મર્મચિંતન
શ્રીજીમહારાજને આધારાનંદ સ્વામી વચનામૃત ગઢડા પ્રથમ 78માં પ્રશ્ન પૂછે છે કે ‘કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય ?’ ત્યારે શ્રીજીમહારાજે જણાવ્યું કે, ‘પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહિ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે એમાં લેશમાત્ર સંશય નહીં.’
આ જ પ્રકારનો પ્રશ્ન ત્યાગાનંદ સ્વામીએ પણ શ્રીજી-મહારાજને પૂછતાં કહેલું કે ‘ભગવાન રાજી કેમ થાય ?’ ત્યારે પણ શ્રીજીમહારાજે કહ્યું હતું : ‘ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે.’
અહીં શ્રીજીનો સ્પષ્ટ સૂર સંભળાય છે કે જે ભગવાનની આજ્ઞા પાળે છે તેને રાજીપાની કમાણી મળે છે.
શ્રીજીમહારાજે આજ્ઞાપાલનથી રાજીપો મેળવવાની વાત ભારપૂર્વક અને ભાવપૂર્વક સમજાવી છે. એક વાર શ્રીજીમહારાજે સર્વે સત્સંગીઓને આદેશ આપ્યો કે ‘અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ સર્વે તેમણે નિત્યે કરવો. અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે.’ મહારાજના આવાં વચન સાંભળી સભામાં બેઠેલા સૌએ એ રીતે જ વર્તવાનો સંકલ્પ કર્યો. તે જાણી શ્રીજીમહારાજ એટલા પ્રસન્ન થઈ ગયા કે સર્વે સંતો અને બ્રહ્મચારીઓને ઊભા થઈ ભેટ્યા અને સર્વે હરિભક્તના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપ્યાં. માત્ર આજ્ઞા પાળવાના વિચારમાત્રથી ભગવાનનો આટલો રાજીપો મળતો હોય તો આજ્ઞા પાળવાથી મળતા ભગવાન અને સંતના રાજીપાની ત્રિરાશિનો સરવાળો તો ક્યાં પહોંચે ?
ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞાપાલનથી રાજીપો મળે છે તેની વાત પોતાના ઉપદેશમાં અનેકવાર કરી છે તે માત્ર ‘પરોપદેશે પાંડિત્યમ્’ જેવું નથી, પણ સ્વામીએ આજ્ઞા પાળી રાજીપો મેળવ્યો હતો તેથી પોતાના અનુભવના આધારે આ માર્ગદર્શન તેઓએ આપ્યું છે. શ્રીજીમહારાજને જૂનાગઢમાં મંદિર કરવું હતું ત્યારે ત્યાં સાધુઓને મોકલવા હતા; પરંતુ પથ્થરિયું પાણી, નવાબી રાજ, નાગરોની હાક, પાણા વડે પાણો ભાંગવો પડે તેવી સ્થિતિ વગેરે અનેક હાડમારીઓને લીધે કોઈ ત્યાં જવા તૈયાર થતું નહોતું. તે વખતે શ્રીહરિની આજ્ઞા ઝીલી સ્વામી જૂનાગઢ ગયેલા.
એક વાર શ્રીજીમહારાજે લટુરિયા બાવાના વેશે દર્શન દઈ ગુણાતીતાનંદ સ્વામીને માત્ર એટલું જ કહ્યું કે, ‘સાધુરામ ! પેટ બહુ તગતગે છે. દૂધ ખાધામાં આવ્યું લાગે છે.’ બસ, મહારાજના આટલા જ વચને તે દી’થી સ્વામીએ દૂધ-ઘી ખાવા હરામ કર્યાં તે જીવનના અંત સુધી જીભ પર દૂધનું ટીપું મૂક્યું નહોતું. શ્રીજીમહારાજની એકેએક આજ્ઞા આવી રીતે અભંગ પાળીને તેઓએ જે રાજીપો મેળવેલો તેના આધારે સ્વામી આ દીપસ્તંભ રોપી રહ્યા છે કે આજ્ઞાપાલનથી રાજીપો મળે છે.
આજ્ઞાપાલનથી રાજીપો લેવામાં મોટું વિઘ્ન હોય તો તે છે અન્યની મહોબત ન મુકાય એ. ગુણાતીતાનંદ સ્વામીને અયોધ્યાપ્રસાદજી મહારાજે સોનાના થાળમાં જમવાની વાત કરી, ત્યારે સ્વામીએ ‘શ્રીહરિની આજ્ઞા નથી’ એમ કહી, એ આગ્રહ ઠુકરાવી દીધેલો. અયોધ્યાપ્રસાદજીને પણ સ્પષ્ટ કહી દીધેલું કે, ‘મારે તમારી આજ્ઞા પાળવી કે તમારા બાપની ?!’ રઘુવીરજી મહારાજને પણ સ્વામીએ સ્પષ્ટતાથી કહી દીધેલું કે ‘મને જો ખબર પડે કે તમારા સિગરામમાં છ મહિનાની બાળકી છે, તો આ જૂનાગઢ મંદિરના દરવાજા તમારા સારુ બંધ થઈ જાય.’ આમ, સ્વામીએ કોઈની મહોબત નહોતી રાખી ત્યારે શ્રીહરિની આજ્ઞાઓ સારધાર પાળી રાજીપો લઈ શકેલા. તેઓ કહે છે : ‘વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્નનો ઉત્તર જે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તેમ કરવું એ જ છે.’ (1/110)
આજ્ઞાપાલક પર ઓળઘોળ થઈ જતા હોય તેમ ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે ‘એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું એ ત્રણ વાતમાં ભગવાન રાજી, રાજી ને રાજી છે; ને તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે.’ (1/165)
વળી, ગુણાતીતાનંદ સ્વામી કહે છે : ‘ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી.’ (3/32)
વળી, તેઓ કહે છે : ‘નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું અને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે.’ (3/38)
આજ્ઞાના પાલનમાં જેને શૂરવીરતાનું અંગ હોય તેના પર શ્રીજીમહારાજ ખૂબ પ્રસન્ન થઈ જતા. તેઓ લોયાના બીજા વચનામૃતમાં કહે છે કે ‘શૂરવીર હોય તે થકી તો ઇંદ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહીં.’ આટલું કહી વિશ્વાસ, જ્ઞાન અને પ્રીતિના અંગવાળા ભક્તની વાત પણ શ્રીજીમહારાજે કરી અને અંતે કહ્યું : ‘એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.’
પછી જે જે પગે લાગવા આવ્યા તે સૌને શ્રીજીમહારાજે છાતીમાં ચરણારવિંદ પણ આપ્યા. અહીં શૂરવીરપણાના અંગમાં આજ્ઞાપાલનની જ વાત શ્રીજીમહારાજે કરી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આમ, ભગવાનને વશ કરવાનો આ ઉપાય ઉત્તમ છે.
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 76માં તો ત્યાં સુધી કહે છે કે ‘જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ્ય ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે.’
આમ, આજ્ઞાપાલન એ રાજીપો લેવાનું શ્રેષ્ઠ સાધન છે.