શિક્ષકે લીધાં સત્યનાં સોગંધ! - सत्यं वदिष्यामि
સત્યવાદિતા એ ઉપદેશકનો, અધ્યાપકનો, શિક્ષકનો પ્રથમ આવશ્યક ગુણ છે. ‘ऋतं वदिष्यामि। सत्यं वदिष्यामि।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧) 'હું સનાતન સિદ્ધાંતો કહીશ. સત્ય કહીશ. અર્થાત્ ખોટા સિદ્ધાંતો નહીં ભણાવું' એમ કહી અધ્યાપક ૠષિએ અહીં સત્યવાદિતાના સમ ખાધા છે. કારણ ઉપનિષદના ૠષિ અહીં ઉપદેષ્ટાના સ્થાને છે, અધ્યાપક છે, શિક્ષક છે. તેમણે ભણાવવાનું છે. ખોટું બોલવું તે પાપ છે. પણ ખોટું ભણાવવું તે તો મહાપાપ છે. વૈદિક ગુરુ-શિષ્ય સંવાદશાળાની આ વિશેષતા છે. તેમાં અધ્યાપક ગુરુઓ શિષ્યના જીવનમાં અને સમાજમાં પોતાનું સ્થાન સમજે છે. પોતાનું કર્તવ્ય સમજે છે. અસત્યતાથી કલંકિત શિક્ષણ શિષ્યના જીવનને કેટલું કલુષિત કરી શકે, સંપૂર્ણ સમાજના વાતાવરણમાં કેવું પરિણામ લાવી શકે તે વાતથી તેઓ જરાય અજાણ નથી.
વળી, સત્યવાદીએ સહનશીલ બનવું પડે, ક્યારેક સત્ય ઉચ્ચારણના વિપરીત પ્રત્યાઘાતો પણ ઝીલવા પડે તે પણ તેઓ જાણે છે. એટલે જ સમાજમાં આવા સહનશીલ સત્યના ઉપદેશકોની અખંડિત પરંપરાની આવશ્યકતા જાણીને અહીંનો અધ્યાપક ૠષિ પ્રાર્થી ઊઠે છે ‘तन्मामवतु। तद्वक्तारमवतु। अवतु माम्। अवतु वक्तारम्।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧) 'હે પ્રભુ! મને રક્ષો. વક્તાને, અધ્યાપકને રક્ષો.' આમ એક વ્યક્તિ તરીકે પોતાની રક્ષા યાચવાનો હેતુ પણ અંતે તો સમાજને જ્ઞાનવિજ્ઞાનથી સુસજ્જ રાખવાનો જ છે.
આ રીતે એક આદર્શ અધ્યાપકની કે શિક્ષકની અધ્યાપન કરાવતાં પહેલાં કેવી ભાવના હોવી જોઈએ તેનું દર્શન આ મંત્રમાં પ્રાપ્ત થાય છે.
શિક્ષાનો વિશિષ્ટ અર્થ - शीक्षां व्याख्यास्यामः
અહીં શિક્ષા એટલે દંડ નહીં, પરંતુ શિક્ષણ. તે પણ વિશિષ્ટ પ્રકારનું! વેદોના અધ્યયનમાં ઉપયોગી એવું શિક્ષણ. આપણા વેદો વિજ્ઞાનનો મહાસાગર છે. સાચા વૈજ્ઞાનિક થવા તેનું ઊંડાણથી અધ્યયન કરવું પડે. અને એ અધ્યયન કરવા સર્વપ્રથમ તો તેને સાચવવા પડે.
આપણી પ્રાચીન પરંપરા અનુસાર વેદોને જેમ છે તેમ વ્યવસ્થિત સાચવવા માટે એક વિશિષ્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. તે છે વ્યવસ્થિત ઉચ્ચારણ-અનૂચ્ચારણની પદ્ધતિ. આજથી હજારો વર્ષ પૂર્વે જ્યારે લેખન પદ્ધતિનો વિકાસ થયો ન હતો ત્યારે આપણે ત્યાં આ ઉચ્ચારણ-અનૂચ્ચારણની પાઠ પદ્ધતિ દ્વારા વેદને સાચવવામાં આવતા. અને આ સનાતન પરંપરાના ફળ રૂપે જ આજે આપણને વેદોનો વિશાળ મંત્રરાશિ જેમ છે તેમ પ્રાપ્ત થયો છે. આ ઉચ્ચારણ-અનૂચ્ચારણ પદ્ધતિનું છણાવટ સાથે નિરૂપણ કરતી વિદ્યા એટલે શિક્ષા. જેનું આ ઉપનિષદમાં નિરૂપણ છે. ‘शीक्षां व्याख्यास्यामः’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૨) 'હવે અમે શિક્ષાની વ્યાખ્યા કરીએ છીએ.' એમ પ્રતિજ્ઞા કરીને તૈત્તિરીયના ૠષિ અહીં આ શિક્ષાશાસ્ત્રના મુખ્ય વિષયોને દર્શાવે છે - ‘वर्णः स्वरः। मात्रा बलम्। साम सन्तानः। इत्युक्तः शीक्षाध्यायः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૨) ‘वर्णः’ એટલે અક્ષર. અ, ઇ, ઉ, ૠ, વગેરે સ્વરો તથા ક, ખ, ગ, ઘ, વગેરે વ્યંજનોનો તેમાં સમાવેશ થાય છે. વેદમંત્રોનું યથાર્થ ઉચ્ચારણ થાય તે માટે શિક્ષાગ્રંથોમાં સર્વપ્રથમ તો ભાષામાં ઉચ્ચારાતા જે તે સ્વરો તથા વ્યંજનો આપણા કંઠ કે મુખના કયા ભાગમાંથી ઉદ્ભવે છે? કઈ રીતે ઉદ્ભવે છે અને તેનું સાચું ઉચ્ચારણ કયું કહેવાય? વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે.
