Essays Archives

૧૯૬૫માં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ પધારે તે માટે આમંત્રણ આપવા પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્લેનમાં મુંબઈથી દિલ્હી જવાનું થયું. મારે માટે પ્રથમ વખત પ્લેનમાં બેસવાનો અવસર હતો. પ્લેનમાંથી નીચે કેવું દેખાય તે જોવાની સહજ જિજ્ઞાસાથી હું બારીમાંથી જોવા પ્રયત્ન કરતો હતો. સ્વામીશ્રી બારીથી પહેલી સીટમાં જ બિરાજ્યા હતા. તેઓ ઊભા થઈ ગયા ને મને બારી નજીકની સીટમાં બેસવા કહ્યું. અન્યની ઇચ્છા તરત જ સમજી મદદરૂપ થવાની ભાવના જોઈ મને સદ્‌ભાવ વધ્યો.
૧૯૭૭માં પરદેશની ધર્મયાત્રા કરી સ્વામીશ્રી અટલાદરા પ્રથમવાર પધાર્યા હતા. સભા મંડપમાં મોટા મોટા હરિભક્તો ને અન્ય મહાનુભાવો સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા. સ્વામીશ્રીનાં આશીર્વચનો શરૂ થઈ ગયા હતાં. એવામાં મેલાં ઘેલાં કપડાં પહેરી મહીજી નામનો તદ્દન સામાન્ય દેખાતો હરિભક્ત સભામાં સ્વામીશ્રી સામે આવી ઊભો. સભામાં વિક્ષેપ પડતો જોઈ મને મહીજી ઉપર કંટાળો આવ્યો. પરંતુ સ્વામીશ્રી જરાપણ વિચલિત થયા નહીં. જરાપણ અણગમો રાખ્યા સિવાય ચાલુ વાતોનો દોર બંધ કરી મહીજી સામું જોઈ ખૂબ વ્હાલથી ધીરેથી બોલ્યા, 'કેમ મહીજી! આવ્યો ?!' આવી પરિસ્થિતિમાં તદ્દન સામાન્ય હરિભક્ત સાથે આવું સહજ વર્તન ખરેખર ઘણું કઠણ છે !
એમને દરેકને માટે આવી એક સમદૃષ્ટિ છે.
સ્વામીજીના જીવનમાં નિર્માનીપણું જોવામાં આવે છે. મેં ક્યારેય એમનામાં અહંકાર જોયો નથી કે આટલાં બધા માણસો એમને માને છે. અને આવી રીતે ઠેર ઠેર આવાં સન્માન થાય છે છતાં પોતે હંમેશાં દાસભાવે વર્તે છે. અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે 'હું ટળે હરિ ઢૂંકડા.' અર્થાત્‌ જેનો અહંભાવ ટળી ગયો છે એની પાસે ભગવાન અખંડ છે. એટલે એ રીતે મુક્તાનંદ સ્વામીના વચનના આધારે એમની પાસે ભગવાન છે એવી પ્રતીતિ થાય છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS