માર્ગદીપકો પ્રભુની પ્રસન્નતાના
ભગવાન અને સત્પુરુષને રાજી કરવાનો વિચાર શ્રેષ્ઠ વિચાર છે.
એ સિદ્ધ થયેલી હકીકત છે.
પરંતુ એ કેવી રીતે શક્ય બને ? તે જાણવા કદમ ઉપાડીએ.
આમ તો ભગવાન ને સંતનો રાજીપો શેમાં રહેલો છે,
તે જાણવું કોઈ માટે દુષ્કર નથી.
કાકા કાલેલકર ‘મારી સ્મરણયાત્રા’ માં લખે છે : ‘સારું શું અને ખોટું શું એનો કંઈક સ્થૂળ ખ્યાલ કોણ જાણે કઈ રીતે પણ માણસને બહુ જ વહેલો મળે છે.’
રાત્રે જંગલમાં જતાં જોખમ છે તે કોઈનાય કહ્યા વગર માણસ જાણી જાય છે.
ચોરી, ખૂન વગેરે ખોટાં છે તે ફોજદારી કાનૂનો વાંચતાં પહેલાં પણ વિવેકી વ્યક્તિને જણાઈ જ જાય છે. માટે ‘અમુક કામ કરવું ખોટું છે તે હું તે વખતે જાણતો નહોતો’ તે વાત સદંતર ખોટી છે.
આ જ રીતે ભગવાન અને સત્પુરુષનો રાજીપો અને કુરાજીપો શેમાં છે
તે કોઈનાય કહ્યા વગર પણ જણાઈ જાય એવું હોય છે.
‘આ રીતે કરવાથી ભગવાન અને સત્પુરુષ કુરાજી થશે એવું એ વખતે હું જાણતો નહોતો’
- એમ કોઈ કહે ત્યારે એ વાત ગળે ઉતારવી અઘરી પડે તેવી બને છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સ્ત્રી-પુરુષ ભક્તોએ ભગવાન અને સત્પુરુષને રાજી કરીને માર્ગદીપકો રોપ્યા છે. એવા માર્ગદીપકોનાં જીવનમાંથી કેટલાક સત્ય સિદ્ધાંતો આપણી આધ્યાત્મિક જીવનયાત્રાને અજવાળે છે. હવે પછીનાં પૃષ્ઠોમાં એવાં ભક્તોની પ્રેરક પ્રસંગ-દીપમાળા છે,
જે આપણને સૌને પ્રકાશમય માર્ગ ચીંધે છે.
સાથે સાથે અહીં ભગવાન અને સંતનો રાજીપો-કુરાજીપો શેમાં છે
તે તેઓનાં જ શ્રીમુખનાં વચનો દ્વારા મર્મચિંતનરૂપે પ્રસ્તુત છે.
એક કવિએ ગાયું છેઃ
‘ભટકતાં નથી એવા નાવિક કદી પણ, જે પામી શકે ધ્રુવ તણા ઈશારા.’
રાત્રિના કાળા ડિબાંગ અંધકારમાં ધ્રુવના તારાના આધારે દિશા નક્કી કરનારો નાવિક કદી પણ આડે રસ્તે ફંટાઈ જતો નથી. તેમ ભગવાન અને સંતનાં આ વચનો તેમજ એ હરિભક્તોના જીવનપ્રસંગો સામે નજર રાખીને ચાલનારો સાધક પણ કદી સાધનામાર્ગેથી ફંગોળાતો નથી.
આ વચનો આપણા દીપસ્તંભો છે. આપના જીવનને તે અજવાળશે, એવી આશા સાથે...
ઉતારો સંસારી વસ્ત્રો ને સ્વભાવનાં વળગણ...
સ્વભાવ મૂકવાથી રાજીપો...
સ્વભાવ દુઃખનું કારણ છે, એટલું જ નહીં, સ્વભાવ ભગવાન અને સંતને કુરાજી કરવાનું પણ કારણ છે. વચનામૃતમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણે ક્રોધ, માન, લોભ વગેરે સ્વભાવને આધ્યાત્મિકતાના પતન માટે જવાબદાર કહ્યાં છે. જેમણે પોતાના એવા સ્વભાવને છોડ્યાં તેમના પર શ્રીહરિએ વખતોવખત પ્રસન્નતાના કળશ ઢોળ્યા હતા.
અહીં છે એવી એક પ્રેરક કથા...
‘માંચા, અમે સાંભળ્યું છે કે તમે ખુલ્લી તલવાર લઈને વસ્તા ખાચરને મારી નાખવા દોડ્યા હતા ?’
સંવત 1866નો આ પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં ગામના દરબાર માંચા ખાચરને પૂછી રહ્યા છે.
‘મહારાજ ! આપની પાસે પેટછૂટી વાત કરીશ. મહારાજ ! મારી ભાણેજ સીતબાને વસ્તા વેરે પરણાવી છે. તેણે આ એક સ્ત્રી કરી ત્યારે જગતની બીજી તમામ સ્ત્રીયું મા-બહેન થઈ ગઈ. છતાં વસ્તો બીજી સ્ત્રીને પરણવા તૈયાર થયો છે. તે પોતે માનેલી બહેનની સાથે જ લગ્ન કરે તો પાપ નહીં ?’
શ્રીહરિ મામલો સમજી ગયા. પરંતુ, પોતાના આશરે આવેલા જીવના અંતરમાં આટલો ક્રોધ કેવી રીતે સાંખી લેવાય ?
ધીરેથી મહારાજે કહ્યું, ‘બાપુ ! સાંભળો, તમે તલવાર હાથમાં લઈને આવડો ક્રોધ કર્યો તે તમને શોભે ? તમે તો અમારા વચને ત્યાગી થઈને ભુજમાં આવી ગયા હતા ! એટલે હું તો તમને હજુ પણ ત્યાગી જ દેખું છું. આ કારિયાણી ગામ કે માંચો નામ એ મિથ્યા છે.’ માંચા ખાચર આ સાંભળી સ્તબ્ધ બની ગયા !
શ્રીહરિ તો ક્રોધનો સ્વભાવ છોડાવવા માંગતા હતા. માંચાએ આ મરજી પિછાણી. મોટા મોટા ૠષિઓને પણ જે ક્રોધનો ત્યાગ કરવો અત્યંત દુષ્કર હતો એ ક્રોધનો ત્યાગ કરવાનો નિર્ધાર આજે માંચાએ કરી લીધો. પોતાના ઊકળી ઊઠેલા લોહીને પશ્ચાત્તાપનાં પાણીથી પખાળી શાંત કર્યું. તેમણે બે હાથ જોડી મહારાજની માફી માંગતાં કહ્યું, ‘મહારાજ ! મેં ક્રોધ કર્યો તેની માફી માંગું છું.’
માંચાનું આ પરિવર્તન શ્રીહરિએ પારખ્યું. એક જ ક્ષણમાં પોતાના ક્રોધનો ત્યાગ કરવાની આ ક્ષત્રિયની અદા ઉપર શ્રીહરિ ઓવારી ગયા. કારણ કે એમને સંતોષ થયો કે એક પાકા હરિભક્તનું લક્ષણ માંચા ખાચરે સિદ્ધ કરી લીધું હતું.
તે જ ક્ષણે એક પાર્ષદને બોલાવી શ્રીહરિએ કહ્યું, ‘અમારે માંચા ખાચરને આજે ભગવાં વસ્ત્ર પહેરાવવાં છે. માટે ભગવાં વસ્ત્રો લાવો.’ અલફી અને વસ્ત્રો આવી ગયાં એટલે મહારાજે માંચા ખાચરને કહ્યું, ‘લ્યો, તમારા સંસારી વસ્ત્રો ઉતારી આ ભગવાં વસ્ત્રો પહેરી લ્યો. આજથી તમે માંચા ખાચર મટીને ‘અચિંત્યાનંદ સ્વામી’ બન્યા.’ શ્રીહરિનાં વચનોને શિર પર ધારીને માંચા ખાચરે તરત જ સંસારી વસ્ત્રો ઉતારી ભગવાં પહેરી લીધાં. પછી મહારાજને દંડવત્ કર્યા. મહારાજે તેમને માથે બે હાથ મૂકીને કહ્યું, ‘સ્વામી ! હવે આ સંતમંડળ કાનમ દેશમાં ફરવા જાય છે. તેની સાથે આપ પણ પધારો.’ અને માંચા ખાચર ‘અચિંત્યાનંદ સ્વામી’ તરીકે કાનમ દેશમાં વિચરવા જઈ રહ્યા હતા ત્યારે મહારાજની આંખોમાંથી પ્રસન્નતાનાં જળ વહી રહ્યાં હતાં. કારણ કે, આ માંચા ખાચરે માત્ર વસ્ત્રોનો જ ત્યાગ નહોતો કર્યો, પરંતુ સ્વભાવનો પણ ત્યાગ કર્યો હતો. આજે માંચા ખાચરને અંતરમાં દૃઢ પ્રતીતિ થઈ ગઈ કે જે પોતાના દુઃસ્વભાવોનો ત્યાગ કરે છે, તેને શ્રીહરિ પોતાના શરણમાં સ્વીકારીને પોતાની પ્રસન્નતાથી ભીંજવી દે છે.