‘स्वरः’ એટલે સંગીત. વર્ણોના વ્યવસ્થિત ઉચ્ચારણની સાથે સાથે વેદમંત્રોમાં તેના ગાન માટે સ્વરોનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આને જ સસ્વર વેદગાન કહેવામાં આવે છે.
‘मात्रा’ એટલે સમય. વેદમંત્રોમાં આવતા જે તે સ્વરોનું કેટલો સમય ઉચ્ચારણ કરવું તેનો નિર્ણય અહીં કરવામાં આવે છે. હ્રસ્વ, દીર્ઘ વગેરે માત્રાઓ ઉચ્ચારણના સમયને દર્શાવે છે.
‘बलम्’ એટલે મંત્રના અક્ષરોના ઉચ્ચારણમાં કરવામાં આવતી તાકાત.
‘साम’ એટલે વર્ણ ઉચ્ચારણની સમતા. તથા ‘सन्तानः’ એટલે મંત્રના શબ્દોનું ક્રમ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું આયોજન, જેને સંહિતા પણ કહેવામાં આવે છે.
આમ, વૈદિક શિક્ષાગ્રંથોમાં ઉપર જણાવેલા વેદમંત્રોના ઉચ્ચારણમાં ધ્યાન રાખવા જેવી બાબતોનું ઊંડાણથી નિરૂપણ કરવામાં આવે છે.
અહીં એક જિજ્ઞાસા સહેજે જાગી ઊઠે કે વેદોના કેવળ ઉચ્ચારણ માટે જ આટલી બધી વ્યવસ્થાઓ શા માટે? તો તેનું સમાધાન સમજી શકાય એવું છે. આપણા વેદો એ સામાન્ય પુસ્તકો નથી, પરંતુ દિવ્ય શાસ્ત્રો છે. આજથી હજારો વર્ષ પૂર્વે જ્યારે લખીને જ્ઞાનને સાચવવાની પદ્ધતિ અપનાવવામાં નહોતી આવી તે સમયમાં રહીને વિચારવાથી આ જિજ્ઞાસાનો ઉત્તર મળશે. વેદો એટલે સનાતન સિદ્ધાંતોનો વિશાળ નિધિ! તેનું એક એક વાક્ય એટલે સનાતન સિદ્ધાંતનું એક એક સૂત્ર છે. આ સિદ્ધાંતોને સાચવવા એટલે સર્વ પ્રથમ તો તેનું ઉચ્ચારણ જ બરાબર થવું જોઈએ એમ આપણા પૂર્વજોને ઉચિત લાગ્યું. કારણ સમગ્ર વેદ મંત્રરૂપે ઉચ્ચારવામાં આવતો. વેદના મંત્રો એટલે શબ્દોનો એક વિશિષ્ટ સમૂહ. અને શબ્દો એટલે વર્ણોનો-અક્ષરોનો સમૂહ. હવે જો વેદના શબ્દોના ઉચ્ચારણમાં કે ક્રમમાં જ ફેરફાર થઈ જાય તો સિદ્ધાંત જ નાશ પામે! તેથી વેદપાઠશાળાઓમાં વેદાધ્યયન કરવા ઇચ્છનાર વિદ્યાર્થીને પ્રથમ શિક્ષાનું જ્ઞાન આપવામાં આવતું.
આ રીતે તૈત્તિરીય ઉપનિષદમાં વેદ અધ્યયનને ઉપયોગી એવી શિક્ષાનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું છે. તેથી જ ઉપનિષદના આ ભાગને શિક્ષાવલ્લી કહેવામાં આવે છે.
હવે આ જ શિક્ષાવલ્લીમાં આવતી બીજી વિશેષ વાતને જાણીએ ...