Essay Archives

રાજીપાના વિચારથી પ્રત્યેક કાર્યમાં ચીવટ આવે છે

स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दन्ति मानवाः।
પોતાના કાર્યથી ભગવાનની પૂજા કરી સિદ્ઘિ મેળવવાની વાત ગીતાકારે અહીં જણાવી છે. પોતાનાં કર્મને પણ પુષ્પ, ચંદન, તુલસીપત્ર જેવા માંગલિક ઉપચારતુલ્ય ગણવાની વાત શ્રીકૃષ્ણ ભગવાન આપણને શિખવાડી રહ્યા છે. જેમ જે પુષ્પ, ચંદન, ફળ વગેરે ભગવાનને અર્પણ કરવાનું હોય તે લેશ પણ બગડેલું આપણે ન ચલાવીએ તેમ આપણું કાર્ય પણ એવું જ પવિત્ર અને ચીવટવાળું રાખવાનું છે. પરંતુ મોટે ભાગે એવું જોવા મળે છે કે ભક્તિ સંબંધી ક્રિયામાં શુદ્ધિનો આગ્રહ રાખનાર વ્યાવહારિક રોજિંદા કાર્યોમાં ગડબડગોટા કરતો હોય. લાહરિયાપણું, ચાલશે જેવી મનોવૃત્તિઓ કાર્યમાં ઘર કરી જાય છે; પરંતુ જો પ્રત્યેક ક્રિયામાં ભગવાન અને સંતને રાજી કરવાનો વિચાર હોય તો સહેજે તે ક્રિયા ચોકસાઈવાળી બને.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાર્ષદાવસ્થામાં સદ્. કૃષ્ણચરણદાસ સ્વામી સાથે વિચરણ કરતા તે સમયનો પ્રસંગ છે. એક વાર વાસણોને કલાઈ કરવાની હતી. તે સેવા યોગીજી મહારાજ કરતા જાય અને સાથે બેઠેલા ભગવાનદાસને પૂછતા જાય કે ‘જુઓ, કલાઈ કેવી થાય છે? સ્વામી રાજી થાશે ને?!’ કલાઈ કરવા જેવી સામાન્ય સેવામાં પણ યોગીજી મહારાજને ગુરુને રાજી કરવાનો વિચાર રહેતો. તેથી તેઓની પ્રત્યેક ક્રિયા ચોકસાઈવાળી બની રહેતી.
પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આવી ચીવટ અને ચોકસાઈવાળું જ રહ્યું છે. તેઓ વિષે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીએ અભિપ્રાય ઉચ્ચારેલો કે ‘કદાચ પ્રમુખસ્વામી મહારાજના ભાગે મંદિરમાં ચણાતી દીવાલમાં એક ઈંટ મૂકવાની સેવા આવે તો તે ઈંટ પણ પ્રમુખસ્વામી મહારાજ એ રીતે મૂકે કે જાણે ભગવાન સ્વામિનારાયણના મસ્તક પર મુગટ પહેરાવતા ન હોય?’ ભગવાનના મસ્તક પર મુગટ પહેરાવવામાં તો સૌને ચોકસાઈ રહે. પણ તેટલી જ ચીવટ ચણતરકામમાં રહેવી અઘરી. પરંતુ સ્વામીશ્રી દરેક ક્રિયા ભગવાન અને ગુરુને રાજી કરવા માટે જ કરે છે. તેથી તેઓનું પ્રત્યેક કાર્ય એવું ચોકસાઈવાળું થાય છે કે તેને નીરખવા સૌ કોઈ સ્થિર થઈ જાય.
અમેરિકામાં હબસીઓ માટેની ગુલામી પ્રથા નાબૂદ કરવાની ચળવળ ચલાવી વિશ્વવિખ્યાત બનનાર માર્ટીન લ્યૂથર કીંગ કહેતા : ‘We must set out to do a good job and do that job so well that a living or dead or the unborn couldn’t do it better. If it falls to your luck to be a street sweeper, go on out and sweep streets like michael angelo carved marbles, sweep streets like Rafael painted pictures, sweep streets like Beethovan composed music and Shakespeare wrote poetry, sweep streets so well that all the hosts of heaven and earth will have a pause and say here lived a great street sweeper, who did his job well.’ અર્થાત્ આપણે સૌ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે જ સર્જાયા છીએ અને પ્રત્યેક કાર્ય એવી સારી રીતે કરો કે જીવતાં કે મૃત્યુ પામેલા કે ન જન્મેલામાંથી કોઈ તેને વધુ સારું ન બનાવી શકે. જો તમારા ભાગ્યમાં હાથમાં ઝાડૂ લઈ શેરી સાફ કરવાનું આવે તો નીકળી પડો અને તે શેરી પણ એવી રીતે સાફ કરો કે કે જાણે માઈકલ એન્જેલો શિલ્પ તૈયાર કરી રહ્યો હોય, રાફેલ ચિત્ર દોરી રહ્યો હોય, બિથોવન સંગીત બનાવી રહ્યો હોય કે શેક્સપિયર કવિતા લખી રહ્યો હોય. તે શેરી એવી રીતે વાળો કે તમને જોઈ પ્રત્યેક પૃથ્વીવાસી અને સ્વર્ગવાસી ઘડીક થંભી જાય અને બોલી ઊઠે કે ‘જુઓ, જુઓ, અહીં એક મહાન શેરી વાળનારો છે, જે તેનું કાર્ય સારી રીતે કરી રહ્યો છે.’ કાર્ય સામાન્યમાં સામાન્ય ભલે હોય પણ તે કાર્ય પ્રત્યેનો અભિગમ સામાન્યને અસામાન્યમાં ફેરવી દે છે. જો પ્રત્યેક કાર્યમાં ભગવાન અને સંતને રાજી કરવાનો અભિગમ રહે તો સંડાસ સાફ કરવાની સેવા હોય તોય ચીવટવાળી બની રહે. જે ભોજન નિક્ટના સંબંધીને જમાડવાનું હોય તેમાં સડેલું ટામેટું, બટાટું કોઈ જવા દે? તો જે ક્રિયાથી ભગવાન અને સંતને રાજી કરવાના હોય તેમાં કોઈ કચાશ રહે ખરી?
જ્યારે સૈનિકો લડવા માટે જાય છે ત્યારે પોતાનાં સગાં-વહાલાંની અને પોતાના રાષ્ટ્રની આબરૂ સાથે લઈને જાય છે અને એ ભાનથી જ તેઓ શરીરની શક્તિ કરતાં વધારે શક્તિ બતાવી લડી શકે છે. તેમ આપણે કોઈ કાર્ય રાજીપાના વિચારની ભાવનાથી કરીએ છીએ ત્યારે એ વિચારથી જ આપણે વધુ શક્તિ, વધુ ચીવટ અને વધુ જુસ્સાથી કાર્ય કરી શકીએ છીએ.
આમ, આપણે જોઈ શકીએ છીએ કે રાજીપાનો એક વિચાર આપણી સાધના અને આપણા વ્યવહારને કેવાં બદલી શકે તેમ છે. જેમ દૂધપાકમાં પડેલું ચપટી કેસર દૂધપાકના રંગ, સ્વાદ, સુગંધને બદલી દે છે તેમ જીવનમાં ઉમેરાતો રાજીપો લેવાનો એક વિચાર આપણા જીવનના રંગ, સ્વાદ, સુગંધને બદલવા પૂરતો છે.
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય 11માં કહે છે કે ‘ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિ-રૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે.’
અહીં શ્રીજીમહારાજ જણાવે છે કે ભગવાનના રાજીપાના વિચાર સાથે આપણે વેપાર, ખેતી, અભ્યાસ, વ્યવહાર વગેરે જે કાંઈ કરીએ તે બધું જ મોક્ષદાયી બની જાય છે. કબીર કપડું વણતાં-વણતાં, ગોરો કુંભાર ગારો ખૂંદતાં-ખૂંદતાં, રોહીદાસ ચમાર ચામડું ટીપતાં-ટીપતાં, અર્જુન બાણગંગા વહાવતાં-વહાવતાં, પર્વતભાઈ-કલ્યાણભાઈ હળ ચલાવતાં-ચલાવતાં પણ મોક્ષ મેળવી શક્યા તેના મૂળમાં આ જ વિચાર કારણભૂત હશે. ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છાથી થતી વ્યાવહારિક- સાંસારિક પ્રવૃત્તિ પણ કલ્યાણકારી બની જાય છે. ગટરને ગંગાજળમાં ફેરવી દેવાની તાકાત છે રાજીપાના વિચારમાં.
તેથી જ શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા અંત્ય 25માં કહે છે કે ‘ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ઘા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી તો ઇચ્છા રાખવી જે, ‘એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.’ એટલી ઇચ્છા રાખવી. અને એવી ઇચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું.’

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS