વામણા અને વિપરીત માપદંડો :
કોઈ પણ વ્યક્તિ વિષેનો અભિપ્રાય મોટે ભાગે તેના બાહ્ય દેખાવ અને વર્તન પરથી આપવા આપણે ટેવાયેલા છીએ. ઘણી વાર એક યા બીજી વ્યક્તિને આપણે આવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે 'ફલાણી વ્યક્તિ સરળ અને નિખાલસ', 'અમુક વ્યક્તિ ચાલાક અને પેચવાળી', 'અમુક વ્યક્તિ સાચાબોલી અને વિશ્વાસુ' તો 'અમુક વ્યક્તિ જૂઠી અને અવિશ્વાસુ' ઇત્યાદિ.
આપણને આવા અભિપ્રાયો બાંધવાની, ધોરણો રચવાની, છેક નાનપણથી આદત પડી ગઈ હોય છે. બાળક જન્મે ત્યારથી જ એના આરોગ્યનું, 'તે આટલા પાઉન્ડનું વજન ધરાવે છે' એમ કહી વર્ણન કરીએ છીએ; મુરતિયાને તેને કેટલી પૈઠણ મળી તે પરથી માપીએ છીએ; વ્યક્તિને તેના હોદ્દા અને પગારથી મૂલવીએ; કોઈકને પ્રધાનપદ પ્રાપ્ત થાય તો લોકોની દૃષ્ટિએ તે રાતોરાત 'ડાહ્યો, જ્ઞાની, સમજુ' બની જાય, અને એનું પ્રધાનપદ જાય તો વળી પાછું એનું 'ડહાપણ, જ્ઞાન બધું, એ સાથે ચાલી ગયું,' એમ સૌ કહેતા થઈ જાય !!
કોઈ મઠાધિપતિને તેના શિષ્યોની સંખ્યાથી માપીએ છીએ, શ્રીમંતની શ્રીમંતાઈને તેના બંગલા અને તેની મોટરોની સંખ્યાથી મૂલવીએ છીએ ! 'એમ.બી.એ' અને 'એમ.બી.બી.એસ.' જેવી ડિગ્રીઓને તેનાં Prospects પરથી મૂલવવામાં આવે છે. આમ, સઘળા અભિપ્રાયોમાં અને મૂલવવાના બધા જ માપદંડોમાં, બાહ્યાચાર અને બાહ્ય દેખાવને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
પરંતુ માણસને આ રીતે મૂલવવા-માપવામાં આપણે ભૂલથાપ ખાઈ જઈએ છીએ. કારણ કે બહુધા, માણસ પોતે જે હોતો નથી તેનો જ દેખાવ કરતો ફરે છે. તેના 'ચાવવાના અને બતાવવાના દાંત' અલગ હોય છે.
ઘણી વ્યક્તિઓના જીવનમાં આ રીતે આડંબર અને છલનાની સંતાકૂકડી ચાલતી હોય છે. છેતરપિંડીની આ રમતમાં વ્યક્તિ એ ભૂલી જાય છે કે અન્યને છેતરવા જતાં છલનાની શરૂઆત તો તેની જાતથી જ કરવી પડે છે! ધનવાન દેખાવા માટે, વિદ્વાન દેખાવા માટે, કુળવાન દેખાવા માટે, રૂપવાન દેખાવા માટે, એણે અનેક પ્રકારનાં મહોરાં પહેરવાં પડે છે. શરૂઆતમાં તેને અંદરથી કોઈક ડંખતું, રોકતું લાગે છે ખરું. પરંતુ રમત જેમ જામતી જાય છે તેમ તેમ પેલો અંદરનો અવાજ ક્રમશઃ ક્ષીણ થતો જાય છે.
હંસ અને બગલો બન્ને શ્વેત, પણ ક્ષીર-નીર જુદાં કરવામાં પરખાઈ જાય કે કોણ હંસ અને કોણ બગલો. સમાજમાં ઠેરઠેર બગલાવૃત્તિનાં પ્રદર્શનો નજરે પડે છે. શ્વેત-શુભ્ર વસ્ત્રોના લેબાશ હેઠળ છુપાયેલાં કાળાં કરતૂતો અને કૌભાંડોએ આ દેશને બરબાદ કરી નાખ્યો.
શેક્સપિઅરે સાચે જ કહ્યું છે,
'A goodly apple rotton at the heart
O, what a goodly outside falsehood hath !'
બહારથી રૂપાળું લાગતું સફરજન અંદરથી સાવ કહોવાઈ ગયું છે; અરે આ જુઠ્ઠાણાએ, બહાર કેવા સચ્ચાઈના સ્વાંગ સજ્યા છે!
રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ઘણી વાર ગાંડો અને જ્ઞાની બન્ને બહારથી સરખા દેખાય છે, પરંતુ બન્નેનું આંતરિક પોત જુદું હોય છે.
તેથી બાહ્યપ્રકૃતિ જોઈ, બાહ્યવર્તન જોઈ, વાણી-વિલાસ જોઈ, ભપકો જોઈ, બંધાયેલાં ધોરણો કે રચાયેલા માપદંડો અધૂરાં, ઉપરછલ્લાં, વામણાં અને ઘણી વખત તો વિપરીત હોય છે. માની લીધેલો ભોળો, સંસ્કારી માણસ પેચીલો અને ભેદભરમવાળો નીકળે, માની લીધેલો શાણો, મોટો શઠ પણ નીકળે !
નોએલ કાવર્ડને એક વખત કહેવાતા મોટા માણસોની પોલ જાણવાનું મન થયું; તેથી તેણે એકસરખા વીસ પત્રો, લંડનની અત્યંત ખ્યાતિ ધરાવતી વીસ વ્યક્તિઓને લખ્યા. પત્રમાં એટલું જ લખ્યું હતું કે 'બધું જ ખુલ્લું પડી ગયું છે. વહેલી તકે નાસી છૂટો.' અને વીસેય વ્યક્તિઓ તાત્કાલિક લંડન છોડી ભાગી ગઈ !!
ભગવાન સ્વામિનારાયણ કારિયાણી વચનામૃત-૩માં આપણા આવા માપદંડોની મર્યાદાઓનો, અભિપ્રાયોની અધૂરપનો અને વિશેષણોની વિપરીતતાનો બરાબર ઉધડો લે છે; તેઓ કહે છે કે
'... તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી; કાં જે મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિકામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, 'આ તો બહુ મોટા સાધુ છે.' અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજવાળો હોય તો એમ કહે જે, 'આ તો અસાધુ છે.' પણ તે માંહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈ મનુષ્યની પરીક્ષા થાય નહિ...'
સમાજમાં છાશવારે સાંભળવા મળતાં કૌભાંડો અને વિલાસલીલાઓનાં મૂળમાં છે પેલા ભોળા અનુયાયીઓની અભિપ્રાય બાંધવાની ઓળખવાની અધૂરપ અને અણઆવડત.
મહારાજ આવા વામણા માપદંડોના સર્જકોને 'અણસમજુ' કહે છે. આવી અણસમજ સમાજને ભારે પડી જતી હોય છે.
આ જ વચનામૃતમાં આવી ઓળખ ક્યારે થાય તેની વાત કરી, યોગ્ય અભિપ્રાય બાંધવાનો ઉપાય સૂચવતાં કહે છે કે
'...પરીક્ષા તો ભેળાં રહ્યાં થાય છે. ભેળાં રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિક ક્રિયાને વિષે જણાય છે...'
મહારાજ, એક મહાન Social Scientist (સમાજ-વૈજ્ઞાનિકો)ની અદાથી સમજાવવાની કોશિશ કરે છે કે આવી વ્યક્તિ સમૂહમાં, લાંબા સમય માટે ભેળી રહે ત્યારે તેનું પોત પ્રકાશે. કારણ કે સમૂહમાં લાંબા સમય માટે રહેવાનું થાય ત્યારે દરેક વ્યક્તિને એકબીજાની પ્રત્યેક ક્રિયાનું ખૂબ નજદીકથી નિરીક્ષણ કરવાની તક મળે છે.
વ્યક્તિનું સઘળð_ ખાનગીપણું જ્યારે ખરી પડે ત્યારે તેનું ખોટાપણું છતું થઈ જાય. બાહ્ય આડંબરનું પેલું ચુંબકત્વ ચાલ્યું જાય એટલે એ વ્યક્તિ લોખંડનો ટુકડો માત્ર બની રહે - પછી ભલે ને તે કદમાં ઘણો મોટો હોય.
ઘણી વખત, મૈત્રીથી જોડાયેલાં બે મિત્રકુટુંબો લાંબા પ્રવાસમાં સાથે જાય, ભેળાં રહે અને જ્યારે પાછાં વળે, ત્યારે તેમનું સામ્ય અને ઐક્ય અગાઉ જેટલું અકબંધ નથી રહેતું; ત્યાર પછીના તેમના મૈત્રી વ્યવહારમાં કદાચ થોડી ઓટ પણ આવે. આ ઐક્યને અકબંધ રાખવા તેમાં કોઈ એકાદ વ્યક્તિએ વિશેષ સમજ અને પરિપક્વતા કેળવવી પડતી હોય છે.
સત્સંગ સમૈયાઓમાં લાંબા વખત સુધી 'ભેળાં રહેવાનું' થાય ત્યારે એકમેકની ખૂબીઓ-ખામીઓનો સાચો પરિચય થઈ જાય છે. Community livingના અનેક લાભોની યાદીમાં, ભગવાન સ્વામિનારાયણે સૂચવેલો આ એક લાભ ઉમેરવા જેવો છે.
સાધુ-અસાધુની ઓળખના, યથાર્થ અને પ્રમાણિત માપદંડોની વાત કરી, દંભ, દેખાવ અને આબાદીના ચક્રમાં ફસાઈ ન જવાય તે માટેની વિવેકદૃષ્ટિ કેળવવાની સમજણ, મહારાજ આ વચનામૃત દ્વારા આપે છે.