એકવાર તેઓ ગોંડલમાં સ્મૃતિ મંદિરે દર્શને જઈ રહ્યા હતા. રસ્તામાં એક ભાઈ પત્ર આપી ગયા. ચાલતાં ચાલતાં જ ચિઠ્ઠી ખોલીને સ્વામીશ્રીએ તે વાંચી લીધો અને એક ઠેસ આગળ જ એ વાંચન પૂરું થયું! સ્વામીશ્રીએ ત્યાં ને ત્યાં તે હરિભક્તને એનો ઉત્તર આપી દીધો. એક ભક્તના જીવનમાં આવેલી મુશ્કેલીને હટાવવા માટે સ્વામીશ્રીએ પોતાના પગ આગળ આવેલી ઠોકરને સ્વીકારી લીધી.
સ્વામીશ્રીને મન એ એક-એક પત્રને સંભાળવો તે ભક્તિરૂપ હતો. એટલે જ તેમને ક્યારેય સંજોગો નડી શક્યા નહીં.
દેવગઢ બારિયામાં એક ઘરે સ્વામીશ્રીએ રાત્રે અલ્પાહાર કર્યો અને જમવાના આસને જ સ્વામીશ્રીએ પત્રવાંચન શરૂ કર્યું. એટલામાં લાઇટ ગૂલ થઈ, પરંતુ સ્વામીશ્રીએ મીણબત્તીના ઝાંખા અજવાળે વાંચવાનું ચાલુ જ રાખ્યું.
આવા તો સેંકડો પ્રસંગોની હારમાળા અહીં નોંધી શકાય તેમ છે.
સ્વામીશ્રીએ 1977ના વિદેશપ્રવાસ દરમ્યાન એક પત્રમાં લખ્યું હતું: ‘...પ્રવાસનો પાર નહિ અને ટપાલનો પણ પાર નહિ. તે ઊઠતાં-બેસતાં- સૂતાં ને મોટરમાં તે જ કરવાનું. ત્યારે પહોંચી વળાય છે. બાપાનું બળ છે તે થાય છે.’
પળેપળનો ઉપયોગ કરીને પત્રો દ્વારા લાખો ભક્તોને પ્રેમની દોરીએ આશ્વાસન-માર્ગદર્શન-પ્રેરણા આપતા સ્વામીશ્રીના પત્રલેખનના આ અપાર શ્રમને આપણે ક્યાંથી સમજી શકીએ!
લીંબડીમાં નગરપાલિકા તરફથી સ્વામીશ્રીનો જાહેર સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સ્વામીશ્રીની દિવ્યતાનાં ગુણગાન ગાઈ રહ્યા હતા. સામે ઊમટેલા હજારો ભક્તો-ભાવિકો પણ સ્વામીશ્રી તરફ મીટ માંડીને બેઠા હતા. આ દરમ્યાન સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પવાની એ પળ આવી, જેના માટે આ સમારોહ હતો.
સ્થાનિક જનતા વતી મહાનુભાવો સન્માનપત્ર લઈને છેક સ્વામીશ્રીના આસન સુધી પહોંચી ગયા ત્યાં સુધી સ્વામીશ્રી પત્રલેખનમાં વ્યસ્ત હતા. કોઈકે ધ્યાન દોર્યું એટલે સહજતાથી ચશ્માં બાજુમાં મૂકીને નમ્રતાપૂર્વક સન્માનપત્રનો સ્વીકાર કર્યો અને બીજી જ ક્ષણે પાછા મશગૂલ બની ગયા!
સ્વામીશ્રીને મન પોતાને મળતાં સન્માન કરતાંય મહત્ત્વના હતા પત્રો, જેમાં લોકોનાં દુઃખ-દર્દ હતાં.
આવી ઘટનાઓ પણ અગણિત છે. જેના માટે સ્વામીશ્રી બત્રીસ-બત્રીસ વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા એ દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામના ઉદ્ઘાટનનો અવસર હતો ત્યારે, સ્વામીશ્રી છેલ્લી ક્ષણ સુધી પત્રલેખન કરતા રહ્યા. રાષ્ટ્રના ગૌરવ સમો આ વિરલ અવસર, સ્વામીશ્રીના કીર્તિમાનને યુગો સુધી ઝળહળતું રાખે એવો આ અવસર. દેશ-વિદેશના લાખો લોકો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જેમાં જોડાયા હતા એવો આ અવસર. તેમાં સહભાગી થવા માટે ભારતના રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રી પોતાના નિવાસેથી નીકળીને અક્ષરધામ તરફ આવવા રવાના થઈ ગયા તે સમાચાર મળ્યા ત્યાં સુધી સ્વામીશ્રી પત્રલેખન કરતા રહ્યા!
પત્રલેખન-વાંચનમાં સ્વામીશ્રી એટલા તન્મય બની જાય કે પોતાની જાતને વીસરી જાય. આવી તન્મયતાથી લખાયેલા સ્વામીશ્રીના એ પત્રો લોકો સુધી પહોંચે ત્યારે સૌને અનુભવાય કે આત્મીયતાનાં અમૃતઝરણાં અમ સુધી પહોંચ્યાં છે.
સ્વામીશ્રીના એ પત્રોની સાથે સ્વામીશ્રીની પ્રાર્થનાઓનો પ્રવાહ વહેતો રહેતો. ઘણી વખત સ્વામીશ્રી અગત્યના પત્રો કે દસ્તાવેજો ખાસ ઠાકોરજી આગળ દૃષ્ટિ પ્રસાદીના કરાવે અને ત્યાર પછી જ રવાના કરે. એવા પ્રેરણાદાયી પત્રો આવ્યા હોય તો સૌને પ્રેરણા મળે એ માટે પત્રવાંચન વખતે જ સામે બેઠેલા સૌને વાંચી સંભળાવે અને નિરૂપણ કરે.
ઘણી વખત કેટલાક લોકોને આશ્ચર્ય થતું કે આવા મહાન સંત, ભક્તોની રોજિંદી નાની-નાની બાબતોમાં કેવી રીતે રસ લઈ શકતા હશે!
પોતાના ભૌતિક જીવનની રોજિંદી સંસારી સમસ્યાઓ લોકો સ્વામીશ્રી જેવા પરમ આધ્યાત્મિક મહાપુરુષ પાસે પત્રો દ્વારા ઠાલવે કે રૂબરૂ ઠાલવે તેનું આશ્ચર્ય અનેક લોકોને થતું.
એવા જ એક આશ્ચર્ય સાથે અમેરિકાના પ્રો. રેમન્ડ વિલિયમ્સે સ્વામીશ્રીને પૂછ્યું હતું:
‘દેખીતી રીતે કૌટુંબિક કે ધંધાદારી બાબતો સાથે આપને કોઈ જ સીધો સંબંધ લાગતો નથી છતાં એવી બાબતોમાં તમે કેવી રીતે અને કયા હેતુથી સલાહ આપો છો?’ ત્યારે મંદ સ્મિત સાથે સ્વામીશ્રીએ કહ્યું હતું: ‘અમે હરિભક્તની પ્રવૃત્તિઓ અને વ્યવહારમાં રસ લઈએ તો પ્રેમનો સેતુ બંધાય અને એ ભગવાનની વધારે નજીક આવે. એમને પ્રેમથી ભગવાનમાં જોડવા એ હેતુ છે. એમના કુટુંબના અને ધંધાના પ્રશ્નોનો ઉકેલ આવશે તો તેમને અમારામાં હેત થશે. તો તેમને શાશ્વત મુક્તિ તરફ લઈ જવાશે. ભગવાન અને સંતની એ રીત જ છે કે ગુરુના પ્રેમથી ભક્તો સંપત્તિ અને જીવન પ્રત્યેના બંધનનો પણ ત્યાગ કરે. મુખ્ય હેતુ તો એ જ છે કે એ ભગવાન તરફ વળે. પ્રેમ વિના એ શક્ય નથી. જો હેત થાય તો શાશ્વત જીવનને પામી શકાય.’
હા, પ્રમુખસ્વામી મહારાજના પત્રોમાં એવો પ્રેમ ટપકતો હતો કે જેનું લક્ષ્ય પરમાત્મા તરફ લઈ જવાનું હતું.
સ્વામીશ્રીની આત્મીયતા જાણે એક વિરાટ છત્ર, જેની શીતળ છાયા ભેદભાવ વિના સૌ કોઈ માણે છે. આજેય ઘરોઘર સચવાયેલા સ્વામીશ્રીના એ પત્રો શીતળતાની પ્રતીતિ કરાવી રહ્યા છે, જેમાં સ્વામીશ્રીની આધ્યાત્મિક પ્રતિભા, સૌ પ્રત્યેનું તેમનું વાત્સલ્ય અને માનવમાત્રનું ભલું કરવાની ભાવના છલકે છે.