સ્વામિનારાયણ સંપ્રદાય આજ સાગરો ઓળંગે છે.’
સન 1945માં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ‘અખિલ ભારત સત્સંગ પરિષદ’ના પ્રમુખપદેથી કવીશ્વર શ્રી ન્હાનાલાલે આ ઉચ્ચાર્યું ત્યારે એમની નજર સામે હતા શ્રી હરમાનભાઈ પટેલ, જેમણે 20મી સદીના આરંભે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી આફ્રિકામાં સંપ્રદાયના પ્રસારણનો પ્રથમ ઝંડો ફરકાવ્યો હતો. એ ‘અખિલ ભારત સત્સંગ પરિષદ’ના મહામંત્રીપદે પણ હતા શ્રી હરમાનભાઈ પટેલ. એમના જ મંત્રીપદે, આફ્રિકામાં પ્રથમ શ્રી સ્વામિ-નારાયણ મંદિર અસ્તિત્વમાં આવ્યું.
સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ હરકોઈ તરફથી બહુમાન મેળવનારા હરમાનભાઈ એટલે એક બહુમુખી વ્યક્તિત્વ. ગુજરાતમાં ચરોતર પ્રદેશના આણંદ પાસેના ગાના ગામના વતની. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તેને ગોકુળિયું ગામ કહેતા. તા. 9-5-1909ના રોજ તેમનો જન્મ. 1920ના દાયકામાં માત્ર 18-19 વર્ષની વયે પૂર્વ આફ્રિકા ગયેલા હરમાનભાઈએ કઈ ભૂમિકા સાથે સ્વામિનારાયણીય સત્સંગ પ્રસરાવ્યો હશે ? તેમને સત્સંગનું પ્રવર્તન કરવાના અપાર ઉત્સાહની પ્રથમ ચિનગારી કેવી રીતે લાગી હશે ? તેઓના જ શબ્દોમાં એ ઇતિહાસને માણીએ :
“પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ને તેમના સંતોને વેગળેથી જય શ્રી સ્વામિનારાયણ કરવા એ હતું મારા બચપણનું ધ્યેય. મારા નાનકડા ગામ ગાનાના મંદિરમાં અક્ષરપુરુષોત્તમની જય બોલવાને બદલે લક્ષ્મીનારાયણની જય બોલાવી તેમાં વિક્ષેપ કરવાની મારા મનની વૃત્તિઓ હતી. કારણ કે મને એ સંસ્કારો પડ્યા હતા કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને વડતાલથી ‘બહાર’ કરવામાં આવેલા છે. અને મારા દાદાએ તેમને મંદિરમાં ન ઊતરવા દેવા એમ આગ્રહ પણ સેવેલો, તો મારે પણ એમ જ કરવું એવી સત્સંગની શરૂઆત હતી. પણ મારામાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની પ્રેમભાવના વધારનાર પ્રથમ હતા બ્રહ્મર્ષિ અક્ષરનિવાસી ખાનદેશી સાધુ મોટા પુરુષોત્તમદાસજી. જેમની સાધુતા ને મિષ્ટ વાણીએ મારા અંતરને વીંધ્યું. બીજા હતા સ્વામી નિર્ગુણદાસજી. મેં જ્યારે સાંભળ્યું કે આ તો કલાભુવનમાં ભણતા ને અંગ્રેજી જાણે છે, ત્યારે મને એમ થયું કે શું અંગ્રેજી જાણનાર પણ સાધુ થઈને આમ વિચરે છે ! એ ભાવનાએ મારા હૃદયમાં પ્રેમ ઉદ્ભવ્યો. ત્રીજા મારા આત્માના ગુરુ સંતશિરોમણિ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ! હું નિશાળમાં ભણતો, સંસ્કૃત શીખતો ને ‘નવીન-જીમૂર્ત’વાળું અષ્ટક શુદ્ધ બોલતો તે સાંભળી શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે આ નાનકડો બાળક મારી પાસે આવતો થાય તો સારું. આમ આ ત્રિમૂર્તિના પ્રતાપથી હું આફ્રિકામાં પણ સત્સંગી બની રહ્યો. મને સત્સંગમાં સાચવી રાખનાર અને મારી સંભાળ રાખનાર તો હતા સ્વામી નિર્ગુણદાસજી.
સન 1927માં આફ્રિકામાં આવતાં પહેલાં નાર સ્ટેશને ગાડીએ બેસતાં જ મને નિર્ગુણ સ્વામીએ પડકાર્યો હતો. તેઓ ખંભાતથી બોસાચણ જતા હતા. ‘અહીં આવ ગાડીમાં જગ્યા છે.’ તેમણે કહ્યું. હું તેમની પાસે બેઠો ને મારા આફ્રિકા પ્રયાણની વાત કરી. તો કહે : ‘તેં હજુ શાસ્ત્રીજી મહારાજનાં દર્શન પ્રેમપૂર્વક કર્યાં નથી, સારંગપુર, બોચાસણ જોયાં નથી તો દર્શન કરીને જા.’ મેં કહ્યું : ‘સ્વામી, ટિકિટ તો લેવાઈ ગઈ છે.’ તો કહે : ‘સવારમાં ગાના પહોંચવાને બદલે બોચાસણ દર્શન કરી સાંજે ઘરે જઈ શકાશે. એટલું મારું કહ્યું માન !’
આ વાટાઘાટમાં પેટલાદ સ્ટેશન આવ્યું ને હું બીજી ટિકિટ લઈ પ્રથમ વાર બોચાસણ દર્શને ગયો. ગાડીમાં મને એમણે સત્સંગની ઘણી ઘણી વાતો કરી, જ્ઞાનપિપાસા જાગ્રત કરી ગુણાતીતજ્ઞાન સમજાવ્યું. સત્સંગના સિદ્ધાંતો સમજાવ્યા, એટલું જ નહીં, મને કહે : ‘હું મારો કાર્યક્રમ રદ કરીને પણ તારા આફ્રિકાના પ્રયાણના આગલા દિવસે ગાના આવીશ.’ એમ કહી મને બોચાસણથી ભાવભીની વિદાય આપી. આશીર્વાદ આપ્યા.
પછી થોડા દિવસે ગાનામાં આવી મને વચનામૃતો સમજાવ્યાં. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એમ દૃઢ નિશ્ચય કરાવ્યો. તેઓ એ સમજાવવાની ધગશ ને આનંદમાં ગાદી પરથી આગળ ખસતા જાય ! મને કહે : ‘આવી વાત જાણીને અંતરમાં આનંદના ઓઘ કેમ આવતા નથી ?’ એમ કહીને થાબડવા લાગતા. નિર્ગુણ સ્વામીની એ મૂર્તિ આજે પણ મને યાદ આવે છે. મને પણ થયું કે સત્સંગમાં જન્મ્યા છતાં આ સ્વામીશ્રીથી હું દૂર જ રહ્યા કર્યો હોત તો આ વચનામૃતો, આ સર્વોપરી અવતારનું રહસ્ય કોણ સમજાવત ? શાસ્ત્રીજી મહારાજ જેવા સંતને હું ક્યાંથી ઓળખી શકત ?
મારા આફ્રિકા-પ્રયાણના આગલા દિવસની સાંજે ખબર પડી કે શાસ્ત્રીજી (આણંદ થઈને) બોચાસણ પધારવાના છે. એટલે ગમે તેને પણ યેનકેન પ્રકારેણ તેઓનાં દર્શન કરાવનાર નિર્ગુણ સ્વામીએ મારા ગામના એક હરિભક્તને આણંદ સ્ટેશને પત્ર આપવા મોકલ્યા, પણ તે પત્ર સ્વામીજીને મળી શક્યો નહીં, કેમ કે હરિભક્તે આવીને કહ્યું કે : ‘સ્વામી તો આવ્યા નથી !’ હું પણ નિરાશ થયો કે મને સ્વામીનાં દર્શન થયાં હોત ને તેમણે આશીર્વાદ આપ્યા હોત તો જરૂર આફ્રિકામાં વહેલી નોકરી મળત. ત્યારે નિર્ગુણ સ્વામી કહે : ‘ભગવાનની ઇચ્છા.’
પછી અમે બપોરની ગાડીમાં કરમસદથી આણંદ આવ્યા. ને આણંદ સ્ટેશને કોઈ હરિભક્ત અચાનક ભેગા થતાં તેણે નિર્ગુણ સ્વામીને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ તો સવારની ગાડીએ અહીં થઈને બોચાસણ ગયા. ત્યારે નિર્ગુણદાસજી બોલી ઊઠ્યા કે ‘પેલાને અહીં મોકલ્યો તો સ્ટેશને રખડીને પાછો આવ્યો ને સ્વામી બોચાસણ ગયા ! હવે આને દર્શન ક્યારે થશે !’ હું પણ દિલગીર થયો હતો. તેથી મને થાબડતાં કહેવા લાગ્યા કે ‘જો તારો ખરો પ્રેમ હશે તો સ્વામી ત્યાંથી પાછા આવશે, તેવા અંતર્યામી છે ! ને આવા તો કેટલાયે દાખલા બનેલા છે.’
એ પછી અમે સૌ સ્ટેશન પાસેની ધર્મશાળામાં ઊતર્યા. સાંજે પાંચની ગાડીના વખતે નિર્ગુણ સ્વામી મને કહે : ‘ચાલ સ્ટેશને.’ અમે ગયા તે જ વખતે શાસ્ત્રીજી મહારાજ ગાડીમાંથી ઊતર્યા ! મેં હરખભેર દંડવત્ કર્યા. મારો હાથ ઝાલી ધર્મશાળામાં આવ્યા. આણંદના હરિભક્તો પૂછવા લાગ્યા કે ‘સ્વામી, સવારમાં જઈને આમ પાછા કેમ આવવાનું થયું ?’ તો કહે : ‘હું બોચાસણ ગયો ને ઠાકોરજીનાં દર્શન કર્યાં, મારા મનમાં એમ થયું કે હું જે બાજુથી આવ્યો છું તે તરફ પાછો જાઉં. મને કોઈક ખેંચે છે. જેથી વળતી ગાડીમાં પાછો આવ્યો, ને અહીં નિર્ગુણ સ્વામી ને હરમાનભાઈ ભેગા થઈ ગયા ! હજી તો અમે જમ્યા પણ નથી. ખીચડી કરાવો.’ પછી મને કહે : ‘તું સંસ્કૃત અષ્ટક સારાં બોલતો, તે સાંભળી મને થયેલો સંકલ્પ આજે શ્રીજી-સ્વામીએ પૂર્ણ કર્યો.’
પછી મેં સ્વામીશ્રી પાસે વર્તમાન ધરાવ્યાં; મને કહે : ‘તું દૂર જાય છે તો બધુંએ ભૂલી જશે તો ચાલશે, પણ સ્વામિનારાયણ ભગવાન છે એ ન ભૂલીશ ને પત્ર-વહેવાર કરતો રહેજે.’ એમ કહી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને નિર્ગુણ સ્વામીએ કંપાલાવાળા ત્રિભુવનદાસ મૂળજીભાઈ પટેલ ઉપર ભલામણપત્ર લખી આપ્યો. તેઓ મોમ્બાસા પોલીસમાં નોકરી કરતા. શાસ્ત્રીજી મહારાજ તો સર્વે હરિભક્તનાં આખ્યાનો જાણે. તે કહે : ‘હરમાનભાઈના દાદાના દાદાએ ગાનામાં જ્યારે શ્રીજીમહારાજ પધાર્યા ત્યારે સેવા કરી હતી. તે વખતે વાળંદો કહે : ‘મશાલો માટે દીવેલ નથી.’ તો હરમાનભાઈના પિતા મકનભાઈ, તેના પિતા બાજીભાઈ, તેના પિતા મંગળભાઈ, તેના પિતા રણછોડદાસ. તો એ રણછોડ દાદા બોલ્યા કે ઘરમાં ઘી છે તે લ્યો ને કરો ઘીની મશાલો ! એમ કહીને ઘીની મશાલો પ્રગટાવી શ્રીજીમહારાજની પધરામણી કરી હતી. ગાનામાં ને સત્સંગમાં આ અજોડ દાખલો છે.’ એ પછી હું આફ્રિકા આવ્યો.”
આમ, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ સાથે હરમાનભાઈ પૂર્વ આફ્રિકા ગયા. 18 વર્ષની ઉંમરે કરેલા એ પ્રથમ પ્રવાસમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે અહીં સત્સંગ કરવો અને સત્સંગ જાળવવો - બંને અઘરી બાબત છે. થોડા સમયમાં પુનઃ ભારત આવવાનું થયું ત્યારે દેશમાં શાસ્ત્રીજી મહારાજે સત્સંગ વિષે પૂછ્યું. હરમાનભાઈએ નિરાશાપૂર્વક કહ્યું : ‘આફ્રિકામાં સત્સંગ બિલકુલ નથી. કોઈ ભજન કરવા તૈયાર નથી.’ શાસ્ત્રીજી મહારાજે આશ્વાસન સાથે આશીર્વાદ આપ્યા : ‘પ્રયત્ન કરજો, સત્સંગ તમારા દ્વારા ઘણો વધશે.’
થોડા સમયમાં પુનઃ આફ્રિકા પાછા જતાં હરમાનભાઈએ પુરુષોત્તમદાસ સ્વામીના આશીર્વાદ લીધા. પુરુષોત્તમદાસ સ્વામીએ તેમને પૂજા માટે પાંચ મૂર્તિઓ આપી. ત્યારે હરમાનભાઈએ કહ્યું : ‘મારે તો મારા માટે એક જ મૂર્તિ જોઈએ. પાંચને શું કરવી છે ?’ આશીર્વાદ આપતાં પુરુષોત્તમદાસ સ્વામીએ કહ્યું : ‘આ પાંચેય મૂર્તિઓ કામમાં આવી જશે.’ જોકે હરમાનભાઈને ખબર નહોતી કે પાંચેય મૂર્તિઓ કેવી રીતે કામમાં આવશે.
હરમાનભાઈ આફ્રિકા પહોંચ્યા અને પૂર્વે ગયેલા ચરોતરના પાટીદાર યુવાનોની જેમ પૂર્વ આફ્રિકા રેલવેમાં નોકરીએ જોડાઈ ગયા. થોડા સમયમાં તેમની બદલી કિબ્વેઝી સ્ટેશને થઈ. સન 1932ની એ સાલ હતી. હરમાનભાઈની ઉંમર આશરે બાવીસેક વર્ષની હતી. અહીં ત્રીસેક વર્ષની ઉંમરના સ્ટેશનમાસ્તર મગનભાઈ પટેલ મળી ગયા. કડક સ્વભાવના મગનભાઈ તોે ધર્મમાત્રથી જોજનો દૂર હતા. દારૂ-માંસ વગેરે એમને માટે સામાન્ય હતું.
એક સાંજે કંઈક કૌતુક જેવું થયું. કિબ્વેઝીમાં સાંજના વૉલીબોલની રમત રમીને હરમાનભાઈ, મગનભાઈ મોતીભાઈ પટેલ, આત્માસિંહ, હજારીસિંહ વગેરે બેઠા હતા ત્યારે મગનભાઈએ સૂચન કર્યું : ‘આ બધા તેમના ઇષ્ટદેવની પ્રાર્થના કરે છે, તો આપણે પણ આપણા ઇષ્ટદેવને સંભારવા જોઈએ.’ અગાઉ આ પ્રમાણેનો પ્રાર્થનાક્રમ સાંજના ગોઠવવા હરમાનભાઈએ સૂચન કર્યું હતું, તે આજે અમલમાં મુકાયું. પુરુષોત્તમદાસ સ્વામીની આપેલી મૂર્તિ સમક્ષ પ્રાર્થનાક્રમની શરૂઆત આ રીતે થઈ. પછી તો આ નિત્યક્રમ થઈ ગયો. તેમાંથી મગનભાઈને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા સમજાયો, તેમનું જીવન પરિવર્તન થયું, તેમને સત્સંગનો રંગ લાગ્યો અને પરિણામે પૂર્વ આફ્રિકામાં જ નહીં, સમગ્ર પશ્ચિમ વિશ્વમાં સ્વામિનારાયણીય સત્સંગનાં દ્વાર ઊઘડી ગયાં.
પૂર્વ આફ્રિકામાં અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણીય સત્સંગની મંગલ શરૂઆત કરીને 24 વર્ષીય હરમાનભાઈ સન 1933માં પુનઃ ભારત આવ્યા ત્યારે ગૌરવથી છલકાતા સત્સંગના સરદાર નિર્ગુણદાસ સ્વામી તેમને લેવા છેક મુંબઈ સામે ગયા ! ત્યાંથી સીધા જ નગાસરમાં પારાયણ હતી ત્યાં તેમને તેડી ગયા. રસ્તામાં તેમણે અદ્ભુત વાતોનો વરસાદ વરસાવ્યો. નગાસરમાં શાસ્ત્રીજી મહારાજનાં દિવ્ય દર્શન કર્યાં, અત્યંત ભક્તિભાવવાળા સંતો-હરિભક્તોનાં દર્શન કર્યાં અને હરમાનભાઈનું હૈયું હાથ ન રહ્યું. આવો દેશનો સત્સંગ મૂકી, ફક્ત લૌકિક કમાણી કરવા પરદેશ જવાનું તેમને ઠીક ન લાગ્યું. તેમણે મનોમન નક્કી કરી લીધું કે હવે તો દેશમાં જ રહેવું છે અને સત્સંગની સેવા કરવી છે. પરંતુ નિર્ગુણદાસ સ્વામી કેમ જાણે તેમના આ વિચારો જાણી ગયા હોય તેમ બોલ્યા : ‘તમારા જેવા વીરપુરુષ આફ્રિકા ગયા તો ત્યાં સત્સંગનું બીજ રોપાયું. હવે તો આફ્રિકામાં સ્વામિનારાયણ ભગવાનનો વિજયડંકો તમારા દ્વારા મારવો છે. માટે આ રજામાં જેટલો બને તેટલો સ્વામીશ્રીનો સમાગમ કરી, સત્સંગનો લાભ લઈ, આફ્રિકા જઈ આ કાર્ય વિશેષ પ્રવર્તાવો.’ હરમાનભાઈને એટલું લાગ્યું કે નિર્ગુણદાસ સ્વામીના આ શબ્દોમાં એક અગત્યનો સંદેશો અને આશીર્વાદ મળે છે. તેમણે રજા પૂરી થયા પછી, આફ્રિકા પાછા ફરવાનો નિર્ણય તે જ વખતે કરી લીધો.
અહીંથી રાજપુર ખાતે પારાયણ પ્રસંગે ગયેલા હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજને આફ્રિકાના સત્સંગની વાત કરી. શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા : ‘કોશિશ કરજો. સત્સંગ વધશે. શ્રીજીમહારાજનો વર છે.’
શાસ્ત્રીજી મહારાજના આ આશીર્વાદથી હરમાનભાઈનો ઉત્સાહ વધ્યો. આફ્રિકામાં સત્સંગ-પ્રચારના કાર્યને વેગ આપવા તેમની ધગશ અનેક ગણી વધી ગઈ. નિર્ગુણદાસ સ્વામીએ થોકબંધ પત્રોથી તેમને પોષણ આપ્યું. તેમના પત્રોની જ્ઞાનગંગાના અમૃતનું પાન કરી, હરમાનભાઈ અને મગનભાઈ આફ્રિકામાં શુદ્ધ અને સર્વોપરી શ્રી અક્ષરપુરુષોત્તમની ઉપાસનાનું મહિમાગાન કરવા માંડ્યું. નૈરોબીમાં દર રવિવારે સત્સંગ મંડળની સભા થવા લાગી. તેમના પ્રયત્નોથી બીજાં ગામોમાં પણ આનું અનુકરણ થયું અને સમૈયા-ઉત્સવ ઊજવવાની શરૂઆત થઈ. સત્સંગની વિશેષ વૃદ્ધિ થાય તે માટે મગનભાઈ, હરમાનભાઈ અને ત્રિભોવનદાસે રજાના દિવસોમાં ગામેગામ પર્યટનો યોજવાં માંડ્યાં. હરમાનભાઈના પ્રયત્નોને કારણે ‘પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ’ સ્થપાયું. હરિભક્તોની સંખ્યા પણ ધીમે ધીમે વધવા માંડી. નૈરોબીમાં મણિભાઈ ઉમેદભાઈ પટેલ, ઈશ્વરભાઈ કોઠારી વગેરે રીવર રોડ ઉપર એક મકાનમાં રહેતા હતા, ત્યાં કથાવાર્તા કરવા માટે એક રૂમ આપ્યો હતો. ત્યાં શાસ્ત્રીજી મહારાજના શિષ્યો ભેગા થતા અને કથાવાર્તા કરતા. હરમાનભાઈ તથા મગનભાઈ પણ અવારનવાર આવી કથાવાર્તા કરી ગુણાતીત જ્ઞાનનો મહિમા સમજાવી આનંદ કરાવતા હતા. વખત જતો ગયો તેમ જગા નાની પડતાં શાસ્ત્રીજી મહારાજે પ્લોટની ગોઠવણી કરાવી. નૈરોબીમાં મંદિર માટે પ્લોટ સરકાર તરફથી મળ્યો. હરમાનભાઈના પ્રયત્નોથી સન 1945ના ડિસેમ્બરમાં અત્યારના ટેમ્પલ રોડ ઉપર એક માળનું સુંદર નાજુક મંદિર તૈયાર થઈ ગયું. આ મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓની પૂજા-આરતી પોતાના હસ્તે કરીને શાસ્ત્રીજી મહારાજે તે મૂર્તિઓને આણંદથી નૈરોબી મોકલાવી આપી હતી. તેઓના આશીર્વાદ મુજબ ભક્તરાજ મગનભાઈના શુભ હસ્તે, ધામધૂમથી યુગાન્ડા તથા કેન્યાના હરિભક્તોના સમુદાય વચ્ચે આ મૂર્તિઓની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. હિંદ સાગરને પેલે પાર આફ્રિકાની ધરતી પર સર્વપ્રથમ આ સ્વામિનારાયણ મંદિર થયું, તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ બિરાજમાન થયા, તેનું શ્રેય હતું - શ્રી હરમાનભાઈ પટેલને.