તને સ્વામિનારાયણ વળગ્યા ?
દૃઢ આશરો ને ટેકથી રાજીપો
ભગવાનની પ્રસન્નતાનાં અનેક સાધનોમાં શ્રીજીમહારાજે સર્વશ્રેષ્ઠ સાધન દર્શાવ્યું છે : ભગવાનનો દૃઢ આશરો. ભગવાનનો દૃઢ આશ્રય કર્યા વિના તપ-વ્રતાદિક અનેક સાધનો કરનાર ઘણા હશે, પરંતુ શ્રીહરિની વ્યાખ્યા પ્રમાણે તે સાધનો જ તેને ભવસાગરમાં ડૂબાડે છે. અનેક આપત્તિઓ કે મન વિચલિત કરાવનારા અનેક પ્રલોભનો અને સંજોગોમાં પણ ઈષ્ટદેવ પ્રત્યેની ઉપાસના અને ટેકમાં નિશ્ચલ રહેવાય, તેનું નામ દૃઢ આશ્રય. શિર સાટે દૃઢ આશ્રય કરનારા અનેક ભક્તોમાંના એક ભક્તની ગાથા...
‘લ્યો, આ તમારા ચિરંજીવી ! આની બેઠક સારી નથી. ખબર નહીં, સ્વામીએ શું કામણ-ટૂમણ કર્યું છે, નિશાળમાં પાઠ વાંચતાં વાંચતાં સ્વામિનારાયણનું નામ બોલે છે. બહુ રંગ લાગી ગયો છે. આ તો શેઠનો સ્વભાવ તીખો છે તે મને ઠપકો ન આપે એટલે જાણ કરવા આવ્યો છું.’
કાઠિયાવાડના બોટાદ ગામની નિશાળના મહેતાજી બાળક ભગા દોશીનું કાંડું ઝાલી નગરશેઠ ભાઈચંદભાઈના ઘરે આવ્યા ને શેઠાણીને ફરિયાદ નોંધાવી.
પુત્ર કહે, ‘મા, સ્વામિનારાયણના સાધુ વ્યાપકાનંદ સ્વામીએ આપણા ગામના દરબારની મરેલી ઘોડી જીવતી કરી તે ક્યાં કોઈથી અજાણ્યું છે ? જેના સેવક સાધુમાં આવી સામર્થી છે એ ભગવાનમાં કેવી સામર્થી હશે ?’
શેઠાણીને ધ્રાસ્કો પડ્યો. મા પ્રેમથી સમજાવવા લાગી : ‘બેટા, એ વાત તો અપાસરામાં પણ થતી હતી, ગામ આખુંય એક જીભે સ્વામીના ગુણ ગાય છે, પણ આ પાંચમા આરામાં - ઘોર કળિમાં પ્રભુ હોય નહીં. માટે ભગા ! હવે સ્વામિનારાયણને ત્યાં જવાનું બંધ કર. તારા બાપુને ખબર પડશે તો તારો ઘાણ કાઢી નાખશે.’
‘પણ મા, મેં સમજીને સ્વામિનારાયણનો અનન્ય આશરો કર્યો છે, તો હવે પીધેલું અમૃત બહાર નહીં નીકળે. બાપા વઢશે તોપણ આ ચિંતામણિ મળી છે તેની ગાંઠ હવે કેમેય છૂટે એમ નથી.’ પુત્ર ભગાએ ખુમારીથી કહ્યું,
હજુ તો આમ વાત ચાલુ છે, ત્યાં જ માથે વાંકડી પાઘડી, એક હાથમાં કૂંચીઓનો ઝૂડો અને બીજા હાથમાં લાકડી ઝાલી નગરશેઠ ભાઈચંદભાઈ આવી પહોંચ્યા. માસ્તર મહેતાજીને જોઈ શેઠ કહે, ‘મહેતાજી, છોકરો ભણવામાં તો ઠીક છે ને ?’
મહેતાએ લાગ જોઈ ઘા કર્યો, ‘હા, ભણવામાં તો હુંશિયાર છે, એક વાર પાઠ આપે તે હૈયે રહી જાય છે, બુદ્ધિબળ બહુ છે, પણ..’
તેટલામાં ભગુભાઈને છીંક આવી, તે નીચું મોઢું કરી છીંક ખાઈને ‘સ્વામિનારાયણ’ બોલ્યા.
આ સાંભળી શેઠનાં ભવાં ચઢી ગયાં, આંખો પહોળી કરી, ગાલ ફુલાવી તાડૂક્યા, ‘ભગા, આ શું બોલે છે ? તને આ સ્વામિનારાયણ ક્યાંથી વળગ્યું ?’
તક ઝડપી મહેતાજીએ બળતામાં ઘી હોમ્યું, ‘બસ, એ જ દુઃખ છે, નિશાળમાં પણ સ્વામી-સ્વામી કહ્યા કરે છે.’
શેઠનો ગુસ્સો આસમાને પહોંચ્યો, કહે, ‘શેઠાણી, આને ઘરમાં પૂરી દો, ખાવા-પીવા દેશો મા. આ તમારો જ વાંક છે, અત્યાર સુધી મને વાત કેમ ન કરી ?’ એમ કહી માણસને બોલાવી ફળિયામાં નાની ઓરડીમાં ભગાને પૂરી તાળું મરાવ્યું.
રાત આખી પુત્રે તો નિશ્ચિંતપણે ભજન કર્યું, પણ શેઠને ઊંઘ ન આવી. સવારે દરવાજો ખોલી કંઠી તોડવા સમજાવવા લાગ્યા ત્યારે પુત્ર કહે, ‘બાપા, એ તો હવે માથા સાટે આ કંઠી છે, એ હવે બહાર નીકળે તેમ નથી. વળી, હું કાંઈ અવળા માર્ગે પૈસા વાપરતો નથી. તમે હોકો પીઓ છો, બજર સૂંઘો છો, અને મહિને કે પંદર દિવસે ન્હાવ છો. એ કરતાં હું તો દરરોજ નાહી-ધોઈ, પવિત્ર થઈ પ્રભુ ભજું છું. એમાં ખોટું શું છે ?’
શેઠના પગતળે જાણે જમીન સરકી ગઈ. પરંતુ વણિકબુદ્ધિથી વિચાર કર્યો કે હમણાં બહુ દબાણ કે દમદાટી કરવાથી દીકરો સાવ હાથમાંથી જશે, કાંઈ ઉતાવળું પગલું ભરીશ તો ગામ આખામાં પણ હાંસી થશે. તત્કાળ તો દુકાને ગયા. પાછળથી ભગાએ પોતાની આ વાત વ્યાપકાનંદ સ્વામીને કહી સંભળાવી. સ્વામીએ રાજી થઈ કહ્યું : ‘ભગા ! ધાર્યું ભગવાનનું થાય છે, લીધી ટેક મૂકતો નહિ.’ ભગાની નિષ્ઠાને પુષ્ટિ મળી ગઈ.
રાત-દિવસ નગરશેઠ વિચાર કરે કે હું જૈન સમાજનો આગેવાન, અને મારો એકનો એક પુત્ર નવો સંપ્રદાય ગ્રહણ કરે, ‘સામીપંથી’ થઈ જાય, એ કેવું કહેવાય ?! તો તો નાતમાં મારી ભારે અપકીર્તિ થાય, આ મારાથી સહન નહીં થાય.’
દીકરાની સ્વામિનારાયણીય નિષ્ઠા બાપના હૃદયમાં બાણની માફક ખૂંચવા લાગી. અંતે વિચાર કરી પુત્રની સાન ઠેકાણે લાવવા નગરશેઠ પોતાના લાડકા પુત્રને ભાવનગર નરેશ વજેસિંહ બાપુ પાસે લઈ ગયા. બાપુએ પણ સામ, દામ, દંડ, ભેદની નીતિ વાપરી નિષ્ઠારૂપી હવેલી હલાવવા પ્રયત્ન કર્યો, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ હવેલીના પાયા તો પાતાળે નંખાયા છે ! અંતે ભગાએ પોતાના ગળામાં સ્વામિનારાયણીય કંઠી બતાવીને નિષ્ઠાપૂર્વક જવાબ આપ્યા. ભગાની વાણીમાં છલકાતી નિષ્ઠાની શક્તિ, મુખ પર ઝળકતું પવિત્રતાનું તેજ જોઈ મહારાજા વજેસિંહબાપુના હાથ પણ હેઠા પડ્યા. ઉપરથી શેઠને સમજાવી, પુત્રને તેની દૃઢતા માટે શિક્ષા નહીં પણ શિરપાવથી નવાજ્યો.
શેઠ ત્યાં સમસમી રહ્યા, પણ વારે-તહેવારે દીકરાને દુઃખ દેવા લાગ્યા. પણ ભગાદોશીની રગે-રગમાં શ્રીજીનિષ્ઠા પ્રવર્તી ચૂકી હતી. તેમની રહેણીકરણી અને ઉપદેશથી કેટલાંય બીજાં બાળકો પણ સત્સંગના રંગે રંગાયાં. બાપના હાથ હેઠા પડ્યા. ભગાની ટેકમાં આંચ ન આવી. પુત્રની જીત અને પિતાની હાર થઈ.
શ્રીજીએ જ્યારે ભગાની આ ટેક સાંભળી ત્યારે અંતરના ઉમળકાથી રાજી થઈ બોલ્યા કે ‘સુખમાં તો સૌ સત્સંગ કરે પણ દુઃખ આવે ત્યારે કસોટીમાં પાર ઊતરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ. આવા આત્મવેત્તા જ્ઞાની ભક્તો હોય, તે જ કસોટીમાંથી પાર ઊતરે, બીજાથી ન ઊતરી શકાય.’
આ રાજીપાના પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ ભગા દોશીના આમંત્રણથી વાજતે-ગાજતે બોટાદ પધાર્યા, તેમનો ભક્તિભાવ સ્વીકાર્યો, તેમને અખંડ શ્રીજીનાં દર્શન થાય એવું સામર્થ્ય આપ્યું. ભગા દોશીના સત્સંગનું આ ઝરણું તેમના પુત્ર મર્યાદિત ન રહ્યું. પાછળથી તેમના પિતા ભાઈચંદ શેઠને તો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અપરિમિત ભાવ થયો. પરંતુ ભગા દોશીના પુત્ર શિવલાલ શેઠ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં મહાન ભક્ત તરીકે અમર થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીની અપાર પ્રસન્નતાના અધિકારી થઈને તેમણે સંપ્રદાયમાં એક આદર્શ સત્સંગીની રીત સૌને શીખવી.
મર્મચિંતન
વચનામૃત ગઢડા પ્રથમ 33માં ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ‘ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે, જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ?’
જવાબ આપતાં શ્રીહરિ કહે છે કે ‘એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે.’
અહીં શ્રીહરિ ભગવાનના અનન્ય આશ્રયને રાજીપો મેળવવાનું સબળ સાધન ગણાવે છે. મુકતાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખ્યું છે કે -
‘નાવ કે કાગ કી ગતિ ભયી મોરી,
જહાં દેખું તહાં જલનિધિ ખારા;
મોહે તો તુમ પ્રભુ એક આધારા.’
આ રીતે ભગવાનની અનન્ય શરણાગતિથી ભગવાન અતિશય રાજી થાય છે.