Essays Archives

સમય, સ્થાન અને સંજોગોનું બંધન માણસને આંતરે છે ત્યારે તે મર્યાદાની વાડમાં પુરાય છે. અને તેથી તે આ મર્યાદાઓથી ઉપર ઊઠી કાંઈ વિચારી શકતો નથી. પરંતુ, જેઓ સંકટકર્તા સમય-સ્થાન-સંજોગોની ઉપરવટ જઈ વિચારે છે અને તે વિચારો યુગો સુધી જનસમાજ માટે પ્રેરણાદાયી થઈ લોકોત્તર લેખાતા હોય છે. શાસ્ત્રીજી મહારાજ આવા લોકોત્તર મહાપુરુષ હતા.
શ્રીજીમહારાજનો સંકલ્પ હતો : ગઢડામાં ઘેલા નદીના તટે ટેકરા પર ભવ્ય શિખરબદ્ધ મંદિર રચવું છે. અને શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો : શ્રીહરિના એ સંકલ્પને સાકાર કરવો છે. પરંતુ સાથેના સૌ વિચારતા હતા : આ અસંભવિત છે.
જો કે તેઓ સાચા હતા. એમ વિચારવાની કોઈને પણ ફરજ પડે એવાં કેટકેટલાં પરિબળો હતાં! જે સમયે પોતે બાંધેલા પ્રથમ બોચાસણ મંદિરના ઘુમ્મટ અને શિખર સુધ્ધાંનું કાર્ય અધૂરું હોય, જે સ્થાનમાં કોઈ ઉતારાનું પૂછે નહીં, લંકામાં વિભીષણ જેવા એક હરિભાઈ મિસ્ત્રીનું ઘર હોય, જ્યાં મંદિર ન થવા દેવાની ભાવનગરના મહારાજા સુધી અનેક ખટપટો થઈ હોય, ગઢડાની સીમમાં પણ યજ્ઞપુરુષદાસને જમીન ન દેવાનું ભાવનગર નરેશ કૃષ્ણકુમારજીનું ફરમાન થઈ ચૂક્યું હોય, ૮૪ વર્ષની ભાંગતી ઉંમરે કેડમાં વા તથા હરાતું-ફરાતું ન હોય, તેવા સંજોગોમાં, અન્ય સૌના વિચારો સાવ ખોટા નહોતા. પરંતુ શાસ્ત્રીજી મહારાજના વિચારો એ બધાથી કેટલા, સમયથી કેવા આગળ ચાલતા હતાઃ 'ત્રણ શિખરનું આરસનું મંદિર કરવું છે... હિંદુસ્તાનમાં ન હોય તેવું. પાંચ-દસ ગાઉથી માલૂમ પડે તેવું મંદિર બાંધવું છે... જેવો બનારસમાં મણિકર્ણિકાનો ઘાટ છે, તેવો ઘેલા નદી ઉપર બાંધવો છે... ઘેલા નદીથી ઉપર મંદિર સુધી સવાસો પગથિયાં લેવા છે. રાજપલટો થશે... જગ્યા મળશે... અને મહારાજ-સ્વામી બેસશે...' આજે ઘેલા કાંઠે ટેકરે ઊભેલું આરસનું એ ગગનચુંબી મંદિર શાસ્ત્રીજી મહારાજના આર્ષ-વિચારદૃષ્ટા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.
આવા કંઈ કેટલાય દાયકાઓ તેઓની આગવી વૈચારિક પ્રતિભાના સાક્ષી છે. ભલભલા શૂરાને પોતાના શૂરાતનમાં શંકા ઉપજાવે તેવા વિરોધના વંટોળ વચ્ચે, તેઓ સવા મુઠ્ઠી ઊંચેરી વિચારક્રાંતિ કરી રહ્યા હતા. અને બીજા એ દિશામાં ભાગ્યે જ વિચારનો તંતુ પણ લંબાવી શકે, એમાં શું આશ્ચર્ય છે! બીજા ભાગ્યે જ જે વિચારી શકે એવું વિચારનાર શાસ્ત્રીજી મહારાજ સાચે જ એક અજોડ સૂત્રધાર હતા.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS