સત્સંગી એ આપણો ભાઈ જ છે ને...!
સુહૃદભાવ-પક્ષથી રાજીપો...
ભગવાન સ્વામિનારાયણે નિયમ-નિશ્ચય અને પક્ષ અર્થાત્ સ્વધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને સંઘનિષ્ઠાનો સરળ આધ્યાત્મિક માર્ગ ચીંધ્યો છે. સંઘનિષ્ઠા એટલે ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિ, પ્રીતિ, સંપ-સુહૃદભાવ અને એકતા. શ્રીહરિ કહે છે, ‘ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતાં થકા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં.’ એવા પક્ષ દ્વારા પ્રભુની પ્રસન્નતા મેળવનાર ભક્તની કથા...
આકાશમાંથી વરસતાં સૂર્યનાં અગ્નિબાણ સૌરાષ્ટ્રની ધરાનું હૈયું ચીરી રહ્યાં હતાં. જળ માટે પૃથ્વી તરફડી રહી હતી ! ધરતીની સૂકી તિરાડોમાંથી ઊઠતો એનો આર્તનાદ પ્રત્યેક મનુષ્યના હૃદયમાં પડઘા પાડતો હતો. જ્યાં જુઓ ત્યાં કાળઝાળ દુકાળના ઓળા ઊતરી આવ્યા હતા. લોકોને જીવન જીવવું આકરું થઈ પડ્યું હતું. એ સમયે ધારી ગામમાં એક બનાવ બની ગયો.
વાત એમ હતી કે ધારીની બાજુના ગામના બે વાણિયાઓએ ધારીનું માપું રાખેલું. દુષ્કાળને લીધે મહેસૂલ-માપાના પૂરા પૈસા ભરવામાં નિષ્ફળ ગયા અને અંતે બંનેને સરકારે જેલમાં પૂર્યા.
ધારી ગામનું મહાજન ભેગું થયું અને બંનેને જામીન પર છોડાવવાનો નિર્ણય લીધો. મહાજન સાથે અન્ય ગામલોકો પણ ગયા અને અધિકારીને વાત કરીને બંનેને જામીન પર છોડાવવા માટે મનાવી લીધા. અધિકારીએ જમાદારને મોકલીને બંનેને બોલાવ્યા. ‘હાશ, છૂટી તો જઈશું ?’ ગામલોકોને જોઈ બંનેના અંતરમાં આશાનું કિરણ ફૂટ્યું.
બંને વાણિયાનાં મન હેઠાં બેઠાં. બંનેમાંથી એક વાણિયો સત્સંગી હતો, ભક્તહૃદયી હતો. અત્યાર સુધી તેણે ભગવાન સ્વામિનારાયણને મનોમન ગદ્ગદભાવે પ્રાર્થના જ કર્યે રાખેલી. એટલે હર્ષના આવેગમાં તે બોલી ઊઠ્યો : ‘હે સ્વામિનારાયણ, તમે પહોંચ્યા ખરા!’
જામીન પર છોડવાની વિધિ શરૂ થઈ. નગરશેઠ છેલ્લા કાગળિયા પર સહી કરી રહ્યા એટલે અધિકારી બોલ્યો : ‘જણ દીઠ અઢીસો રૂપિયા ભરીને તમે બંનેને લઈ જઈ શકો છો.’
અચાનક ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. બધા જ આગ ઝરતી નજરે પેલા સત્સંગી વાણિયાના મોં તરફ તાકી રહ્યા હતા. સ્વામિનારાયણ પ્રત્યે બધાને કોઈ અગમ્ય કારણોસર દ્વેષ હતો. તરત જ બધા એક સાથે બોલી ઊઠ્યા : ‘અમે આ સ્વામિનારાયણીયાના જામીન નહિ થઈએ !!’
સત્સંગી વાણિયો બીચારો હેબતાઈ ગયો. અને તેના દેખતાં જ ગામલોકોએ તેની સાથેનાને છોડાવી લીધો. આ ઘટનાએ તેને વિહ્વળ કરી મૂક્યો. ‘હવે હું શું કરીશ ?’ તેના હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળી ગયો : ‘હે મહારાજ !’
તે જ વખતે ત્યાંથી ધારી ગામનો એક સત્સંગી વણિક યુવાન બહારગામથી ઘરે આવી રહ્યો હતો. ચોરે એકઠા થયેલા લોકો પાસેથી આ બધી વિગત જાણી. તાબડતોબ તે ઘરે પહોંચ્યો અને મોટા ભાઈને આખી બીના જણાવી કહ્યું : ‘ભાઈ, સત્સંગીનો પક્ષ રાખ્યે જ છૂટકો.’
બંને ભાઈ પાકા સત્સંગી હતા. ભગવાન સ્વામિનારાયણની અંતરની રુચિ લોહીના પ્રત્યેક કણમાં સમાવીને જીવનારા વિરલા હતા. સત્સંગીને દુઃખ આવ્યાના સમાચાર જાણી મોટા ભાઈનું હૃદય દ્રવી ઊઠ્યું. શ્રીહરિએ કહેલા શબ્દો યાદ આવ્યા, ‘જેણે પોતાનું કલ્યાણ ઇચ્છવું તેણે ભગવાનના ભક્તનો પક્ષ અતિ દૃઢ રાખવો.’
તેને મનમાં થયું, ‘આપણા સત્સંગીબંધુઓને આવું દુઃખ ? એમનું દુઃખ તે આપણું જ દુઃખ છે. એનો પક્ષ રાખવો જ પડે.’ તેણે નાના ભાઈને કહ્યું, ‘આ ગામમાં આપણે બે ભાઈ સત્સંગી છીએ, પણ આ બાજુના ગામનો વાણિયો એ સ્વામિનારાયણનો આશ્રિત છે, એટલે એ આપણો ત્રીજો ભાઈ છે.’ એટલું બોલતાં મોટાભાઈએ રૂપિયાની પોટલી કાઢી. ‘લે આ તેના ભાગના અઢીસેં રૂપિયા ! ચાલ, તેને જામીન પર છોડાવી લાવીએ.’
નાનો ભાઈ હરખાઈ ઊઠ્યો. ‘હું હમણાં જ જઈને તેને છોડાવી લાવું છું.’ કહેતો તે ઉતાવળી ચાલે દોડતો નીકળી ગયો. અને મોટા ભાઈએ ઘરે રસોઈની તૈયારી કરી. ગણતરીની ક્ષણોમાં જ સત્સંગી વણિક જેલના સળિયાની બહાર આવી ગયો. બંને બંધુઓએ પોતાના આ ત્રીજા ભાઈને પ્રેમથી જમાડ્યો. પછી જ ઘરે જવા દીધો. આ સમાચાર જ્યારે ભગવાન સ્વામિનારાયણને મળ્યા ત્યારે તેઓ અપાર પ્રસન્નતાથી છલકાઈ ઊઠ્યા. એ અરસામાં મહારાજ એકાંતવાસ સેવતા હતા. તેઓ કોઈને મળતા નહિ, છતાં તેમણે સેવકોને કહી રાખેલું કે ‘ધારીના પેલા બે સત્સંગી ભાઈઓ દર્શને આવે તો કોઈ રોકટોક વગર તેમને મારી પાસે લઈ આવજો, કારણ કે એમણે સત્સંગનો એવો પક્ષ રાખ્યો છે.’ થોડા સમય પછી આ બંને ભાઈઓ શ્રીહરિનાં દર્શને ગયાં ત્યારે પ્રસન્નવદને શ્રીહરિ ઊભા થઈને તેમને ભેટી પડ્યા હતા.
મર્મચિંતન
ભગવાન સ્વામિનારાયણે એક અદ્વિતીય સંપ્રદાય સ્થાપ્યો જેમાં તેમણે નિયમ-નિશ્ચય અને પક્ષ અર્થાત્ સ્વધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને સંઘનિષ્ઠા પ્રવર્તાવી છે. સંઘનિષ્ઠામાં ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિ, પ્રીતિ, સંપ-સુહૃદભાવ અને એકતાની વાતો ગુણાતીત ગુરુઓએ ભારપૂર્વક પ્રવર્તાવી છે. શ્રીજીમહારાજનો અંતરનો સિદ્ધાંત આ હતો. એટલે જ તેઓ વચનામૃત ગઢડા અંત્યના 7માં કહે છે કે, ‘અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં રાખવાં નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકારમૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે.’
શ્રીજીમહારાજનો સ્પષ્ટ અભિપ્રાય જણાય છે કે સત્સંગમાં સૌના દાસ થઈ, સૌ સાથે સુહ્ય્દભાવ રાખી વર્તવામાં ભગવાન રાજી થાય છે. પરમહંસો સ્વયં ભગવાન થઈને પૂજાય તેવા હતા. પરંતુ તેઓએ તે મોટપને એક કોરે મૂકી દીધેલી અને પરસ્પર એકમેકના સેવક બની સત્સંગ કરેલો.
સદ્. મુક્તાનંદ સ્વામી માટે શ્રીજીમહારાજ કહે છે : ‘મુક્તાનંદ સ્વામીનો માહાત્મ્યનો ગુણ દિવસે દિવસે ચઢતો જ જાય છે. સત્સંગમાં હરિભક્તો-સંતોને પરમ મિત્ર માને છે. પોતાના પર ખાર રાખે તેનું પણ હિત ઇચ્છે છે.’ (શ્રીહરિચરિત્રામૃતસાગર-8/14) અહીં શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીના સૌ સાથેના સુહૃદભાવ, દાસભાવથી તેઓ પર વારી ગયેલા જણાય છે.
આમ, ભકત સાથેનો સુહૃદભાવ અને પક્ષ એ રાજીપો મેળવવાની ચાવી છે.