Essays Archives

વિચિત્ર ઘેલછાને વળગી, એને સાચો આદર્શ માની ઝઝૂમ્યા કરતા માનવીના હાથમાં ફૂલ નહીં પણ કાંટા જ આવે છે. એ કાંટા એના રોમ રોમમાં ભોંકાયા કરે છે, પીડા આપ્યા કરે છે. તેના જીવનમાં ઘેરો અંધકાર વ્યાપી જાય છે. ભાગ્ય જોગે તેને થયેલ સાચા સત્પુરુષનો યોગ તેના અંધકારભર્યા અંતરમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવી દે છે.
અહીં, તુચ્છ ઘેલછા અને આદર્શની વચ્ચે ઝૂલતા હૃદયની એક સત્ય ઘટના પ્રસ્તુત છે.
એક સુખી ઘરાનાના રાજવીની આ વાત છે. રાજકુટુંબો સાથે નાતો હોઈ, આ રાજવી રાજસ્થાનમાં જોધપુર ગયા. ત્યાંના રાજવીએ સત્કાર્યા. આવવાનું કારણ પૂછતાં જણાયું કે તેઓ સિદ્ધપુરુષ-તાંત્રિકની શોધમાં આવ્યા છે. જોધપુરના રાજવીએ એક તાંત્રિકની મુલાકાત તેમને કરાવી આપી.
મોટી લાલ લાલ આંખો, લાંબા બહાર ધસી પડતા દાંત, પૂરા પાંચ હાથનો, માથે મોટી જટા અને અંગેઅંગમાં ભસ્મના લપેડા મારેલા! એવા આ તાંત્રિકની પ્રથમ મુલાકાતમાં રાજવી પરાસ્ત થઈ ગયા અને આફરીન થઈ ગયા. તેણે જેવી કલ્પના કરી હતી તેવો જ આ તાંત્રિક સિદ્ધપુરુષ જાણે હતો! એનું નામ માધવાનંદ હતું.
મહારાજાસાહેબે તેને પોતાના રાજ્યમાં પધારવા આમંત્રણ આપ્યું. તાંત્રિક ઉપાસના દ્વારા અમુક સંકલ્પો પૂરા કરવા અને પોતાને સિદ્ધિ પ્રાપ્ત થાય તેમજ તંત્રનાં દેવતા કાળભૈરવનાં દર્શન કરાવવા આગ્રહભરી તેને વિનંતી કરી. વળી, રાજ્યમાં મહાકાળેશ્વરનું એકાંત મંદિર પણ છે. એની વિગત રજૂ કરી.
'રાજન્‌! હું આવું, પરંતુ મારી એક શરત છે. મારી સાધના એકાંતની સાધના છે. તેમાં કોઈ પણ વ્યક્તિ આપ સુધ્ધાં પ્રવેશી નહીં શકો. આ સાધનામાં જે ખર્ચ થાય તે રાજભંડારમાંથી વિના રોકટોકે મને મળી જવો જોઈએ. કારણ ખર્ચ ઘણો મોટો થશે. ભૈરવને બલિ આપવા પડે, ઉત્તમ પ્રકારનું નૈવૈદ્ય ધરવું પડે. ત્રણ વરસે સાધના પૂરી થશે પછી હું આપને બીજ મંત્ર આપીશ. અને છ વરસ સુધીના ગાળામાં સાધના પૂરી થશે પછી કાળભૈરવ આપને દર્શન આપશે. તમને હાજરાહજૂર રહેશે અને આપ જે સંકલ્પો કરશો તે સર્વે પૂરા કરશે. પરંતુ મારી શરત ફરી સાંભળી લ્યો. મારી સાધનામાં કોઈ દરમ્યાનગીરી કરશે, આડખીલીરૂપ બનશે તો હું ચાલ્યો જઈશ, હવામાં ઓગળી જઈશ, આપ હાથ ઘસતા રહી જશો. અધૂરી સાધનાને લીધે કાળભૈરવ કોપાયમાન થશે અને આપના પર સંકટ તૂટી પડશે. માટે મારી શરત મંજૂર હોય તો જ આગળ વધશો.'
મહારાજા તો માધવાનંદની ભવ્ય મુખમુદ્રા જોઈ પ્રથમથી આકર્ષાયેલા હતા. તેની રણકાર ભરેલી પ્રચંડ વાણી સાંભળીને પરાસ્ત થઈ ગયા. ઈશ્વરે જ આવા ગુરુ માધવાનંદનો યોગ કરાવી આપ્યો છે એમ માનીને રાજવીએ સંતોષનો શ્વાસ ખેંચ્યો. તેઓ ખુશ ખુશ થઈ ગયા. અને બહુમાન સાથે પોતાના રાજ્યમાં લઈ આવ્યા.
તાંત્રિકની સાધનામાં ખલેલ ન પડે તે માટે રાજવીએ ચોકિયાતો ગોઠવી દીધા અને તેની માગણી મુજબ એક મોટર તથા ડ્રાઈવર સેવામાં મૂકી દીધા. કાળભૈરવની મૂર્તિને બાર હાથ, મોંમાં તીક્ષ્ણ દાંત, મસ્તક પર જટા અને ચંદ્ર; પાંચ હાથોમાં ક્રમશઃ ખડ્‌ગ, અંકુશ, કુઠાર, બાણ અને અભય મુદ્રા; બીજા પાંચ હાથમાં ધનુષ, ત્રિશૂળ, ખટ્‌વાંગ, પાશકાર્ધ અને વરમુદ્રા; બે હાથોમાં ગજચર્મ; આભૂષણો સર્પનાં; પ્રેત ઉપર આસન લગાવી તેઓ માતૃકાઓ(ચંડિકાઓ)ની મધ્યભાગે બેઠેલા હતા.
આ તાંત્રિકે તેની તંત્રસાધના પ્રમાણે પંચ મકાર મદ્ય, માંસ આદિ પૂજા-સામગ્રીથી સાધના શરૂ થઈ.
ભૈરવને બકરાં-ઘેટાનો વધ કરીને માંસનું નૈવેદ્ય ધરાવતો, દારૂનું પાન કરાવતો અને પોતે કરતો. સાધના માટે નિયત કરેલી ત્રણ ષોડસી કન્યાઓને રાત્રિએ દસ વાગે મોટરમાં લાવવામાં આવતી અને મોડી રાત્રિએ ત્રણ વાગે તેના સ્થાને પહોંચાડવામાં આવતી તે માટે એ કન્યાઓનાં માતા-પિતાઓને સારી રકમ માધવાનંદે આપી હતી.
દર અઠવાડિયે પંદર દિવસે પાંચ-દસ હજાર રૂપિયા જેવી મોટી રકમ તે મેળવતો! કોષાધ્યક્ષ મૂંઝાયો અને તેણે દીવાન તેમજ રાજપુરોહિતને વાત કરી, પરંતુ હઠીલા રાજાને કંઈ પણ કહેવાથી ગુસ્સે થઈ જશે તેમ ધારીને દીવાને મૌન સેવ્યું. રાજપુરોહિતના રાજાનાં બે રાજ્ય મહાલયનાં ગણેશજી મંદિરની અને માતાજીનાં પૂજાવિધિમાં અગ્રેસર હતા અને વાર તહેવારે મહારાજા તેમાં પૂજનવિધિ માટે આવતા. તેથી રાજપુરોહિતે રાજવીને જે વાત ખટકતી હતી તે કહીઃ 'મહારાજ સાહેબ, આપણા રાજ્યમાં જે તાંત્રિક આવ્યો છે તે ઘણું જ અઘટિત થયું છે. આપનો રાજભંડાર ખાલી થઈ જશે. એવી મેલી સાધનાનું ફળ કશું જ નહીં મળે અને રાજ્ય ખુવાર થઈ જશે.'
મહારાજા ગુસ્સામાં એકદમ બરાડી ઊઠ્યા, 'પુરોહિત, આ તમે શું બોલો છો? તંત્ર સાધનાનો તમે એકડોય ઘૂંટ્યો નથી, માટે ફરી તાંત્રિકની બાબતમાં તમે માથું મારશો નહિ.' રાજાની તૃષ્ણાનો કોઈ પાર નહોતો.
રાજપુરોહિતને ઠપકો મળવાથી વાત ત્યાં જ અટકી ગઈ. આમ, તંત્ર-સાધનાના ઓઠા હેઠળ મદ્ય, માંસ, મૈથુન વગેરે વિના રોકટોક નિત્યક્રમ બની ગયા!
વરસમાં એકવાર દર્શન દેવાનું નક્કી કરેલું એ મુજબ ગુરુપૂર્ણિમાના દિવસે તાંત્રિકને દબદબાપૂર્વક લાવવામાં આવ્યો ને રાજ્યસભામાં ઊંચા આસને બેસાડીને રાજવીએ પૂજનવિધિ કરી.
આ રીતે ત્રણ વરસ પૂરાં થયાં. ગુરુપૂર્ણિમાના દિવસે રાજવી તાંત્રિકને મળ્યા અને ભૈરવનાં દર્શન કરાવવા આપેલા વચનની યાદી આપી. પ્રથમ તો તાંત્રિક ગુસ્સે થયો, પરંતુ રાજવીની આતુરતા એ સમજી ગયો. તેણે કહય, 'અમાસની રાત્રિએ તમે એકલા મહાકાળેશ્વરના મંદિરમાં આવજો.'
અમાસના દિવસે રાજવી નિર્ધારિત સમયે પહોંચી ગયા. માધવાનંદે તેમને બીજ મંત્ર આપી કાળભૈરવનાં જપ જપવા માટે આજ્ઞા આપી અને કહય, 'રાત્રિના બાર વાગે ભૈરવ દર્શન આપવા આવશે. તમારી દૃઢતા જોવા માટે તે કદાચ વાઘ, સિંહ કે કાળા કૂતરાના રૂપમાં આવીને પણ દર્શન આપે, માટે ગભરાશો નહિ.'
પરંતુ કશું જ બન્યું નહીં. રાજવીની ધીરજનો અંત આવી ગયો. તાંત્રિક કહે : 'આજે તમારું મન સ્થિર નથી માટે આ બીજ મંત્ર પ્રમાણે જપ કરજો. મન સ્થિર થશે એટલે હું ફરી બોલાવીશ. છતાં આશામાં ને આશામાં બીજા બે વરસ વ્યતીત થઈ ગયાં. રાજવીને અનેક વખત બોલાવીને તાંત્રિક ભૈરવનું દર્શન કરાવવાની યુક્તિ-પ્રયુક્તિ રચવા લાગ્યો પણ તે ફાવ્યો નહીં. છતાં હજુ એક વરસ બાકી છે. જરૂર કંઈક સિદ્ધિ મળી જશે. અને આ તો મહાતાંત્રિક છે. તેથી પોતાની પરીક્ષા લે છે. એમ વિચારી રાજાએ મન વાળ્યું.
કર્ણોપકર્ણ તાંત્રિકની પાપલીલાની વાતો સાંભળી દીવાન અને પુરોહિતે રાજરાણી સમક્ષ રજૂઆત કરી કે 'આ પાપને હવે જરૂર દૂર કરવું જોઈએ.' આ તાંત્રિકને રજા આપવા મહારાણીએ પતિને ઘણીવાર વિનવણી કરી, પરંતુ હાર્યો જુ ગારી બમણું રમે એ ન્યાયે તેઓ ગુસ્સે થઈ જતા.
હવે લાખો રૂપિયાનો ધુમાડો તાંત્રિકે કરી દીધો હતો. દીવાન અને રાજપુરોહિતને થયું કે હવે રાજા નોકરીમાંથી રજા આપે તો ભલે પણ તાંત્રિકની પાપલીલા તેમની નજર સમક્ષ ખુલ્લી કરી બતાવવી છે.
માધવાનંદ રાત્રિએ જે કન્યાઓને લઈને આવતો તે મોટરના ડ્રાઇવરને મોટી રકમની આશા આપીને ફોડ્યો. શરૂઆતમાં માધવાનંદ જાતે જ મોટરમાં જતો. ડ્રાઇવર હવે તેનો વિશ્વાસુ બની ગયો હતો તેમ માનીને હવે તે કન્યાઓને લેવા ડ્રાઇવરને મોકલતો. તેની સાથે રાજપુરોહિત ગયા. કન્યાઓને બીજા દૂરના શહેરમાંથી લાવવામાં આવતી. કન્યાઓને લઈને તેઓ સીધા જ રાજમહેલમાં પહોંચી ગયા અને રાજવીની આગળ રજૂ કરી. કન્યાઓ પણ માધવાનંદની પાશવી લીલાથી ત્રાસી ગઈ હતી. તેમણે મહારાજા સમક્ષ સાચેસાચી હકીકત રજૂ કરી દીધી અને મહારાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. રાજ્યભંડાર પણ ખાલી થઈ ગયો હતો. તેમણે તત્કાળ આજ્ઞા કરી કે માધવાનંદને મારા રાજ્યમાંથી કાઢી મૂકો. મારે હવે તેનું મોઢુંય જોવું નથી. માધવાનંદ પણ ધૂંઆપૂઆં થઈ ગયો. પરંતુ હવે મહારાજા તેના પક્ષે નહોતા. તેથી જટા પછાડતો એસીતેસી બોલતો ચાલ્યો ગયો.
તંત્ર સાધનાની સિદ્ધિનાં અદ્‌ભુત સ્વપ્નાં નિહાળી રહેલા રાજવી ખૂબ જ ઊંચેથી પટકાયા હતા તેથી હવે તેમનું મન ઉદ્વિગ્ન રહેવા લાગ્યું. એના અંતરમાં ઘોર અંધારું પથરાયું હતું. શું કરવું એની સમજ એને પડતી નહોતી.
તેવામાં પૂર્વનાં એના કોઈ પુણ્ય સંજોગે અથવા તો મહારાણીએ કરેલાં વ્રતોનાં પુણ્યને લીધે મહારાજાને યોગીજી મહારાજનો યોગ સાંપડ્યો.
આ અરસામાં યોગીજી મહારાજ, વિચરણ કરતાં કરતાં એ રાજવીના નગરમાં પધાર્યા. આખા નગરે સન્માન કર્યું. એ રાજવી પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સ્વામીશ્રીની બ્રહ્મપ્રતિભામાં એ અંજાયા. એમની વાણીના નાદે - મદારીની વાંસળી સાંભળીને નાગ ડોલે - એમ સૌ ડોલી ઊઠતા. પ્રથમ દર્શને જ તેમના અંતરમાં શાંતિ પ્રસરી ગઈ.
રાજવીએ સ્વામીશ્રીને બે હાથ જોડી પ્રાર્થના કરીઃ 'આપ મારા મહેલમાં ઉતારો રાખો.' ત્યારે સ્વામીશ્રી બોલ્યા, 'અમારે સાધુને તો મંદિરમાં ઉતારો શોભે પણ મહેલમાં ન શોભે.'
સ્વામીશ્રીની વૈરાગ્ય ભાવનાથી તેઓ અંજાયા. તાંત્રિક માધવાનંદ અને યોગીપુરુષ વચ્ચે જમીન-આસમાનનું અંતર હતું. આ ઉપરાંત કેટકેટલા સાધુ-મહંતોને તેમણે મહેલમાં રાખ્યા હતા, પણ આ યોગીરાજનું વૈરાગ્ય વિભૂષિત ત્યાગના રંગે રંગાયેલું આંતરજીવન તેમના અંતરને સ્પર્શી ગયું.
યોગીજી મહારાજ તો પ્રેમનું સ્વરૂપ અને આવનારી કોઈ પણ વ્યક્તિ રંકથી રાય સુધી સર્વેના સામે ચાલીને સ્નેહનો વારિ વરસાવનારા સત્પુરુષ હતા. રાજવીનું જીવન ખાલીપો અનુભવતું હતું. તેમના જીવનબાગમાં વસંત મુરઝાઈ ગઈ હતી. ક્યાંય એક સૂકું તણખલુંય દીસતું નહોતું. તેમાં યોગીજી મહારાજના પ્રેમનાં વારિ ફરી વળ્યાં. મહારાજાનું જીવન મહોરી ઊઠ્યું તેમના જીવનમાં ફરી વસંત ખીલી ઊઠી. રાજવીએ તેમની સમક્ષ પોતાના હૃદયનાં કમાડ ખુલ્લા કરી દીધાં. યોગીજી મહારાજ હસી પડ્યા.
'બાપુ, સાચા સંત મળે તો જ બધી પ્રાપ્તિ થાય છે. માટે આ બધું મૂકી દેજો અને સ્વામિનારાયણ ભગવાનાના નામની પાંચ માળા ફેરવજો.' સ્વામીશ્રીએ તેમને માળા અને મૂર્તિઓ આપી.
ભાંગી પડેલા રાજવીના મનને સંવારીને યોગીજી મહારાજે તેમને દિવ્ય પ્રેમ-રસાયણથી સજીવન કરી દીધું. રાજવીએ પણ તેમનાં ચરણોમાં પડીને કહય,: 'મારા રાજ્યમાં આવી પાપલીલાઓ ખેલાઈ. આ વાત પ્રજા જાણશે ત્યારે મને માફ નહિ કરે. માટે આપને મારી અરજ છે કે આપ અક્ષરપુરુષોત્તમ ભગવાનનું મંદિર કરો. જમીન જોઈએ તેટલી હું કૃષ્ણાર્પણ કરું.'
યોગીજી મહારાજ પ્રમુખસ્વામી, સંતો, હરિભક્તોનાં સંઘ સાથે તેમનાં રાજ્યમાં પધાર્યા અને ત્રણ દિવસ રહી અલૌકિક સુખ આપ્યું.
એ પછી રાજવીએ શહેરની વચ્ચે જમીન કાઢી આપી. મહારાણી, દીવાન અને રાજપુરોહિત પણ યોગીજી મહારાજની સંતપ્રતિભામાં અંજાયા. એ સૌને પણ અલૌકિક આશીર્વાદ મળ્યા.
યોગીજી મહારાજ અંતર્ધાન થયા પછી પ્રમુખસ્વામી મહારાજે ત્યાં ભવ્ય મંદિર બનાવી પ્રતિષ્ઠા કરી અને રાજવીનાં સંકલ્પને પૂર્ણ કર્યો. રાજવી જ્યારે જ્યારે દર્શને આવે ત્યારે યોગીજી મહારાજની જેમ જ પ્રમુખસ્વામી મહારાજ પણ તેમના પર અમી વરસાવતા.
જ્યારે મહારાજાના અંતિમ દિવસો હતા ત્યારે તેમને દર્શન આપવા પ્રમુખસ્વામી મહારાજે જાતે જઈને તેમના મૃત્યુને ઉજાળ્યું અને રાજવીને દિવ્યગતિ આપી.

Other Articles by ગુણવંત દાણી


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS