Essays Archives

સન ૧૯૯૮માં પરમ પૂજ્ય સ્વામીશ્રીને સાધારણ શારીરિક અસ્વસ્થતા થઈ હતી. ત્યારબાદ સારું પણ થઈ ગયું હતું. તેઓનું સ્વાસ્થ્ય ઉપરથી તો સ્વસ્થ જણાતું હતું, છતાં હૃદયમાં કાંઈક ખામી હોય તેવી શંકા જણાઈ. મુંબઈમાં ડૉક્ટરોએ સ્વામીશ્રીના હૃદયનું પરીક્ષણ પણ કર્યું, પરંતુ એવી કોઈ ગંભીર બીમારી તેમને ન જણાઈ.
એ અરસામાં સ્વામીશ્રી અમેરિકા ખાતે સત્સંગ-પ્રવાસમાં પધારવાના હતા. આથી, પરીક્ષણના અહેવાલો ન્યૂયોર્ક મોકલવામાં આવ્યા. વધુ પરીક્ષણ તેઓ અમેરિકા પધારે ત્યારે કરવું તેમ નક્કી થયું. તા. ૫મી જુ લાઈના રોજ સ્વામીશ્રી મુંબઈથી નોનસ્ટોપ ફ્લાઈટ દ્વારા ન્યૂયોર્ક પધાર્યા. લગભગ ૨૦ કલાકની લાંબી મુસાફરી હોવા છતાં સ્વામીશ્રી સ્વસ્થ જણાતા હતા.
બીજે દિવસે સ્વામીશ્રીને મેં પૂછ્યું કે, 'આપના તબીબી પરીક્ષણ પછી આપનું વિચરણ ગોઠવ્યું છે તેનું કેમ કરીશું?' સ્વામીશ્રી કહે, 'વિચરણ તો ચાલુ રાખવાનું. મને કાંઈ તકલીફ નથી. ડૉક્ટરોને શંકા છે તેથી તપાસ કરવી છે, તેથી તેઓને સંતોષ થાય.' બહુ જ સહજતાથી સ્વામીશ્રીએ વાત કરી.
બીજે દિવસે ૭મી જુ લાઈના રોજ ન્યૂયોર્કની લેનોક્સ હિલ હૉસ્પિટલમાં સ્વામીશ્રીનો એન્જિયોગ્રામ લેવામાં આવ્યો. પરિણામ જોઈ ચોંકી ઊઠેલા ડૉ. મોસેસે કહ્યું કે 'સ્વામીજીની ચાર કોરોનરી આર્ટરીઝ બ્લોક થઈ ગઈ છે અને તેઓની પરિસ્થિતિ જ્વાળામુખી ઉપર સૂતા હોય તેવી છે. ગમે તે ઘડીએ કંઈ પણ થઈ શકે. મારા પિતાશ્રી હોય તો હું તેમને આ એન્જિઓગ્રાફી લેબની બહાર પણ ન લઈ જાઉં અને હમણાં ને હમણાં બાયપાસ સર્જરી કરાવી દઉં.'
ડૉક્ટરોની સલાહ મુજબ તાત્કાલિક બાયપાસ સર્જરીનો નિર્ણય કરવામાં આવ્યો. વિશ્વ વિખ્યાત ડૉ. સુબ્રહ્મણ્યમે સ્વામીશ્રીની સર્જરી કરી.
દેશ-પરદેશમાંથી આવતા સંદેશાઓ તથા પૂછપરછની સેવા માટે મારે ન્યૂયોર્ક મંદિરે રોકાવાનું થયું.
