બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા એટલે ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમો અને વૈદિક સિદ્ધાંતોને વરેલી સંસ્થા. શાસ્ત્રીજી મહારાજે પોતાના અંગત જીવન દ્વારા એવા ઉચ્ચ આદર્શો સ્થાપ્યા કે સંસ્થાના સિદ્ધાંતો અને તેના નિયમોનું એક ઉચ્ચ ધોરણ, એક આણ બની જાય ! દાખલા તરીકે, સંસ્થાના સંતો - ત્યાગી સભ્યો માટે ધન અને સ્ત્રીના ત્યાગના ઉચ્ચ આદર્શો !
સંવત ૧૯૭૮માં શાસ્ત્રીજી મહારાજ આણંદમાં બિરાજમાન હતા. સારંગપુર જવા માટે પોટલાં લઈને સ્ટેશને ગયા. 'કોઈ હરિભક્ત મળી જશે અને ટિકિટ કઢાવી આપશે' — એ ધારણાએ સ્ટેશનમાં બધે ફર્યા. કોઈ ઓળખીતું ન મળ્યું એટલે પોટલાં ઊંચકી ગામમાં પાછા આવ્યા. અહીં પણ કોઈ ન મળ્યું. આણંદના હરિભક્તો લગ્નપ્રસંગે બહાર હતા. મોતીભાઈ રઢુ હતા. આમ, સ્ટેશનેથી ગામમાં અને ગામથી સ્ટેશન ત્રણ-ચાર આંટા થયા. એટલામાં કેશવલાલના પુત્ર ગોરધનભાઈ મળ્યા. તેમણે બોટાદની ટિકિટ કઢાવી આપી.
કેવું આશ્ચર્ય! લાખો રૂપિયાનાં મંદિરો બનાવનાર પાસે ટિકિટ લેવાના પણ પૈસા ન હોય! કેવો ઉચ્ચ કોટિનો નિર્લોભી વર્તમાનનો આદર્શ !
હા, આ જ સાચો સ્વામિનારાયણીય આદર્શ હતો. સાધુ પાસે પોતીકી મૂડી હોય તો એ સાધુ સ્વામિનારાયણીય કેવી રીતે કહેવાય ?
સ્વામિનારાયણીય સાધુનો બીજો આદર્શ એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીત્યાગ. શાસ્ત્રીજી મહારાજ ૮૬ વર્ષેય આ નિયમમાં પર્વત-પ્રાય ! એમની જીવન-ચાદર નિષ્કલંક અને શુદ્ધ ! એમનું ભીષ્મવ્રત એમનાં નયનો અને એમના તેજસ્વી ભાલમાં ઝગારા મારતું.
વૃદ્ધ શરીર હોય કે ભાંગતી તબિયત હોય કે ભક્તોનો આગ્રહ હોય કે જાહેર સભાનું નિમંત્રણ, પરંતુ ક્યારેય શાસ્ત્રીજી મહારાજે અષ્ટ પ્રકારના સ્ત્રીના ત્યાગના આદર્શમાં સમાધાન કર્યું નથી. એક સુભાષિતમાં કહેવાયું છેઃ
कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत्।
तासु तेषु विरक्तोऽयं द्विभुजः परमेश्वरः॥
અર્થાત્ સ્ત્રી અને સુવર્ણરૂપી દોરીથી સમગ્ર જગત બંધાયેલું છે. તે બંનેથી જે વિરક્ત છે તે મનુષ્ય બે ભુજાવાળો પરમેશ્વર છે !
શાસ્ત્રીજી મહારાજે આવા બે જ નહીં, અનેક આદર્શો ચરિતાર્થ કર્યા હતા, અને આવા ઉચ્ચ આદર્શોનું ઊંચું ધોરણ પોતાના શિષ્યોમાં પણ સ્થાપિત કર્યું હતું. શાસ્ત્રીજી મહારાજના એ આદર્શોને ઝીલનારા નિષ્કંચન અને નિષ્કામી સંતોનું વૃંદ સમાજમાં એક આગવી સ્વામિનારાયણીય આભા પ્રસારતું રહ્યું છે. સદ્ગુરુ નારાયણચરણ સ્વામી માટે તો શાસ્ત્રીજી મહારાજ કહેતા : 'જો થાંભલાને સંકલ્પ થાય તો નારાયણ સ્વામીને (સ્ત્રીનો) સંકલ્પ થાય.'
સંસ્થાના આરંભ કાળથી જ ઉચ્ચ કક્ષાના આદર્શોને વિકાસની આધારશિલા બનાવનાર શાસ્ત્રીજી મહારાજનું દિવ્ય આદર્શપૂર્ણ વ્યક્તિત્વ, આજે પણ સંસ્થાના પ્રત્યેક અનુયાયીને એ આદર્શોને જીવવા માટે પ્રેરણાબળ પૂરું પાડે છે.