પ્રામાણિકતાનું પ્રદાન
ઘણા લોકો કહે છે કે સરકારી કે જાહેર ક્ષેત્રોમાં તમારે નીતિ રાખવી હોય તોપણ તમે ન રાખી શકો, તમારે ચોખ્ખા રહેવું હોય તોપણ બીજા લોકો તમને ચોખ્ખા રહેવા જ નહીં દે. તે વાત સાવ ખોટી નથી. જેમ કોઈ શરાબીને વ્યસન થાય તે પહેલાં કોઈક તેને શરાબ ચખાડે છે, અને પછી તેને લત લાગી જાય છે. તેમ જાહેર ક્ષેત્રોમાં પણ કોઈ લાંચ ચખાડે છે, પછી તે વ્યસન બની જાય છે અને માણસનું પતન થાય છે. માટે પહેલાં પગથિયે જ તેને રોકવી પડે. તે માટે કઠોર થવું પડે - પોતાની જાત સાથે.
એક આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનમાં મહત્ત્વના હોદ્દા પર ફરજ બજાવી રહેલા શ્રી સનતકુમાર કહે છે : 'નૈતિકતા માટે જાત સાથે કઠોરતાથી લડવા માટે બળ મળે, સપોર્ટ મળે એવું વાતાવરણ અને એવી વ્યક્તિ હું સતત શોધતો હતો. હું તે માટે ઠેકઠેકાણે ફરી વળ્યો, અને તેવા મહાપુરુષ મને અહીં જ મળ્યા - પ્રમુખસ્વામી મહારાજ અને તેમનો સત્સંગ. '
થોડાક સમય પહેલાં રાજકોટમાં ગવર્નમેન્ટ ગ્રાન્ટથી ચાલતી એક ઇન્સ્ટિટ્યૂટમાં તેમને ઓડિટ માટે જવાનું થયું હતું. તપાસમાં માલૂમ પડ્યું કે અહીં તો ખૂબ જ અનીતિથી છે. સનતકુમાર માટે એ લોકોને એમ હતું કે આ માણસને ‘સમજાવી’ લઈશું. એમની પદ્ધતિ અનુસાર એમણે પૂરો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ એમ પીગળ્યા નહીં, એટલે એક બપોરે તેમના બે-ત્રણ માણસો તેમની પાસે આવ્યા અને તેમને ધમકી આપી : ‘તમે સીધા નહીં ચાલો તો રાજકોટની બહાર નીકળવું ભારે પડી જશે.’
સનતકુમારે કહ્યું : ‘તમે ખોટી જગ્યાએ બળપ્રયોગ કરો છો. મેં 15 વર્ષ સુધી ઍરફોર્સમાં ફૌજી તરીકે ફરજ બજાવી છે. કોઈપણ સંજોગોમાં લડવાની મારી પૂરી ક્ષમતા છે. તમે મને ઝુકાવી નહીં શકો.’ અને તે લોકો ટૂંકમાં સમજી ગયા. સનતકુમાર કહે છે : 'આજે પ્રામાણિકતાને ટકાવવા માટે મારી પાસે પ્રતિરોધની જે કાંઈ શક્તિ છે, તે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ મને આપી છે. દરેક વખતે પ્રામાણિકતાને વળગી રહેવાનું અનુસંધાન રહ્યું છે, તે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આભારી છે. તેમનું સ્મરણમાત્ર મને એવા સાહસ, ઉત્સાહ અને પ્રતીતિથી છલકાવી દે છે કે હું કોઈ પણ સંજોગોનો સામનો કરવા માટે સજ્જ થઈ જાઉં છું.
અમુક લોકો ભલે માને કે પ્રામાણિકતાથી પ્રગતિ નથી થતી. હું તેને કોઈ રીતે માની શકતો નથી. પ્રામાણિકતાથી જ માણસની પ્રગતિ છે. હું એક સામાન્ય ગામડામાંથી આવું છું. મારી પાસે ભણવાના પૂરા પૈસા પણ નહોતા. પરંતુ આજે હું એક આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનમાં ઉચ્ચ હોદ્દા પર છું, અને ખૂબ સુખી છું તેમાં પ્રામાણિકતાનો જ ફાળો છે.'
પ્રામાણિકતાનો આદર
'મારા પિતા એક પ્રામાણિક પ્રાથમિક શિક્ષક હતા. મેં પણ સાવ સામાન્યમાં સામાન્ય કક્ષાથી મારી કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી તેટલી પ્રગતિ અને સુખ મને મળ્યાં છે. જીવનનાં અને પરિવારનાં પણ બધાં જ કાર્યો ખૂબ સરળતાથી અને સહજતાથી થયાં છે. ભગવાને ક્યાંય ઉણપનો અનુભવ થવા દીધો નથી.
અમુક લોકો એમ માનતા હોય છે કે પ્રામાણિક માણસ અળખામણા બને છે; પરંતુ મારે માટે એવું નથી બન્યું. હું ઊલટાનો મારા ઉપરી અધિકારીઓનો પ્રેમ અને આદર પામ્યો છું. લોકો કહે છે કે પ્રામાણિકતાથી આગળ નથી અવાતું; પરંતુ મારે માટે સાવ સારા અનુભવો જ ભાગ્યમાં આવ્યા છે.'
ગુજરાત રાજ્યના એસ.ટી. કોર્પોરેશનમાં ચીફ એન્જિનિયર તરીકે તથા તે પૂર્વે મુખ્ય ખરીદ નિયામક તરીકે ફરજ બજાવનાર અશોકભાઈ જે. રાવલનો આ અનુભવ છે. ‘ચીફ કન્ટ્રોલર ઓફ પરચેઝ’ તરીકે ફરજ બજાવવા માટે તેમને ઓર્ડર મળ્યો, ત્યારે તેમને લાગ્યું કે આવી ફરજ બજાવવામાં ચોખ્ખા રહીએ તોપણ ભ્રષ્ટાચારના આક્ષેપ-આરોપોથી બચવાનું સહેલું નથી. એટલે જ આ જવાબદારી સંભાળતાં પહેલાં તેમણે પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખીને આશીર્વાદ માગ્યા હતા. તેમનો આશીર્વાદનો પત્ર આવ્યો ત્યારે તેમાં તેમણે ખૂબ બળ સિંચ્યું હતું કે પ્રામાણિકતા રાખીને કાર્ય કરજો, કોઈ જ વાંધો નહીં આવે.
અને એમ જ બન્યું. એક વખત નિયત કાર્યવાહી પ્રમાણે એક વેપારીની પ્રોડક્ટ ખરીદવામાં આવી. તે બદલ ખુશ થઈને વેપારી તેમના ટેબલ પર ખૂબ મોટી રકમ લઈને આવ્યા. અશોકભાઈએ ઘણી આનાકાની કરી, છતાં પરાણે તેમના ટેબલ પર રકમ મૂકીજતા રહ્યા અને કહેતા ગયા કે તમારે ન જોઈતી હોય તો તમે દાનમાં આપજો. અશોકભાઈ કહે છે : 'બીજે દિવસે એ રકમ લઈને હું અક્ષરધામ મંદિરે ગયો અને આનંદસ્વરૂપદાસ સ્વામીને મળ્યો. ઉપરની બીના કહીને કહ્યું કે ‘આ રીતે દાન આપવા આવ્યો છું.’ સ્વામીએ કહ્યું : ‘આ રકમ તમે પાછી લઈ જાઓ, અને એમને કહો કે દાન આપવું હોય તો એ જાતે જ દાન આપી દે. તમે આ રકમ તેમને પાછી જ આપી આવો.’ અને મેં એ રકમ તે વેપારીને હાથોહાથ પાછી આપી દીધી ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું હતું. મારા માટે એ અવસર જીવનભરનો એક પાઠ બની રહ્યો. કેટલાક હોદ્દા પર કોઈ માણસ ધારે તેટલો ભ્રષ્ટાચાર કરી શકે. પરંતુ મારે એક પૈસો પણ લાંચનો નહોતો ખાવો, કારણ કે મારે પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા જ પાળવી હતી. એમના આશીર્વાદથી જ મેં ઊલટું ખરીદીની પ્રોસિજર એવી પારદર્શક બનાવી કે તેમાં ભ્રષ્ટાચારની શક્યતા ઘટી જાય, સરકારને અને દેશને ફાયદો થાય.'
રૂપિયાનું નહીં, સત્સંગનું સુખ.
દેસિંગભાઈ ભીખાભાઈ રાઠવા. વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાવી જેતપુર તાલુકામાં અંતરિયાળ કુંડલ ગામના એ વતની. ધંધો મજૂરી કામનો. તેમને સરકારી મજૂરીની નોકરી. બાકી બે-ત્રણ એકરની ખેતીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે. 1979માં એ આદિવાસી વિસ્તારમાં પ્રમુખસ્વામી મહારાજ આવ્યા ત્યારથી એમને સ્વામિનારાયણ સત્સંગનો રંગ લાગ્યો. સત્સંગને કારણે કોઈ વ્યસનો નહીં એટલે થોડો થોડો પૈસો બચે એ બેંકમાં મૂકી આવે.
તા. 3-12-2007ના રોજ જેતપુર પાવીની સ્ટેટ બેંકમાંથી તેઓ રૂપિયા ઉપાડવા ગયા. બેંકના માણસે તેમને તેમના ખાતામાંથી રૂપિયા આપ્યા એ લઈને તેઓ નીકળી ગયા. બીજા દિવસે તેમને એ પૈસામાંથી કોઈકને ચૂકવણી કરવાની હતી. એટલે તેઓ એ જ થેલી લઈને ત્યાં ગયા. ત્યાં રૂપિયા ગણ્યા ત્યારે ખબર પડી કે બેંકવાળાએ તેમને ભૂલથી 10,000 રૂપિયા વધારાના આપી દીધા હતા. ત્યારપછી શું બન્યું ? દેસિંગભાઈના શબ્દોમાં જ તે માણો :
'મેં નક્કી કર્યું કે કાલે ને કાલે આ રૂપિયા બેંકમાં પાછા આપી આવું. બીજી બાજુ બેંકવાળાને ખબર પડી કે દસ હજાર રૂપિયા હિસાબમાં ખૂટ્યા છે. એમણે ચારે બાજુ ખોળ્યા. એ દરમ્યાન હું બેંકમાં પહોંચ્યો. બેંક મેનેજરને દસ હજાર પાછા આપ્યા ત્યારે એમણે પૂછ્યું : ‘તમે શું કરો છો ?’
મેં કહ્યું : ‘સરકારી મજૂરી કરું છું, અને પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય છું. એમની આજ્ઞા છે કે કોઈની પણ વસ્તુ લેવાય નહીં, ખોટો રૂપિયો લેવાય નહીં; એટલે જ તમને આ રૂપિયા પાછા આપવા આવ્યો છું.’
મેનેજર એટલા બધા રાજી થઈ ગયા કે એમણે પેંડા મંગાવ્યા. મને આપ્યા. મેં મારી સાથેની ઠાકોરજીની મૂર્તિને ધરાવીને એમને પ્રસાદીના કરીને આપ્યા.
મેં મેનેજર સાહેબને કહ્યું હતું : ‘સાહેબ, અમે તો રૂપિયાથી નહીં, સત્સંગથી સુખી છીએ.’
અને વાત એમ જ છે. પ્રમુખસ્વામી મહારાજે મને 1986થી સત્સંગની સેવા આપી છે. 1985થી અમારી આજુબાજુનાં આદિવાસી ગામોમાં સત્સંગ કરાવવા જતો ત્યારે ચાલીને જતો. 8-10 કિ.મિ. ચાલતાં ચાલતાં સત્સંગ કરાવવા જવાનો આનંદ આવતો. ’92-’93 પછી સાઇકલ આવી, એટલે સાઇકલ ચલાવીને 12-13 કિ.મિ. સત્સંગ કરાવવા જઈએ. વચમાં ક્યારેક વાઘ-રીંછ પણ મળે, પણ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ બોલતાં બોલતાં નીકળી જઈએ. સ્વામીબાપાની કૃપાથી હમણાં વળી મોટરસાઇકલ લીધી છે. એટલે 16-17 કિ.મિ. દૂર સત્સંગ કરાવવા જાઉં છું.
પણ આ સત્સંગમાં જે સુખ અને આનંદ આવે છે, એવું બીજે ક્યાંય નથી.
પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘તમે પ્રામાણિકતા અને નીતિથી મજૂરી કરશો તોપણ સુખી થશો, વ્યસન છોડીને ભક્તિ-સત્સંગ કરશો તો સુખી થશો.’ એમણે એ જ્ઞાન આપ્યું છે એના પ્રતાપે આજે સુખ લઈએ છીએ ને આનંદ કરીએ છીએ.'