Essays Archives

વળી, ગમતી વ્યક્તિનો સહવાસ મળી જાય. અણગમતી વ્યક્તિમાટે ટાઢા પાણીએ ખસ ગઈ એવો પ્રસંગ બની આવે. આપણાં વિરોધીનું કાંઈ બગડે, તેના અવગુણોની વાતો થતી હોય. આપણા સદ્‌ગુણોની નોંધ થતી હોય. તેની જાહેરાત થતી હોય. કોઈ આપણને પ્રેમ કરે. આપણી ચિંતા કરે. વારે-તહેવારે આપણને યાદ કરે. આપણી સેવા કરે ઇત્યાદિ. આ આપણા સુખમય પ્રસંગોની યાદી છે. આ યાદીને પણ આપણે લંબાવી શકીએ તેમ છીએ.
ગીતામાં આવાં સુખોની સ્પૃહા ન રાખવા ઉપર ભાર છે. સુખ મળે તેનો વાંધો નથી, પરંતુ તે સુખની સ્પૃહા-વાસના સામે વાંધો છે. દુનિયાનાં કોઈ પણ સુખને ભોગવીએ એટલે તેની વાસના બંધાયા વગર રહેતી નથી. એટલે સુખના પ્રસંગોમાં આપણે વધારે ચેતતા રહેવું પડે છે. કારણ કે આ પ્રકારના સુખના પ્રસંગોમાં આપણી પ્રત્યેક ક્રિયાઓ જુદા પ્રકારની થઈ જાય છે. અનુભવો પણ બદલાઈ જાય. બધું સારું લાગે. કામ કરવામાં કંટાળો ન આવે. વધારે પરોપકાર કરવાનું મન થાય. વધારે દયાભાવના જાગ્રત થાય. સારા અને ઉપયોગી વિચારોથી મન છલકાવા લાગે. શાંતિથી સૌને હળીએ મળીએ. આપણા વિરોધી માટે પણ ભૂંડા વિચારો ન આવે. પૂજા-પાઠ વ્યવસ્થિત થાય. જાણે જીવનનું કોઈ રહસ્ય પામી ચૂક્યા હોઈએ એવું લાગે... વગેરે. આવા તો કેટકેટલાંય અનુભવો થવા લાગે. પરંતુ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને આત્મનિરીક્ષણ કરવા બેસીએ ત્યારે ખબર પડે છે કે હું એક બહુ મોટી અણસમજણમાં જીવી રહ્યો છુ. ખોટા માપદંડોથી જીવનને મૂલવી રહ્યો છુ. ઉપરોક્ત મારા બધા જ અનુભવોનું મૂળ પ્રેરકબળ તો મને કોઈક લૌકિક સુખ મળી ગયું છે તે છે. મને મારા દેહાભિમાનના પોષણમાંથી જન્મેલો આનંદ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેમાંથી આવી અનુભૂતિઓ ઊગી નીકળી છે. જે કાયમી નથી રહેવાની. જેમ કે જે દિવસે આપણને માન-સન્માન મળે અથવા તો મનગમતી સુખ-સગવડ મળી રહે, તે દિવસે આપણે વધુ ઉત્સાહમાં હોઈએ છીએ, વધુ સહનશીલ હોઈએ છીએ, પરંતુ હકીકતે આપણા એ ઉત્સાહનું કે સહનશીલતાનું કારણ એ નથી હોતું કે આપણે ખરેખર ઉત્સાહી કે સહનશીલ છીએ, પરંતુ દેહાભિમાનરૂપી મૂળમાં જળસિંચન થયું તેમાંથી ખીલેલી એ કૂંપળો છે. આથી જ જેવાં માન-સન્માન મળતાં બંધ થશે કે સુખ-સગવડો ઘટશે કે તરત જ ઉપર કહ્યામાંથી એકેય અનુભવ નહીં થાય. એટલું જ નહીં, પરંતુ તેનાથી વિપરીત અનુભૂતિઓ થવા લાગશે. દુનિયા આખી બગડી ગયેલી લાગશે. કોઈને કોઈની પડી નથી એવું લાગશે. કોઈની ઉપર ઉપકાર કરવા જેવો નથી, એવું લાગવા માંડશે. પૂજા-પાઠ નકામાં લાગશે.
આથી સુખના પ્રસંગોમાં પણ આપણી આંતરિક સ્થિરતા ખોરવાઈ ન જાય તે માટે ગીતા આપણને સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકાએ લઈ જવા ઇચ્છે છે. દુઃખમય ઘટનાઓમાં વિષાદ નહીં અને સુખમય ઘટનાઓમાં પ્રસાદ નહીં - એવી સમરસતા બક્ષવા ઇચ્છે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે આ પ્રકારની સ્થિતપ્રજ્ઞતા તો જડતાના પર્યાય જેવી લાગે છે. આવી સ્થિતિ પામવાથી તો સાવ અવળું જ થાય. જીવન નીરસ અને નિરાનન્દ બની જાય. આપણે સૌ મનુષ્ય મટીને જાણે મશીન થઈ જઈએ, પરંતુ મનુષ્ય કોઈ યંત્ર (મશીન) નથી. યંત્રને કોઈ દુઃખ નથી હોતું, ન તો સુખ. તે સુખમાં અને દુઃખમાં સમાન હોય છે. તો શું આપણે એવાં યંત્ર બની જવાનું છે? જડ અને લાગણીહીન બની જવાનું છે?
સમાધાનમાં ગીતા કહે છે આ સ્થિતપ્રજ્ઞતા જડતાની સ્થિતિ નથી. સ્થિતપ્રજ્ઞતા તો જગન્નિરપેક્ષ પરમ આનંદથી ભરી-ભરી હોય છે. પ્રસન્નચેતસ્ત્વથી છલકાતી હોય છે. યંત્રમાં આવો આનંદ કે પ્રસન્નચેતસ્ત્વ ન હોઈ શકે. સ્થિતપ્રજ્ઞતાને પામેલા પુરુષો તો सर्वभूतहिते रताः કહેતાં જીવ-પ્રાણીમાત્રનું હિત કરવામાં તત્પર હોય છે. आत्मना तुष्टः કહેતાં પરમાત્મસાક્ષાત્કારથી જન્મેલા પરમતૃપ્તિના ભાવથી છલકાતા હોય છે. કૃતાર્થપણાનો ભાવ ઊભરાતો હોય છે. યંત્રમાં આવું કાંઈ હોતું નથી. તેનામાં ન તો કોઈનું હિત કરવાની તત્પરતા હોય, ન તો પરમતૃપ્તિનો કે કૃતાર્થપણાનો ભાવ. તે તો જડ જ છે. જડ વસ્તુઓમાં ભાવનાઓ કે સંવેદનાઓ ક્યારેય સંભવી શકે નહીં. જ્યારે ગીતામાં અલૌકિક આનંદની અનુભૂતિ માટે જ તો સ્થિતપ્રજ્ઞતાનો ઉપદેશ છે. માટે અહીં જે સુખ-દુઃખથી પર થવાનો ઉપદેશ છે તે લૌકિક, માયિક કે જગત-વાસનાથી અનુભવાતાં સુખ-દુઃખના સંદર્ભમાં છે.
આમ, ઉપરથી સ્થિતપ્રજ્ઞતા જડતા જેવી લાગે, પરંતુ તે બંને વચ્ચે તો જમીન-આસમાનનો ફરક છે.  
આ રીતે ગીતા આપણને સુખના પ્રસંગોને પણ પચાવતાં શીખવે છે. સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરનાર મનુષ્યમાં આવાં સુખોને પચાવવાની શક્તિ સહજ હોય છે. તેઓ પરમાત્માનો આનંદ એટલો બધો ભોગવતા હોય છે કે તેમના માટે આ લૌકિક સુખની સ્પૃહાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
એક બનેલી ઘટના દ્વારા આ વાત સમજીએ. ૧૯૮૫માં ઇંગ્લેન્ડના ભક્તોના આગ્રહથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો સુવર્ણતુલા મહોત્સવ લંડન ખાતે ઊજવવાનું નક્કી થયું. સંપ્રદાયની દૃષ્ટિએ આ ખૂબ મોટું સન્માન હતું. સ્વામીશ્રી પ્રથમ તો સહમત ન થયા અને કહ્યું કે સાધુની સુવર્ણતુલા ન હોય. પછી ભક્તોએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે સ્વામીશ્રી સાકર તુલા માટે તૈયાર થયા. પ્રથમ સ્વામીશ્રીની સાકરથી તુલા થાય અને પછી એ સાકરની સામે સુવર્ણ મૂકી તુલા કરવામાં આવે તેમ નક્કી થયું. તે દિવસે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આ સુવર્ણતુલા મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઊજવાઈ રહ્યો હતો. આ એક પ્રસંગ માટે જ વિશાળ ભૂમિ પર ભવ્ય અને કલાત્મક પ્રવેશ દ્વારો ખાસ ઊભાં કર્યાં હતા. મહોત્સવના પટાંગણમાં વાંસ-કંતાનના આબેહૂબ મંદિરો ઊભાં કરાયાં હતાં. ભવ્ય સભાનું આયોજન થયું હતું. મોટા મોટા મહાનુભાવો ઉપસ્થિત હતા. આખી સભામાં જય જય કાર થઈ રહ્યો હતો. સ્વામીશ્રીનો આ પ્રભાવ જોઈ સૌ કોઈને હર્ષ થઈ રહ્યો હતો. વિદેશની ધરતી પર કોઈ ભારતીય સાધુનું આ પ્રકારનું સન્માન એ વિશિષ્ટ ઘટના હતી.  સુવર્ણતુલાની ક્ષણ આવતા તો સૌનાં હૈયાં હર્ષઘેલાં થઈ નાચી ઊઠ્યાં. તાળીઓના ગડગડાટ સાથે જોર-જોરથી પ્રમુખસ્વામી મહારાજની જય... પ્રમુખસ્વામી મહારાજની જય... એમ નારાઓ ગુંજવા લાગ્યા. કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય એવું એ વાતાવરણ હતું.
પરંતુ ભવ્ય સન્માનની સુખમય એ ક્ષણોમાં પ્રમુખસ્વામી મહારાજની જે પ્રતિક્રિયા હતી તે ગીતાના સ્થિતપ્રજ્ઞને યાદ કરાવી દે તેવી હતી. તેઓ નતમસ્તક હતા. હાથ જોડેલા હતા. ખોળામાં ઠાકોરજી લઈને બેઠા હતા. મુખ પર સહેજ પણ સન્માન પામ્યાનો ગર્વ ન હતો. એમાંય જ્યારે સભાના પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે પ્રમુખસ્વામી મહારાજ આપણને સૌને આશીર્વાદની વર્ષા કરી લાભાન્વિત કરશે ત્યારે સ્વામીશ્રીએ આશીર્વાદમાં જે શબ્દો કહ્યા તે સૌને સ્તબ્ધ કરી ગયા.
સ્વામીશ્રીએ આરંભ કરતાં કહ્યું - પ્રથમ તો પરબ્રહ્મ સર્વાવતારી પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને વંદન, જેમણે મને આ શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેમના આશીર્વાદ મને મળ્યા, જેમણે મને સ્વાકાર્યો. તેમની કૃપા ને આશીર્વાદ છે તો તમારી સામે ઊભો છુ _, તેમને લાખો વંદન. તેમની કૃપા ન હોત તો હું આ સ્થાને ઊભો ન હોત (બોલતાં બોલતાં ગળગળા થઈ ગયા). તેમણે આશીર્વાદ ને સેવા કરવાની તક આપી તે મારાં અહોભાગ્ય. તેમણે મને શક્તિ આપી એથી હું સેવા કરી શક્યો. વળી, ભારતના સંતો, પંડિતોના આશીર્વાદ, અને આપ સૌના સહકાર વિના આ કાર્ય ન થાય... હું જ કરી શકું તે મિથ્યા સમજણ છે. સર્વકર્તા પરમાત્મા છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ હાલતું નથી. ભગવાનની શક્તિથી સર્જન-પાલન-સંહાર થાય છે. ભગવાનની શક્તિ વગર શેકેલો પાપડ પણ ભાંગે નહીં...
સમગ્ર આશીર્વાદ દરમ્યાન સુવર્ણતુલાના ભવ્ય સન્માનથી મને આનંદ થયો એવા ભાવનો એક શબ્દ પણ ન આવ્યો. ઉપસ્થિત સૌ કોઈને અનુભવ થયો કે સ્વામીશ્રીને આવાં સુખમય સન્માનોની કોઈ સ્પૃહા નથી. ગીતાની સ્થિતપ્રજ્ઞતાનો આ જીવંત દાખલો હતો. દુઃખના પ્રસંગોમાં ઉદ્વેગ વગર જીવનારા સ્વામીશ્રી સુખના પ્રસંગોમાં છકી પણ નથી જતા, એમના આંતરિક ભાવો કે સમજણો ચૂંથાઈ નથી જતાં અને અત્યંત સ્થિરતા ધરી રહે છે એ નજરે જોવા મળ્યું. આવી સ્થિતપ્રજ્ઞતા જ તેમની પરમ શાંતિનું રહસ્ય છે.
એવી પરમ શાંતિ આપણે પણ અનુભવી શકીએ, જો આપણે પણ ગીતામાં કહેલી સ્થિતપ્રજ્ઞતાને આપણા જીવનમાં ઘૂંટીએ, દુઃખમાં રડીએ નહીં, હાય-હાય ન કરીએ અને સુખમાં છકી ન જઈએ, વાહ-વાહ ન કરીએ.
આમ दुःखेषु अनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः એમ કહીને ગીતા આપણને અધ્યાત્મના ઉચ્ચ પ્રદેશોમાં લઈ જાય છે. જીવનને પરમાનંદમય બનાવે છે. અસ્તુ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS