બીજાને ક્ષમા આપી શકતા નથી ત્યાં સુધી અંતરાત્મા શાંત થઈ શકતો નથી
વર્ષ-૨૦૦૨નો એક પ્રસંગ છે. જે અંતર્ગત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીની હિંમતનગર ખાતે ઉજવણી થઈ રહી હતી, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસે જ પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણી તેઓનાં દર્શન માટે આવ્યા હતા. ત્યારે અનેક મહાનુભાવો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના રૂમમાં હતા. તે સમયે એક સંત પ્રસાદ માટે મૈસુબની થાળી લઈને આવ્યા. ત્યારે કોઈકે કહ્યું કે ‘સ્વામી! તમે અડવાણીજીને મૈસુબ મુખમાં આપો ને! મેં એક મૈસુબનો ટુકડો અડવાણીજીને ખવડાવવા માટે બાપાના હાથમાં મૂક્યો. તરત જ પ્રમુખસ્વામી મહારાજે મને કહ્યું કે અડધો કર, હું મૂંઝાયો. મૈસુબ અડધો કરવા જઈએ તો ભાંગીને ભુક્કો થઈ જાય. મારો ખચકાટ જોઈ સ્વામીશ્રીએ ફરી વાર ધીમા અવાજે કહ્યું અડધો કર. મને આશ્ચર્ય થયું ત્યારે સ્વામીશ્રીએ ફોડ પાડ્યો. અડવાણીજીનું મુખ નાનું છે.’
સૌને સમજી, સૌના મુખ અનુસાર સૌને પ્રસાદ આપે તે, પ્રમુખસ્વામી મહારાજ. તેઓ નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા. તેઓને કોઈ કહે નહીં તોપણ તેઓ બીજાની વાત સમજી જાય. સંજોગો સમજે, તેઓ બધાનું અંતર સમજે.
આવો જ બીજો પ્રસંગ છે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કલામ સાહેબનો. તેમના જન્મદિનનો જ પ્રસંગ, તા. ૧૫મી ઓક્ટોબરનો દિવસ હતો. હૈદરાબાદથી તેઓ વિમાનમાં બેસવાના હતા ત્યારે તેમનો ફોન આવ્યો અને તે સમયે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે હતા. તેઓનો ફોન આવે ત્યારે ભાષાંતર કરવાનો પણ સમય મળે નહીં, કેમ કે ડૉ. કલામ નોન-સ્ટોપ બોલે અંગ્રેજીમાં અને પ્રમુખસ્વામી મહારાજ પણ એકસામટા આશીર્વાદ આપે ગુજરાતીમાં. પ્રમુખસ્વામી મહારાજ પણ કહે કે સાહેબને કહો કે આશીર્વાદ છે, તેમની તબિયત સારી રહે, ખૂબ કામ કરો, દેશની સેવા કરો.
ડૉ. કલામે ફોનમાં કહ્યું કે ‘Please tell Pramukh Swamiji that today is my birthday.’ (પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહો કે આજે મારો જન્મદિન છે) પછી અચાનક મને પૂછ્યું કે ‘Where is Pramukh Swamiji? પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ક્યાં છે?) હવે મારે તેમને ગોંડલ અંગે કેવી રીતે સમજાવવું? પછી મેં તેમને કહ્યું કે ‘It’s a pious place, pilgrim place, like Dwarka, Kedar, Badrinath.’ (આ ખૂબ જ પવિત્ર સ્થળ છે, ધાર્મિક સ્થળ છે, જે રીતે દ્વારકા, કેદારનાથ, બદરીનાથ છે, એ રીતે) તે કહે કે ‘Yes, I know, but where is it?’ (હા તે તો હું સમજ્યો પરંતુ તે ક્યાં છે?)
હવે આ રીતે અમારો વાર્તાલાપ – સ્પીકર ફોન ઉપર ચાલી રહ્યો હતો. હું વારંવાર સમજાવવા પ્રયત્ન કરું છતાં ડૉ. કલામ સાહેબનો એક જ પ્રશ્ન રહે કે ‘Where is Gondal?’ (ગોંડલ ક્યાં છે?). તે વખતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે મારા હાથ ઉપર એક રુમાલ અડાડીને કહ્યું કે – ‘Near Rajkot.’ (રાજકોટ પાસે) મને હાશ થઈ અને કલામને ખુશી થઈ. ડૉ. કલામે મને કહ્યું કે ‘We talked a lot but you don’t know what I mean, Pramukh Swamiji doesn’t say a word but he knows exactly what I mean.’ (આપણે ખૂબ વાતો કરી, પરંતુ મેં જે કહ્યું તે તમે સમજતા નથી અને પ્રમુખસ્વામી મહારાજ એક શબ્દ પણ બોલતા નથી છતાં તેઓ મને પૂરેપૂરો સમજે છે.)
સાંભળવું એ એક વાત છે અને સમજવું એ વાત કંઈક જુદી છે. તેમાં ભાષા, સ્થળ, સ્થિતિ, પરિસ્થિતિની કોઈ મર્યાદા નથી. પ્રમુખસ્વામી મહારાજ તમને અને મને હૃદયથી, અંતરથી સમજે છે, એ રીતે તમને અને મને પ્રેમ પીરસે છે.
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રથમ ગુણ જે અપનાવવાનો છે, તે છે, Understand others(બીજાને સમજો). બીજાને સમજવા ધીરજવાન થવું પડે તેમજ પ્રમુખસ્વામી મહારાજની જેમ ક્ષમાવાન થવું પડે.
બીજો ગુણ છે, બીજાને ક્ષમા આપો. એટલે કે Forgive others. જે વ્યક્તિ જેને સમજે, તેને ક્ષમા આપી શકે છે.
આપણે બીજાને જ્ઞાન આપીએ, સાધન-સામગ્રી આપીએ, સુખ-સુવિધા આપીએ, પરંતુ તમારા ઘરનાની સાથે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેને ક્ષમા આપી શકતા નથી. બહારના લોકોને ક્ષમા તરત આપી શકો છો, પરંતુ ઘરનાને જલદી ક્ષમા આપી શકતા નથી.
બહુધા લોકો મને કહે કે ‘સ્વામી! મારા ભાઈ સાથે જ મને પ્રશ્ન છે.’
હું તેને પૂછું કે ‘શા માટે વાંધો છે?’ તે મને કહે કે ‘સ્વામી! આ મારો ભાઈ છે.’ હું તેને કહું કે ‘તો પછી પ્રશ્ન કેમ છે?’ ત્યારે તે કહે કે ‘બીજા કરે તો વાંધો નથી, પરંતુ તે મારો ભાઈ છે એટલે મારે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.’
મારે એ જ કહેવું છે કે ‘બહારના લોકોને તમે ક્ષમા કરી દો છો, જેને તમારી સાથે કંઈ લેવા-દેવા નથી, પરંતુ તમારો ભાઈ છે, નજીકના હોય, મિત્ર હોય કે જે તમારા માટે જીવનભર જીવ્યા હોય તેને ક્ષમા આપી શકતા નથી તે કેવું વિચિત્ર અણસમજણભર્યું કહેવાય?’
એક આધેડ વયની વ્યક્તિ મારી પાસે આવી. તેઓ કહે ‘હું ખૂબ જ પીડાઉં છું. મારો પ્રશ્ન મારા પિતાજી સાથે છે. હું નાનો હતો ત્યારથી મારા પિતાએ મારી તરફ પૂર્વગ્રહ રાખ્યો હતો. મારા ભાઈને સારી સ્કૂલ, મને નબળી. તેને સારો ડ્રેસ, મને નબળો. તેને ડોક્ટર બનાવ્યો અને હું બી.કોમ. બધી જ જગ્યાએ મારા પિતાએ મારા ભાઈનો પક્ષ રાખ્યો. સારા ઘરમાં તેનાં લગ્ન કરાવ્યાં અને મારા નબળાં ઘરમાં.
જો જો... વ્યક્તિ બ્લેમગેમ શરૂ કરે ત્યારે કશું જ બાકી રાખતી નથી. તેને મોટું ઘર આપ્યું, મને નાનું ઘર આપ્યું. વસિયતનામામાં પણ ભાઈને વધારે અને મને ઓછું. સતત બોલતાં જતા હતા.
પછી મેં કહ્યું કે ‘ભાઈ! તમને જો તમારા પિતા સાથે આટલું બધું દુ:ખ હોય તો એક કામ કરો. તમારા પિતાજીને લઈને તમે આવો. હું શાંતિથી સમજાવીશ.’ ત્યારે તે ભાઈએ મને કહ્યું કે ‘સ્વામી! આ અશક્ય વસ્તુ છે.’ મેં કહ્યું કે ‘કેમ, અશક્ય છે?’ તે ભાઈએ મને કહ્યું કે ‘એ તો ૨૦ વર્ષ પહેલાં મરી ગયા.’
અરે ભાઈ! પિતાને ગુજરી ગયા પછીનાં ૨૦ વર્ષ પછી પણ આ રીતે તમે વેર-ઝેર રાખો છો ત્યારે તમને દુ:ખમાંથી કોણ ઉગારી શકે? જ્યાં સુધી તમે બીજાને ક્ષમા આપી શકતા નથી ત્યાં સુધી તમારો અંતરાત્મા શાંત થઈ શકતો નથી.