પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના વ્યક્તિત્વમાં લાખો લોકોએ માતાનો નિઃસ્વાર્થ સ્નેહ અનુભવ્યો છે. માતા પોતાના સંતાનની સારસંભાળ લે છે, છતાં એ વાતનો એને ભાર નથી હોતો, તેમ સ્વામીશ્રીએ પણ લાખો ભક્તોની સારસંભાળ લીધી છે, તેનો તેમને ભાર તો નથી જ, પરંતુ તેમાં પોતાની ભક્તિ માની છે, એટલે તેઓ ભક્તોની સેવાનો આનંદ માણે છે. હરિભક્તો કે સમાજની મુશ્કેલીઓને પોતાની સમજીને તેઓ સહજતાથી તેમાં મદદ કરવા સ્નેહપૂર્વક જોડાઈ જાય છે. આ કશું એમને બોજરૂપ નથી લાગતું.
સ્વામીશ્રીના વાત્સલ્યસભર વ્યક્તિત્વના આ પાસાને અનેક લોકોએ અનુભવ્યું છે. સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજતા હોય અને અતિ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેમનાં દર્શન માટે કોઈ આવે ત્યારે સ્વામીશ્રી સહજતાથી એમને પૂછે, ‘જમ્યા?’, ‘નાસ્તો કર્યો?’ ‘ઉતારો થઈ ગયો?’ એમની આ પૂછપરછમાં વિવેક ખાતર પુછાતા પ્રશ્નો નહોતા. પરંતુ એક નર્યો પ્રેમભાવ છલકાતો અનુભવાતો હતો. સવારે પ્રાતઃપૂજા પછી તેઓનાં દર્શને આવેલાને તેઓ પૂછેઃ ‘નાસ્તો કર્યો?’ અને એ જવાબ આપે તે પહેલાં તરત જ સ્વામીશ્રી અમારી સામે નજર મેળવે. નજરથી કહી દે કે ‘આ હરિભક્તને નાસ્તો કરવાનો બાકી છે.’ અનેક સંતો કે કાર્યકરોને આ વાતનો અનુભવ છે.
સ્વામીશ્રીની એ વાત્સલ્યસભર લાગણીના કેટલાય પ્રસંગો આજેય હૃદયમાં તાજગીભર્યા છે.
સન 1988માં સ્વામીશ્રી લંડન પધાર્યા હતા. ત્યાં નટુભાઈ નામના એક હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શને આવતા. મને એમનો પરિચય નહોતો. અઠવાડિયા જેવું થયું હશે ને એક વખત સ્વામીશ્રી જમતા હતા ત્યારે દૂરથી નટુભાઈને જોઈને તેઓ મને કહે, ‘પાછળ જો, પેલા ચશ્માંવાળા હરિભક્ત બેઠા છે, પ્રસાદ આપી આવો.’
સ્વામીશ્રીના આ આદેશથી મેં પાછળ જોયું અને ઠાકોરજીના થાળમાંથી મીઠાઈ લીધી તે સાથે મને રોકતાં સ્વામીશ્રીનો અવાજ સંભળાયો. તેઓ કહી રહ્યા હતા, ‘એમને મિષ્ટાન્ન ન આપશો, તેેમને ડાયાબિટીસ છે, એટલે ફરસાણ જ પ્રસાદમાં આપજો.’
હું આશ્ચર્યચકિત થઈ ગયો. આવા તો હજારો હરિભક્તો છે, જેમની આવી સૂક્ષ્મ વિગતો સ્વામીશ્રીને જિહ્વાગ્રે રમે છે અને તેમની સંભાળ તેઓ લે છે.
નટુભાઈ દર અઠવાડિયે મંદિરે દર્શને આવતા. તેમના પહેરવેશ અને દેખાવ પરથી જરા અલગ પ્રકૃતિની વ્યક્તિ લાગે. પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી તેમને જુએ ત્યારે અવશ્ય આ રીતે પ્રસાદ મોકલાવે. એકવાર મેં તેમને પૂછ્યું, ‘કેમ સ્વામીશ્રી તમને વારંવાર પ્રસાદ આપવાનું કહે છે?’
તેઓ કહે, ‘મને અંતરમાં એવી ભાવના રહે છે કે સ્વામીશ્રી મને પ્રસાદ આપે. હું રોજ એ માટે પ્રાર્થના કરું છું!’ આમ, કેટલાય ભક્તોના અંતરની આરઝૂને સાંભળીને સ્વામીશ્રીએ તેમની નાની નાની બાબતોની સંભાળ લીધી છે.
પીપલગના ભાઈકાકાને ગલકાંનાં ભજિયાં ભાવે. ભાઈકાકા આવે એટલે ગલકાંનાં ભજિયાં તૈયાર કરાવડાવીને સ્વામીશ્રી એમને જમાડે અને રાજી કરે. સી.એમ. પટેલને શું ભાવે? કોઠારી સ્વામીને કે વિવેકસાગર સ્વામીને શું ન ભાવે? કોની કઈ રુચિ છે? એ બધું જ ખૂબ સંવેદનાપૂર્વક સ્વામીશ્રી જાણે અને એ રીતે તેમની સંભાળ લે.
વ્યક્તિગત હરિભક્તોની આવી અનેક પ્રકારની સંભાળની સાથે સ્વામીશ્રી વિશાળ સમુદાયની સંભાળ માટે પણ એટલા જ સતર્ક રહ્યા છે.
પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાહજિકતા રહી છે કે તેઓ હંમેશાં તમામ સત્સંગ કાર્યક્રમોમાં રસોડાની બાબતમાં ખૂબ રસ લે. હરિભક્તોને શું જમાડવું? કઈ મીઠાઈ બનાવવી? કયું ફરસાણ બનાવવું? રસોઈ પૂરતી છે કે કેમ? સૌને પીરસવાની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં? પૂરતાં સાધનો છે કે નહીં? વગેરે ઊંડી પૂછપરછ કરીને સ્વામીશ્રી માર્ગદર્શન આપે. સારંગપુર બિરાજતા હોય તો રોજ રસોડામાં આવીને અવશ્ય નિરીક્ષણ કરે. હરિભક્તો માટે રસોઈની શું વ્યવસ્થા કરવી એ અંગે માર્ગદર્શન આપે. કેટલું રાંધવું? શું જમાડવું? વગેરે પૂછે. સારંગપુરમાં ભક્તવત્સલદાસ સ્વામી કોઠારી તરીકે સેવામાં હતા અને અક્ષરવિહારીદાસ સ્વામી ભંડારી તરીકે સેવામાં હતા, એ સમયે એક વખત એકાદશીના આગળના દિવસે અમે સ્વામીશ્રી સાથે વિમર્શ કરીને 500 જેટલા ભક્તોના ફરાળની વ્યવસ્થા કરી હતી. પરંતુ એકાદશીના દિવસે સભામાં ધારણા કરતાં વધુ ભક્તો આવ્યા. સ્વામીશ્રીએે પોતાની સૂક્ષ્મ નજરથી સભાની સંખ્યાની નોંધ લઈ લીધી. તેમને ખ્યાલ આવી ગયો કે સંખ્યા વધારે છે. બીજી તરફ અમને પણ વધારે સંખ્યા જોઈને ચિંતા થઈ. આથી અક્ષરવિહારીદાસ સ્વામી અને હું બંને સંતો સંખ્યા જોઈને રસોડામાં વહેલા આવી ગયા અને 200 જેટલા હરિભક્તો માટે વધુ ફરાળ બનાવવા લાગ્યા. બીજી તરફ સભા પૂર્ણ થઈ કે તરત જ સ્વામીશ્રી સીધા જ રસોડામાં પધાર્યા. તે વખતે અમે અગાઉ બનાવેલી રસોઈમાં અમે વધુ ભક્તો માટે ઉમેરો કરી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા. કયા ગુરુને આવી સૂક્ષ્મ બાબતોનો આટલો બધો રસ હોય!
સન 1996માં સુરત મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આગળના દિવસે રાત્રે સ્વામીશ્રીએ મને બોલાવીને ભોજન વ્યવસ્થા અંગે પૂછ્યું હતું. અમે 80,000ની સંખ્યા ધારીને એ પ્રમાણે મિષ્ટાન્નની વ્યવસ્થા કરી દીધી હતી. આ સાંભળી સ્વામીશ્રીએ મને કહ્યું, ‘વધારે લોકો માટે બીજી વધુ તૈયારી રાખજો.’
સ્વામીશ્રીના વચનથી અમે તૈયારી રાખી અને બીજા દિવસે બપોરે 94,000 ભક્તો કોઈપણ અવ્યવસ્થા વગર ભોજન લઈ શક્યા!
સન 1994માં મહેસાણામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ આવી જ રીતે અમને અનુસંધાન આપ્યું હતું. તે દિવસે સ્વામીશ્રીનો જન્મજયંતી મહોત્સવ પણ હતો. અમે 60,000 ભક્તોની ભોજન-વ્યવસ્થા કરી હતી. ભવ્ય મહોત્સવના મંચ પર એક તરફ સ્વામીશ્રીના ગુણાનુવાદ ગવાઈ રહ્યા હતા, ત્યારે સ્વામીશ્રી સભામાં બેઠેલા હરિભક્તોની સંખ્યા અને તેમની રસોઈની ચિંતા કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ સભામાં જોયું તો 45,000 ભક્તો બેઠા હતા અને બીજી તરફ રસોડામાં ભોજન ચાલુ થઈ ગયું હતું. તેથી તેમણે મને બોલાવીને પૂછ્યું, ‘કેટલા હરિભક્તો જમ્યા?’ મેં કહ્યું, ‘25,000 જમી ગયા છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘સભામાં બેઠેલા હરિભક્તો જમવા આવે ત્યારે લોટ, પાણી ને લાકડાં ન થવાં જોઈએ.’ એમ કહીને તેમણે તાત્કાલિક બીજા 10,000 હરિભક્તોની વધુ રસોઈ કરવાનો અમને આદેશ આપી દીધો.