Essays Archives

તા. ૧૦-૨-૧૯૯૦ અકોલામાં બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ સ્વામીશ્રીએ હૉલમાં બેઠક ઉપર બિરાજી કથા કરી. આનંદજીવન સ્વામીએ અમદાવાદનું વધારાનું પાંચમું વચનામૃત વાંચ્યું. સ્વામીશ્રીએ વાક્યે વાક્યે નિરૂપણ કર્યું. ૪૫ મિનિટ વાતો કરી. ૧-૩૦ વાગી ગયો એટલે ધર્મચરણ સ્વામીએ વચનામૃત વાંચી જવા સંકેત કર્યો. આ જોઈ પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે, 'કથા થતી હોય ત્યારે ઘડિયાળ સામું નહિં જોવાનું. કથા જો દરેકમાં ઊતરે તો પ્રશ્નો મટી જાય. નહિ તો પ્રશ્નો ઊભા રહે ને ઊંઘ્યા પછી ઉજાગરો કરાવે. તેના કરતાં મોડા ઊંઘવું સારું.'
આકોલામાં જ ગ્રહણ પ્રસંગે રાત્રે ૧૨-૩૦થી ૧-૩૦ સુધી સતત ૧ કલાક ગંગાના પ્રવાહની જેમ તેમણે કથાપ્રવાહ રેલાવ્યો હતો, તે મને ઇદમ્‌ સાંભરે છે.
સ્વામીશ્રીની નાની-મોટી ક્રિયામાં હંમેશાં ઠાકોરજી જ મુખ્ય હોય, એ પણ અસંખ્ય પ્રસંગોએ અનુભવ્યું છે.
'દેહ છતાં વર્તે દેહાતીત' ઉક્તિ પણ સ્વામીશ્રીના રોજબરોજના જીવનમાં સાકાર અનુભવાય છે. તેઓ અહર્નિશ દેહથી પર જ વર્તે છે, એટલે જ પોતાના દેહનો અનહદ અનાદર કરી શક્યા છે.
એક વખત સ્વામીશ્રી કર્ણાટકમાં હુબલી પધાર્યા હતા. તેઓની તબિયત અસ્વસ્થ હતી. આ કારણે ક્યાંય પધરામણી પધારવાની ડૉક્ટરોએ મનાઈ કરી હતી. છતાં સ્થાનિક લોકોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે 'અહીં એક સ્કૂલનું બાંધકામ ચાલુ છે. ત્યાં આપ દૃષ્ટિ કરવા પધારો, તો સૌને પ્રોત્સાહન મળે.' ત્યારે સ્વામીશ્રી કહે, 'જાહેર કામ છે, લોકો માટેનું કામ છે તેથી ચોક્કસ આવીશ.' અને સ્વામીશ્રીએ અસ્વસ્થ તબિયતે પણ સ્કૂલમાં પુષ્પ વૃષ્ટિ કરી ભૂમિ પવિત્ર કરી ને કાર્ય જલદી સારી રીતે પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
યોગીજી મહારાજ કહેતા, 'જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે ચલાવી લેતાં શીખવું.' એ આદર્શ સ્વામીશ્રીમાં ચરિતાર્થ થતો જણાય છે. એમણે ક્યારેય કોઈ સગવડોની કે સુવિધાઓની અપેક્ષા રાખી નથી. એકવાર બૅંગલોરથી કોઈમ્બતુર જવા માટે સ્વામીશ્રી રેલ્વે સ્ટેશને પધાર્યા. અહીં ટ્રેઇનને ઊપડવાની વાર હતી. તેથી પ્લેટફોર્મ પર લોકોની અવરજવર વચ્ચે એક સામાન્ય બેઠક પર બેસીને આછા અજવાળે તેઓ લોકોના પત્રોના જવાબ આપવામાં મશગુલ થઈ ગયા હતા, એ દૃશ્ય કાયમ માટે યાદ રહેશે.
'ળરુü ફ્રીંષઃ ળુસઈંીંઃ ળહ્રઠુ'ની ભાવના સ્વામીશ્રીના લોહીમાં સતત વહે છે. સને ૧૯૯૦ અમરાવતીમાં સ્વામીશ્રી સવારે ઉકાળા-પાણી લઈ રહ્યા હતા ત્યારે ધર્મચરણ સ્વામીએ એક જ્યોતિષીએ ભાખેલ ભવિષ્ય કથનનું કટિંગ વાંચ્યું. તે વર્ણન સાંભળતાં જ સ્વામીશ્રી દયાર્દ્ર થઈ ગયા અને કહેવા લાગ્યા : 'એવી મુશ્કેલી ન આવે, શાંતિ રહે તે માટે પ્રાર્થના કરીએ. સૌના ગ્રહ સારા રહે એવું ભજન કરવું.' સ્વામીશ્રી તો કરુણામૂર્તિ છે, બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી.
એકવાર તેઓના સાંનિધ્યમાં કોલકાતાથી ૨૫ કિ.મી. દૂર સત્સંગ મંડળે પર્યટનનું આયોજન કર્યું હતું. સવારનો સમય હતો અને ઉતારાના મકાનની ઓસરીમાં સ્વામીશ્રીનું આસન ગોઠવેલું, સામે ખુલ્લામાં હરિભક્તો બેઠા હતા. થોડીવાર પછી ધીમે ધીમે ભક્તો પર તડકો આવવા લાગ્યો. લોકો પરનો તડકો સ્વામીશ્રીથી સહન ન થયો. સ્વામીશ્રીએ કાર્યકરને બોલાવી જ્યાં છાંયો હોય ત્યાં સભાની વ્યવસ્થા બદલવા કહ્યું. તાત્કાલિક સભાનું સ્થળાંતર કરાવ્યું.
સ્વામીશ્રીની દૃષ્ટિમાં સમત્વનો પણ અસંખ્યવાર અનુભવ કર્યો છે. એકવાર સ્વામીશ્રી વિચરણ કરતાં કરતાં રાત્રે ૧૦-૧૫ વાગે આદિવાસી વિસ્તારમાં સેલવાસ મંદિરે પધાર્યાર્. દર્શન, દંડવત્‌, પ્રદક્ષિણા કરી તેઓ આસને બિરાજ્યા. સામે હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મોડું થયું હતું તેથી સ્થાનિક સંત ચિન્મય સ્વામીએ જાહેરાત કરી કે, સૌ સ્વામીશ્રીના દર્શન દૂરથી કરી વિદાય લેશે. પરંતુ સ્વામીશ્રીએ તેમને રોક્યા અને એકે એક આદિવાસીને મોડીરાત્રે પણ સ્નેહપૂર્વક મળ્યા. તેમને મન તો અમેરિકાવાસી હોય કે આદિવાસી, સૌ સમાન જ છે.
સૌનું હિત જેમાં સમાયેલું હોય તેવી ક્રિયા ભીડો વેઠીને પણ અચૂક કરે છે. નર્મદા નદીના બંધના કાર્યમાં ઊભા કરાતા વિક્ષેપો દૂર કરવા માટે 'નર્મદા અભિયાન રેલી'નું આયોજન દેશપ્રેમી સદ્‌ગૃહસ્થોએ કરેલું. તેમાં હાજર રહેવા માટે સ્વામીશ્રી ખાસ ગુજરાતનું વિચરણ ટૂંકાવી વહેલા મુંબઈ પધાર્યા હતા. રેલીના માનવ મહેરામણને દેશના હિત માટેના આવા સત્કર્મને સંપૂર્ણતઃ ટેકો આપવા અનુરોધ કર્યો હતો. અનેક શ્રોતાઓ પ્રભાવિત થયેલા ને રેલીનું આયોજન સફળ થયેલું.
સને ૧૯૯૩માં લાતુર(મહારાષ્ટ્ર)ના ભૂકંપ પ્રસંગે તુરત જ મુંબઈના સંતો, સ્વયંસેવકોને મોકલી અસરગ્રસ્તોને જીવનજરૂરી સામગ્રીઓ પૂરી પાડી સ્વામીશ્રીએ અપૂર્વ સેવા કરેલી.
તેઓ જાતે પણ આ ભૂકંપપીડિતોની વચ્ચે પધાર્યા અને ભાંગતી તબિયતે પણ કાટમાળના ઢગલાઓ વચ્ચે તેમના મકાને મકાને ઘૂમ્યા હતા.
સમુદ્રાલ, કોંજીગઢ બે નવાં ગામો સંસ્થા દ્વારા બાંધવાનાં હતાં ત્યારે તેમણે આદેશ આપેલ કે 'મકાનો એવાં મજબૂત બનાવવાં કે ભૂકંપની અસર ન જ થાય.' તે પ્રમાણેનાં મકાનો જોઈ સરકારી અધિકારીઓ કહેતા કે, 'અમે તો ભૂકંપપ્રૂફ મકાનો બનાવવા કહ્યું હતું, તમે તો એટમબૉમ્બ પ્રૂફ બનાવ્યા હોય એટલી કાળજી લીધી છે.'
સાધુતામાં નમ્રતા એ અતિ ઉત્તમ ગુણ છે. અનેક સિદ્ધિઓ, અનેક બહુમાનો, અનેક સદ્‌ïગુણ ! છતાં સ્વામીશ્રી સદા નમ્રતાના નિધિ રહ્યા છે. જેનું દર્શન, સ્વામીશ્રીના જીવનમાં મને અહર્નિશ થતું રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે અમદાવાદમાં અખિલ ભારત સાધુ સમાજનું સંમેલન યોજાયેલું તેમાં બે હાથ જોડી નમ્રભાવે વર્તતા સ્વામીશ્રીને આદરપૂર્વક નાની સેવા પણ કરતા જોઈને અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી રામસ્વરૂપ શાસ્ત્રીજી બોલ્યા હતા કે, 'પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જૈસે નિર્માની સંત હમને કહીં ભી, કહીં ભી નહીં દેખે હૈં.'
સ્વામીશ્રીની સાધુતાની સુવાસ પ્રસરે છે. નાનામોટા સૌ અત્યંત પ્રભાવિત થાય છે. સમગ્ર વિશ્વમાં આજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનો વિજય-ધ્વજ ફરકી રહ્યો છે. તેનું એક માત્ર કારણ પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાધુતા જ છે.
આવા દિવ્ય, ભગવાનના સાક્ષાત્કારયુક્ત મહાપુરુષનાં ચરણે બેસવા મળ્યું છે, એ મારું સર્વશ્રેષ્ઠ સદ્‌ïભાગ્ય માનું છું. તેમનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS