Essay Archives

બીજાને ચાહો અને સમજો તો જ સૌ તમને સમજતા થશે

પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે નિ:સ્વાર્થ પ્રેમની વાત શીખી રહ્યા છીએ ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર - બોડેલી ગામનો આ પ્રસંગ છે.
આ ગામમાં પ્રમુખસ્વામી મહારાજ વિચરણ કરતા હતા. ત્યાં ૨૫-૩૦ હજાર આદિવાસીઓની સભા યોજાઈ હતી. એ સમયે પ્રમુખસ્વામી મહારાજને તાવ આવ્યો હતો. સવારે ઠાકોરજીનાં દર્શન માટે તો તેઓ આવ્યા, ત્યારબાદ સૂવા ગયા ત્યારે તાવ બમણો થઈ થયો અને સાંજે મંદિરના પોડિયમ ઉપર પ્રમુખસ્વામી આવવાના હતા ત્યારે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. આટલી વયમાં પ્રમુખસ્વામીજી મહારાજના શરીરે સતત ભીડો વેઠ્યો હતો. આ સ્થિતિમાં યોગીચરણ સ્વામીનો ફોન આવ્યો કે ‘બાપાના હૃદયના ધબકારા પણ બદલાવા લાગ્યા છે અને તેઓ હૃદયરોગના પેશન્ટ છે.’ તે વખતે સેવક સંતોએ, આયોજક સંતોને કહ્યું કે ‘તમારામાંથી ચાર-પાંચ જણ આવો અને પ્રમુખસ્વામી મહારાજને વિનંતી કરો કે સભામાં ન આવે અને આરામ કરે.’
પ્રમુખસ્વામી મહારાજ ખાટલામાં સૂતા હતા, શરીરે ધ્રુજારી હતી, હાથ પણ ધ્રૂજે, ખૂબ જ જોરદાર તાવ હતો. અમે બધા ગયા અને કહેવાય છે કે સત્પુરુષ તો પળવારમાં જ બધી વાત સમજી જાય! અને થયું પણ એવું જ!
પ્રમુખસ્વામી મહારાજે અમને કહ્યું, ‘મને ખબર છે કે તમે બધા કેમ ભેગા થયા છો? પણ મને સભામાં લઈ જાવ.’ તે સમયે અમે બધાએ કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘મારે દર્શન કરવા જવું છે.’
ત્યારે નારાયણમુનિ સ્વામી કહે કે આ બધા હરિભક્તો સમજે છે કે આપ બીમાર છો.’
ત્યારે પ્રમુખસ્વામીએ તેમને શાંત કર્યા. પછી વિવેકસાગર સ્વામી સમજાવવા ગયા. ત્યારબાદ મેં સમજાવવાની શરૂઆત કરી કે ‘બાપા! આપણે અત્યારે રહેવા દઈએ. મારે તમને એક જ પ્રશ્ન કરવો છે કે જો તમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ ઉંમરે ખાટલામાં તાવથી પીડાતા હોત, તો તમે સેવક તરીકે શાસ્ત્રીજી મહારાજને બહાર લઈ જાવ?’
તેમણે કહ્યું કે ‘હા, હું લઈ જાઉં.’ પછી તેમણે મને સામો પ્રશ્ન પૂછ્યો કે ‘તેં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને જોયા છે?’
મેં કહ્યું કે ‘ના.’
તેમણે કહ્યું કે ‘મેં જોયા છે. શાસ્ત્રીજી મહારાજને ૮૦ વર્ષે પણ પગમાં વા હોવા છતાં તેમને ગાડામાં ગાદલાં નાખીને હરિભક્તોનાં ઘરે પધરામણી કરવા જતાં મેં જોયા છે. યોગીજી મહારાજને પણ હરિભક્તોને રાજી કરતાં મેં જોયા છે.’
ત્યારે અમે કહ્યું કે ‘બાપા! આપના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા છે.’
ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે ‘તમારા બધાના મનમાં એ પ્રશ્ન છે કે આવી સ્થિતિમાં મને બહાર લઈ જાવ અને મને કંઈક થઈ જાય તો તેની જવાબદારી કોની? માટે લાવો કાગળ અને પેન, અને હું લખી આપું છું કે મને કંઈ થાય તેનો જવાબદાર હું છું, પણ મને બહાર લઈ જાવ.’
એટલે કે Pramukh Swami loves others more than his own life. (પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવન કરતાં પણ બીજાને વધુ ચાહે છે.)
એ આદિવાસી ભક્તો સ્વામીશ્રીને મળીને કોઈ મોટી વાત કે કોઈ મોટા પ્રોજેક્ટ અંગેની ગંભીર વાત પણ કરવાના નહોતા, છતાં પ્રમુખસ્વામીજી તો નિ:સ્વાર્થ ભાવે માત્ર તેમને મળવા માગતા હતા. એટલે કે આ દુનિયાનું જેને કંઈ જ ન જોઈતું હોય અને કેવળ ઈશ્વર પ્રત્યે જ અનુસંધાન હોય ત્યારે જ પ્રમુખસ્વામી મહારાજ જેવા નિ:સ્વાર્થ આપણે પણ બની શકીએ.
આજે દુનિયામાં સહુ કોઈને નિ:સ્વાર્થ પ્રેમ જોઈએ છે, કરવો છે અને આપણે પણ નિ:સ્વાર્થ પ્રેમ પામી શકીએ, બીજાને આપી શકીએ તે માટે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી તે શીખવાનું.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે નવ બોધપાઠ શીખવાના છે, તેમાં છે, Love Others - બીજાને ચાહો, જે અંતર્ગત - પ્રથમ આવે છે કે Understand Others - બીજાને સમજો.
આપણા મનમાં એવી ભાવના હોય છે કે સૌ આપણને સમજે પણ તમે બીજાને સમજશો તો સૌ તમને સમજતા થશે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે ‘જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે, તેટલો પોતાને સમજવાનો હોય અને એ જ રીતે બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેટલો પોતાના દોષ ટાળવાનો હોય તો કંઈ કસર રહે જ નહીં.’
આપણે પ્રેમ કરવો છે પણ પ્રેમ કરવાની રીત ફાવતી નથી. મારે તમને એ જ કહેવું છે કે કોઈને પ્રેમ કરવો હોય તો તેને સમજતાં શીખજો.
તેનો એક પ્રસંગ એવો છે કે ફ્રાન્સમાં એક જાણીતાં મહિલા વેટરનરી ડોક્ટર હતાં. એક પૈસાદાર માણસના કૂતરાને કોઈ દર્દ હતું અને તે કૂતરાને તે મહિલા ડોક્ટર પાસે લાવ્યા. તે ડોક્ટરે કૂતરાને તપાસતાં-તપાસતાં જોયું કે તેને દવા તો આપવી પડશે. ડોક્ટરે એક બોટલમાંથી દીવેલ લઈને ચમચીમાં ભરી તે કૂતરાને આપવાનો પ્રયત્ન કર્યો, કેમ કે દર્દ થયું હતું તેને મટાડવા માટે આ કૂતરાને બળજબરીથી દવા આપવી પડે તેમ હતી. જો કે, કૂતરો તે દવા ચમચીથી પીવા તૈયાર નહોતો. આ સ્થિતિમાં ડોક્ટરનાં હાથમાંથી ચમચી અને બોટલ બંને નીચે પડી અને બોટલ ફૂટી ગઈ અને ચારેબાજુ દીવેલ પ્રસરી ગયું.
ડોક્ટર તે સાફ કરવા માટે પોતું લેવા ગયા. પાછા આવીને ડોક્ટરે આશ્ચર્યજનક રીતે જોયું કે કૂતરો જમીન ઉપર પડેલું દીવેલ આનંદથી ચાટતો હતો! ત્યારે આ ડોક્ટરે નોંધ્યું કે એવું નથી કે આ કૂતરાને દીવેલ ભાવતું નથી, પરંતુ તેને જે રીતે આપવામાં આવે છે, એ રીતે તેને ફાવતું નથી. તેને ચમચીમાં નહીં પણ જમીન ઉપર ચાટીને પીવાનું ફાવે છે.
બસ, આ જ રીતે તમારા ઘરમાં કુટુંબીજનો કે દીકરા-દીકરી સમજતાં નથી એવું નથી પણ તમે જે રીતે આગ્રહ રાખો છો એ રીતે સમજતાં નથી. તમે આગ્રહ, દુરાગ્રહ મૂકી દો. બીજાને સમજતાં પહેલાં તેને સાંભળતાં શીખો. બીજો કંઈ બોલે ત્યારે પહેલા તો તમે બોલવા લાગો છો. બીજા ચાર બોલતા હોય એ પહેલાં આપણે શું બોલવું તેનું રિહર્સલ કરીએ છીએ, પૂરેપૂરું બીજાનું સાંભળતા જ નથી તો બીજાને સમજવાનો વારો જ ક્યારે આવે? માટે બીજાને સમજતાં શીખી જાવ.
આમ, આપણને જે રીતે નિ:સ્વાર્થ પ્રેમ પ્રમુખસ્વામી મહારાજે આપ્યો છે, એ જ રીતે બીજાને આપવો હોય તો તેમના જીવનમાંથી બોધપાઠ શીખીએ, તે મુજબ જીવન જીવવાનો પ્રયત્ન પણ કરવાનો છે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS