Essay Archives

ચૈત્ર સુદ નવમીની પવિત્ર તિથિ ભારતીય ઇતિહાસનાં પૃષ્ઠોમાં સદા અમર રહી છે. ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય તિથિ. યોગાનુયોગ રામ અને ઘનશ્યામનો જન્મ એક તિથિએ અને એક જ ભૂમિ - કોસલભૂમિ પર થયો.
ભગવાન શ્રીરામે ભારતીય અધ્યાત્મના  વૈશ્વિક સંદેશને રોજબરોજના જીવનમાં જીવી બતાવ્યો. એક આદર્શ ચરિત્રની પ્રેરણા આપી, જેનો પ્રભાવ આજે હજારો વર્ષો પછી પણ માત્ર ભારત જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાના અનેક દેશોમાં પણ અનુભવાય છે.
એમ જ, આજે દેશ-વિદેશના ગગનમાં જેમના નામની સ્વામિનારાયણીય ધજાઓ ગૌરવભેર ફરકી રહી છે એ ભગવાન સ્વામિનારાયણે પણ, ભારતીય સંસ્કૃતિ અને સનાતન વૈદિક ધર્મના પ્રખર જ્યોતિર્ધર તરીકે, ભારતીય અધ્યાત્મનો એક નવો અધ્યાય જગતને આપ્યો.
બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો મૌલિક વૈદિક દાર્શનિક સિદ્ધાંત આપ્યો. બ્રહ્મરૂપ થઈને પણ દાસત્વભાવે કે સ્વામી-સેવકભાવે ભગવાનની ઉપાસના કરવાની એક અનોખી રીત તેમણે શીખવી.
બીજા શબ્દોમાં કહીએ તો સ્વામિનારાયણીય ભક્તિ એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની દાસત્વ ભક્તિ કરવાનો સિદ્ધાંત.
ભારતીય ભક્તિ-પરંપરામાં આદિ સમયથી દાસત્વ ભક્તિનો અનોખો મહિમા વહેતો રહ્યો છે.
શ્રીરામચરિતમાનસમાં ભગવાન શ્રીરામ દાસત્વ ભક્તિ પર પોતાનો અનોખો પ્રેમ દર્શાવતાં કહે છેઃ
‘સબ કેં પ્રિય સેવક યહ નીતિ,
મોરેં અધિક દાસ પર પ્રીતિ...’
(રામચરિતમાનસ, ઉત્તરકાંડ, 15-4)
આમ તો, દાસ એટલે ગુલામ.
યાજ્ઞવલ્ક્ય કે નારદ વગેરે સ્મૃતિકારો દાસના 15 પ્રકારો ગણાવે છે. તેમાં ભક્ત, સેવક અને આત્મજ્ઞાની એ એવો દાસ છે કે જેણે મન-કર્મ-વચને પોતાની જાતને ભગવાનને અને પોતાના ગુરુને સમર્પિત કરી દીધી છે, જેણે પોતાના અહમ્ને ઓગાળી દઈને ભગવાનનાં ચરણોમાં પોતાની જાતને ઓળઘોળ કરી નાંખી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં શ્રી હનુમાનજી અને શ્રી ઉદ્ધવજીની દાસત્વ ભક્તિને (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 62) વખાણીને વારંવાર દાસત્વ ભક્તિની પ્રેરણા આપી છે. તેઓ વચનામૃતમાં દાસત્વ ભક્તિને તો સર્વ સાધનાની ચરમસીમા દર્શાવે છે.
ભગવાન સ્વામિનારાયણ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથમાં તો ત્યાં સુધી કહે છેઃ
‘અનંત ધ્યાન-ધારણા કરતો હોય, ભૂત-ભવિષ્ય ને વર્તમાન કહેતો હોય, અંતરની વાત જાણતો હોય, અનંત જીવોની નાડી તાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય તોપણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે.’ (16/39/1-37)
ભગવાન શ્રી સ્વામિનારાયણે શીખવેલા આ આધ્યાત્મિક રહસ્યને તેઓના સંતકવિ શિષ્યોએ વારંવાર પદોમાં ગૂંથી લીધું છે, અને વારંવાર દાસત્વ ભક્તિ જીવનમાં પ્રગટે તેવી પ્રાર્થનાઓ કરી છે.
મહાકવિ બ્રહ્માનંદ સ્વામી ગાય છેઃ
‘દાસન કો મેં દાસ હૂં, હરિ કે સદા હજૂર,
બ્રહ્માનંદ કી વિનંતી, નિમખ ન રખિયો દૂર,
મેં ઢાઢી મહારાજ કો, હાજર હુકમ હજૂર...’
ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલી એ દાસત્વ ભક્તિને રગે રગમાં ધારી હતી - અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ.
સ્વયં અક્ષરબ્રહ્મ હોવા છતાં, સ્વયં અનેક ઐશ્વર્યોની વિરાટ શક્તિ ધરાવતા હોવા છતાં, સ્વયં ભગવાન સ્વામિનારાયણના અતિ કૃપાપાત્ર, લાડીલા હોવા છતાં, સામાન્ય ભક્તો કે સંતોનાં ગારાવાળાં જોડા-પગરખાં પોતાના માથા ઉપર મૂકીને ચાલવામાં એમને હૈયે હરખ હતો.
એમની વાતોમાં પણ એ દાસત્વ ભક્તિનો રણકાર સંભળાય છે.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમાં સૌને ભગવાન જેવાં ઐશ્વર્યોનું દર્શન થતું, પરંતુ તેઓએ દાસત્વ ભક્તિમાં ક્યારેય સમાધાન કર્યું નહોતું. તેમની અંતિમ બીમારીમાં સન 1951માં તેઓની 86 વર્ષની ઉંમરે પૂર્વ આફ્રિકાથી આવેલા એક હરિભક્તે કહ્યું: ‘સ્વામી, આપનાં ચરણારવિંદની પ્રસાદી આપો.’ તેઓ શાસ્ત્રીજી મહારાજનાં ચરણારવિંદ કંકુવાળાં કરીને તેની છાપ પૂજવા ઇચ્છતા હતા. પરંતુ શાસ્ત્રીજી મહારાજે સિંહગર્જના કરીને કહ્યું: ‘મારા પગ કાપીને લઈ જાઓ! બાકી ચરણારવિંદ તો શ્રીજીમહારાજનાં જ પૂજાય.’
આ હતી તેમની પર્વતપ્રાય અચળ દાસત્વ ભક્તિ.
યોગીજી મહારાજ વારંવાર ઉચ્ચારતાઃ
‘દાસપણું એ ભગવાનનો ગુણ છે. માટે એવા ગુણ લાવવા શીખવું. એવો ગુણ આવે તો દિવ્યભાવ વધતો જાય.’ (યોગીવાણીઃ 80)
તેઓ તો સદા દાસ થઈને વર્ત્યા. ક્યારેક સહજભાવે બોલી ઊઠતાઃ ‘મારી જયંતી ઊજવે તે મને ગમે નહીં. હું તો વાસણ ઊટકવામાં તૈયાર, ટોકણી ખમવામાં તૈયાર. મારે તો પહેલેથી જ સેવકધર્મ, ગુરુધર્મ નહીં. ગુરુ થવું ગમે જ નહીં.’ (યોગીવાણીઃ 267-268)
એ દાસત્વ ભક્તિનું આ સદીએ નીરખેલું એક અનોખું ઉદાહરણ હતું - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. તેમની રગે રગમાં પ્રસરેલી દાસત્વ ભક્તિની ફોરમ લાખો લોકોએ અનુભવી છે. તેમની વાણીમાં કાયમ પડઘાતી, તેમની સદા પ્રિય પંક્તિઓ તેમના જીવનનું પ્રતિબિંબ હતીઃ
‘દાસના દાસ થઈને વળી રહે જે સત્સંગમાં,
ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.’
બીજા શબ્દોમાં કહો તો તેઓ એક સાચા અર્થમાં ભગવાન સ્વામિનારાયણના ‘ગુણાતીત કિંકર’ બનીને જીવ્યા હતા. એટલે જ એમના જીવનમાં સ્વમહત્તા શૂન્ય હતી, અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મહત્તા, કે એક નાના શિશુની પણ મહત્તા રોમે રોમે રમતી હતી.
આપણે પણ યાચના કરીએ એ દાસત્વ ભક્તિની અને પ્રેમાનંદ સ્વામીની જેમ ગાઈએઃ ‘ઐસો વિચાર મેરો, હોઉં કિંકર ચરનન કો રી...’

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS