Essays Archives

માળાને ભગવાનના નામ-સ્મરણનો શ્રેષ્ઠ આધાર માનવામાં આવ્યો છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે, અલબત્ત બધાની પદ્ધતિઓ અલગ અલગ છે. જો કે એ વાત વિદ્વાનોએ સિદ્ધ કરી આપી છે કે હિન્દુ સિવાયના અન્ય ધર્મોમાં માળાની પ્રણાલિકા જોવા મળે છે તેનું મૂળ હિન્દુ ધર્મ જ જણાય છે.
મુંડક ઉપનિષદ્‌ કહે છે : ‘अरा इव रथनाभौ संहता यत्र नाड्यः’ રથના પૈડાની નાભિમાં જેમ આરાઓ સંયુક્ત મળેલા રહે છે, તેમ શરીરની અંતર્વાહિની નાડીઓ હૃદય સાથે સંયુક્ત છે. હૃદય એટલે પરમાત્માનું નિવાસસ્થાન. એ પરમાત્માનું સ્મરણ કરીને તેમને હૃદયમાં પ્રગટ કરવા માટે આર્ષદ્રષ્ટા મુનિઓએ માળા ઉપકરણરૂપે આપી અને સાથે નામજપનો મહિમા સમજાવ્યો.
અગ્નિપુરાણમાં કહ્યું છેઃ ‘असंख्यातन्तु यज्जत्पं सर्वं तद्‌ अफलं स्मृतम्‌’ જે કંઈ મંત્ર જપો તેની ગણતરી હોવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રજાપ અફળ જાય છે, તેને રાક્ષસો લઈ જાય છે એમ મનાય છે.
નામજપ એ ભક્તિ સંપ્રદાયનું આગવું અંગ છે. ભક્તિ-પ્રણાલીના ઉદ્‌ગમકાળે નિરક્ષરતા વ્યાપ્ત હતી. આવા સમયે સામાન્ય વર્ગ ભક્તિ તરફ વળ્યો એટલે જપ-ગણનાની સમસ્યા ઊભી થઈ. ૠષિમુનિઓએ એકત્ર થઈ જપનાં સાધનો શોધી કાઢ્યાં. પ્રથમ તો છાણ, લાખ, સિંદૂરનું મિશ્રણ કરી એક યજ્ઞપૂત પાત્ર તૈયાર કરી આપ્યું. તેમાં ધાન્ય ભરી કણ-ગણતરીથી નિયત સંખ્યા બાંધી. જે કોઈ નામજપ આદરે તે પહેલાં ૠષિ આશ્રમેથી આ કણપાત્ર લઈ આવે. એક એક કણે મંત્ર જપે. ને એમ જપની ગણતરી અસ્તિત્વમાં આવી.
સમય જતાં પરિવ્રજ્યા કરતાં કરતાં પણ નામજપ થાય તેવું ૠષિઓએ શોધ્યું. જેમાં 'કરમાળા'-આંગળીઓના વેઢા દ્વારા ગણતરીની પદ્ધતિ-સૌને આપી. તેમાં નિયમો પણ મૂક્યા, જેવા કે આંગળી-આંગળી વચ્ચે ખાલી જગ્યા ન હોવી જોઈએ, અમુક મુદ્રા અમુક ઉપાસકો માટે અપનાવવી, નક્કી કરેલા સ્થાને જ જપ કરવો, વગેરે. કણપાત્ર કરતાં કરમાળા ઠીક ઠીક ઉપયોગી થઈ.
પરંતુ સતત ભ્રમણશીલ યાત્રિકો માટે આ ઉપાય જરા કઠિન નીવડ્યો. વેદ-ઉપનિષદ્‌ના મંત્રદ્રષ્ટાઓને ભીતર કંઈક પ્રકાશ થતાં, ‘अरा इव रथनाभौ संहता यत्र नाड्यः’ મુજબ, કમળના બીજમાં છિદ્ર પાડી, મુંજરેષાતંતુને પરોવી પ્રથમ પચ્ચીસની અંકગણના થઈ શકે તેવી માળા રચી. જોડાણમાં એક મેરુમણિ રાખ્યો. આરાનું કેન્દ્ર રથનાભિ હોય છે તેમ.
પછી ઇન્દ્રાક્ષ, રુદ્રાક્ષ, શંખ, સ્ફટિક, પુત્રજીવ વગેરેની માળાઓ અસ્તિત્વમાં આવી. તે સઘળાનું નવીન સ્વરૂપ - ૧૦૮ મળકાની માળા આજપર્યંત રૂઢ છે. જેના મૂળમાં વારાહ ઉપનિષદની તત્ત્વ ગણતરીનો મુખ્ય આધાર છે.
છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છ રિપુ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દશ પ્રાણ, ત્રણ અવસ્થા(જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા(બાળ-યૌવન-વૃદ્ધ), ચાર વિષય અંતઃકરણના (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન, અવધારણા), ચાર ભાવ (મુદિતા, કરુણા, મૈત્રી, ઉપેક્ષા), ચૌદ દેવતા, નવ ગ્રહ, જન્મ, મૃત્યુ, પુરુષ અને માયા - કુલઃ ૧૦૮ તત્ત્વોથી જીવાત્મા તદ્દન ભિન્ન છે તેનું ભાન ઈશ્વરપ્રણિધાનમાં તત્પર થયેલો સાધક ક્ષણે ક્ષણે કેળવતો રહે એવી જાગરૂકતા ૠષિઓએ જપ સાથે સાંકળી લીધી. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરુ છે. તેનું જાણપણું મૂક્યું.
આ ઉપરાંત કિંવદન્તીઓ પણ સાંભળવા મળે છે : કોઈ કહે છે કે રુદ્રાક્ષના મણકાવાળી માળા ફેરવવામાં આવે તો તેમાં રહેલા વૈદકીય ગુણોથી તંદુરસ્ત રહેવાય છે. કોઈ કહે છે કે ખરાબ દૃષ્ટિથી બચવા તે ઉત્તમ રક્ષણ છે. કોઈ વળી ૧૦૮ મણકા સાથે આઠસો મંત્રનું ગણિત જોડે છે ને આઠ વાર ફેરવવાના સતત અનુસંધાન માટે સો ઉપર આઠ મણકા મૂક્યાનું રહસ્ય ગણાવે છે. કોઈ વળી હિંદુઓ માટે ૧૦૮નો આંક મહાન 'સન્માન દર્શક સંજ્ઞા' તરીકે ઓળખાવી જપમાળાનું શુદ્ધ આર્યત્વ સ્થાપે છે. કમળ બીજના મણકાથી માંડી પુત્રજીવ, રુદ્રાક્ષ, તુલસી, રક્તચંદન, ચંદન ને સામાન્ય કાષ્ઠ સુધીની સૌ કોઈ માળા સદ્‌ગુરુપ્રાસાદિક હોય તો તે ઉત્તમ જ છે. તે સિવાય સ્ફટિક, વૈદૂર્ય, પ્રવાલ કે સુવર્ણમોતીની હોય તો પણ તે અભદ્ર છે. માળામાં કોઈ મણકે-મણકે દોરાગાંઠ પાડે છે. કોઈ ભાતીગળ ફૂમતાથી મેરુને શણગારે છે પરંતુ ભાવપ્રાધાન્ય મહત્ત્વનું છે.
હિન્દુ ધર્મમાં સાધનાના પ્રતીકરૂપ બની ગયેલી માળાએ અન્ય ધર્મોમાં કેવું સ્વરૂપ ધારણ કર્યું છે તે પણ સમજવા જેવું છે. ઇસ્લામમાં માળાને 'તસબીહ' કહેવામાં આવે છે. તસબીહમાં ૯૯ મણકા હોય છે. 'અલ્લાહ'નું નામ જપતાં તેઓ તસબી ફેરવે છે. તસબીનો મુખ્ય મણકો 'ઈમામ' કહેવાય છે. આ માળા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય છે. મોટે ભાગે ત્રણેય ભાગોના મણકાના રંગ જુદા જુદા હોય છે. તેનો આકાર પણ ભિન્ન હોય છે અને જુદાં જુદાં દ્રવ્યોમાંથી બનેલા હોય છે. મુસ્લિમોમાં બીજા પ્રકારની માળા પણ જોવા મળે છે. તેમાં ૯૯ ને બદલે ૧૦૧ મણકા હોય છે. તેની સાથે ૧૦૧ પયગમ્બરોનાં નામ જોડાયેલા છે એવી એક માન્યતા છે. મુસ્લિમોમાં માળાનો પ્રચાર ક્યારથી થયો તે વિશે ઘણી બધી માન્યતાઓ છે. ૯મી શતાબ્દીના એક પુરાણા મુસ્લિમ ગ્રંથમાં તસબીહનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે ભારતના બૌદ્ધો પાસેથી તેમણે માળાની પરંપરા મેળવી છે. (એચ. થર્સ્ટન. જર્નલ સોસાયટી આટ્‌ર્સ ભાગ ૧, પૃ. ૨૬૫).
મુસ્લિમોમાં કંઈ કેટલીય શાખાઓ છે. પ્રત્યેક શાખા અમારા મણકા વિશેષ પવિત્ર છે, એવો દાવો કરે છે. અને અલગ અલગ પદાર્થોથી મણકાની માળા તૈયાર કરે છે. મક્કાની માટીમાંથી બનેલા મણકાઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. લાકડા ઉપરાંત પથ્થર, કાચ, મગ, મોતીની માળા પણ જોવા મળે છે. શિયાપંથી કરબલાની માટીના મણકાની માળા બનાવે છે જ્યારે અરબી સુન્નીપંથીઓ ભારતીય માળાનો ઉપયોગ કરે છે. ક્યારેક તેઓ હુસેનના મૃત્યુની યાદમાં મણકાને લાલરંગી બનાવે છે. હસન-હુસેનને ઝર આપી મારી નાંખવામાં આવ્યા હતા ત્યારે તેમનો રંગ પાછળથી લીલો થઈ ગયો હતો. એટલા માટે ક્યારેક ક્યારેક મણકાને લીલા પણ બનાવવામાં આવે છે. ફકીરોની માળા મોટે ભાગે કાચના વિભિન્નરંગી મણકાની હોય છે.
ખ્રિસ્તીઓમાં રોમન કેથોલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. ૧૫ મોટા મણકા વડે તે માળામાં દસ ભાગ પાડ્યા હોય છે. રોમન સાધુઓની માળામાં ૧૮૦ મણકા હોય છે. એ માળા ત્રણ મોટા મણકાથી જ ચાર ભાગોમાં વિભાજિત થયેલ હોય છે.
યહૂદીઓમાં માળાનું કોઈ ખાસ ધાર્મિક મહત્ત્વ નથી. તેઓ માળાને ફક્ત શોખના રૂપે પર્વ કે ઉત્સવ પ્રસંગે ધારણ કરે છે. આ માળામાં ૩૨ મણકા અને ૯૯ મણકાની માળા - એમ બે પ્રકાર છે.
જૈનોમાં પણ જપમાળાનો વ્યાપક પ્રચાર જોવા મળે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે. તેમાં ૧૦૮ મણકા પર તો તેઓ 'णमो अर्हन्ताय’ એવો જાપ કરે છે, બાકીના ત્રણ મણકા પર ‘सम्यग्दर्शन-ज्ञान चारित्रेभ्यो नमः’નો જાપ કરે છે.
બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા હોય છે. એવું કહેવાય છે કે ગૌતમ બુદ્ધના જન્મ સમયે ૧૦૮ જ્યોતિષીઓને એમનું ભાગ્યફળ જોવા માટે બોલાવાયેલા. અને ૧૦૮ માળાના મણકા એ ઘટનાના પ્રતીકરૂપે છે. બર્મા(બ્રહ્મદેશ)માં બુદ્ધનાં ચરણચિŽù ૧૦૮ બતાવાયાં છે. તિબેટમાં બૌદ્ધોનો ધર્મલેખ 'કહગ્પુર' પણ ૧૦૮ પંક્તિઓમાં જ લખાયેલો છે. ચીનમાં પેિકગમાં આવેલું ઉજ્જ્વળ શ્વેતમંદિર પણ ૧૦૮ યૂપો(પૂજાદંડ)થી ઘેરાયેલું છે. તથા જાપાનમાં મૃતક શ્રાદ્ધમાં ૧૦૮ દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને ૧૦૮ રૂપિયા જ દાનમાં દેવાય છે. અર્થાત્‌ બૌદ્ધોમાં ૧૦૮ અંકનું મહત્ત્વ ખૂબ લાગે છે. ગૌતમ બુદ્ધના મૃત્યુ પ્રસંગે તેમની ચિતાની ૧૦૮ પ્રદક્ષિણા ફરવામાં આવેલી. આ બધી બાબતો સાથે માળાના ૧૦૮ મણકાનું રહસ્ય સંબંધિત છે એમ તેઓ માને છે.
બૌદ્ધ ધર્મ બર્મા, લંકા, ચીન, જાપાન, થાઈલેન્ડ વગેરે દેશોમાં પ્રચલિત છે. દરેક દેશના બૌદ્ધ અનુયાયીની માળામાં થોડી થોડી ભિન્નતા રહેલ છે. ભારતીય બૌદ્ધોની માળા હિંદુઓની માળા જેવી જ હોય છે. તેઓ બુદ્ધનું નામ જપે છે. તિબેટમાં માળાને 'થેંગવા' અથવા 'થેંગનગા' કહે છે. લામાએ આ માળાને પહેરવી જ જોઈએ એવો ત્યાંનો રિવાજ છે. જાપાની બૌદ્ધોની માળા ૧૧૨ મણકાની હોય છે. તેમાં બે સુમેરુ ૫૬ મણકા પછી આવે છે. જાપાનમાં પહેલાં પિપ્પલકાષ્ઠની માળા બનતી હતી, કારણ કે પિપ્પલ(પીપળા)ના વૃક્ષ (બોધિવૃક્ષ) હેઠળ જ ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું. પિપ્પલકાષ્ઠની દુર્લભતાને લીધે હવે બેર અને રુદ્રાક્ષના મણકાની માળા વિશેષ જોવા મળે છે. કનો, કીતી અને ગોમા મહોત્સવોના અવસરે તેઓ માળાનું ખૂબ માહાત્મ્ય સમજે છે.
વચલી આંગળીથી શા માટે ?
જાપમાં માળા ફેરવતી વખતે તર્જની આંગળીનો ઉપયોગ નથી કરાતો, કારણ કે
हृदि तिष्ठद्दशांगुलम्‌ (यजुर्वेद ३१)
ભગવાનનું મુખ્ય નિવાસસ્થાન હૃદય પ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવાને માટે જાપ થાય છે જે વચલી આંગળીની (મધ્યાંગુલી) ધમનીનો હૃદયપ્રદેશ સાથે સીધો સંબંધ છે, એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે.
૧૦૮ મણકા કેમ ?
(૧)'બ્રહ્માંડ-પિંડ' સિદ્ધાંત અનુસાર, પ્રકૃતિના નિયંત્રણથી બ્રહ્માંડની ચારેય દિશામાં ફરતી રહેતી નક્ષત્રમાળાને જોઈને, ભારતીય ૠષિઓએ પણ નક્ષત્રોની સંખ્યા(સત્તાવીસ)ને દિશાઓની ચારની સંખ્યાથી ગુણીને એકસો આઠ સંખ્યાના મણકાવાળી માળાનું નિર્માણ કર્યું.
(૨)બીજુ _ પણ એક રહસ્ય છે. માયાના અંક ૮ છે અને બ્રહ્મનો ૯ અંક. માયામાં પરિવર્તન અથવા પરિવર્ધન થાય છે, બ્રહ્મમાં નહિ. આઠના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૮ƒ૧=૮, ૮ƒ૨=૧૬ (૧†૬=૭), ૮ƒ૩=૨૪ (૨†૪=૬)[ આ પ્રમાણે આગળ પણ ક્રમ ઘટતો જાય છે. પરંતુ ૮ƒ૯=૭૨ (૭†૨=૯) અહીં વધીને ૯ થયો પણ બ્રહ્મનો અંક ૯ એ જ રૂપમાં રહે છે. હવે નવના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૯ƒ૧=૯, ૯ƒ૨=૧૮ (૧†૮=૯)...[ આમાં કોઈ વિકાર નથી.
હિંદુ જાતિ પ્રારંભથી જ સૂર્યભક્ત છે. સૂર્યનાં ૧૨ સ્વરૂપો હોય છે. એનું બારમું સ્વરૂપ વિષ્ણુ છે. બ્રહ્મનો અંક ૯ છે. ૧૨ અંકવાળા વિષ્ણુરૂપ સૂર્યની સાથે ૯ અંકવાળા બ્રહ્મને ગુણવાથી ૧૦૮ સંખ્યા થાય છે. એક માળાના જાપમાં સૂર્યાત્મક વિષ્ણુનો જપ ૧૦૮ વાર થાય એવી ગણતરી કરવામાં આવી. ૧૦૮નો યોગ ૧†૮=૯ થાય છે, ૯ અંક બ્રહ્મનું પ્રતીક છે, એટલે બ્રહ્મવિદ્‌ સંન્યાસીઓના નામની સાથે પણ 'ર્પશ્વષસરફૅ ર્પશ્વષૂર તરસઠ' એ ન્યાયથી આદરરૂપે 'શ્રી ૧૦૮' લખાય છે.
નક્ષત્રમાળાના આધાર ઉપર આ માળા બની છે. માળાના બંને છેડાને મેળવીને જ્યાં એક કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે એ સ્થાનના સર્વોચ્ચ મણકાને 'સુમેરુ' કહેવામાં આવે છે. જેમ કે બ્રહ્માંડની નક્ષત્રમાળાના પણ બંને છેડા જ્યાં ભેગા થાય છે એ સ્થાનને પણ 'સુમેરુ પર્વત'ના નામથી જ પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. એટલે જપમાળા ને નક્ષત્રમાળા, એ બંનેના સંયોજન સ્થાનને 'સુમેરુ' કહેવામાં, બંનેની એકતાનું પણ અનુમાન કરી શકાય છે.
બીજાં પણ કેટલાંક કારણો આ અંગે અપાય છે.
(૨)પ્રત્યેક પળમાં આપણા ૬ શ્વાસ નીકળે છે. અઢી પળની એક મિનિટમાં આપણા ૧૫ શ્વાસ નીકળે છે. આ હિસાબથી એક કલાકમાં ૯૦૦ તથા દિવસના ૧૨ કલાકમાં ૧૦,૮૦૦ શ્વાસ આપણા નીકળે છે. (બાકીના ૧૨ કલાક શયનાદિ પ્રવૃત્તિમાં વ્યય થાય છે.) શ્વાસોશ્વાસે નામજપની લગની લગાડવા એક દિવસના આટલા શ્વાસોમાં આપણે આપણા ઇષ્ટદેવને સંભારવા જોઈએ. શાસ્ત્ર કહે છે કે આપણા જીવનના આ શ્વાસ વ્યર્થ ન જવા જોઈએ. પરંતુ શ્વાસોશ્વાસે ન થઈ શકે એટલે શાસ્ત્રકારોએ તેના એકસોમા ભાગ જેટલી માળા આપીને કહ્યું કે શાસ્ત્રવિધિ અનુસાર દરરોજ એક માળા - ૧૦૮ જપ કરીએ તો બધા શ્વાસ સાર્થક બને. કારણ કે વિધિ પ્રમાણે કરેલો જાપ, उपांशु स्यात्‌ शतगुणः (મનુ. ૨/૮૬) સૂત્ર અનુસાર, સો ગણો થઈ જાય છે. ટૂંકમાં ઉપાંશુ જાપને કારણે ૧૦૮ જાપ સો ગણા થઈ જતા ૧૦,૮૦૦ જાપ થાય છે. એટલે ઓછામાં ઓછી એક માળા વિધિવત્‌ થવી જોઈએ. અધિક કરવામાં બાધ નથી.
માળા-કંઠી ગળામાં શા માટે ?
અધિક જાપ કરવાવાળી વ્યક્તિઓને - ખાસ કરીને જે 'ઉપાંશુ' - ચૂપચાપ હોઠ અને જીભ હલાવ્યા વિના - જેનું શાસ્ત્રમાં અધિક માહાત્મ્ય વર્ણવેલું છે - જાપ કરતા હોય એમની કંઠ-ધમનીઓને અધિક પરિશ્રમ કરવો પડે છે. એટલે ભય રહે છે કે ક્યાંક એ સાધક ગલગંડ, કંઠમાળ આદિ રોગોથી પીડાય નહિ. આ ભયથી બચવાને માટે તુલસી, રુદ્રાક્ષ આદિ દિવ્ય વૃક્ષોમાંથી બનાવેલી કંઠી, માળા ધારણ કરવામાં આવે છે. આ વૃક્ષો ઉપરના રોગોને દૂર કરવા માટેની સફળ ઔષધિ છે. (આ એક અનુભવસિદ્ધ પ્રયોગ છે કે નાના બાળકોને ગળામાં તુલસી કે રુદ્રાક્ષની કંઠી પહેરાવવામાં આવે તો દાંત આવતા હોય તેની પીડા તથા ગલગંડ અને કંઠમાળ આદિ રોગો દૂર થઈ જાય છે.)
ધાર્મિક દૃષ્ટિએ યજ્ઞોપવીતની જેમ કંઠી, માળા હિંદુત્વનું અનિવાર્ય ચિŽ છે.
માળા માત્ર સાધન છે. નામજપમાં માળા કરતાં મહત્ત્વનું અંગ મન છે. મન જો નામજપમાં ન જોડાય તો માળાનો મતલબ રહેતો નથી. ભક્તકવિઓએ આથી જ ગાયું છે : 'માળા તો કરમાંહી ફિરે, મન ફિરે ચહુ દિશ...'

 

ઈટાલીમાં એક આશ્ચર્યએ સૌને અવાક્‌ કરી દીધા હતા. થોડાં વરસો પૂર્વે, એક યુવતી કોઈ ભારતીય પાસેથી સામવેદની એક ૠચાને સિતાર પર વગાડવાનું શીખી. ખૂબ અભ્યાસ અને રીયાઝ બાદ, એક નદીને કિનારે રેતીના પટ પર તેણે એ રાગ પર સિતારને ઝ _કારી. સામવેદની ૠચાને છેડી અને તેમાં લીન થઈ ગઈ. તેને એ જોતાં ખૂબ આશ્ચર્ય થયું કે ત્યાં રેતી પર આપોઆપ કંઈક આકૃતિ દોરાઈ હતી. તેણે વિદ્વાનોને આ વાત જણાવી. વિદ્વાનોએ આ આકૃતિનો ફોટોગ્રાફ લીધો. ચિત્ર વીણા-પુસ્તકધારિણી સરસ્વતી દેવીનું નીકળ્યું! ત્યાર પછી જ્યારે જ્યારે એ યુવતી તન્મય થઈને આ ૠચાને છેડતી, ત્યારે ત્યારે આ ચિત્ર આપોઆપ સામે કંડારાઈ જતું!
પશ્ચિમના અનેક વિજ્ઞાનીઓએ વખતો વખત આ બાબતનું નિરીક્ષણ કરીને એ સાબિત કર્યું છે કે ચોક્કસ મંત્રને ચોક્કસ પદ્ધતિથી રટવામાં આવે તો ચોક્કસ પ્રકારની આકૃતિ રચાય છે !
વિજ્ઞાનના આ જ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને ભારતીય ૠષિવર્યોએ 'જપ યોગ'ની શોધ કરી હતી. પરમાત્માના સાક્ષાત્કાર માટે જપ-નામસ્મરણ એક મુખ્ય સાધન એમના મતે હતું.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS