આજે ચરોતરમાં સત્સંગ સમુદાય વિસ્તર્યો છે, એનું કારણ છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, જેઓએ ગામેગામ કષ્ટો વેઠીને લોકોમાં આધ્યાત્મિક સુવાસ પ્રસરાવી છે. કષ્ટો વેઠીને તેમણે વિચરણ કર્યું છે, મંદિરો રચ્યાં છે, સમાજસેવાઓ કરી છે, લોકોનાં દુઃખ-દર્દ સાંભળ્યાં છે અને નિવાર્યાં છે. એવું એક સ્મરણ મનમાં આજેય તાજું છે.
સન 1999ના જાન્યુઆરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ મહેળાવમાં શિખરબદ્ધ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ હતો. પ્રતિષ્ઠાને આગલે દિવસે સ્વામીશ્રીએ મને વાત કરી કે, આપણે ઘૂંટેલી ગામે જવું છે.
મેં કહ્યું : ‘ઘૂંટેલી ગામમાં કોઈ એવો સત્સંગ સમુદાય નથી.’
પરંતુ સ્વામીશ્રી કહે, ‘પણ એ ગામમાંથી આ ઉત્સવમાં રોજ શાકભાજી આવે છે ને!’
મારે મન એ સેવા સાવ સામાન્ય હતી. આથી મેં સ્વામીશ્રીને ત્યાં ન જવા માટે વિનંતી કરી. કારણ કે સ્વામીશ્રીને સાંજે બોચાસણ પહોંચવાનું હતું અને એ પહેલાં તેઓએ ત્રણેક ગામોમાં વિચરણ કરવાનું હતું, તેમને 80 વર્ષની ઉંમરે વધુ ભીડો સહન કરવો ન પડે તેથી મેં ઘૂંટેલી ગામે જવાની ના પાડી. પરંતુ સ્વામીશ્રી કહે, ‘કાલે પ્રતિષ્ઠાને બીજે દિવસે આપણે અહીંથી નીકળશું ત્યારે ત્યાં જઈશું.’
મેં દલીલ કરતાં કહ્યું : ‘બાપા, સુણાવ ગામમાં પણ આપણે જ્યાં નવા મંદિરની જમીન છે, ત્યાં જવાની આપે વાત કરી છે, વળી ઘૂંટેલી જઈશું તો બોચાસણ પહોંચવામાં બહુ મોડું થશે.’
ઘૂંટેલી તો બહુ સામાન્ય નાનું એવું ગામ. ગામમાં ત્યાં કોઈ વ્યવસ્થા નહીં. વળી, રૂટ પણ અવળો હતો. ત્યાં જઈને પાછું મહેળાવ આવીને, પાછું સુણાવવાળા રસ્તે જઈને પાછું બોચાસણ જવાનું આંટીઘૂંટીવાળું થતું હતું. આમ છતાં સ્વામીશ્રીએ નમતું ન મૂક્યું.
હકીકતે, આ ગામના એક નવાસવા ભાવિક રમાકાંતભાઈએ સ્વામીશ્રીને ગામમાં આવવા વિનંતી કરી હતી કે આપ અમારે ત્યાં પધારો તો અમારા ગામમાં સત્સંગ થાય. અને એમના ભક્તિભાવથી સ્વામીશ્રી મુશ્કેલીઓ વેઠીને પણ ત્યાં પધાર્યા. ગામમાં ભવનાથ મંદિરના પ્રાંગણમાં લોકો એકઠા થઈ ગયા. ત્યાં જ એક સભા યોજાઈ ગઈ. સ્વામીશ્રીએ સૌને સંબોધતાં કહ્યું: ‘મહેળાવમાં પ્રતિષ્ઠા ઉત્સવ વખતે આપના ગામના ભાવિકોએ શાકની સેવા કરી છે. કોઈકને આ સેવા ભલે સામાન્ય લાગે, પણ ભક્તિભાવની કિંમત છે. લોકોને એમ થાય કે શાકમાં શું? પણ ભગવાનની સેવા થાય અને ભગવાનને અર્પણ થાય તેનાથી ભગવાન રાજી થાય છે.’ એમ કહીને આભાર માનતાં ગામના એ ભાવિકો પર ખૂબ આશીર્વાદ વરસાવ્યા.
આજે એ દિવસનું સ્મરણ તાજું થાય છે. રમાકાંતભાઈ જેવા એકાદ માણસ માટે પણ સ્વામીશ્રીએ ભીડો વેઠ્યો હતો તેના કારણે ઘૂંટેલી ગામમાં સત્સંગની સુવાસ ફેલાઈ ગઈ છે.
સ્વામીશ્રીનો એવો જ એક અન્ય પ્રસંગ સદાય સ્મરણમાં તાજો રહ્યો છે.
સન 1992નું વર્ષ હતું. તા. 15-12-1992ના રોજ ઇસણાવ ગામે નવનિર્મિત બી.એ.પી.એસ. મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ હતો. શિયાળાની કડકડતી ઠંડી હતી. ચરોતરનાં ગામડાંઓમાં વિચરણ કરતાં કરતાં સ્વામીશ્રી અહીં ઇસણાવ પધાર્યા હતા. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું નહોતું. ૠતુને કારણે કફ અને ઉધરસની તકલીફ થઈ હતી. આજે રાત્રે બારથી ત્રણ વાગ્યા સુધી સતત ઉધરસની તકલીફ રહી હતી. તેના કારણે ઊંઘ પણ બરાબર આવી નહોતી. આમ છતાં સ્વામીશ્રી વલ્લભવિદ્યાનગરથી પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં ઇસણાવ પધાર્યા હતા. અહીં પ્રતિષ્ઠા વિધિ કરીને સભામાં સૌને આશીર્વચનનો લાભ આપ્યો હતો.
આ પ્રતિષ્ઠા દરમ્યાન નજીકના પીપળાવ ગામના ‘શ્રમજીવી સહકારી સંઘ’(વાઘરીવાસ)ના પુંજાભાઈ, અંબાલાલભાઈ, મફતભાઈ વગેરે બે-ચાર સામાન્ય ભાવિકોએ સ્વામીશ્રીને મળીને કહ્યું હતું કે, ‘બાપા! જરા આપનાં પગલાં અમારા વાસમાં પડે તો આ ભૂમિ પવિત્ર થાય. કારણ કે આ વાસમાં દર વર્ષે એક પાડો વધેરાય છે. અને નાના-મોટા પ્રસંગોમાં બકરાં તો આઠ-દસ દિવસે વધેરાય જ છે. માટે આપ પધારો અને સૌનું જીવન પવિત્ર કરો.’
જો કે સ્વામીશ્રીની ઉંમર, તેમનું નાદુરસ્ત સ્વાસ્થ્ય વગેરેને કારણે એ ભાવિકોએ કોઈ જાતનો આગ્રહ કર્યો નહોતો. છતાં સ્વામીશ્રીએ પોતાના સ્વાસ્થ્યની પરવાહ કર્યા સિવાય તેમને ત્યાં આવવાની હા પાડી દીધી. પ્રતિષ્ઠા ઉત્સવ પછી ભોજન લઈને બપોરે સવા એક વાગ્યે સ્વામીશ્રી પીપળાવના એ વાસમાં પધાર્યા. સ્વામીશ્રી પધારશે જ એમ ધારીને બધાએે ઉમંગથી રસ્તો સમથળ કરીને તૈયારીઓ કરી રાખેલી. સૌએ સ્વામીશ્રીને મોટરકારમાં બેસી રહેવા જ જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં સ્વામીશ્રી ગાડીમાંથી નીચે ઊતર્યા, સૌનાં હારતોરા-પુષ્પો અંગીકાર કર્યા. સૌને આશીર્વાદ આપ્યા, છેલ્લે કહેઃ ‘જે કોઈ વ્યસન હોય તે કાઢી નાખજો અને બધા અમારા સગરામ જેવા ભક્ત થઈ જજો.’
સ્વામીશ્રીના એ દિવ્ય પ્રભાવથી એ વાસમાં સત્સંગ થઈ ગયો. વર્ષમાં કાયમ માટે હજારો રૂપિયા પાડા વધેરવામાં, બકરાં વધેરવામાં વાપરતા હતા. સ્વામીશ્રીના પ્રભાવથી એ બધું બંધ થયું. સ્વામીશ્રીનાં પગલાં પડે તો વાઘરીવાસ જેવા વિસ્તારમાં પણ બધા લોકો કેવા સુખી થઈ જાય છે, અને સત્સંગી થઈ જાય છે એનું આ જીવંત ઉદાહરણ છે.
પરંતુ એવા અનેક લોકોના સૌના સુખ માટે સ્વામીશ્રીએ જે રીતે પોતાની જાતને ઘસી નાંખી છે, એ દૃશ્ય સદાય હૃદયમાં અહોભાવ અને કૃતજ્ઞતા પ્રગટાવતું રહ્યું છે.