જુલાઈ ૭ના રોજ સર્જરી બાદ બે દિવસ પછી જુલાઈ ૯ના રોજ સંતો સાથે હૉસ્પિટલમાં જઈ સ્વામીશ્રીનાં દર્શન કરવા માટેની તક અમને મળી. સાંજે અમે હૉસ્પિટલમાં આઈ.સી.યુ. રૂમમાં ગયા ત્યારે સ્વામીશ્રી સૂતા હતા. ખુલ્લી છાતી પર સર્જરીની નિશાની દેખાતી હતી, અને છાતી પરના એ ઊભા લાંબા કાપા પર ટાંકારૂપે સ્ટેપલ્સ માર્યા હતા તે સ્પષ્ટ જોઈ શકાતા હતા. છાતી ઉપર ઈ.સી.જી. મોનિટર કરવા માટેના ઇલેક્ટ્રોડ્સ તથા વાયર્સ હતા. ડાબા હાથમાં આઈ.વી. દ્વારા દવા આપવામાં આવી રહી હતી.
સ્વામીશ્રીને આવી પરિસ્થિતિમાં જોતાં અમે સૌ ઢીલા પડી ગયા. સ્વામીશ્રીના ખાટલાને અડીને જ જમણી બાજુ ત્રણ પુરુષ નર્સ સારવાર આપી રહ્યા હતા. જોડે જ ઊભેલા, દેશમાંથી પધારેલા ડૉ. કિરણભાઈ દોશી અમને જોઈને સ્વામીશ્રીને સંબોધીને સહસા બોલ્યા, સંતો પધાર્યા છે.
સ્વામીશ્રીએ તરત ચશ્માં માંગ્યાં અને અમારા સૌના મહિમાથી દર્શન કરતા હોય તેવી ભાવનાથી જોઈને પ્રેમથી અમારાં ખબર-અંતર પૂછવા લાગ્યા. મારી સામે જોઈને કહે 'યજ્ઞવલ્લભ આવી ગયા!' પછી હરિદર્શન સ્વામી સામે જોઈ આશીર્વાદ આપવા માટે આઈ.વી.ની નળીઓ લગાડેલો હાથ ઊંચો કરવા પ્રયત્ન કરવા લાગ્યા. તે જોઈ હરિદર્શન સ્વામી તરત પોતાનું માથું સ્વામીશ્રીના હાથ પાસે લઈ ગયા અને આશીર્વાદ લીધા. વિવેકમૂર્તિ સ્વામીને જોઈને કહે 'બકુલ (યુવકનું નામ) આવી ગયો?' આમ, બધા સંતોને નામ દઈ પ્રેમથી આવકાર્યા.
ત્યારબાદ મને પૂછવા લાગ્યા, 'તમે ક્યાંથી આવ્યા?'
'બાપા! ન્યૂયોર્ક મંદિરમાંથી.'
'ત્યાં શું ચાલે છે?'
'બાપા! આજે ગુરુપૂર્ણિમા છે તેથી પૂજ્ય વિવેકસાગર સ્વામી કથા કરે છે.'
બાપા કહે, 'બધા હરિભક્તો તો મજામાં છે ને!'
'હા, બાપા!'
બાયપાસ સર્જરી બાદ આ બીજો જ દિવસ હતો. આ સર્જરીને કારણે ફેફસાંમાં ઘણી નબળાઈ આવતી હોય છે. માંડ માંડ બોલી શકાય. તેવી પરિસ્થિતિમાં સ્વામીશ્રી બોલતા રહ્યા. તેથી અમે રોક્યા. 'બાપા! હવે બોલશો નહિ, આપ આરામ કરો.'
સૌ દર્શન કરી સામે ઠાકોરજીની રૂમમાં ગયા. કેટલાક સંતોની આંખમાં આંસુ આવી ગયાં. સૌ લાગણીવશ થઈ ગયા.
કોઈપણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં હોય તો દવાના ઘેનમાં અને દુઃખમાં હોય. તેને પોતાના દેહના દુઃખ સિવાય કશું ન સાંભરે. જ્યારે સ્વામીશ્રી સંપૂર્ણ દેહભાવથી પર હતા. એટલું જ નહીં, આવી પરિસ્થિતિમાં પણ પ્રેમથી, સંતો-હરિભક્તોનાં ખબર અંતર પૂછતા હતા! આ એક કલ્પનાતીત ઘટનાનો અનુભવ સ્વામીશ્રીએ કરાવ્યો.
આ માત્ર એક જ અનુભવ નહોતો. એવા વિપરીત શારીરિક સંજોગોમાંય તેઓ ખૂબ હળવાશભર્યા રહેતા, દરરોજ સંતો સાથે, ડૉક્ટરો, પુરુષ નર્સ - સૌ સાથે હળવી રમૂજ કરતા રહેતા, એ દરેકની સંભાળ લેતા રહેતા. આ જોઈ અમેરિકન ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા કે આવા દર્દી જિંદગીમાં ક્યારેય જોયા નથી!
ત્યારબાદ રાય'ટાઉનમાં ડૉ. મહેન્દ્રભાઈના ભાઈને ઘેર સ્વામીશ્રી આરામ માટે બે મહિના રોકાયા. દરરોજ તેઓની ધીરજ, સહનશીલતા, આત્મનિષ્ઠા અને નાના-મોટા દરેક માટેના પ્રેમનાં દર્શન થતાં રહ્યાં.
સ્વામીશ્રી સ્થિતપ્રજ્ઞ ગુણાતીત સંત છે તેમ કથામાં અનેકવાર સાંભળ્યું હતું, પરંતુ આ અરસામાં તે હકીકતના નિત્ય દર્શનનો લહાવો મળ્યો.
એમનાં એ દર્શન કરતાં સતત પ્રતીતિ થતી કે તેઓ ખરેખર ગુણોના ભાવો, માયાના ભાવોથી પર છે, પરમાત્મામાં સદાય સ્થિત છે. તેમ છતાં તેમની કેટલી કરુણા છે કે તેઓ આપણને સુખ આપવા માટે આ શરીરના ભાવો અંગીકાર કરે છે! અને પોતાની પરવા કર્યા વિના આપણાં સુખ-દુઃખમાં ભાગ લઈ, આપણા પર આનંદવર્ષા કરતા રહે છે!
જો તેઓ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને કારણે હરહંમેશ ગંભીર જ રહેત, કોઈ હર્ષ, રમૂજના ભાવો પ્રગટ ન કરત તો આપણને શો આનંદ આવત?
સ્વામીશ્રીએ આપણા માટે જે કર્યું છે તેનું શબ્દોમાં કોઈ વર્ણન થઈ શકે તેમ જ નથી.
પૂજ્ય વડીલ સંતો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવનના દિવ્ય પ્રસંગોનું શ્રવણ તથા એવા પ્રસંગોનું વાંચન કરવાથી તેઓશ્રીના દિવ્ય ગુણો તથા પ્રતિભાનાં દર્શન થતાં રહ્યાં છે. અંગત રીતે કહું તો એ દિવ્ય ગુણો નીરખવાનો મહાવરો ન હોવા છતાં મને સ્વામીશ્રીએ વારંવાર જે અનુભવો કરાવ્યા છે અને તેમાંથી કેટલીક પ્રતિભાનાં જે દર્શન થયાં છે તે અત્રે રજૂ કર્યાં છે.
ઉપનિષદમાં વાર્તા આવે છે કે એક ગુરુજીએ ત્રણ શિષ્યોને ફળ આપ્યાં અને આજ્ઞા કરી કે તમે આ ફળ કોઈ ન જુ એ તે સ્થળે જઈને ખાઈ લો. સાંજ પડ્યે બે શિષ્યોએ જવાબ આપ્યો કે અમે એકાંતમાં, ગુફામાં કોઈ ન જુ એ તે રીતે ફળ ખાઈ ગયા છીએ. જ્યારે એક શિષ્યે ફળ ખાધું ન હતું. શા માટે? જવાબ હતોઃ ભગવાન બધે જ છે અને બધે જ જુ એ છે. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધે ભગવાન જોતા હતા તેથી હું ફળ ખાઈ ન શક્યો.
ભગવાનની જેમ અક્ષરબ્રહ્મ, ગુણાતીત સંતની શક્તિ પણ સર્વ વ્યાપક છે.
ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે ત્રણ પ્રકારનાં પક્ષી છેઃ એક શરીરની હૂંફથી ઈંડું સેવે, બીજુ દૃષ્ટિ દ્વારા સેવે અને ત્રીજુ _ પક્ષી દૂર હોવા છતાં વૃત્તિ દ્વારા ઈંડું સેવે છે.
પ્રમુખસ્વામી મહારાજ પણ આવા જ સમર્થ સંત છે. તેઓ આશ્રિત મુમુક્ષુઓનું વૃત્તિ દ્વારા જતન કરે છે, માર્ગદર્શન આપે છે, આધ્યાત્મિક માર્ગે આગળ લે છે. તેઓ અંતર્યામી છે. આપણા જીવનની લગામ જ તેમના હાથમાં છે, તેવા અનેક અનુભવોમાંથી કેટલાક અનુભવો અત્રે પ્રસ્તુત છે.
સન ૧૯૭૬માં ચૈત્ર મહિનામાં હરિજયંતીનો સમૈયો સ્વામીશ્રીએ અમદાવાદમાં કર્યો. તે વખતે બી.એ.પી.એસ. સત્સંગમાં પ્રવેશ થયે મને હજુ માંડ પાંચ-છ મહિના થયા હશે. હરિજયંતીના બીજા દિને, પારણાને દિવસે સવારે સ્વામીશ્રી સભામંડપમાં બેસી નિત્યપૂજા કરી રહ્યા હતા. આશરે ૧૫૦ હરિભક્તો દર્શન માટે બેઠા હતા.
સ્વામીશ્રી પૂજા બાદ ઠાકોરજીનાં પ્રસાદીનાં પુષ્પો લઈ દર્શનાર્થી એક એક હરિભક્તને ઉછાળીને પુષ્પ આપતા અને સૌ ખૂબ મહિમા અને ભક્તિભાવથી એ પુષ્પ ઝાલી ધન્ય થઈ જતા. તે દિવસે હું પાછળ બેઠો હતો. મને મનમાં સંકલ્પ થયો કે સ્વામીશ્રી મને ફૂલ આપે તો સારું, પરંતુ સ્વામીશ્રીએ તો મારી સામે દૃષ્ટિ સુધ્ધાં કરી નહિ.
મેં મન મનાવી લીધું કે હું સાવ નવો છુ _. સ્વામીશ્રી ઓળખતા પણ નથી. ભવિષ્યમાં કદાચ એ લાભ મળે.
પૂજા બાદ સ્વામીશ્રી ઠાકોરજીના ભંડકિયામાં થઈને શણગાર આરતી માટે જઈ રહ્યા હતા. એ રસ્તાની બાજુ માં અમે ત્રણ યુવકો ઊભા હતા. સ્વામીશ્રી નજીકથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક મારો હાથ પકડીને તેઓના હાથમાં રાખી મૂકેલાં ત્રણ ગુલાબનાં પુષ્પો મારા હાથમાં મૂકી દીધાં. હું કાંઈ સમજુ એ પહેલાં તો તેઓ સડસડાટ આગળ નીકળી ગયા!
મને અત્યંત આશ્ચર્ય થયું. મેં ફૂલ માંગવા માટે ઇશારો કે અવાજ પણ કર્યો ન હતો, છતાં સ્વામીશ્રીને કેવી રીતે ખ્યાલ આવ્યો કે મેં ફૂલ માટે સંકલ્પ કર્યો છે?
તે સમયે હું તદ્દન નવો હતો તેથી અંતર્યામી શક્તિની વાત પણ સાંભળી ન હતી, પરંતુ હું સંકલ્પપૂર્તિથી ખુશ થયો. અને એટલું સમજાયું કે આ સંત બહુ જ સમર્થ છે. ભગવાન જેવા છે.
ત્યારબાદ ૧૯૭૭માં મારે અમેરિકા આવવાનું થયું ત્યારે પણ ઉપરાઉપરી આવા અનેક અનુભવો થયા. જાણે સ્વામીશ્રી દેશમાં રહ્યા થકા પણ મારા જીવનના એક એક પ્રસંગે હાજર હોય અને તેમની જ ઇચ્છાથી જીવનની ઘટનાઓ સર્જાતી હોય. આવા અનુભવો સતત થતા રહ્યા. જેને લીધે મારી પ્રતીતિમાં અનેકશઃ દૃઢતા થતી રહી.
સન ૧૯૯૧માં ન્યૂજર્સીમાં સ્વામીશ્રીની નિશ્રામાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા 'કલ્ચરલ ફૅસ્ટિવલ ઑફ ઇન્ડિયા' મહોત્સવનું એક મહિનાનું ભવ્ય આયોજન થયું હતું. આ ઉત્સવ દરમ્યાન મને સ્વયંસેવક દળની સેવા સોંપવામાં આવી હતી. કુલ ૩૪૦૦ સ્વયંસેવકોએ વિશાળ સ્વામિનારાયણ નગરમાં નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી.
અમે સવારે સ્વામીશ્રીની પૂજાનાં દર્શન કરી સેવામાં લાગી જતા. પછી દિવસ દરમ્યાન તેઓનાં દર્શન માટે જતા નહીં. ૧૦ દિવસ બાદ સ્વયંસેવકોના ડિપાર્ટમેન્ટ વાઇઝ ગ્રૂપ ફોટો લેવાનું આયોજન થયું. આ નિમિત્તે સ્વામીશ્રીની મંજૂરી મેળવવા તેઓ સમક્ષ હું ગયો.
સ્વામીશ્રી સ્વામિનારાયણનગરમાં રાખેલા એક ટ્રેઇલરમાં બપોરનું ભોજન લઈ રહ્યા હતા. જમ્યા બાદ સ્વામીશ્રીએ મને પૂછ્યું, 'કાંઈ કામકાજ માટે આવ્યા છો?'
મેં કહ્યું, 'હા બાપા! હવેથી ડિપાર્ટમેન્ટ વાઇઝ ગ્રૂપ ફોટા લેવાના છે. આપ સવારે પૂજા કરી લો પછી તુરત જ બાજુ માં એક ગ્રૂપ તૈયાર હશે. આપ પધારો એટલે એક ગ્રૂપનો ફોટો પડી જાય. પછી બીજુ _ અને ત્રીજુ _ એમ ગ્રૂપ તરત બદલાય, પરંતુ તેને લીધે આપને સવારે અલ્પાહાર કરવામાં ૧૫ મિનિટ મોડું થાય. તો આ આયોજન આપને અનુકૂળ છે?'
સ્વામીશ્રીએ એક સેકંડનાય વિલંબ વિના કહ્યું, 'અનુકૂળ છે.'
પછી તેઓએ મારી સામે વેધક દૃષ્ટિ કરતાં અચાનક પ્રશ્ન ફેંક્યો, 'તમે ફોટા પાડવાની વાત કરો છો, પરંતુ તમારા અંતરમાં ફોટો પાડ્યો છે કે નહીં?'
મેં કહ્યું, 'બાપા! મેં તો હજુ ફોટો અંતરમાં પાડ્યો નથી.'
સ્વામીશ્રી કહે, 'શું મોળી વાત કરો છો ? ફોટો ન પડ્યો હોય તો આવી સેવા થઈ શકે?'
મેં કહ્યું, 'બાપા! મારી કોઈ તાકાત નથી કે હું આપનો ફોટો પાડી શકું. આ તો કેવળ આપે કૃપા કરી હૃદયમાં રહી સેવા કરાવી.'
બાપા કહે, 'બરાબર! જો એ અંદર હતા તો સેવા થઈ. બાકી આવી સેવા એના વગર થઈ શકે?'
મેં કહ્યું, 'બાપા, બરાબર છે.'
આ પ્રમાણે સ્વામીશ્રીએ સ્પષ્ટ જ જણાવી દીધું કે જે કાંઈ જીવનમાં થાય છે તેનો દોરીસંચાર તેમના જ હાથમાં છે. આપણે તો કઠપૂતળી જ છીએ.
સન ૨૦૦૦માં અમેરિકામાં સેવા આપતા સંસ્થાના સંતો દેશમાં સ્વામીશ્રીનો લાભ લેવા સારુ આવ્યા હતા.
સ્વામીશ્રી દક્ષિણ ભારતની યાત્રામાં હતા. સાથે અમને પણ લાભ મળ્યો. અંગ્રેજી નવું વર્ષ ચેન્નાઈમાં કરી સ્વામીશ્રી બેંગલોર પધાર્યા.
અહીં સવારે સ્વામીશ્રી સાથે સૌ સંતો-હરિભક્તો 'ઈસ્કોન' ના મંદિરે દર્શને પધાર્યા. સાથે હરિકૃષ્ણ મહારાજ (ઠાકોરજી) પણ હતા. થોડોક સમય વીત્યા બાદ સ્વામીશ્રીએ સેવક સંતને કહ્યું કે 'હવે તમે ઠાકોરજીને ઉતારે પાછા લઈ જઈ થાળ કરો. અમે થોડી વાર પછી આવીશું.'
આ દરમ્યાન મારા મનમાં કેટલીક ગડમથલ ચાલી રહી હતી. ખાસ કરીને તે સમયે અમેરિકામાં બી.એ.પી.એસ. સંસ્થાનું વહીવટી તંત્ર ગોઠવાઈ રહ્યું હતું. તે અંગે કેટલાક પ્રશ્નો હતા, અને કેટલાક આધ્યાત્મિક પ્રશ્નો પણ હતા. મનમાં દ્વિધા હતી કે આ બધું સ્વામીશ્રીને પૂછવું કે નહીં? પૂછવા માટે એકાંત મળવાની પણ શક્યતા ન હતી. વળી, પૂછીએ તો કેવું લાગે? અજુ ગતું ગણાય? આવું મનોમંથન કર્યા બાદ મનમાં નક્કી કર્યું કે કશું પૂછવું નથી. જો સ્વામીશ્રી સામેથી મને પૂછે અને એકાંત હોય તો જ પૂછવું. વળી, આજે તો સ્વામીશ્રી ઈસ્કોનના મંદિરેથી પાછા આવી ભોજન બાદ આરામ કરવાના હોઈ આવી કોઈ શક્યતા ન હતી.
સ્વામીશ્રી તથા અમે ઉતારે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે હજુ ઠાકોરજી જ પધાર્યા ન હતા. ઠાકોરજી તો ૩૦ મિનિટ વહેલા નીકળી ગયા હતા, પરંતુ ડ્રાઇવર રસ્તો ભૂલ્યા હતા.
ઉતારે સૌ ઠાકોરજીની રાહ જોતાં નવરાશની પળોમાં હતા.
વિવેકસાગર સ્વામી સ્વામીશ્રીની રૂમમાં કંઈક વાંચી રહ્યા હતા. હું સ્વામીશ્રીની સામેની રૂમમાં અમેરિકાથી આવેલા એક ફેક્સના રોલના પેઈજ અનુસાર ટુકડા કરી રહ્યો હતો. ત્યાં તો અચાનક સ્વામીશ્રી રૂમમાં પ્રવેશ્યા.
મને જોઈને કહે, 'શું કરો છો?'
'બાપા, અમેરિકાથી ફેક્સ આવ્યો છે.'
'તો તેમાં શું લખે છે?'
'હજુ તો પેજ ભેગા કરું છુ _. વાંચું પછી આપને જણાવું.'
સ્વામીશ્રી કહે, 'ના, મારી રૂમમાં આવી જાઓ.'
એમ કહેતાં તેઓ પોતાના ઉતારાની રૂમમાં સોફા ઉપર વિરાજ્યા. મેં તેઓનાં ચરણોમાં સ્થાન લીધું અને ફેક્સની વિગતો સમજાવી. તે દરમ્યાન વિવેકસાગર સ્વામી પણ રૂમની બહાર પધાર્યા. ફેક્સની મારી વાત પૂરી થઈ. હું અટકી ગયો. સ્વામીશ્રીએ મારી સામે સૂચક દૃષ્ટિ કરી.
પૂછ્યું : 'કેમ અટકી ગયા? તમારે બધું પૂછવું છે ને? તે પૂછોને?
મને અપાર આશ્ચર્ય થયું પણ સાથે સાથે હાશ થઈ ગઈ. તરત રજૂઆત કરી દીધી. સ્વામીશ્રીએ સાંભળી માર્ગદર્શન પણ આપ્યું. મારું હૈયું હળવું થઈ ગયું. એમની એ દિવ્ય કૃપા મારા માટે જીવનભરનું સંભારણું બની ગઈ.
આ પ્રમાણે સ્વામીશ્રી અંતર્યામી છે, તેઓ હરહંમેશ આપણી સાથે છે તેવા અનેકવાર અનુભવો કરાવી હૂંફ, માર્ગદર્શન આપતા રહ્યા છે, રાહ ચીંધતા રહ્યા છે.
આવી દિવ્ય અંતર્યામી શક્તિના ધારક હોવા છતાં તેઓ કેટલા સરળ છે તેના પણ અનેક અનુભવો થયા છે.
લાંબા સમય બાદ સ્વામીશ્રીનાં દર્શન કરવાનાં હોય, તો જો કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અંતર્યામી સ્વામીશ્રી તે જાણે છે તેવા વિચારથી તેમને મળતાં સંકોચ થાય, પરંતુ તેવા સમયે તો સ્વામીશ્રી કાંઈ જાણતા જ નથી તેમ ખૂબ પ્રેમથી મળે. આનંદ કરાવે.
અને જ્યારે ભૂલ રજૂ કરીએ ત્યારે પ્રેમથી સાંભળે, માર્ગદર્શન આપે, પ્રોત્સાહન આપે, ટકોર કરે, કોઈ સમયે ઠપકો પણ આપે. પરંતુ એમની રીત એવી કે અંતર્યામી છતાં એવા અજાણ વર્તે કે આપણે કોઈ ભય ન પામીએ અને અંતરાય ન રાખીએ.
અનેક વાર એવું પણ બન્યું છે કે સ્વામીશ્રી જાણે જ છે તે વિચાર સાથે તેઓ સમક્ષ વહીવટી બાબતોની સંપૂર્ણ રજૂઆત ન કરી હોય, અધૂરી હોય, તે સમયે પૂછે, ટકોર કરે. સ્પષ્ટ સંપૂર્ણ રજૂઆત કરવાની વ્યવહારુ રીત પણ શીખવે.
દરેક આશ્રિતનું આવું ધ્યાન રાખે, જતન કરે તેવા ગુરુ સ્વામીશ્રી સિવાય બીજે ક્યાં મળશે? તેઓએ આપણને સ્વીકાર્યા એ જ આપણાં મહાન ભાગ્ય!
સન ૧૯૯૯માં સ્વામીશ્રીની ૭૯મી જન્મજયંતી તીથલમાં ઊજવાઈ રહી હતી. જન્મજયંતીના ભવ્ય મુખ્ય સમારોહ દરમ્યાન સંતો સાથે હું પણ મંચની સામે બેસી સમગ્ર કાર્યક્રમને માણી રહ્યો હતો.
અચાનક કોઠારી સંતોનાં નામો સાથે મારું નામ પણ જાહેર થયું કે આ સંતો સ્વામીશ્રીને વિવિધ હાર અર્પણ કરવા મંચ પર આવે. આ સંતોને વિવિધ સત્સંગમંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા ભાતભાતના હાર લઈને સ્ટેજ ઉપર જઈ સ્વામીશ્રીને પહેરાવવાના હતા.
મારા ભાગે કોઈક સત્સંગમંડળે બનાવેલો મોતીનો વજનદાર હાર આવ્યો. તેને જોઈને હું સહેજ ખચકાયો. એમ થયું કે આ હાર સ્વામીશ્રીને બહુ વજનદાર લાગશે. પછી વિચાર આવ્યો કે એ કોઈને ભાગે તો આવશે જ ને! ભગવાનની ઇચ્છાથી જે મળ્યો તે બરાબર છે.
સ્વામીશ્રીની નજીક હાર લઈને આવ્યો ત્યારે હાર જોઈને સ્વામીશ્રી આદર-પ્રેમ છલકાવતાં મલકાતાં બોલવા લાગ્યા. 'હા! અમેરિકાથી હીરામોતીનો હાર આવ્યો!'
મેં કહ્યું, 'બાપા! આ તો બધાં નકલી મોતી છે. આપ દૃષ્ટિ કરો કે સાચાં મોતી મળે અને અક્ષરધામનો પ્રોજેક્ટ જલદી પૂરો થઈ જાય.' એમ કહેતાં મેં એ હાર પહેરાવ્યો અને સ્વામીશ્રી આશીર્વાદના શબ્દો બોલવા લાગ્યા.
આ સમયે એવો અનુભવ થયો કે સ્વામીશ્રી મારી સાથે એવી એકાગ્રતાથી તથા આત્મીયતાથી વાત કરી રહ્યા હતા કે તેમની નજરમાં સામે બેઠેલી બે લાખની મેદની જાણે છે જ નહીં! જાણે અમે બે જ છીએ. સ્વામીશ્રી એ ભવ્ય દબદબાભર્યા જન્મજયંતી મહોત્સવથી જાણે તદ્દન નિર્લેપ હતા. સંપૂર્ણ નિર્માની પુરુષ જ આવી રીતે વર્તી શકે!
વળી, મેં જોયું કે સ્વામીશ્રી અન્ય સંતો સાથે પણ કાંઈક ને કાંઈક વાતો કરી રહ્યા હતા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું, આનંદસ્વરૂપ સ્વામીએ પવિત્રાનો હાર પહેરાવ્યો હતો.
સ્વામીશ્રી તેમની સાથે વાર્તાલાપ કરતાં કહે, 'તમે વજનમાં હળવા અને હાર પણ હળવો.'
મુંબઈના પ્રેમપ્રકાશ સ્વામી(પી. પી. સ્વામી)ના હાથમાં જોગાનુજોગ ચૉકલેટનો હાર પહેરાવવાનો આવ્યો. સ્વામીશ્રી તેમને જોતાં રમૂજ કરતાં કહે, 'પી.પી. તો પી.પી.નો જ હાર લાવે ને!'
કોલકાતાથી આવેલા ભગવત્પ્રિય સ્વામી બંગાળી કારીગરે બનાવેલા સફેદ મટીરિયલનો હાર સાથે લાવ્યા હતા. તેને જોઈ સ્વામીશ્રી તે વિગત પૂછવા લાગ્યા.
આમ, ઘણા સંતોને સુખદાયક સ્મૃતિઓ આપી અને દરેકને અનુભવ થયો કે સ્વામીશ્રીની દૃષ્ટિમાં બે લાખની મેદની કે એ દેદીપ્યમાન ઉત્સવની ઝાકમઝોળ હતી જ નહીં! કેવળ તેઓ બે જ હતા. આવો અગાધ છે તેમનો સૌ પર પ્રેમ અને નિર્માનીપણું.

Other Articles by સાધુ યજ્ઞવલ્લભદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS