Essays Archives

સ્થિતપ્રજ્ઞ મહાપુરુષની ઓળખ :

સુખની પણ જેને સ્પૃહા નથી...

અધ્યાય - ૨

જીવનની અસ્થિરતા એટલે વિચારોની વિક્ષુબ્ધતા. વિચારોની વિક્ષુબ્ધતા એટલે આવેગ. આવેગ બે પ્રકારના હોય છે. એક મોહાત્મક અને બીજો દ્વેષાત્મક. મોહાત્મક આવેગો સુખમય હોય છે. દ્વેષાત્મક આવેગો દુઃખમય. આ બંને પ્રકારના આવેગો સવાર થતાં વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે. બંનેમાં આંતરિક વિક્ષોભ થયા વગર રહેતો નથી. આથી જ મનુષ્ય દુઃખના અતિરેકમાં કે સુખના અતિરેકમાં ન વિચારવાનું વિચારવા લાગે છે. ન ધારવાનું ધારવા લાગે છે. વ્યર્થ અને હાનિકારક સમજણોથી ઘેરાઈ જાય છે. ખોટા નિર્ણયો કરવા લાગે છે. ખોટું આચરણ કરવા લાગે છે. પરિણામે જીવન પરમ સંતોષ કે પરમ આનંદથી વંચિત રહી જાય છે, અસ્થિરતાનો શિકાર બને છે.
સ્થિતપ્રજ્ઞતા આવા આવેગોને આપણા જીવનમાંથી દૂર કરે છે, મનને તંદુરસ્ત બનાવે છે. આથી સાચા આધ્યાત્મિક વિકાસ માટે, મનોવિકાસ માટે કે બૌદ્ધિકવિકાસ માટે સ્થિતપ્રજ્ઞતાને સમજ્યા વગર અને તે કેળવ્યા વગર છૂટકો નથી. એમ ધારીને ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ સ્થિરજીવનની સંજીવનીસમી સ્થિતપ્રજ્ઞતાને ઉદ્‌ઘાટિત કરી રહ્યા છે. એમાં દુઃખના પ્રસંગોમાં કેવું વલણ અપનાવવું તે આ પૂર્વેના અંકમાં જોયું. હવે સુખના પ્રસંગોમાં કેવું મનોવલણ રાખવું તે અંગે ગીતાના ઉપદેશોનું ચિંતન કરીએ.

सुखेषु विगतस्पृहः - સુખમાં ન કોઈ સ્પૃહા

सुखेषु विगतस्पृहः! સુખમાં પણ સ્પૃહા નહીં! આશ્ચર્ય ઉપજાવે તેવી આ વાત છે, પરંતુ સમજાઈ જાય તો સાચા આનંદની અનુભૂતિ કરાવે એવી છે.
સ્પૃહા એટલે લાલસા. સુખ શબ્દથી અહીં લૌકિક સુખ-સગવડોની વાત કરી છે. હકીકતે દુઃખોનું મૂળ સુખની સ્પૃહામાં પાંગરતું હોય છે. ગરીબી એટલી પીડાદાયક નથી હોતી, પરંતુ અમીર થવાની સ્પૃહા માનવીને હેરાન કરી મૂકે છે. આ સુખ મને મળવું જ જોઈએ, આ સગવડો મને મળવી જ જોઈએ - એ પ્રકારે આપણે સ્પૃહાથી બંધાઈએ છીએ, ત્યારે દુઃખની માત્રા વધવા લાગે છે.
આથી જ 'दुःखेषु अनुद्विग्नमनाः' કહીને દુઃખમાં વિચલિત ન થવાનો ઉપદેશ તો કર્યો જ હતો, પરંતુ હવે સુખ પણ વિચલિત કરી ન જાય તે ધ્યાન રાખવાનું કહે છે. ગીતા અહીં આપણને એક ડગલું આગળ લઈ જવા ઇચ્છે છે. દુઃખ પચાવવું અઘરું છે, પરંતુ સુખ પચાવવું વધુ અઘરું છે તે યાદ કરાવે છે. કારણ દુઃખની અવરોધકતા કદાચ સમજી શકાય છે, પણ સુખ પણ અવરોધક છે તે સત્ય સમજાતાં વાર લાગે છે. એમાંય વળી દુઃખ કરતાં સુખ વિશેષ બંધનકારી છે તે તો જાણે સમજાતું જ નથી, પરંતુ જો આ સત્ય સમજાઈ જાય તો તરત જીવનમાં ફેરફાર જોવા મળશે. જીવન વધુ આનંદમય બનતું અનુભવાશે.   
એક દાખલા દ્વારા સમજીએ. કોઈ એક વિદ્યાર્થી છે. પરીક્ષાનો સમય નજીક છે. વાંચવામાં તલ્લીન છે. એ વખતે કોઈ એવી વ્યક્તિ તેની પાસે આવે કે જેની સાથે તેને બનતું નથી. હવે તેનું વાંચવામાં મન નહીં રહે. એમાંય તે અણગમતી વ્યક્તિ તેને જાણી જોઈને હેરાન કરે, જરૂર વગરની વાતો કરે, ઘોંઘાટ કરે કે પછી કોઈ પણ રીતે તેને ખલેલ પાડે તો તે વિદ્યાર્થી દુઃખી થઈ જશે. પરિણામે તેનું વાંચનનું ધ્યેય પાર નહીં પડે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. દુઃખની વાસ્તવિક પરિસ્થિતિ. હવે તે જ વિદ્યાર્થી પાસે થોડી વાર પછી તેનો મિત્ર આવે છે. ખાસ મિત્ર. એટલે તુરંત જ તે વાંચનારો વિદ્યાર્થી પોતે જ ફટ દઈને પુસ્તક પડતું મૂકે છે. 'કેમ છે દોસ્ત. તું તો મળતોય નથી, યાર.'.. એમ પોતે જ વાતો કરવા મંડી પડે છે. ત્યારે તેનો મિત્ર તેને પરીક્ષા યાદ કરાવે છે. અને કહે છે - 'પછી નિરાંતે મળવા આવીશ. અત્યારે તું વાંચ.' તો આ વિદ્યાર્થી કહે છે કે 'એ તો વંચાશે. થઈ રહેશે, પણ તું બેસ. નિરાંતે વાત કર.' અને તે મિત્ર સાથે વાર્તાલાપનું સુખ લે છે. આ પણ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. સુખની વાસ્તવિક પરિસ્થિતિ. વાંચન તો બંનેમાં અટક્યું છે. નુકસાન સરખું છે. સુખમાં ખબર નથી પડતી એટલી જ વિશેષતા છે.
લૌકિક સુખ-દુઃખ માયાનાં બે મહોરાં છે. એકમાં રડાવીને હેરાન કરે છે તો બીજામાં હસાવીને છેતરે છે. અધ્યાત્મવૃત્તિ તો બંનેમાં તૂટે છે. ભગવાન બંનેમાં ભુલાય છે. આ વાત સમજવામાં આપણે ભૂલા પડીએ છીએ. સત્પુરુષ આવી પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞતાનો આનંદ લેતા હોય છે. પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાનો આનંદ!
ભગવાન સ્વામિનારાયણે આ વાત લૂક તથા હિમના દાખલે સમજાવી છે. તેમણે કહ્યું - 'જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવનાં હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશય દુખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાંખે છે, એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે છે, એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા.' (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ-૩)
આ રીતે દુઃખ અને સુખ બંને આંતરિક સ્થિરતાના વિઘાતક છે. વિઘાતકતામાં બંને સરખા. માત્ર ફેર એટલો જ કે તેમાં એક કડવું ઝેર છે જ્યારે બીજું ગળ્યું ઝેર છે. પણ બન્ને ઝેર તો છે જ.
આપણા માટે સુખના પ્રસંગો એટલે - ધનસમૃદ્ધિમાં અભિવૃદ્ધિ થતી હોય. સગવડો મળતી હોય અને સચવાતી હોય. માન-સન્માન મળતું હોય. બે માણસ પૂછતા હોય. લોકમાં પ્રશંસા થતી હોય. કોઈ કાર્યમાં સફળતા મળી હોય. મોટાં આયોજનોમાં આપણને ભેળવતા હોય. આપણી સલાહ લેવામાં આવતી હોય. સલાહનો સ્વીકાર થતો હોય. આપણો પક્ષ રખાતો હોય. લોકો અને અધિકારીઓ આપણો વિશ્વાસ કરતા હોય. લોકમાં સારું દેખાય એવાં કાર્યો કરવાની તક મળતી હોય. લોકોને રંજન કરી શકે એવી સંગીત, નૃત્ય, વક્તૃત્વકળા, ચિત્રકળા કે પછી એવી કોઈ પણ એકાદ આવડત હાંસલ કરી હોય અને એ આવડતની કદર થતી હોય. કાંઈ જોઈતું હોય ને મળે, મળે તેય પાછુ જેવું તેવું નહીં, સારામાં સારું મળે, ઇચ્છ્યું હોય તે કરતાં વધારે મળે, જરૂરિયાત કરતાં પણ વિશેષ મળે. આ બધું પાછુ વગર મહેનતે, સહેજે સહેજે મળી જાય. મળ્યા પછી કોઈ ઉપાડી ન જાય. કોઈ લઈ ગયો હોય તો સમયે પાછુ આપી જાય. કાંઈ તૂટે-ફૂટે નહીં.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS