Essays Archives

એક વિરલ પ્રશ્નોત્તરીમાં પ્રમુખસ્વામી મહારાજ કરે છે ગુરુ શાસ્ત્રીજી મહારાજનું હૃદયંગમ સ્મરણ...

પ્રશ્ન : આપ શાસ્ત્રીજી મહારાજ સાથે ઘણું રહ્યા છો. આપને એમનો સાક્ષાત્‌ અનુભવ છે તો, જણાવશો કે શાસ્ત્રીજી મહારાજ કેવા સમર્થ હતા ?
પ્રમુખસ્વામી મહારાજ : એ તો આખી દુનિયાએ જાણ્યું કે કેવા સમર્થ હતા! સામાન્ય લોકો કહેતા કે શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસ આટલી મુઠ્ઠી હાડકાના શું કરવાના છે? પણ એમણે કરી બતાવ્યું કે આ તો વિરાટ જેવું કાર્ય છે. સામાન્ય દેખાતા હતા. એવું બોલનારા માણસોએ 'જેના વેરી ઘા વખાણે' એમ કહેવું પડ્યું કે 'એમણે અદ્‌ભુત કાર્ય કરી બતાવ્યું.'
શ્રીજીમહારાજનો સિદ્ધાંત જગતમાં પ્રવર્તે અને અનંત લોકો મહારાજના દિવ્ય ધામને પામે એ માટે જ શાસ્ત્રીજી મહારાજનો અવતાર હતો. એ દિવ્ય પુરુષ હતા. આ પૃથ્વી ઉપર એવાં ઘણાંને દર્શન થયાં છે, ઘણા અહીં બેઠા છે. નાનું સ્વરૂપ લાગે છતાં એમનો પ્રભાવ અને છટા જબરજસ્ત. આટલું મોટું કાર્ય કરવું એ કાંઈ સામાન્ય વ્યક્તિનું કામ નહિ. અત્યારે તો પૈસા, માણસ બધું હોવા છતાં કામનો આરંભ કરવો મુશ્કેલ - જ્યારે એમને કંઈ જ ન હતું છતાં ગગનમાં ગાજે એવું કરી નાખ્યું. એ વખતે આવો વિચાર આવવો એ જ મોટી વાત છે. બીજા હોય તો થથરી જાય. ગઢડામાં જે વખતે 'ગામમાં કોઈ પૂછે નહીં ને પટેલને ઘેર ઊનાં પાણી!' એક હરિભાઈ કે જેમને ત્યાં ઉતારો હોય ને બીજા રામજી મંદિરના બાવા કેશવદાસ - આ બે જ ફક્ત સ્વામીને રાખે. એ વખતે ગઢડાના ટેકરા સામું જોઈને કહેવું કે 'અહીં મહારાજ સ્વામી બેસશે.' એ કેટલી હિંમતની વાત!
બધાને લાગતું કે આ શાસ્ત્રી શું કરશે? મનુષ્ય તરીકે બધા એમાં ભૂલા પડ્યા. પણ એમણે જે કાંઈ કરી બતાવ્યું એ બધાએ જોયું. શૂન્યમાંથી સર્જન કર્યું. બધાને એમ કે આ તો ભીખ માંગીને રહે છે. પણ શાસ્ત્રીજી મહારાજ મક્કમ વિચારના હતા. જે વિચાર કર્યો એ સારધાર પાર ઉતારવો. પછી ગમે તેટલાં વિઘ્નો આવે, પણ કોઈ દિવસ મોળો વિચાર ન આવે. આ જગ્યાએ બીજુ _ કોઈ હોય તો જરૂર ન જ કરી શકે. ચારેય બાજુ વિરોધ. નહિ આવકાર કે નહીં સહકાર. કોઈ વાત સાંભળવા તૈયાર નહિ. એવે વખતે આ કાર્ય કરવું એ મોટી વાત છે. તેમનો દૃઢ સંકલ્પ કે આ વાત કરવી જ છે. લોકો વિચારમાં રહ્યા અને કામ ચાલુ થઈ ગયું. જોતજોતામાં બોચાસણમાં મંદિર થઈ ગયું. અક્ષરે સહિત પુરુષોત્તમની સ્થાપના થઈ ગઈ. ત્યારે સૌને થવા માંડ્યું કે 'કાંઈક થશે.' ઉપાસના માટે જે જુદી જુદી સમજણો હતી એ ગરબડ ગોટા શાસ્ત્રીજી મહારાજે કાઢ્યા અને સાચી ઉપાસના સમજાવી દીધી.
સારંગપુર મંદિર કર્યું ત્યારે લોકો કહેતા 'તલહરાની તાપણીથી ભૂત જાય નહિ.' અને આ તો 'વંડી ઉપરનું ખડલું છે.' સહેજ ઉપાડે ને તરત ઊખડી જાય. મંદિર આમ બંધાતાં હશે? કેટલી શક્તિ, કેટલો પ્રચાર અને પુરુષાર્થ જોઈએ, તો થાય. કર્યા પછી નિભાવવું એય અઘરી વાત છે. પણ શાસ્ત્રીજી મહારાજે બેય વિચાર કર્યો હતો. કહેનારા રહી ગયા અને સંસ્થાનાં મૂળ ઊંડાં જતાં રહ્યાં. પાતાળે પાયા નાખી દીધા. જોગી બાપા ને મહાનત સ્વામી આજુ બાજુ ના ૧૦ માઈલ સુધી ઝોળી માંગવા જાય. ત્યારે બીજે દા'ડે મજૂર અને સાધુ ખાય. 'સાત ભઈ વચ્ચે એક સૂથણું...' એમ જે વહેલો ભંડારમાં જાય એ ખાઈ જાય. પછીના લોટ ફાકે. તે દા'ડે અમારે એવું હતું! કઢીમાં નાખવા લોટ ન મળે ને આગલા દિવસના રોટલાનો ભૂકો કરીને ખાંડે ત્યારે એની કઢી થાય. ઘાસલેટના ડબ્બામાં રાંધવાનું. આવી પરિસ્થિતિમાં કોઈને આવી ઇમારત કરવાનું મન ન થાય. પાછો સામેથી એવો વિરોધ! લોટ માંગવા જાય તો આગળ આગળ વિરોધીઓ ફરે. 'બંડિયા આવ્યા છે માટે આપવું નહિ!' બીજા હોય તો વિચાર થઈ જાય; 'ભગવાનને બેસવું હશે તો બેસશે, આપણે આપણું કરી લો.' પણ શાસ્ત્રીજી મહારાજને એ વિચાર નહિ.
એમને આ માટે કોઈ મમત્વ કે હરીફાઈ ન હતી. કેવળ મહારાજનો સિદ્ધાંત પ્રવર્તે એ એક હેતુ હતો. છેલ્લી અવસ્થામાં ગઢડામાં આરસનું મંદિર ઊભું કર્યું! એમના દૃઢ અને મક્કમ વિચારોથી આ કાર્ય ઊભાં થયાં છે. મહાપુરુષો લાકડા-લોઢા પાસે કામ કરાવે એવી વાતો સાંભળી હતી. પણ સ્વામીએ એવા પાસે કામ કરાવ્યું તે નજરે જોયું. એમની સાથેના લોકોમાં કોઈ ભણેલા નહિ પણ એવી શક્તિ મૂકી કે સંપ્રદાય ડોલાવી નાંખ્યો. શાસ્ત્રીજી મહારાજના કાર્યનો વિચાર કરીએ ત્યારે થાય કે 'કેવા માણસો પાસે કામ લીધું છે! હરજીવનદાસને બતાવીને શાસ્ત્રીજી મહારાજ કહેતા : 'આ અમારો એન્જિનિયર!' ભલભલાને કાનપટ્ટી પકડાવે એવા એ હતા !
શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે કોઈનો વિરોધ ન કરવો. આપણે પડખે મોટો લીટો કરવો તો આપોઆપ સમજાઈ જશે. કોઈનો વિરોધ કરીને આગળ આવવામાં મહત્તા રહે નહિ. આપણા કાર્યને વધારીશું તો બીજા આપોઆપ ઝાંખા પડશે.
શાસ્ત્રીજી મહારાજે કાઠિયાવાડી પથ્થરને હટાવ્યા અને સારંગપુર, ગોંડલ, ગઢડા મંદિરો કરી દીધાં. ત્યાર પછી લોકોને વાત સમજાઈ. તોય ઘણાને થતું કે શાસ્ત્રીજી તો નાના સરખા, જે કરે છે આ નિર્ગુણદાસ કરે છે. પણ નિર્ગુણ સ્વામીનેય પ્રેરણા આપનાર શાસ્ત્રીજી છે. એ ખબર ન પડી ને કાર્ય થયાં. તેમનું કાર્ય ખરેખર! મનુષ્યનું નહોતું, અપમાન ભલભલા માણસને વસમું લાગે. મોતિયાં મરી જાય. ઢીલા થઈને સાત દિવસ પથારીમાં જ પડી રહે પણ તેઓ નીડર હતા. નાશ કરવાનાય પ્રયત્નો થયા. કોઈ સિક્યુરિટી ન હતી. એમની સિક્યુરિટી ભગવાન. ભગવાન અખંડ સાથમાં હતા. વરતાલથી હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને નીકળ્યા એ છત્રછાયા કાયમ રહી. અને અત્યારે પણ એ સાથે છે એટલે ડંકો વાગે છે.'
પ્રશ્ન : ઘણા કહે છે કે શાસ્ત્રીજી પરંતુ મહારાજ ગંભીર અને કડક સ્વભાવ વિશેષ ધારણ કરતા. આપ ઘણીવાર કહો છો કે શાસ્ત્રીજી મહારાજ 'રસિયા બાલમ' (ખૂબ પ્રેમાળ) હતા. એવો કોઈ પ્રસંગ કહેશો કે જેમાં તેમના 'રસિયા બાલમપણા'નું દર્શન થાય?
પ્રમુખસ્વામી મહારાજ : મોટા પુરુષને લોકો પાસેથી કંઈક કામ લેવાનું હોય, નિયમમાં વર્તાવવાના હોય. એટલે કડક દેખાય ખરા અને એવી પ્રતીતિ થાય, પણ અંદરથી ખૂબ કોમળ હોય. એવો પ્રસંગ પુરુષોત્તમપુરા ગામનો છે. એક હરિભક્ત - ભાયલીના જીવાભાઈ હતા. જમીનનું કામકાજ કરતા હતા. તેમના બીજા હરિભક્તોનું દેવું માથે થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા, ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું કે તને વ્યવહાર કરતા આવડતું નથી. શા માટે આવું કરે છે? સ્વામીએ જરા કડક થઈને વાત કરી. તે હરિભક્ત સાંભળી રહ્યા પણ કંઈ બોલ્યા નહીં. સ્વામીશ્રી તો પોતાની ચરોતરી ભાષામાં ખૂબ બધું બોલ્યા અને કેટલીય વાત કરી. અડધો કલાક સુધી તેમને જે રીતે કહેવાય તે રીતે, શિખામણની રીત કહો કે કડકાઈની રીત કહો, પણ બહુ ઉગ્ર શબ્દોમાં વાતચીત કરી.
જીવાભાઈ તો ભક્તરાજ હતા. તેમણે તરત કીર્તન ગાયું. તેમના ભાઈ છોટાભાઈ પણ કીર્તનીયા હતા. મોતીભાઈ ભગવાનદાસ, મોતીભાઈ નાથાભાઈ એ બધા કીર્તનીયા કહેવાતા હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે ગાતા. જીવાભાઈ ને છોટાભાઈ બે ભાઈ પણ કીર્તન સારા ગાતા હતા. એ જીવાભાઈએ કીર્તન ઉપાડ્યું : 'સુણો ચતુર સુજાણ... એમ ન ઘટે રે તમને દીનાનાથજી!' તેમણે આ કીર્તન ઉપાડ્યું ને બોલ્યા. તે સ્વામીશ્રીએ તો જે નૃસિંહ સ્વરૂપ ધારણ કરેલું અને જે કડકાઈ ધારણ કરી તે બધું જાણે છે જ નહીં! અદૃશ્ય! પ્રહ્‌લાદનું રક્ષણ કરવા જે રીતે નૃસિંહ સ્વરૂપ લઈને ભગવાન આવ્યા તે પ્રહ્‌લાદ સિવાય બીજો કોઈ સહન ન કરી શકે. એવી રીતે શાસ્ત્રીજી મહારાજ કીર્તન સાંભળીને, તેમનો ભાવ ને પ્રેમ જોઈને એવા તો રાજી થઈ ગયા કે એમને ખૂબ પ્રેમથી ભેટ્યા. ખૂબ આશીર્વાદ આપ્યા. બધા જોનારાને આશ્ચર્ય થયું. પહેલાં આમ જરા કડક દેખાયા, પણ એવા ભક્ત ઉપર પછી રાજી પણ થયા. એવા રસિયા કે રાગ-દ્વેષ એવું કશું નહીં, પણ આપણને એવો સ્વભાવ દેખાય.
શ્રીજીમહારાજના સ્વરૂપમાં પણ કેટલીકવાર દેખાતું. કોઈકવાર એવો ભાવ દેખાડે પણ પાછા ભક્તો આગળ બેઠા હોય ત્યારે તો આનંદ અને ઉત્સવ ને કથાવાર્તા કીર્તનમાં જાણે કંઈ બન્યું જ નથી, જાણે કંઈ થયું જ નથી એવો પ્રેમ ભાવ દેખાડે, બોલાવે, ચલાવે, હેતથી એની જોડે વાતચીત કરે. એમ, મૂળ તો રસિયા બાલમ હોય પણ આપણને કેટલીક વખત કોઈ આવા પ્રસંગોએ એમનામાં આવું બધું દેખાય અને આપણને જણાય, પણ વસ્તુતાએ તો આપણું સારું થાય, રૂડું થાય, કલ્યાણ થાય એટલે એ રીતે પોતે વર્તે, પ્રમોદ કરે અને ગમ્મતમાં પણ બહુ રીતે બધાને લાભ આપે. બધા સરખા સરખા બેઠા હોય ત્યારે આનંદ-પ્રમોદ પણ ખૂબ કરતા. એમનામાં રસિયા બાલમ જેવો પણ ગુણ હતો અને સારી રીતે બધા ભક્તોને સુખ આપતા - એ અનુભવેલું છે.
પ્રશ્ન : આપ અને શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો સંબંધ કેવો હતો? પરસ્પર મિત્ર જેવો? ગુરુ ને શિષ્ય જેવો? ભક્ત ને ભગવાન જેવો? કે માતા ને પુત્ર જેવો?
પ્રમુખસ્વામી મહારાજ : શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત્‌ ભગવાનનું સ્વરૂપ હતા. એટલે ભક્ત-ભગવાનનો સંબંધ એ આપણો મોટો સંબંધ કહેવાય, કારણ કે એમને તો શ્રીજીમહારાજનું સ્વરૂપ જ માની એમને આશરે આપણે આવેલા. એમના ભક્ત છીએ એટલે ભક્ત-ભગવાનનો સંબંધ રાખીએ તો એમનું સુખ, આનંદ આપણને આવે. કારણ કે ભગવાન હોય એટલે એમાં નિર્દોષપણું આવે, કોઈ જાતનો દોષ એમની ક્રિયામાં દેખાય નહીં અને આપણે ભક્ત તરીકે એમની જે આજ્ઞા હોય તે પ્રમાણે કરવું જોઈએ. એટલે ભક્ત-ભગવાનનો સંબંધ તે આપણા માટે ઉત્તમ.
પ્રશ્ન : આપના ઉપર શાસ્ત્રીજી મહારાજનો બહુ રાજીપો હતો. તો આપે આટલો બધો રાજીપો કઈ રીતે પ્રાપ્ત કર્યો હતો?
પ્રમુખસ્વામી મહારાજ : એમનો તો બધા ઉપર રાજીપો હતો જ. આપણે જ નહીં-પણ બધા સંતો-હરિભક્તો ઉપર રાજીપો હતો જ. કારણ કે બધાએ તન, મન, ધનથી ખૂબ સેવા કરી છે ને સ્વામીની આજ્ઞા પાળી છે. પણ ભગવાન ને સંતનો રાજીપો દરેક ઉપર થાય છે તેનું મુખ્ય કારણ એ છે કે એમને વિષે અખંડ દિવ્યભાવ રહે.
એમની આજ્ઞામાં સર્વ પ્રકારે સરળતાથી વર્તીએ. એટલે સહેજે જ રાજીપો થઈ જાય. શાસ્ત્રીજી મહારાજનું અંગ હતું કે જે સરળ વર્તે તેના પર ખૂબ રાજી થતા.
અમારે ત્યાં વજેશંકર મિસ્ત્રી હતા. ખૂબ બુદ્ધિશાળી. એનો પથ્થર અહીંથી ઘડાઈને શિખર ઉપર ગયો હોય તો ત્યાં ઉપર ઘડવો ન પડે. એકદમ ફીટ બેસી જાય. એટલું ચોક્કસ એનું માપ હતું કે જે પથ્થર ઘુમ્મટ કે શિખર પર કોઈપણ ઠેકાણે મૂકવાનો હોય એ નીચે માપથી ઘડી લીધો એટલે ઉપર જઈને એક ટાંકણું અડાડવું ન પડે. એકદમ ફીટ ત્યાં આગળ બેસી જાય. અને ક્યાંય પણ આવીને જુ એ કે તરત કહી દે : આ તમારો થાંભલો જરા આઉટ છે. તરત કહી દે કે પદ જરા બેઠું નથી. એટલી બુદ્ધિ એમની શિલ્પકળામાં હતી અને ગણતરી પણ બહુ ચોક્કસ. ગમે તેવું મેળવવું હોય તો તરત જ મેળવી દે. આટલી શક્તિ ને શિલ્પકળામાં હોશિયાર ખરા પણ શાસ્ત્રીજી મહારાજને જરાક ફેરફાર કરવાનો હોય તો પાછુ _ ન કરે. તેને એમ કે મેં_ કર્યું એટલે પછી ફેરફાર ન હોય. ઘણા કારીગરો એવા હોય તેનું માનસ ફેરવીએ તો ફરે નહીં. 'એ બરાબર જ છે' એમ માનીને કરે. પણ લીલાધર મિસ્ત્રી ઉપર સ્વામીનો રાજીપો થઈ ગયો. એમનેય શિલ્પનું બધું જ્ઞાન હતું. તેને ઓછુ _ જ્ઞાન ન હતું. કદાચ વજેશંકર કરતાં ઓછુ _ હશે, પણ શાસ્ત્રીજી મહારાજ જેટલી વખત નકશામાં ફેરફાર કરવા માંગે તો ફેરવે. એને વાંધો નહીં. પેલો એક વખત દૃઢ કરે પછી પોતાનું પકડેલું મૂકે નહીં. જ્યારે સ્વામી આને કહે : 'ના, આપણે આમ નહીં ને આમ કરવું છે. આ દિશા નહીં, પણ આ દિશામાં આટલું પદ રાખવું છે' તો તરત ફરે. કેટલી વખત પદ તો મળતાં જ હોય છે પણ પદમાં નાનું મોટું કે લાંબું-ટૂંકું કરવું હોય તો તેય કરતા. આ સરળતાથી શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ ગયા.
મોટા પુરુષની આગળ સરળ થવું એ મોટામાં મોટી વસ્તુ છે. ત્યાં આગળ બુદ્ધિનો ડહોળ મૂકી દેવો. મેલી ડહાપણ ને ભોળપણ... બેય વસ્તુ મૂકી દઈએ તો રાજી થાય. ત્યાં ડહાપણ કરે તો પણ નડે. ભોળપણ હોય તો કોઈ બીજે ઠેકાણે લપ ચોંટી જાય. ભોળપણ એટલે 'આ પણ સારા છે ને આ પણ સારા છે' ગુણાતીત સત્પુરુષ અને બીજામાં ભેદ ન સમજાય! એ બધું ભોળપણ! એ કામમાં ન આવે. એટલે એ બેય વસ્તુ છે તે બધું મૂકીને જેમ કહે તેમ કરીને રહેવું, સરળતાથી રહેવું. તેથી જ કહ્યું છે ને કે 'મેલી ડહાપણ ભોળપણ રહીએ દાસના દાસ થઈને રે...' એ રીતે જે સરળ રહેતા, એમના ઉપર સ્વામીનો રાજીપો રહેતો. જે આજ્ઞા કરે તે આજ્ઞા પ્રમાણે કરે, કોઈપણ આજ્ઞા કરી તે આજ્ઞા પ્રમાણે બહુ ઉત્સાહ ને ઉમંગ ને પ્રેમથી કરે, એટલે સહેજે સ્વામીનો રાજીપો થઈ જાય.
પ્રશ્ન : આપ ગુરુ શાસ્ત્રીજી મહારાજનું અખંડ અનુસંધાન કઈ રીતે રાખો છો?
પ્રમુખસ્વામી મહારાજ : અખંડ અનુસંધાન તો રહે જ ને! ભગવાનનું અનુસંધાન ન રહે તો આ બધું કાર્ય નકામું થઈ જાય! અખંડ અનુસંધાનમાં તો એવું છે કે આપણે એમને રાજી કરવા આવ્યા છીએ. દરેક કાર્યમાં આપણે જેમ તેઓ કહે તેમ જ કરવું છે- એવું મનમાં રહ્યા કરે. એટલે એ પ્રમાણે સાથે હોય કે દૂર હોય, પણ જાણપણું આપણને એવું અખંડ રહે - એ રાજી કેમ થાય? એ પ્રસન્ન કેમ થાય એ પ્રમાણે અખંડ વિચાર રહ્યા કરે. એમનો આદેશ આપણા જીવનમાં બરોબર દૃઢ કેમ થાય - એ વિચારથી જેમ કહે તેમ કર્યા કરવું. મહારાજે જાણપણું અખંડ રાખવાનું કહ્યું છે કે આપણે જે કાર્ય કરવા માટે આવ્યા છીએ તે કાર્યમાંથી ફંટાઈને આપણામાં બીજી વસ્તુ પેસી ન જાય. અહીં સત્સંગમાં શું કરવા આવ્યા? માન-મોટપ માટે આવ્યા છીએ? કે હોદ્દો કે અધિકાર માટે આવ્યા છીએ ? ના, એમને રાજી કરવા આવ્યા છીએ. એટલે જે વખતે જે કહે તે પ્રમાણે જ કરવું. એને રાજી કરવા છે એ આપણો ધ્યેય છે. માટે એ કહે એ પ્રમાણે કરવું, અને રાજી કરવા છે એ ધ્યેય આપણો છે. પછી ગમે ત્યાં મોકલે ને ગમે તે કરાવે તોય પણ કરવું છે એવું દૃઢ રહે તો અનુસંધાન રહે એમને રાજી કરવાનું, એમને પ્રસન્ન કરવાનું, એમની આજ્ઞા પાળવાનું. અને સ્વામીને પોતાની રીતે હંમેશાં કાર્ય કરવાની રીત હતી. એટલે આપણે સમજ્યા કે એમને જે પ્રમાણે કાર્ય કરાવવું છે તે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, એટલે એમનું અનુસંધાન આપણને સહેજે જ રહે. કારણ કે, આપણે મૂંડાવ્યું છે પણ એમને માટે, સાધુ થયા છીએ એમને માટે અને ત્યાર પછી એ જે કહે તે પ્રમાણે કરીએ અને કહે એ પ્રમાણે સેવા કરીએ, કામકાજ કરીએ તો પછી આપણને કોઈ જાતનો વાંધો ન આવે. એટલે એમની આજ્ઞાનું અનુસંધાન એમની મરજી, એમની ઇચ્છા, એમની રુચિ સમજી અખંડ આપણે કાર્ય કર્યા કરવાનું.

(પુરુષોત્તમપુરા લાટમાં પ્રશ્નોત્તરી)

મહાપુરુષો લાકડા-લોઢા પાસે કામ કરાવે એવી વાતો સાંભળી હતી, પણ શાસ્ત્રીજી મહારાજે એવા પાસે કામ કરાવ્યું તે નજરે જોયું. એમની સાથેના લોકોમાં કોઈ ભણેલા નહિ, પણ એવી શક્તિ મૂકી કે સંપ્રદાય ડોલાવી નાંખ્યો. કહેનારા રહી ગયા અને સંસ્થાનાં મૂળ ઊંડાં જતાં રહ્યાં. પાતાળે પાયા નાખી દીધા.


એમને કોઈ મમત્વ કે હરિફાઈ ન હતી. કેવળ મહારાજનો સિદ્ધાંત પ્રવર્તે એ એક હેતુ હતો. શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે કોઈનો વિરોધ ન કરવો. આપણે પડખે મોટો લીટો કરવો તો આપોઆપ સમજાઈ જશે. કોઈનો વિરોધ કરીને આગળ આવવામાં મહત્તા રહે નહિ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS