ભગવાન શ્રીજીમહારાજે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરતા સાધકને કોઈ ગૂંચ ન આવે, સાધના માર્ગ સરળ બને તેના સચોટ ઉપાયો વચનામૃતમાં બતાવ્યા છે. સાધનમાત્રમાં કઠણ સાધન એમણે ભગવાનમાં મનની અખંડવૃત્તિ રહે તેને કહ્યું છે. મનુષ્યમાત્રને વિષય તરફ મનનો ઢાળ રહે છે. મનને વિષયમાંથી પાછું વાળવું ને ભગવાનમાં જોડવું, સંતમાં જોડવું એ નેવાંનાં પાણી મોભે ચઢાવવાં જેવું કઠણ કામ છે. કોઈ પૃથ્વી જેટલા સુખનો ત્યાગ કરે, વનમાં જઈને કૌપીનભર રહે, ફળ-ફૂલ ને પાંદડાં ખાય, વાયુ ભરખીને રહે, એવી અનેક સાધના વિષય જીતવા કરે પણ પંચવિષય જિતાતા નથી. હજારો વર્ષનાં તપ કર્યાં પછી પણ મનમાં રહેલી અલ્પ વિષયાસક્તિએ તપસ્વીઓનું પાણી ઉતારી નાખ્યું છે. સર્વસ્વ છોડીને તેઓ વનમાં ગયા પણ મનમાં પંચવિષય એવા ને એવા જ તાજા હતા તો જ્યારે બહાર પંચવિષયનો જરાક યોગ થયો કે તેઓ તેમાં ખુવાર થઈ ગયા.
ભગવાનનું ચિંતવન કરવામાં સંસાર-વ્યવહાર, જગત-માયા બધું અડચણ કરશે એવું ધારીને તો વનમાં ગયેલા પણ તેમને ચિંતવન બીજાનું થઈ ગયું. ભરતજીને મૃગલું થવું પડ્યું તો સૌભરિને ૫૦ કુંવરીઓ સાથે સંસાર વ્યવહાર વળગ્યો..!
ભગવાનની મૂર્તિ કરતાં પંચવિષયમાં વધુ માલ મનાઈ ગયો હશે તો જ વિઘ્ન આવ્યું હશે ને ! યોગીજી મહારાજ કહેતા કે એ લોકોને ગુરુ મળ્યા નહોતા. ગુરુમુખી સાધના જ ફળદાયી થાય છે. ગુરુની આજ્ઞામાં મન-કર્મ-વચને જે જે વર્ત્યા છે તેમને પંચવિષય નડી શકયા નથી, કારણ કે એમણે, પોતાની સાધનાનું કેન્દ્ર ગુરુને બનાવી દીધા.
ગુરુ એટલે ગુણાતીત-અક્ષરબ્રહ્મ. પરબ્રહ્મ પુરુષોત્તમ-નારાયણ સાથે જેમને સીધો સંબંધ છે. અક્ષર, જેવો ને જેટલો પુરુષોત્તમનો મહિમા જાણે છે તેવો ને તેટલો કોઈ જાણી શકતું નથી. આજે પ્રમુખસ્વામી મહારાજ એ અક્ષરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ છે. તેઓ શ્રીજીમહારાજને અંગોઅંગમાં અખંડ ધારી રહ્યા છે. આવો મહિમા હોય ને પછી શ્રીજીમહારાજે આપેલ નિયમ પાલનમાં શ્રદ્ધા હોય તો એમનું અખંડ ચિંતવન થાય.
શ્રીજીમહારાજે જીવોને અક્ષરધામમાં લઈ જવા માટે એકાંતિક ધર્મની સ્થાપના કરી - ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ ચાર મળીને એકાંતિક ધર્મ કહેવાય છે. તેના ધારક અક્ષરબ્રહ્મ સત્પુરુષ જ એકમાત્ર છે. એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરીને વાસનાથી મુક્ત થઈ, બ્રહ્મરૂપ થઈ, ભગવાનના ધામમાં જવાય છે. બીજાં ગમે તેટલાં સાધનો કરે પણ મુક્તિ ન થાય પણ એકાંતિક ધર્મના પાલનથી આત્યંતિક મોક્ષ થાય છે.
નિષ્કામ ધર્મનું પાલન કરે તે ધર્મ. સુખદુઃખ ને માન-અપમાનમાં સ્થિરતા રહે તે જ્ઞાન. આત્મનિષ્ઠા રૂપી જ્ઞાન દૃઢ થયું હોય તેને દેહભાવ ન રહે. જગત મિથ્યા જણાય, પંચવિષય દુઃખદાયી જણાય એ જ્ઞાન. આ લોકમાં ક્યાંય આસક્તિ ન રહે ને ભગવાનમાં આસક્તિ થાય તે વૈરાગ્ય અને ભગવાનનો માહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કરવો, આશરો કરવો, તેની શરણાગતિમાં યાહોમ કરવું તે ભક્તિ.
આ ચારેનું પાલન કરાવવા માટે શ્રીજીમહારાજ પોતાની સાથે અક્ષરબ્રહ્મને લાવ્યા, એમને આગળ રાખીને ચારેનું યથાર્થ પાલન થાય છે. જેને પ્રગટ મળ્યા નથી, તેને આપત્કાળે ચારે અંગનું એક સાથે રક્ષણ ન થાય. ધર્મ રાખે તો ભક્તિ ગૌણ થાય અને ભક્તિ રાખે તો ધર્મ ગૌણ થાય ત્યારે એ ભક્ત જો ભગવાનનું ચિંતવન કરે ને પ્રાર્થના કરે તો તેની રક્ષા થાય છે. તમામ કલ્યાણકારી ગુણો પ્રગટ ભગવાનને આશરીને રહ્યા છે. એટલે અખંડ ચિંતવન દ્વારા મનની વૃત્તિને ભગવાનમાં જોડી દે તો એ ગુણ ભક્તમાં આવે છે.
અતિશય ભગવાનનું માહાત્મ્ય સમજાય છે ત્યારે ધર્મપાલનમાં થોડી શિથિલતા આવવા સંભવ છે. કરી કરીને કરવાનું હતું તેના ફળ સ્વરૂપે હવે ભગવાન મળી ગયા. હવે સાધન કરવાનાં રહ્યાં નહિ.. ભગવાનનું એકવાર નામ લઈએ તો પાપમાત્ર બળી જાય એવો મહિમા જાણે પછી ધર્મપાલનમાં ઢીલાશ આવી જાય. શ્રીજીમહારાજે ગઢડા મધ્ય ૪માં કહ્યું છે કે મહિમાવાળો ભક્ત કેમ સમજે તો તેણે ધર્મમાં રહેવાય ? તેમાં શ્રીજીમહારાજ કહે છે કે એ ભક્તને સતત મનમાં એમ રહે કે મારે તો ભગવાનનું અખંડ ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. જેને આવું અનુસંધાન હોય તેને ચારે અંગનું પાલન થાય. એને જાણપણું રહે કે જો હું શિથિલ રહીશ તો એકાંતિક ધર્મમાં એટલી ખોટ આવશે અને મારે તો એકાંતિક થવું જ છે.
શ્રીજીમહારાજે વચનામૃત ગ.પ્ર. ૩૪માં કહ્યું છે કે આમ જીવપ્રાણીમાત્રને જે દુઃખ આવે છે તે પ્રારબ્ધે કરીને આવે છે પણ ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે તે આજ્ઞા ભંગથી આવે છે. વ્યાપકાનંદ સ્વામી થાનગઢ ગયા ત્યાં વાસુકિ નાગનું મંદિર છે તેમાં પથ્થરની પૂતળીઓ હતી. વ્યાપકાનંદ સ્વામીએ તેની સામે જોયું અને મનમાં વિચાર્યું કે આ પૂતળીઓ તો જડ છે એ મને શું કરી લેશે ? મંદિરમાં સૂતા તે વખતે બધી પૂતળીઓ નૃત્ય કરવા લાગી... એ તો ભયભીત થયા ! મહારાજને મળ્યા અને બધી વાત કરી. મહારાજ કહે, 'તમે ત્યાગી છો ચિત્રામણ કે ધાતુ-પથ્થરની સ્ત્રીની મૂર્તિ જોવાય જ નહીં.' જે ખરેખરો ભક્ત છે તેને એ જ અનુસંધાન રહે કે મહારાજની આજ્ઞાનો લોપ ક્યારેય ન થાય.
એકવાર રાત્રે શાસ્ત્રીજી મહારાજને ઝાડે જવાનું થયું. દિવસે પણ ઝાડા ચાલુ રહ્યા હતા. મહંત સ્વામીના કાકા શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા. તે કહે : 'સ્વામી ! અત્યારે નહિ ના'વ તો ચાલશે.'
શાસ્ત્રીજી મહારાજ કહે : 'દુષ્ટ ! તારી આળસે કરીને મારો ધર્મ લોપવો છે !'
પ્રમુખસ્વામીને હાર્ટએટેક પછી દવાઓ ચાલુ કરાવી. ડૉ. કિરણને પૂછ્યું : 'કિરણ ! આમાં કોઈ અભક્ષ્ય વસ્તુ તો નથી ને ?' આ પુરુષોને દેહ પડી જાય તો ભલે પણ મહારાજની આજ્ઞામાં લેશમાત્ર ફેર પડે નહિ તેનું જાણપણું અખંડ રહે છે.
કોઈપણ પ્રકારની ખામી નથી રાખવી એવો આદર્શ જીવનમાં રાખ્યો હોય તો નિયમ પાલન થાય.
આ બધું જાણવા છતાં અખંડ ચિંતવન નથી થતું તેમાં તો એવી શ્રદ્ધા જોઈએ. શાસ્ત્રોમાં શ્રદ્ધાને 'સર્વેષાં માતા' કહી છે. સાધન કરીએ તેની સફળતાનું મૂળ શ્રદ્ધા છે.
અખંડ ચિંતવન કરવાનું કામ અઘરું છે. તે એક દિવસમાં થતું નથી એટલે શ્રદ્ધા રાખવી જ પડે છે. પછી જેને જેટલી તીવ્રતા એટલું એને શ્રદ્ધા ફળ આપે છે. કાશીએ જવું હોય તે રોજ વીશ-વીશ ગાઉ ચાલવા માંડે તો પહોંચી જાય પણ શ્રદ્ધા જ ન હોય તો ? ત્યાં ને ત્યાં જ રહે. શ્રદ્ધા સાધના માર્ગમાં ગતિ પ્રેરે છે. શ્રદ્ધાવાળાને ખબર છે કે આ વાત સિદ્ધ થશે જ. ભલે વાર લાગે એમ ધારીને મૂર્તિ ધારવાનું મૂકી ન દે.
આ લોકમાં પૈસા કમાવા માટે બધા કેટલો દાખડો કરે છે ? પૈસાનું માહાત્મ્ય જાણ્યું છે તો થાય છે. તેમ ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હોય કે કોણ પુરુષ મળ્યા છે ? તો શ્રદ્ધા રહે જ.
ને માહાત્મ્ય ને શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય.
માહાત્મ્ય કેવી રીતે જાણવું ?
ભગવાન અક્ષરધામમાંથી પૃથ્વી પર આવ્યા તે તેવા ને તેવા જ છે. બ્રહ્માદિક દેવ અને ભગવાન એક નથી, કારણ કે ભગવાન કોઈ વિષયમાં લોભાતા નથી. જેમ સોનું ને બીજી ધાતું બન્નેને જમીનમાં દાટીએ તો સોનું રતીભાર વધે ખરું પણ ઘટે નહિ ને બીજી ધાતુ તો ધૂળ ભેગી ધૂળ થઈ જાય છે.
પ્રમુખસ્વામી મહારાજ બાહ્ય દેખાવે કરીને બીજા સાધુ જેવા જ લાગે પણ મનુષ્ય સ્વરૂપમાં સાક્ષાત્ મહારાજ વિચરે છે. એ એમનો મહિમા છે. તેઓ અમાયિક છે. એમનામાં કોઈ દોષ નથી.
શ્રીજીમહારાજ અને ગુણાતીત સંત પ્રકૃતિપુરુષના લોકમાં આવ્યા તો પણ એવા ને એવા જ છે અને અન્ય લોકમાં આવ્યા તો પણ એવા જ છે એમાં લેશમાત્ર ફેર પડતો નથી. વિષયમાં કદી લેવાયા જ નથી. આમ સમજવું તે મહિમા.
પ્રમુખસ્વામી મહારાજને ૫૦ વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી તે વખતની પરિસ્થિતિ જુઓ અને આજે !... એમાં સ્વામીશ્રીની સ્થિતિ એક સરખી રહી છે. પોતે ધર્મગુરુ છે, વિરાટ સંસ્થાના ધણી છે પણ અતિશય નમ્ર. પોતાના ધર્મમાંથી, નિયમમાંથી રંચમાત્ર ડગતા નથી. એ એમનું અલૌકિક સામર્થ્ય છે.
જ્યાં સુધી કોઈપણ ભક્ત કે સંત વિષયનો સીધો લેવાતો હોય તો તેણે ભગવાનનો મહિમા જાણ્યો જ નથી.
શ્રીકૃષ્ણ કુબ્જાને ત્યાં ગયા ત્યારે ઉદ્ધવને સાથે લેતા ગયેલા અને બહાર દ્વાર પર સેવામાં ઉદ્ધવને રાખેલા, પણ ઉદ્ધવને લેશમાત્ર સંશય થયો નહિ. મોટા પુરુષની ક્રિયા દિવ્ય છે, પણ આપણી કાચ્યપ ને લીધે તેમાં મનુષ્યભાવ આવે છે. સ્વામીશ્રીની એકપણ ક્રિયા એવી નથી કે તેમનામાં આપણને મનુષ્યભાવ આવે. બધી ક્રિયા દિવ્ય છે. તેઓ જે કંઈ કરે છે, તે અનંત જીવનાં કલ્યાણને માટે કરે છે. આ માહાત્મ્ય સમજવું.
આપણે અને સ્વામીશ્રી - બન્નેનો તફાવત શું ? તો સારા વિષયમાં આપણે લેવાઈ જઈએ છીએ ને સ્વામીશ્રી લેવાતા નથી ! એમને સારા-નરસા વિષય સમ વર્તે છે. કચરો અને કંચન સમ વર્તે છે. મધ્ય ૧૩માં મહારાજ કહે છે કે આ સ્વરૂપ, નિર્દોષ સમજાશે ત્યારે કામ-ક્રોધાદિ જીત્યામાં લેશમાત્ર પ્રયાસ નહિ પડે.
જો આવું માહાત્મ્ય નથી જાણતા, તો ફાટેલી લંગોટી અને તૂટેલી તૂમડીમાંથી પણ વૃત્તિ તૂટશે નહિ.
નિર્દોષ બુદ્ધિ - દિવ્યભાવ એ જેટલો દૃઢ થયો એટલું માહાત્મ્ય દૃઢ થયું જાણવું. એવું માહાત્મ્ય જણાય પછી અખંડ ચિંતવન થશે.
(અમદાવાદમાં કરેલ કથાવાર્તામાંથી, તા. ૧૦-૬-૨૦૦૦)