ગુરુભક્તિનું સ્વરૂપ :
ગુરુભક્તિ એ શિષ્યનું ગુરુ સાથેનું જોડાણ છે. ગુરુ સાથેનું આ જોડાણ જ શિષ્ય માટે આધ્યાત્મિક માર્ગની જીવાદોરી છે. આ જોડાણ શિષ્યને તારી દે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પરબ્રહ્મનો અખંડ સાક્ષાત્કાર પામેલા સંતનો મહિમા કહીને કહ્યું છે કે, “જેને આવી સમજણ તો આવી શકે નહીં, અને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે અને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે અને સંતનો સમાગમ મૂકી શકે નહીં; જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંતસમાગમમાં પડ્યો રહે છે, તેને પણ થાય છે.”
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે ગરુડની પાંખમાં મચ્છર બેસી જાય તો તે પણ ગરુડની ગતિને પામે છે. આ રીતે ગુરુ સાથેના જોડાણથી ગુરુ જેવી જ પ્રાપ્તિ થાય છે.
ગુરુ સાથેનું આ જોડાણ કેવા-કેવા સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે, તે સંકલિત સ્વરૂપમાં સમજવા પ્રયત્ન કરીએ.
ગુરુ સાથે પ્રીતિ :
પ્રીતિ એ જીવપ્રાણીમાત્રમાં રહેલો સહજ સ્વભાવ છે. સ્વજનો પ્રત્યેની પ્રીતિ જીવનભર પરિવાર કે સ્નેહીઓ સાથે જોડી રાખે છે. આનાથી જીવનમાં એક પ્રકારની હૂંફનો અનુભવ થાય છે. જો કે વધુ પડતો સ્નેહ બંધન અને જન્મમરણનું કારણ બને છે, જે શ્રીમદ્ ભાગવતમાં ભરતજીને મૃગશિશુમાં થયેલા સ્નેહના આખ્યાનથી સમજાવવામાં આવ્યું છે. પરંતુ આ સ્નેહ જ્યારે ગુરુ સાથે થાય છે, ત્યારે તે જીવનને કૃતાર્થતાથી ભરી દે છે.
ગુરુ પ્રત્યેના પ્રેમને લીધે ગુરુનાં દર્શન, એમની વાણી, એમનું સાંનિધ્ય ગમવા લાગે છે. ગુરુની સેવા અને ગુરુના મહિમાનું ગાન કરવાનો ઉમંગ રહ્યા કરે છે. ગુરુના સંબંધવાળા ભક્તો પ્રત્યે પણ આત્મીયતા પ્રગટે છે. પ્રીતિની આ સહજ પ્રક્રિયા પણ આધ્યાત્મિક માર્ગમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ગુણાતીત ગુરુપરંપરામાં પોતાના ગુરુ પ્રત્યેનો આવો અનન્ય પ્રેમ છલકાતો જોવા મળે છે. પોતાના પ્રિયતમનું સ્મરણ થતાં જ વ્યક્તિ ભાવવિભોર બની જાય, તેમ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પોતાના ગુરુના સ્મરણમાત્રથી કોઈ અનેરા ભાવપ્રદેશમાં વિહરવા લાગતા સૌએ અનેકવાર અનુભવ્યા છે. આવા સમયે ગુરુ પ્રત્યેની તેમની અલૌકિક પ્રીતિમાં ગુરુભક્તિના અવનવા રંગોનું દર્શન થતું રહે છે.
ગુરુની આજ્ઞા-રુચિનું પાલન :
ગુરુમાં જોડાણની સાચી રીત સમજાવતાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, ‘આજ્ઞામાં રહે છે અને તે છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે અને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે. ત્યાં દૃષ્ટાંત દીધું જે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે.’
બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની સાધનામાં આ ગુરુભક્તિ એક-એક પ્રસંગમાં સ્ફુટ થતી જણાય છે. આથી જ એમના માટે એવું કહેવાતું કે, જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી, તેમ ભગતજીનો દેહ વળ્યો. અરે, ગુણાતીતાનંદ સ્વામીએ ન કહ્યું હોય તો પણ એમની રુચિ સમજીને ભગતજી મહારાજ તેને અનુસરતા. આ જોઈને સ્વામી બોલી ઊઠતા, ‘તું મારો અંતર્યામી થયો છે.’
ગુરુમરજીમાં હોમાઈ જવાની આ ગુરુભક્તિ સામે બીજાં બધાં સાધનો વામણાં પડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમનાં ઉપદેશવચનોમાં કહ્યું છે કે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, નિર્ગુણ છે, વિઘ્નરહિત છે. અને ગમે તેટલી સાધના અને સેવા કરવા છતાં જો મનધાર્યું કરે તો તે કનિષ્ઠ છે, સગુણ છે, વિઘ્નયુક્ત છે.
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પણ ગુરુવચનનો મહિમા સમજાવતાં કહે છે;
‘મેલ મનતાણ ગ્રહી વચન ગુરુદેવનું,
સેવ તું રૂપ એ શુદ્ધ સાચું;
મનમત્ત થઈને તું કોટી સાધન કરે,
સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું.’
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આવી ગુરુભક્તિનું ફળ સ્વાનુભવથી બતાવતાં કહેતા, “શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી તે સ્વામી અતિશય રાજી થયા છે ને અત્યારે દર્શન દે છે ને સુખ આવે છે.”
ગુરુમાં દિવ્યભાવ :
ગુરુભક્તિમાં ગુરુ પ્રત્યેનો અખંડ દિવ્યભાવ સૌથી વધારે મહત્ત્વનું પાસું છે. ગુરુના પ્રત્યેક ચરિત્રમાં દિવ્યતા જોવાની આવી દૃષ્ટિ મુમુક્ષુનું આંતરિક રૂપાંતર કરે છે.
ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તેઓને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, જેનાં દર્શનથી શાંતિ થાય એવા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં કઈ રીતે આવે? આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીએ જણાવ્યું છે કે ભેગા રહે અને કહે એમ કરે તો પણ સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવતા નથી. પરંતુ જો એમને નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે અને એમની સાથેનો અંતરાય ટાળે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે.
ગુરુને શું સમજીને એમને સેવવામાં આવે છે, એ કેટલું અગત્યનું છે તે આ વચનો પરથી સમજાય છે. અહીં ગુરુને નિર્દોષ સમજવાની વાત કરવામાં આવી છે. ગુરુમાં નિર્દોષબુદ્ધિ એટલે શું તે સમજાવતાં યોગીજી મહારાજે કહ્યું છે, “જેવા મહારાજ અક્ષરધામમાં સાકાર વિરાજમાન છે તેવા ને તેવા જ મને પ્રગટ મળ્યા છે, તેમાં મનુષ્યભાવ- દેહભાવ નથી, એવી સમજણ તે નિર્દોષબુદ્ધિ.”
ગુરુમાં આવો દિવ્યભાવ જીવનું રૂપાંતર કરી દે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો છે કે જગતને નાશવંત જાણવા છતાં, દેહમાંથી ચૈતન્ય જુદો થઈ જાય છે તે જાણવા છતાં અને પરમેશ્વરને સર્વ સુખને સિંધુ જાણવા છતાં જીવમાં જગતનું પ્રધાનપણું મટતું નથી અને ભગવાનનું પ્રધાનણું થતું નથી, તેનું શું કારણ છે?
આ પ્રશ્નનો ઉત્તર સમજાવતાં તેઓ કહે છે, “બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જે, જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે, તેવી પ્રત્યક્ષને વિષે દૃઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે, ‘જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે, તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.”
શ્વેતાશ્વતર ઉપનિષદમાં સમગ્ર ઉપદેશના અંતે સાધનાની સિદ્ધિનો ઉપાય બતાવતાં ઉપસંહાર કરવામાં આવ્યો છે -
यस्य देवे पराभक्तिर्यथा देवे तथा गुरौ।
तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥
મનુષ્યરૂપે દેખાતા ગુરુ મનુષ્ય છે જ નહીં, એ ભગવાનનું જ પ્રત્યક્ષ સ્વરૂપ છે, આવી દૃષ્ટિ પ્રાપ્ત થાય, ત્યારે જ ગુરુભક્તિનું રહસ્ય સમજાય છે.
આથી જ સત્સંગદીક્ષા ગ્રંથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લખ્યું છે,
प्रीतिः कार्याऽऽत्मबुद्धिश्च ब्रह्माऽक्षरे गुरौ दृढा।
प्रत्यक्षभगवद्भावात् सेव्यो ध्येयः स भक्तितः॥ १०८॥
“અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં.”