અસ્મિતાનો તૃતીય અમૃત કુંભ - સંપ્રદાયનાં સંતો ને ભક્તો
સ્વામિનારાયણીય સંતો-ભક્તોનો પરિચય કરાવતાં કવિ ન્હાનાલાલ લખે છે: ‘જોબન વડતાલો વડતાલનો વાઘ હતો. ગેંદાલ કાછિયો વાત્રક કાંઠાનો દીપડો હતો. સોરઠના કાઠીઓ સોરઠના સાવજ હતા. આ મહિમાભક્તિએ એ વાઘ ને એ દીપડા ને એ સાવજને સંત કીધા... એ સહુનો વૈરાગ્ય ને સાધુતા ભારતના સનાતન કાષાયનેય શોભાવે એવા હતા. સૂર્ય ફરતી સૂરજમાળ ને ચન્દ્ર ફરતી નક્ષત્રમાળ છે, એવી સહજાનંદ ફરતી બ્રહ્મચર્ય ને વૈરાગ્યની સાક્ષાત્ મૂર્તિઓ સમી સંતમાળ સોહાતી. કલકત્તાના બિશપ હેબરને શ્રીજીમહારાજની સંતમંડળીનાં દર્શન નડિયાદમાં થયાં હતાં. એ સાંપ્રદાયિક મંડળના બિશપ હેબરને કોડ જાગ્યા હતા કે ‘આવું સંતમંડળ મ્હારે હોય તો!’
આમ, પરધર્મીને પણ મનમાં પહેલી ને વહેલી વસી જાય તેવી સ્વામિનારાયણીય પરમહંસોની સાધુતા હતી.
આ પરમહંસો એટલે સામર્થ્ય અને સાધુતાનો સમન્વય.
સંપ્રદાયના વરિષ્ઠ સંત ગોપાળાનંદ સ્વામીમાં ગ્રહોની ગતિને પણ ફેરવવાનું સામર્થ્ય હતું. સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને પાટું મારી વરસાદ વરસાવી શકે એવી સામર્થીવાળા હતા. મરેલાને પણ બેઠા કરવાનું સામર્થ્ય આ સંતોમાં હતું.
આનંદાનંદ ને સ્વયંપ્રકાશાનંદ જેવા મોટા મઠની મહંતાઈઓ મૂકી ત્યાગી થયેલા; અદ્વૈતાનંદ જેવા સિદ્ધો પરમહંસ થયેલા, નિત્યાનંદ ને નિષ્કુળાનંદે અઢળક ધનસંપત્તિ મૂકી ભગવાં ધારણ કરી લીધેલાં.
બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં તો બ્રહ્મચર્યવ્રતની દૃઢતા એવી હતી કે તેમના સંબંધમાં આવનાર પશુઓ પણ નિષ્કામી બની જતા. કાંતા અને કનકના સૂત્રને તોડીને નીકળી પડનારા આવા તો કેટલાય સંતો ભગવાન સ્વામિનારાયણના ત્યાગીવૃંદમાં હતા. તેથી જ કહેવાયું છે: ‘આત્મનિષ્ઠ, નિર્ભ્રાન્ત, અનભે(અભય) પામ્યા એ સંતો ધર્મના સિંહો હતા... વૈરાગ્ય તો ગયા સવા સૈકામાં સ્વામિનારાયણના સાચા સંતવરોનો જ...’
વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને પામ્યા છતાં આ પરમહંસો લોકસેવાના કાર્યમાં કઈ હદ સુધી પરોવાઈ જતાં તે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના એક જીવનપ્રસંગ પરથી સમજાશે.
એક વાર ધોલેરામાં કોઈ અમલદાર આવ્યો હતો. તેણે ‘જનની જીવો રે ગોપીચંદની...’ એ કીર્તન સાંભળ્યું. સાંભળીને તેણે ગામના લોકોને કહ્યું: ‘આ કીર્તનના કરનારાને મારે જોવા છે.’ ત્યારે ગામના ભક્તો તેમને મંદિરમાં લાવ્યા. તે વખતે કીર્તન બનાવનાર નિષ્કુળાનંદ સ્વામી પથરા ઘડતા હતા. તેથી રજ ઊડીઊડીને તેમના શરીર પર પડી હતી. શરીર આખું ધૂળથી ભરાઈ ગયું હતું. તેમને બતાવીને સૌએ અમલદારને કહ્યું: ‘જુઓ, કીર્તન કરનારા આ બેઠા.’
અમલદાર આ વાત માની શક્યો નહીં. આવી ઉત્કૃષ્ટ પદરચના કરનાર સાધુ આવો શ્રમ પણ કરે છે! તેમણે કહ્યું: ‘કીર્તન બનાવનાર આ હોય જ નહીં!’
ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા: ‘મહેતા! મણી તો છે પણ રજે ભીંજાણી છે.’ આ સાંભળતાં તે સ્વામીના પગમાં પડ્યો ને તેમનો ઉપદેશ સાંભળી, વર્તમાન ધરાવીને સત્સંગી થયો.
આવા પરમહંસોથી ગુજરાતની ભૂમિ ભીંજાઈ ને અનેક ભક્તબીજ કોળી ઊઠ્યાં.
માત્ર પચીસ-ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં લાખો અનુયાયીઓ આ સંપ્રદાયમાં જોડાયા. કિશોરલાલ મશરૂવાલા લખે છે: ‘આટલા ટૂંકા વખતમાં દુનિયાના કોઈ પણ ધર્મમાં આટલા શિષ્યો ભળ્યા નહોતા. કપરા નિયમોના અંકુશ હેઠળ ધર્મની સ્થાપના આટલી તીવ્રપણે કદી પણ જામી ન હતી.’
ભગવાન સ્વામિનારાયણે જ એક વાર પોતાના આ પરમહંસોની ઓળખ આપતાં કહેલું: ‘એક એકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે...’ એક એકથી અધિક એવા એ સ્વામિનારાયણીય પરમહંસો અને તે સર્વથી અધિક, તેમને તૈયાર કરનાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનાં ચરણકમળમાં ‘નેતિ નેતિ’ એ વેદવાક્ય બોલી નમી પડ્યા સિવાય કાંઈ કરવાનું રહેતું નથી!!!
પરમહંસોની જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોની ગાથા પણ એટલી જ સોહામણી છે, પ્રેરણાદાયી છે. લક્ષ્મણજતિના અવતાર સમા સુરાખાચર; નિદ્રાજીત દેવજી ભગત; શ્રીહરિના એક પત્રમાત્રથી સાપ કાંચળી ઉતારે એટલી સહજતાથી સંસાર છોડી ભગવાં પહેરી લેનાર અઢાર ગરાસદારો-રાજાઓ અને તેઓ સાથે સાધુ થવા નીકળી પડેલા મીંઢળબંધા કલ્યાણદાસ; સાકર ને મીઠું સમાન ભાવથી આરોગી જાય તેવા સ્થિતપ્રજ્ઞ ગોવર્ધનભાઈ; ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિને અખંડ દેખે એવા પર્વતભાઈ જેવા અનેક ભક્તો આ સંપ્રદાયની અસ્મિતા રગરગમાં પ્રવર્તાવી દેવા પૂરતા છે.
જીવુબાની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પર પ્રમાણભૂતતાની મહોર મારતાં મહારાજે કહેલું: ‘મોટા મોટા મુનિઓ પણ એમનો સ્વભાવ શીખવા પ્રયત્ન કરે છે, પણ તેવો સ્વભાવ આવતો નથી. આવી સાધુતા જોઈને જીવુબા અમને વીસરાતાં નથી.’
વાંકિયાનાં રાજબાઈ એટલે જાણે બ્રહ્મચર્યની મૂર્તિ. તેમના મૃતદેહને પણ અગ્નિ પોતે પુરુષ હોવાના નાતે સ્પર્શી શકતો નહોતો.
કુંડળનાં રાઈમાનો દીકરો પરલોક સિધાવ્યો ત્યારે તેમણે ગામમાં સાકર વહેંચેલી અને નેનપુરના દેવજી ભગતનો એકનો એક જુવાનજોધ દીકરો દેહ મૂકી ગયો ત્યારે તેની માતા મહારાજને રસોઈ દેવા ગઢડા ચાલી નીકળેલી! ‘समदुःखसुखस्वस्थ’ આવી સ્ત્રીઓનાં દૃષ્ટાંતો તો શાસ્ત્રમાંય ગોત્યાં જડે તેમ નથી.
સગરામ વાઘરીનાં પત્નીને પારકો રૂપાનો તોડો ધૂળથી વધુ કીમતી નહોતો મનાયો. ‘समलोष्टाश्मकाङ्चन।’ સ્થિતિ અનેક બાઈઓને શ્રીજીએ સિદ્ધ કરાવી હતી.
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત-ભક્ત સંપ્રદાય પણ લોકમાં અનેરી ભાત પાડે તેવો હતો અને છે. બાજુના ચોકઠામાં 19મી સદીના બ્રિટિશ અધિકારીઓના ઉદ્ગારો તેની સાક્ષી પૂરે છે. તે જેટલું સમજાય તેટલી સંપ્રદાયની અસ્મિતા મહોરી ઊઠે.