં મૂળ પણ આ મોહમાં જ ધરબાયાં હતાં. અર્જુન મોહમાયાથી ઘેરાયો હતો એટલે ખેદ કરતો હતો, રડતો હતો. ભગવાન શ્રીકૃષ્ણ આ હકીકત તુરંત પામી ગયા. હવે તેઓએ એક કુશળ ચિકિત્સકની શૈલીએ પાર્થનો વિચાર કર્યો. અત્યારે ભલે અર્જુન આવી કષ્ટમય દશાથી પીડાતો હોય, પરંતુ તેની સ્વસ્થ દશાનું ભવિષ્ય પણ તેઓએ કલ્પી લીધું. તેઓ પાર્થને આ મોહમાયાની બેડીમાંથી છોડાવવા ઇચ્છે છે. તેના વિષાદને ટાળવા ઇચ્છે છે. તેને પ્રસન્ન જોવા ઇચ્છે છે. અને એટલે જ તેમણે અર્જુનનું ઓસડ વિચારી લીધું. જે રસાયણની ઊણપને લીધે અર્જુનને આ મોહવ્યાધિની ઉપાધિ આવી પડી તે રસાયણનો ખ્યાલ પણ તેમને આવી ગયો. આ રસાયણ એટલે 'બ્રાહ્મી સ્થિતિ'.
બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. અક્ષરબ્રહ્મની જીવનશૈલી. અર્જુન આવી બ્રાહ્મી સ્થિતિને પામ્યો ન હતો. તેની જીવનશૈલી અક્ષરબ્રહ્મ જેવી ન હતી. પરિણામે મોહે ભરડો લઈ લીધો. દુઃખના દરિયામાં ડુબાડી દીધો. નિર્વીર્ય બનાવી દીધો. હવે તેણે બ્રાહ્મી સ્થિતિનાં ઓસડ પીધાં વગર છૂટકો ન હતો. અર્જુનનું જીવન જો અક્ષરબ્રહ્મ જેવું બને, તેનાં વર્તન અને વિચારો અક્ષરબ્રહ્મ જેવા બને તો તેનો વિષાદ ટળે, પ્રસન્નતા પ્રાપ્ત થાય અને મોહમાયાથી તેનો છુ ટકારો થાય એમ શ્રીકૃષ્ણની ભાવના છે. ભગવદ્ગીતાના અંતમાં આ ભાવના શબ્દાંકિત થઈ છે. શ્રીકૃષ્ણ કહે છે-'ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति' અર્થાત્ જે વ્યક્તિ બ્રહ્મભાવ પ્રાપ્ત કરે, કહેતાં બ્રહ્મરૂપ થાય તે પ્રસન્નાત્મતાને પામે છે. તેને ક્યારેય શોક થતો નથી. તેને કોઈ વાસના રહેતી નથી. (ગીતા ૧૮/૫૪)
આથી જ આ બ્રહ્મના ભાવને એટલે કે બ્રહ્મની સ્થિતિને અર્જુન સારી રીતે સમજી શકે તે રીતે શ્રીકૃષ્ણ ભગવાને તેને ગીતાના આરંભથી લઈને અંત સુધી વારંવાર અક્ષરબ્રહ્મના ગુણવૈભવનો ઉપદેશ કર્યો છે. બીજા અધ્યાયનો દાખલો લઈએ.
एषा ब्राह्मी स्थितिः - પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મની જીવનશૈલી
'एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति। स्थित्वास्याम् अन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृत्व्छति॥' (ગીતા ૨/૭૨) દ્વિતીય અધ્યાયનું સમાપન ઉપરોક્ત શબ્દોથી થયું છે. શ્રીકૃષ્ણ કહે છે - 'હે પાર્થ! આ (મેં તને જે અત્યારે કહી તે) અક્ષરબ્રહ્મની સ્થિતિ છે. આ સ્થિતિને પામીને કોઈ મોહ પામતો નથી. જો કોઈ અંતકાળે પણ આ સ્થિતિને પામે તો તે બ્રહ્મનિર્વાણ કહેતાં મોક્ષને પામે.'
'एषा ब्राह्मी स्थितिः' એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાને અહીં એક પ્રકરણનો ઉપસંહાર (ફક્ત ત્રણ જ શબ્દોમાં) કર્યો છે. પ્રકરણ છે સ્થિત-પ્રજ્ઞતાનું. 'स्थितप्रज्ञस्य का भाषा समाघिस्थस्य केशव। स्थितघीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्॥' હે કેશવ! સમાધિમાં સ્થિર થયેલ સ્થિતપ્રજ્ઞ મનુષ્યનું શું લક્ષણ છે? તે સ્થિરબુદ્ધિવાળો મનુષ્ય કેવું બોલતો હોય? કઈ રીતે બેસતો હોય? કઈ રીતે ચાલતો હોય? (ગીતા ૨/૫૪) એમ સ્થિતપ્રજ્ઞતા વિષયે પાર્થે જિજ્ઞાસા વ્યક્ત કરી. ભગવાન શ્રીકૃષ્ણે અધ્યાયના અંત સુધી સવિસ્તર સ્થિતપ્રજ્ઞ પુરુષનાં લક્ષણો સમજાવ્યાં અને 'एषा ब्राह्मी स्थितिः' કહીને તે બધાં જ લક્ષણોને એક જ વાક્યમાં સમાવી ઉપસંહાર કર્યો. બ્રહ્મનાં લક્ષણોને જ સ્થિતપ્રજ્ઞતાના આદર્શ તરીકે દર્શાવી દીધાં. કયાં હતાં એ લક્ષણો? તો 'प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान्। आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोत्व्यते॥' (ગીતા ૨/૫૫) અર્થાત્ જેને લૌકિક કામનાઓ ન હોય, જે આત્મામાં રહેલા પરમાત્મા વડે જ સંતુષ્ટ હોય તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય. વળી, 'दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। वीतराग-भयक्रोघः स्थितघीर्मुनिरुत्व्यते॥'(ગીતા ૨/૫૬) અર્થાત્ જેનું મન દુઃખના પ્રસંગોમાં ઉદ્વિગ્ન ન થતું હોય. સુખના પ્રસંગોમાં કોઈ સ્પૃહા ન હોય. જેમાં રાગ, ભય કે ક્રોધ ન હોય તેવા મુનિને સ્થિતપ્રજ્ઞ કહેવાય. વળી, જે 'सर्वत्रानभिस्नेहः' (ગીતા ૨/૫૭) કહેતાં સર્વત્ર આસક્તિ રહિત હોય. તથા 'यदा संहरते चायं कूर्मोङ्गानीव सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता॥' (ગીતા ૨/૫૮) અર્થાત્ કાચબો જેમ પોતાનાં અંગો સંકેલી લે છે તેમ જે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી શકે તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. વળી, આ રીતે ઇન્દ્રિયો વશ કરી જે 'मत्परः' (ગીતા ૨/૬૧) કહેતાં પરમાત્મ-પરાયણ રહેતો હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો વગેરે. આમ કહી અંતે 'एषा ब्राह्मी स्थितिः' (ગીતા ૨/૭૨) કહીને આ બધાંય લક્ષણોને ત્રણ શબ્દોમાં સમાવી લીધાં.
અહીં એક વાત વિચારવા જેવી છે. અર્જુને અહીં જ્યારે કોઈ જીવંત વ્યક્તિને સ્થિતપ્રજ્ઞતાના આદર્શ તરીકે જોવા ઇચ્છા વ્યક્ત કરી છે ત્યારે સાક્ષાત્ અક્ષરબ્રહ્મની સ્થિતિને જ તેમણે અર્જુન સામે ઉદ્ઘાટિત કરી દીધી. આનો અર્થ એ થયો કે અક્ષરબ્રહ્મ પોતે પણ આ લોકમાં આવે છે. આપણી સૌની વચ્ચે રહે છે. અને ઉપર કહ્યા પ્રમાણેનાં લક્ષણો પોતાના જીવનમાં દર્શાવી મુમુક્ષુઓને આધ્યાત્મિક જીવનનો સાચો આદર્શ પૂરો પાડે છે. હવે જો અક્ષરબ્રહ્મ આ મનુષ્યદેહ ધારી આ લોકમાં આવતા જ ન હોય તો પછી સુખ-દુઃખમાં સ્થિરતા વગેરે જે લક્ષણો પૂર્વે કહ્યાં તેને 'एषा ब्राह्मी स्थितिः' એમ કઈ રીતે કહી શકે? માટે ગીતાનું આ વચન આપણને પ્રગટ અક્ષરબ્રહ્મ જેવું જીવન જીવવાનો રાહ ચીંધે છે.
પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ - જીવંત ગુણાતીતપણું
ચૌદમો અધ્યાય પણ આ સંદર્ભે યાદ કરવો જોઈએ. તે અધ્યાયમાં માયાના ત્રણ ગુણો સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનું સવિસ્તર નિરૂપણ થયું છે. વળી, આ ત્રણ ગુણથી પર ગુણાતીત થવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ત્યાં પણ અર્જુને 'कैíलङ्गैस्त्रीन् गुणान् एतान् अतीतो भवति प्रभो। किमाचारः कथं चैतांस्त्रीन् गुणान् अतिवर्तते॥'(ગીતા ૧૪/૨૧) આ શબ્દો ઉચ્ચારી કોઈ જીવંત વ્યક્તિમાં જ ગુણાતીત-સ્થિતિને જોવા ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારે ત્યાં પણ પૂર્વે દ્વિતીય અધ્યાયમાં કહેલી બ્રાહ્મી સ્થિતિને જ ગુણાતીત-સ્થિતિ તરીકે ફરી યાદ કરી છે. અને અંતે કહ્યું પણ ખરું કે - 'स गुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते॥' (ગીતા ૧૪/૨૬) અર્થાત્ માયાના આ ત્રણ ગુણોથી પર થઈ ભગવાનનો ભક્ત બ્રહ્મની સ્થિતિને પામે છે. હવે જો અક્ષરબ્રહ્મ મનુષ્યરૂપે અવતરતા હોય તો જ ઉપરોક્ત ગુણાતીત-સ્થિતિ પોતાનામાં દર્શાવી મુમુક્ષુઓનો આદર્શ બની શકે. પરંતુ અક્ષરબ્રહ્મ જો આ લોકમાં અવતરતા જ ન હોય તો અહીં 'ब्रह्मभूयाय कल्पते' એમ કહેવાની જરૂર શી હતી? આથી ગીતાનાં આ વચનો મનુષ્યરૂપે વિચરતા અક્ષરબ્રહ્મને જ આપણી પરમ સિદ્ધિના એક માત્ર આદર્શ તરીકે સ્થાપિત કરે છે.
અક્ષરબ્રહ્મ આવા અનંત ગુણોથી નિરંતર સભર ભર્યા હોય છે એટલે જ તો 'अहं ब्रह्मास्मि, अयमात्मा ब्रह्म'ï વગેરે શ્રુતિશબ્દો આપણને તેમની સાથે એકતા સાધવાનો ઉપદેશ વારંવાર કરે છે.
આમ, ભગવદ્ ગીતાપણ નરતનુધારી અક્ષરબ્રહ્મને જ આગળ ધરીને અધ્યાત્મનાં સર્વોચ્ચ શિખરોનું દર્શન કરાવે છે. હવે આ અંગે બ્રહ્મસૂત્રનો અભિપ્રાય જાણીએ.
બ્રહ્મસૂત્રોમાં નરતનુધારી અક્ષરબ્રહ્મ
બ્રહ્મસૂત્ર મહર્ષિ વેદવ્યાસે લખેલો ગ્રંથ છે. આ ગ્રંથ વૈદિક સનાતન સિદ્ધાંતોને પુષ્ટિ આપે છે. ઉપનિષદો તથા ભગવદ્-ગીતામાં પ્રતિપાદિત થયેલ મનુષ્યદેહધારી અક્ષરબ્રહ્મનો મહિમા બ્રહ્મસૂત્રોમાં પુનઃ સયુક્તિક પ્રસ્થાપિત થયો છે. તૃતીય અધ્યાયમાં આવેલ તૃતીય પાદમાં, 'आत्मगृहीत्यघिकरणम्' નામના પેટા પ્રકરણમાં તેમણે પ્રત્યક્ષ ગુરુહરિરૂપે વિચરતા અક્ષરબ્રહ્મ સંગાથે આત્મબુદ્ધિ કરવાના સનાતન સિદ્ધાંતને ચાર સૂત્રો રચી સુપેરે પુષ્ટિ આપી છે. (બ્રહ્મસૂત્ર ૩/૩/૧૫થી૧૮). વળી, ત્યાર પછી તરત જ આવતાં 'सम्बन्घाघिकरणम्' નામના પેટા પ્રકરણમાં એ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ સિવાય બીજે ક્યાંય આત્મબુદ્ધિ ન કરવાના સિદ્ધાંતને બીજાં ચાર સૂત્રો રચી પુષ્ટિ આપી છે. (બ્રહ્મસૂત્ર ૩/૩/૧૯થી૨૨)
આમ, ઉપનિષદો, ભગવદ્ ગીતાતથા બ્રહ્મસૂત્ર અર્થાત્ પ્રસ્થાનત્રયી જેવાં ભારતવર્ષના પરમ પ્રમાણભૂત શાસ્ત્રો આપણને નરતનુધારી અક્ષરબ્રહ્મનો પરિચય કરાવે છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ આ સનાતન સિદ્ધાંતને પોતાના ઉપદેશોમાં દૃઢાવ્યો છે. તેમણે કહ્યું - 'ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. આમ સમજવું અને બીજાને પણ એમ વાત કરવી...' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૧)
ઉપસંહાર
આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા અને પોતાની સાથે તેમના જ અખંડધારક મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ શ્રીગુણાતીતાનંદ- સ્વામી મહારાજને લઈ આવ્યા. અને આ ગુણાતીતાનંદસ્વામી તો સાક્ષાત્ અક્ષરબ્રહ્મ છે એમ સ્વામિનારાયણ ભગવાને પોતે જ જ્યારે તેમની ઓળખાણ કરાવી ત્યારે શાસ્ત્રોમાં પરોક્ષપણે લખાયેલ શબ્દોનો અર્થ સત્સંગ સમુદાયને પ્રત્યક્ષ થયો. આથી જ જે કોઈએ તેમનો દૃઢ પ્રસંગ કર્યો તેઓને સિદ્ધિનાં ગૂઢ રહસ્યો સમજાઈ ગયાં. એ પ્રત્યક્ષ બ્રહ્મ સાથે જોડાઈને પોતે પણ સ્થિતિની પરાકાષ્ઠાને પામ્યા. બ્રહ્મરૂપ થયા. પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજ્યા. તેમના અનન્ય ઉપાસક બન્યા. જેમણે તેમનું 'આ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ છે' એવા અલૌકિક ભાવથી દર્શન કર્યું તેમને આધ્યાત્મિકતાનાં સર્વોચ્ચ શિખરનાં દર્શનની અનુભૂતિ પણ થઈ. ઇતિહાસના અનેક દાખલાઓ અહીં સાક્ષી છે.
વળી, આપણા સૌ માટે પરમ આનંદની વાત તો એ છે કે એ જ અક્ષરબ્રહ્મ આજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ રૂપે આપણા સૌની વચ્ચે વિચરી રહ્યા છે. આપણને એમના દિવ્યજીવનનો અનુભવ કરાવી રહ્યા છે. બ્રાહ્મી સ્થિતિના આદર્શો શીખવી રહ્યા છે. આવો, આ પ્રગટ અક્ષરબ્રહ્મને શરદપૂર્ણિમાના શુભ અવસરે વંદન કરીએ. 'ॐ श्रीप्रत्यक्षाक्षरब्रह्मणे श्रीप्रमुखस्वामिमहाराजाय नमो नमः॥' અસ્તુ.