Essays Archives

૧૯૬૨માં અમદાવાદમાં શાહીબાગ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ રંગેચંગે પૂરો થયો. રાત્રે પણ હજારો માણસો જમ્યા. તે રાત્રે સંતોના ઉતારાની પાછળ આવેલા રસોડે એંઠવાડની લારી ચિક્કાર ભરાઈ ગઈ હતી. રાત્રે દસ-સવા દસનો સમય થયો હશે. હું લારી ખેંચીને ઢાળ ચડાવવા પ્રયત્ન કરતો હતો. જો એ ઢાળ ચડાવાય તો જ મુખ્ય કચરાપેટી સુધી પહોંચાય તેમ હતું. રાત્રે કોઈ મદદમાં પણ નહોતું. એવામાં સ્વામીશ્રી મહોત્સવની મિટિંગ પતાવીને એ બાજુથી નીકળ્યા. મને એકલાને મથતો જોઈ એકદમ દોડી આવ્યા અને એંઠાં પતરાળાંની લારીને ધક્કો મારી ઢાળ ચડાવી છેક સુધી લારી ખેંચવામાં મદદ કરી. લારી ખાલી થઈ ગઈ પછી પાછી યોગ્ય સ્થાને મૂકવા પણ સાથે ને સાથે આવ્યા! આટલી નાની સેવા મારા જેવા સામાન્ય યુવકની સાથે કરવામાં એમને ક્ષોભ કે સંકોચ નહીં, આનંદ ને ઉત્સાહ વરતાતા હતા!
તા. ૫-૫-૬૮ના રોજ અમારે કલકત્તાથી બનારસ જવા નીકળવાનું હતું. તેથી સાથે ભાથામાં લઈ જવા પૂરી વગેરે તૈયાર કરવાનું હતું. સામાન પૅક કરવાનો હતો, હરિભક્તોને મળવાનું હતું. સ્વામીશ્રી અને મોટેરા સંતોને તો સમય ખૂટે તેમ હતો. દેવચરણ સ્વામી અન્ય તૈયારીમાં રોકાયા હતા. હું પૂરી વણતો હતો. તેલ તૈયાર થઈ ગયું હતું પણ કોઈ તળનાર દેખાતો નહોતો. સ્વામીશ્રી આજ વખતે ત્યાંથી પસાર થયા. ક્ષણભરમાં પરિસ્થિતિ પારખી લીધી. ને કહે : 'લાવો, હું તળું!' એમ કહેતા જ મોટા સ્ટવ પાસે પડેલા એક કેરોસીનના ખાલી ડબ્બાને ઊંધો કરી તેની પર બેસીને પૂરી તળવા લાગ્યા! આટલી સામાન્ય ક્રિયા આટલા મહાન પદ ઉપર બિરાજ્યા છતાં એમને આજે પણ એટલી સહજ છે, કે એમની દિગંત વ્યાપી કીર્તિનો એમને રંચમાત્ર ભાર નથી! આ અસાધારણ નમ્રતા, સરળતા એ સ્વામીશ્રીનું જીવન છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS