Essays Archives

દેવાલય કે શૌચાલય ?
શૌચાલયની અનિવાર્યતા વિશે કોઈ વિવાદ હોઈ શકે નહીં. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે દેવાલયને બદલે શૌચાલય બનાવવાની જીદ્દ ઊભી થાય છે. તેમના મતે ભારતમાં દેવાલયો ખૂબ વધી પડ્યાં છે, આ દેવાલયોનો ખર્ચ જાજરૂ બાંધવા પાછળ કરવો જોઈએ. દેવાલય અને શૌચાલયની તુલના માત્રથી હૃદય આઘાતથી આહત થઈ જાય છે.
સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા, ઉપાસના, ૠષિૠણ, સનાતન પરંપરા વગેરે શબ્દો સાથે કોઈકને કોઈ જ લેવા દેવા ન હોય, તો ભલે તેમ રહ્યું. પરંતુ એવા લોકો કરોડો હિંદુઓના શ્રદ્ધાસ્થાન સમાં દેવાલયો અને શૌચાલયની તુલના શા માટે કરે છે? શું શૌચાલય અને દેવાલયની તુલના કોઈપણ રીતે ઉચિત છે? આવી વિકૃત તુલના જે તે વ્યક્તિના હૃદય-મનની વિકૃતિનો જ ઓડકાર નથી સૂચવતી? આટલી હદે પોતાના ધર્મની કે પોતાની સંસ્કૃતિના સનાતન સ્થાનોનું અવમૂલ્યાંકન વિશ્વમાં કોઈએ પણ કર્યું છે? ગમે તેવી ગરીબીમાં સબડતો હોય તો પણ યહુદી સ્વપ્નમાંય પોતાના દેવસ્થાન સિનેગોગ અને શૌચાલયની સરખામણી કરી શકે ? ઠેર ઠેર બંધાતાં જિનાલયોને બદલે શૌચાલય રચવાનો તુક્કો જૈનોના મુખેથી ક્યારેય સાંભળ્યો? જગતના એક પણ મુસ્લિમે ક્યારેય મસ્જિદ સાથે શૌચાલયની તુલના કરી છે ? જગતમાં મસ્જિદો વધી પડ્યાનું ક્યારેય કોઈ મુસ્લિમે ઉચ્ચાર્યું છે? ચર્ચને બદલે શૌચાલયની કલ્પના આજ પહેલાં ક્યારેય સાંભળી છે ? ગુરુદ્વારા સાથે શૌચાલયની તુલના કરનારાને શિખ ધર્મીઓ માફી કેવી રીતે બક્ષી શકે?
આ દેશમાં શું માત્ર હિંદુઓ જ વસે છેકે શૌચાલયની જરૂરિયાત માટે માત્ર મંદિરોની જ તુલના કરવી પડે? ભારત આઝાદ થયાને આજે ૫૯ વર્ષ વીતવા આવ્યાં. છ છ દાયકાને અંતે અચાનક જ કોઈને 'શૌચાલય વિહોણા ભારત'ની સેવા કરવાની 'ધગશ' થઈ જાય અને તેથી મંદિરોનું ખંડન-અવમૂલ્યાંકન કરવા લાગી જાય, તે આશ્ચર્યકારક નથી લાગતું ? તેમાં વિકૃતિની બદબૂ નથી આવતી?
તો પછી આપણે મંદિરો રચીએ, કોઈ સ્પર્ધાથી નહીં પરંતુ નિઃસ્વાર્થ ભક્તિભાવથી રચીએ, તેમાં આપણે કોની પાસે 'જસ્ટીફાય' કરવાનું!
માફ કરજો. કોઈનાય હૃદયને દુખવવાનો કે કોઈનુંય ખંડન કરવાનો બિલકુલ આશય નથી. આમ છતાં, કોઈને એવું લાગતું હોય તો તે બદલ હૈયે દિલગીરી છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની માટીમાંથી જન્મેલા એક સનાતન ધર્મી તરીકે આપણે આપણાં પોતાના ધર્મ અને સંસ્કૃતિનાં મૂળ પર દાવ રમનારાંઓનું ગણિત તો સમજવું જોઈએ કે નહીં ?
ચાલો, જરા વિગતે તથ્યને તપાસીએ.
શૌચાલયવાદીઓનો દાવો છે કે ભારતમાં મંદિરો બહુ વધી પડ્યાં છે ! તો સત્ય શું છે? આઝાદી પછી ભારતમાં કેટલાં મંદિરો નવાં બન્યાં ? ચેરિટી કમિશ્નર આૅફ ઇન્ડિયાના રેકોર્ડસ્‌ તપાસી આવો, જ્યાં મંદિરોની નોંધણી થાય છે. શું ખરેખર દર વર્ષે નવાં મંદિરો બાંધવાનો ખર્ચ અસહ્ય છે ? ભારતમાં એવા કેટલા બેફામ બિનજરૂરી ખર્ચ થાય છે કે જેમાં દેશવાસીઓના ઉદ્ધારની કોઈ જ પ્રવૃત્તિ નથી ?
શું તમે માનો છો કે ભારતમાં દર વર્ષે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનાં મંદિરો રચાય છે ? અસંભવિત. પરંતુ હા, ભારતમાં દર વર્ષે બનતી ૯૦૦ ફિલ્મોના આપણા મનોરંજન ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે! ભારતની પ્રસિદ્ધ વાણિજ્ય સંસ્થા 'ફીક્કી'એ બહાર પાડેલા આંકડાઓ મુજબ, સને ૨૦૦૯ સુધીમાં આ આંકડા ૪૫,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જશે! (Source: Industry Estimates & PwC Analysis. The figures taken above include only the legitimate sales in each segment. Revenues from the Animation & Gaming segments have not been included in the entertainment industry size.) આશ્ચર્ય તે વાતનું છે કે આ એકેય શૌચાલયવાદીને કરોડો રૂપિયાના ખર્ચે બનતી આવી એકપણ ફિલ્મ વધારાની નથી લાગતી! દર વર્ષે અબજો રૂપિયાના ખર્ચે બનતી, અને વર્ષો સુધી ન ધોયેલા શૌચાલય કરતાં પણ વધુ વિકૃતિ ભરેલી ગંદી ફિલ્મોને બદલે પવિત્ર દેવાલયની શૌચાલય સાથે તુલના કરવાનું કોઈને સૂઝ õએ એક કરુણતા જ નથી ?
ભારતમાં શરાબ ઉદ્યોગનું ટર્નઓવર સાંભળીને અધધધ થઈ જશો. ૧૯૯૮ના સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં રૂપિયા ૨,૦૦૦ કરોડનો ૧૪,૦૦,૦૦,૦૦૦ લિટર દારૂ પિવાઈ ગયો હતો! કસ્ટમ અને એક્સાઈઝ ખાતા દ્વારા જાહેર થયેલા આ અંકો માત્ર 'આૅફિશિયલી' પિવાયેલા દારૂની જ માહિતી આપે છે! 'ફૂડ એન્ડ બેવરેજીસ ન્યૂઝ 'ના તા. ૩-૪-૨૦૦૬ના ન્યૂઝ લેટરમાં જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ શરાબ પીતા ૨૦ દેશોમાં ભારત ૧૩મું સ્થાન ધરાવે છે. પરંતુ તેના કરતાં વધારે રસપ્રદ બાબત એ છે કે વિશ્વમાં દારૂના વેચાણનો સૌથી વધારે પ્રગતિદર ભારત, યુ.કે. અને ઓસ્ટ્રેલિયા ધરાવે છે! દર વર્ષે અબજો રૂપિયાનો પિવાતો શરાબ શૌચાલયવાદીઓને વધારાનો નથી લાગતો! ભારતની હજારો સૌભાગ્યવંતી નારીઓને વિધવા બનાવતાં શરાબ ઉદ્યોગની સામે મંદિરનો ખર્ચ તો સાવ નગણ્ય છે. છતાં શૌચાલયવાદીઓને દેશભરના અભિશાપ સમા શરાબની સામે જિહાદ કરવાને બદલે મંદિરો વિરુદ્ધ જિહાદો સૂઝ õછે!
તમાકુ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતી ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા લિ.ના સી.ઈ.ઓ. શ્રી રામ પોદ્દારે આપેલા આ આંકડાઓ વાંચો
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તમાકુ-સિગારેટ ઉત્પાદન કરવામાં ભારત અવ્વલ નંબર ધરાવે છે. ભારતમાં બનતી સિગારેટ્‌સની ઓછા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે, તો પણ વિશ્વના સિગારેટ ઉદ્યોગના 'ટોપ ૧૦ એક્સપોર્ટર્સ'માં ભારતનું સ્થાન છે. ભારતમાં તમાકુ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? સને ૧૯૯૬માં ભારતમાં ૧૬,૦૦૦ કરોડ સિગારેટો પિવાઈ હતી અને એક સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં સિગારેટ પીનારાઓની સંખ્યા ૨૦,૦૦,૦૦,૦૦૦ હતી. અને દર વર્ષે ભારતમાં બીડીનું વેચાણ જાણો છો? દર વર્ષે ૮૦,૦૦૦ કરોડ બીડી ફૂંકવામાં આવે છે! અને ગુટકાઓની સંખ્યા? અમદાવાદમાં એકલા બાપુનગર વિસ્તારમાં માત્ર હીરાઘસુઓ વર્ષે ૭૨ કરોડના ગુટકા ખાઈ જાય છે! તેના પરથી આખા ભારતનો અંદાજ તમે લગાવી શકો. અને આ તમાકુ ઉદ્યોગનું વરવું પાસું તે છે કે હૃદયરોગ અને કૅન્સરની સૌથી વધુ બરબાદી તે પ્રસરાવે છે. આંકડાઓ સૂચવે છે કે સને ૨૦૨૦ સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હૃદયરોગીઓનો દેશ બની જશે. પ્રતિ વર્ષે દેશમાં કુલ મૃત્યુ આંકમાંથી ૧/૩ મૃત્યુ માત્ર હૃદયરોગને કારણે થશે. ખેદની વાત તો એ છે કે તેમાંના મોટા ભાગના લોકો યુવાવયના હશે.
સને ૨૦૦૪માં અમેરિકાના સર્જન જનરલે આપેલા અહેવાલ મુજબ, દર વર્ષે અમેરિકામાં અકસ્માત, એઈડ્‌સ, ડ્રગ્સસેવન તેમજ ખૂન અને આતંકવાદીઓની ગોળીઓને કારણે કુલ મળીને જેટલા લોકો મરે છે તેના કરતાં વધારે લોકો તમાકુ-સિગારેટના સેવનને કારણે પીડાદાયક મૃત્યુ પામે છે. સને ૧૯૯૫થી ૧૯૯૯ દરમ્યાન માત્ર અમેરિકામાં ૪,૪૦,૦૦૦ લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામ્યા હતા! તમે ખુદ ધૂમ્રપાન ન કરતા હો તો પણ ધૂમ્રપાન કરનારાઓની આસપાસ રહેવા માત્રથી કેવી પીડા ભોગવવી પડે છે ? અમેરિકાના નેશનલ એમ્ફીસીમા ફાઉન્ડેશનના આંકડાઓ મુજબ 'સેકન્ડ હેન્ડ સ્મોકિંગ'ને કારણે ૬૮,૦૦૦ અમેરિકનો દર વર્ષે મૃત્યુ પામે છે. વિશ્વપ્રસિદ્ધ રોગચાળા નિષ્ણાત (epidemiologist) આર. પેટો (R. Peto)ના સર્વેક્ષણ મુજબ વિશ્વભરમાં તમાકુ-સિગારેટ સેવનને કારણે ૩૦ લાખ લોકો મૃત્યુ પામે છે. ૨૦૨૫ની સાલ સુધીમાં આ આંક એક કરોડને આંબી જશે!
ભારતમાં આ આંક કેટલો ઊંચો હોઈ શકે? કોઈની પાસે ગણિત છે?
તમાકુ-સિગારેટ સેવનને કારણે અમેરિકામાં દર વર્ષે થતા રોગો પાછળ કેટલો ખર્ચ થાય છે? 'CDC Annual Smoking- Attributable Mortality, Years of Potential Life Lost, and the Economic Cost- United States. MMWR 2002; 51(14): 300-3' શીર્ષક સાથે સને ૨૦૦૨માં પ્રકાશિત થયેલો અહેવાલ સૂચવે છે કે પ્રતિવર્ષે તમાકુ-સિગારેટ સેવનને કારણે અમેરિકામાં ૭૫,૦૦,૦૦,૦૦,૦૦૦ (૭૫ અબજ) ડૉલર્સનો ખર્ચ દવાઓ પાછળ થાય છે! અને તમાકુ-સિગારેટ સેવનને પરિણામે અમેરિકાના ઉત્પાદન ક્ષેત્રે કેટલી ખોટ જાય છે? ૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૮૦ અબજ) ડૉલર્સ!
કમનસીબે ભારતમાં આવું સર્વેક્ષણ થયેલા આંકડાઓ ઉપલબ્ધ નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં વિપુલ વસ્તી અને તમાકુના બેહદ ઉપયોગને કારણે આ આંકડાઓ અનેકગણા વધુ મોટા, ભયંકર અને ચિંતાપ્રેરક છે. ઇન્ડિયન કૅન્સર રિસર્ચ સોસાયટીના સર્વેક્ષણ મુજબ ભારતમાં નોંધાયેલા ૪૦ લાખ દર્દીઓ કૅન્સરથી પીડાય છે, જેમાંથી ૭૦ ટકા પુરુષોના કૅન્સરનું કારણ તમાકુસેવન છે.
દેશને પાયમાલ કરતા તમાકુ કે સિગારેટ પાછળ ફૂંકી મરાતા અબજો રૂપિયા અંગે શૌચાલયવાદીઓએ મૌન સેવવાનું કારણ ?
જાહેર થયેલા એક સર્વેક્ષણ મુજબ ભારતમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓ પાછળ, ફેશન શો પાછળ ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપિયા ખર્ચાય છે. તેમાં આપણી સુકન્યાઓને ભ્રષ્ટ કરવા સિવાય બીજી કોઈ જ 'મોટી સિદ્ધિ' મેળવી શકાઈ નથી. આ ફેશન ઉદ્યોગે ભારતની કઈ પીડા હળવી કરી છે? આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જંગી ખર્ચાઓ કે ભારતીય જુગાર અને ભારતીય ઈંડાંઉદ્યોગથી લઈને બીજી અનેક બાબતોની લાંબી યાદી મૂકી શકાય તેમ છે. શૌચાલયવાદીઓ દેવાલયોને બદલે એના પર ધ્યાન ન આપી શકે ?
આમ છતાં, કોઈકને કદાચ દેવાલયોમાં શ્રદ્ધાળુ ભક્તો દ્વારા અપાતા ભક્તિભાવપૂર્વકના દાન તરફ વૃત્તિ રાખવી જ હોય તો તેને એક બીજો રસ્તો પણ છે. તેમણે સરકારને જ આ અંગે મળવું જોઈએ. કારણ કે તિરુપતિ બાલાજી કે બદરિ-કેદારથી લઈને ડાકોરજી, સોમનાથ કે અંબાજી સુધીનાં હજારો મંદિરોનો વહીવટ સરકારના હાથમાં છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક કે જે તે પ્રદેશની સરકારોને તેઓ પ્રશ્ન કરી શકે છે કે એ મંદિરોના વિપુલ દાનરાશિનો ઉપયોગ સરકાર ક્યાં કરે છે?
પરંતુ ના, એવું કોઈ નહીં કરે. ખરેખર કામ કરવામાં રસ જ કોને છે! કારણ કે આમાં મુદ્દો ખરેખર શૌચાલયનો નથી. મુદ્દો મંદિરના દ્વેષનો છે, આશય મંદિરના ગૌરવને હણવાનો છે, હિન્દુઓની નવી પેઢીઓને અસ્મિતાવિહોણી, નમાલી કરવાનો છે.
સંતો હજુ જાગે છે...
આમ ને આમ સંસ્કૃતિ પર પ્રહારો ચાલુ રહેશે તો? આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું શું થશે? દૃશ્ય ચિંતા ઉપજાવે તેમ છે. હા, જાગૃતિની જરૂરત અવશ્ય છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સંસ્કૃતિની ધરતી પર સંતો હજુ જાગે છે, યુગે યુગે જેઓ સંસ્કૃતિની જ્યોતને જલતી રાખે છે.
ગૌરવ સાથે કહેવું જોઈએ કે અભિનવ યુગમાં એવા સંસ્કૃતિના જ્યોતિર્ધર વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ છે, જેમણે આપણી સનાતન મંદિર પરંપરાને વિસ્તારવા જીવન સમર્પિત કર્યું છે. ૬૫૦ કરતાંય વધુ મંદિરો વિશ્વભરમાં રચીને તેમણે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકોની જે ભેટ આપી છે, તે બદલ પ્રત્યેક અસ્મિતાવાદી હિન્દુની આવતી સેંકડો પેઢીઓ, તેમના પ્રત્યે ૠણાનુરાગી રહેશે. સ્વામીશ્રીએ રચેલાં મંદિરો, અધ્યાત્મ કેન્દ્રની સાથે સમાજઉત્કર્ષ અને સમાજસેવાનાં અનન્ય ઊર્જાકેન્દ્રો છે. ૧૬૨ કરતાંય વધુ સમાજસેવાઓ અહીં ગતિમાન છે. એ આ મંદિરોની બાય પ્રોડક્ટ છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાથી લઈને આદિવાસી પ્રદેશો સુધી એમણે સ્થાપેલાં મંદિરોનાં પ્રદાનો પર ભવિષ્યમાં ગ્રંથોના ગ્રંથો રચાશે, તોય ઇતિહાસ એને પૂરતો ન્યાય નહીં આપી શકે. તેમણે રચેલાં મંદિરો શ્રદ્ધાળુઓથી ઉભરાય છે, દર વર્ષે ૪,૭૦,૦૦૦ જેટલી સત્સંગ સભાઓથી ગૂંજે છે, અને આવતી અનેક પેઢીઓ સુધી આ સત્સંગ ચાલતો રહે એવું મજબૂત ફાઉન્ડેશન છે. એટલે જ વિશ્વાસ છે, જ્યાં સુધી પ્રમુખસ્વામી મહારાજ જેવા સત્પુરુષ આ ધરતી પર વિચરે છે, ત્યાં સુધી આપણી એ સનાતન સંસ્કૃતિનાં મંદિરોની ગૌરવધ્વજાઓ ક્યારેય ગૌરવક્ષત નહીં થાય.
પરંતુ તેમાં આપણું શું પ્રદાન?
કદાચ નવાં મંદિરો ન રચી શકીએ તો પણ, મંદિરો પ્રત્યે આપણી શ્રદ્ધાને તો જાળવી રાખીએ! અસ્મિતાશૂન્ય ખોખલા હિન્દુ બનવાને બદલે આપણે અને આપણી નવી પેઢી મંદિરોના મહત્ત્વને મૂળથી સમજીએ, તેના ગૌરવને જાળવીએ, વિસ્તારીએ. આપણે હિન્દુઓ જ આપણાં મંદિરોનું અને તેના ગૌરવનું રક્ષણ નહીં કરીએ તો અન્યથા બીજુ _ કોણ કરશે? મંદિરો સામે તલવારોના પ્રહારોના યુગ ગયા. હવે, કુતર્કબદ્ધ 'ડિપ્લોમેટિક' પ્રહારોનો યુગ શરૂ થયો છે. મંદિરો પર ચારે તરફથી ધોંસ વધારવામાં આવી રહી છે. સમાચાર માધ્યમોથી લઈને સત્તાધારીઓ સુધી સૌ કોઈ મંદિરોને અવારનવાર લક્ષ્ય બનાવી રહ્યા છે. અને સદીઓથી થતા આવતા આવા પ્રહારો ઓછા હોય તેમ તેમાં 'સુધારાવાદી' હિન્દુઓ અગ્નિમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, તે વધુ દુઃખદ છે. હા, કોઈકને મંદિરોની અશુદ્ધિ નડતી હોય તો તેમણે પ્રમુખસ્વામી મહારાજની જેમ જાતે સાવરણો પકડીને સાફ કરવા લાગી જવું જોઈએ અને જાતસેવાથી લોકોને સફાઈની પ્રેરણાઓ આપવી જોઈએ. કોઈને મંદિરના વહીવટદારો કે પૂજારીઓ કે મહાત્માઓના કર્તવ્ય અંગે શંકા હોય તો ત્યાં જઈને તેમની સાથે વિમર્શ કરીને તેમનું ધ્યાન દોરવું જોઈએ. બાકી 'મંદિરો આંતર-બાહ્ય ગંદકીનાં ધામ છે...' એમ ખોખલી ટીકાઓ કરવાથી હિન્દુ ધર્મની કોઈ જ સેવા થઈ શકે તેમ નથી. એવા લોકોનાં લખાણો કે વ્યાખ્યાનોને શંકાની નજરે જોવા જોઈએ. તેવા લોકોની હેતુપૂર્વકની વિકૃત વાતોથી આપણી નવી પેઢી ગેરમાર્ગે દોરવાઈને આપણી સનાતન પરંપરાઓથી વિમુખ કે ઉન્મુખ ન બને તે જોવાની આપણી ફરજ છે, આપણો ધર્મ છે. આમ, સર્વથા જાગ્રત થઈશું તો આપણા જીવનમાંથી આ સનાતન વિરાસતની બાદબાકી કરવાના ધમપછાડા ભલે ચાલતા રહ્યા, પરંતુ મંદિરોની ગૌરવધ્વજાઓ ક્યારેય ગૌરવક્ષત નહીં થાય.
નહીંતર, જર્મનીનાં પ્રસિદ્ધ વિદૂષી અને ભારતીય મંદિર સ્થાપત્યનાં પ્રખર અભ્યાસી સ્ટેલા ક્રેમરીશની ચેતવણી યાદ રાખવા જેવી છે.
સ્ટેલા ક્રેમરીશે મંદિરનો મહિમા ગાતાં 'ધ હિન્દુ ટેમ્પલ' નામના બે અદ્‌ભુત મહાકાય ગ્રંથો લખ્યા છે. પ્રત્યેક અસ્મિતાવાદી ભારતીયે તે વાંચવા જેવા છે. તેના સારરૂપે સ્ટેલા કહે છેઃ 'જો હિન્દુઓનાં જીવનમાંથી મંદિરની બાદબાકી કરવામાં આવશે તો એ લોકો શૂન્યાવકાશ અનુભવશે. અને યાદ રહે, શૂન્યાવકાશમાં કોઈ જ જીવી શકતું નથી.'

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS