માનવજાતે પૃથ્વીને કબજે કરી ત્યારપછી આવનારા સમયને ધ્યાનમાં રાખીને સહઅસ્તિત્વ અને સર્વસુખાકારી માટે ઋષિમુનિઓએ આ સંસ્કારો સિંચ્યા હતા: (ઋગવેદ ૧૦/૧૯૧): संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् (તમારા મન-વાણી-વર્તનમાં એકતા રહે). समानी व आकूति: समाना ह्रदयानि व: (આપણા ઈરાદાઓ અને આકાંક્ષાઓ એકસમાન રહે). પરંતુ પૃથ્વીના સર્વોપરી શાસક થઈ બેસવાની ઘેલછામાં માણસ બેકાબૂ અને ક્રૂર બની ગયો. એનો અહંકાર એને શેરીઓની લડાઈથી લઈને વિશ્વયુદ્ધો સુધી દોરી ગયો.
બબ્બે વિશ્વયુદ્ધોના પ્રહારથી ત્રાહિમામ્ પોકારી ગયેલી દુનિયાને શાંતિની અનિવાર્યતા સમજાઈ એટલે તા.૨૪-૧૦-૪૫થી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘યુનો‘ અસ્તિત્વમાં આવી. આજે ૧૯૫ દેશો એના સભ્યો છે. એના શાંતિરક્ષક દળમાં ૮૫,૦૦૦ વ્યક્તિઓ કામ કરે છે. વિશ્વશાંતિ માટે એ દર વરસે લગભગ ૫૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. આવા પ્રમાણિક પ્રયત્નો પછી પણ વિશ્વ આજે સંપૂર્ણ શાંતિ પામી શક્યું નથી. આ જોઈને ‘યુનો‘ના બીજા મહામંત્રી દાગ હેમરશીલ્ડ દુઃખપૂર્વક બોલ્યા છે, ‘અમે શાંતિ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે પણ એમાં બૂરી રીતે હાર્યા છીએ. હવે જો આધ્યાત્મિક નવજાગૃતિ નહીં આવે તો વિશ્વ ક્યારેય શાંતિને નહીં જાણી શકે.‘
જે રીતે આપણી ભૌતિક પ્રગતિના માર્ગદર્શકો વૈજ્ઞાનિકો છે, એ જ રીતે શાંતિ અને સંવાદિતાના માર્ગના પથદર્શકો સંતો છે. અન્યાય અને હિંસા જોઈને એમનું હૈયું કકળી ઉઠે છે, એટલે તેઓ ગમે એટલું જોખમ વહોરી લઈને પણ મહાભારતના શ્રીકૃષ્ણની માફક શાંતિ કરાવવા માટે દોડી જાય છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનભર શાંતિ સ્થપાય એ માટે ખૂબ જ પુરુષાર્થ કર્યો છે. કેટલાંય ખૂનખરાબા સુધી પહોંચી શકે એવા ઝગડાઓ એમણે વચ્ચે પડીને નિવાર્યા છે, પરિણામે આજે અનેક ગામડાંઓ, જ્ઞાતિઓ અને કુટુંબો શાંતિનો શ્વાસ લઈ રહ્યાં છે.
આજથી ૨૦૦ વર્ષ પહેલાં ભાવનગર પાસેના ઓદરકા અને કુકડ ગામો વચ્ચે થયેલ સીમની જમીનનો ઝગડો લોહીયાળ જંગમાં પરિણમેલો. બંને પક્ષે કેટલાંક માથાં વધેરાયેલાં. ત્યારથી ઓદરકા પંથકના ૩૩ ગામો અને કુકડ પંથકના ૧૧ ગામો વચ્ચે અપૈયા એટલે કે સંપૂર્ણ બહિષ્કાર- તે તે ગામનું પાણી પણ ન પીવું- આવું ચાલતું હતું. અંગ્રેજ અમલદારો, ભાવનગરનું રાજકુટુંબ તેમ જ ભારત સરકારના મંત્રીઓએ પણ સમાધાન માટે કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. આમાં બંને પક્ષને નુકસાન જ થતું હતું. પ્રમુખસ્વામી મહારાજને આ વાતની ખબર પડી એટલે તેઓ તા.૧૨-૪-૯૦ની બપોરે બેઉ ગામની સંયુક્ત સીમની જગ્યાએ આવીને બેઠા. બંને પક્ષના માણસોને બોલાવ્યા, સમજાવ્યા અને સમાધાન કરાવી દીધું. એ જ વખતે એમણે બંને ગામમાંથી પાણી મંગાવ્યું. એને ભેગું કરીને બંને પક્ષે સામસામા પાણીના પ્યાલા પાઈને અપૈયા છોડ્યા. પ્રમુખસ્વામીની દરમ્યાનગીરીએ ૨૦૦ વર્ષના વૈરાગ્નિને ઠારીને જળથીયે વધુ શીતળ કરી દીધો.
તા.૨૭-૧૧-૯૦એ પાટી ગામમાં પ્રમુખસ્વામીએ નવા મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી. પરંતુ આ આનંદના અવસરે એમના મનમાં એક ચિંતા છૂપાયેલી હતી. એ હતી ગામના બે ભાઈઓ વચ્ચેનું વર્ષોથી ઘર કરી ગયેલું વૈમનસ્ય. મૂર્તિપ્રતિષ્ઠા વિધિ પછી તરત જ એમણે બે ભાઈઓ અને બીજા સગાંવહાલાંને બોલાવી કલાકો લગી મીટીંગ કરી. બંને વચ્ચે સમાધાન કરાવીને જ તેઓ જંપ્યા. એની બાજુના તાજપુર ગામમાં આવા જ ક્લેશને ઠારવા તેઓ બોલ્યા હતા, ‘તમને બધાને હાથ જોડી પગે લાગી આ વાત કરવી છે. ચડસા-ચડસીમાં પૈસા જાય. માણસો ખોઈ બેસીએ. ભૂલવું જ છે તેમ માનો. જે વસ્તુ થઈ ગઈ તે મડદા જેવી સમજવી.‘ નિર્મળ સંતવાણીમાં બધાંના વેરઝેર ધોવાઈ ગયાં. સ્વામીશ્રીએ બધાંને જમવા બેસાડ્યા અને સ્વયં બરફી પીરસવા પંગતમાં ફર્યા. છેવટે ત્યાં જ ઊભાં-ઊભાં બોલ્યા, ‘હવેથી આવી રીતે સાથે બેસી જમજો.‘ આમ એમણે તાજપુરને તારાજ થવામાંથી ઉગારી લીધું.
પ્રમુખસ્વામી મહારાજ તા.૧૮-૧૦-૮૪એ રાજકોટ પાસેના માનગઢ તથા ચોમલ ગામે પહોંચ્યા ત્યારે આ બંને ગામોમાં અગાઉ બની ગયેલા વેરઝેરના પ્રસંગને કારણે ઘણી તંગદિલી પ્રવર્તતી હતી, કારણકે વેરની આગમાં અમુક તો હોમાઈ ગયેલાં. પણ સ્વામીશ્રીએ હવે શાંતિ પ્રવર્તાવવા માટે કમર કસી. એમણે બંને પક્ષવાળાઓને ભેગાં કર્યાં અને બળતી અગન ઉપર અમૃત સમી મધુર વાણીથી શાતા પમાડતાં બોલ્યા,‘આપના દુઃખ સાથે અમારું દુઃખ છે. ઉગ્રતા ન આવે તેવા વિચારો કરવા. બધામાં શાંતિ રાખી સહન કરવું. વેરથી વેર શમે નહીં. કોઈપણ આત્માને દુઃખી કરી આપણે સુખી થવાના નથી.‘ વળી એ વખતે પોતાના જીવનનો સિદ્ધાંત રજૂ કરતાં તેઓ પરાપારના શબ્દો બોલ્યા,‘કાતરવાળા ઘણાં હોય, પણ સોય-દોરાવાળા ઓછાં. તોડનારા ઘણાં, પણ સાંધનારા ઓછાં.‘ જીવનભર આ શાંતિના સોય-દોરાથી એમણે કેટલાંય હૈયાને સાંધી દીધાં હતાં.
તા.૭-૧૨-૧૯૨૧ની સવારે વડોદરા પાસેના ચાણસદ ગામે જન્મેલા બાળકનું કુંભ રાશિ મુજબ શાંતિલાલ નામ પાડતી વખતે સગાંવહાલાંને ક્યાંથી કલ્પના હોય કે ભવિષ્યમાં એમનો આ લાડલો જ્યારે પ્રમુખસ્વામી બની જશે, ત્યારે ઘરે પાડેલું નામ ‘શાંતિલાલ‘ ભલે એ છોડી દેશે, પણ કર્મો દ્વારા એ નામને સાર્થક કરતો રહેશે. કારણકે આ શાંતિલાલનો સંપ-સુહ્રદભાવનો સોય-દોરો વિશ્વના કોઈપણ હૈયાની ફાટફૂટને સાંધી દે એવો મજબૂત હશે. બાપુસાહેબનું પ્રસિદ્ધ ભજન છે- ‘શાંતિ પમાડે તેને સંત કહીએ‘. પ્રમુખસ્વામી મહારાજ એવા સાચા સંત હતા- નામથી પણ અને કામથી પણ.