Essays Archives

દિનપ્રતિદિન મનુષ્યનું જીવન યંત્રવત્‌ બની રહ્યું છે. એ થોડી થોડી વાતમાં હતાશ-નિરાશ-મૂડલેસ થઈ જાય છે. દુઃખના વમળોમાં ધકેલાઈ જાય છે. એ પળભર પણ ધીરજ ધરી શકતો નથી, પોતાની મરજી સચવાતી નથી ત્યાં તે ભભૂકી ઊઠે છે, પારકા દોષ દેખી એનો પારો આસમાને ચઢે છે... પરિણામે, સમાજમાં તેની દશા હતપ્રભ જેવી બને છે, સ્વાસ્થ્ય પણ કથળે છે, હાઈ બ્લડપ્રેશર જેવાં રાજરોગ એને કોરી ખાય છે. આ બધી સમસ્યા ઉકેલવા અહીં પ્રસ્તુત છે એક એવું ક્ષમાનું અમોઘ શસ્ત્ર કે જે હાથવગું રાખવાથી સુખ-ચેન ને શાંતિની જિંદગી મળે છે...

ક્ષમા આપવી એ વ્યક્તિમાં રહેલો મોટો સદ્‌ગુણ છે. ક્ષમા બક્ષવી એટલે કોઈક વ્યક્તિની ગેરવર્તણૂંક કે અપકૃત્યને માફ કરી દેવું. તેના ગેરવાજબી વ્યવહાર કે વર્તન તરફ દુર્લક્ષ્ય સેવી તેõ દરગુજર કરવું. કોઈકે તેના વર્તન કે વાણી દ્વારા ખરેખર નુકસાન પહોંચાડ્યું હોય કે નુકસાન પહોંચાડવામાં મદદ કરી હોય, તો એ નુકસાન વેઠીને પણ તેના પ્રત્યે ઉદાર વલણ દાખવવું. ઉદારતા એ ક્ષમાની જનની છે. જે વ્યક્તિમાં ઉદારતાનો ઉદધિ ઊછળતો હોય તે વ્યક્તિ જ ક્ષમાનાં વાદળો વરસાવી શકે. પોતાના કોઈક ગેરવાજબી વર્તન કે કટુ વાણી બદલ અન્યની ક્ષમા માગવી એ પણ એક ગુણ છે. પોતાની ભૂલ ન હોય અને અન્યની ભૂલને પોતાને માથે લઈ, ક્ષમા માગવી એ અતિ મોટો ગુણ કહેવાય. યોગીજી મહારાજે અને પ્રમુખસ્વામી મહારાજે ઘણા પ્રસંગોએ અન્યની ભૂલો પોતાના માથે ઓઢી ક્ષમા માંગી છે. એટલું જ નહીં તેમણે અન્યના દોષોને અવગણી ક્ષમા બક્ષી છે, એ તો એવો વિશિષ્ટ સદ્‌ગુણ છે જે આવા વિરલ, ઉદારચરિત પુરુષોમાં જ જોઈ શકાય. અને એટલે તો ક્ષમાદાન આપનાર વ્યક્તિને 'વીર'નું બિરુદ આપ્યું - 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌ ।' માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે 'To err is human' - પરંતુ એમ કહી શકાય કે 'To forgive is super- human' કોઈકની ભૂલોને જે માફ કરી દે એ મૂઠી ઊંચેરી વ્યક્તિ ગણાય. સત્સંગી વ્યક્તિના વર્તનની કે વાણીની વિચિત્રતાઓ અને વિષમતાઓને નભાવવી એ પણ 'ક્ષમા'ના ગુણમાં અભિપ્રેત છે. પ્રશ્ન થાય કે આવી વ્યક્તિઓને કદાચ એકાદ-બે વખત દરગુજર કરાય, પરંતુ ક્યાં સુધી તેમને નભાવવા ? આનો ઉત્તર શ્રીજીમહારાજ આપતા કહે છે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે છે ત્યારે એમ સમજવું જે 'આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે...' એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.' ઈશ્વરમાં પૂરી આસ્થા ધરાવતા એક શહેરના એક ધનિક વ્યક્તિને ઘેર કોઈ લઘરવઘર માણસ આવી અને કરગરવા લાગ્યો કે 'મને અહીં રાતવાસો કરવા દેશો ?' તેની આવી કફોડી દશા જોઈને, પણ ધનિકે તેને કોઈ આશરો તો ન આપ્યો, ઉપરથી ઉપદેશ ઝીંક્યો : 'અલ્યા, પ્રભુની પ્રાર્થના કર તો તારું દળદર ફીટે.' 'એનું નામ ના લેશો, એણે તો મારી આવી દશા કરી છે.' પેલો માણસ ક્રોધથી તાડૂક્યો. પ્રભુની આવી નિંદા કરતો સાંભળી આ ધનિકે તેને આકરા શબ્દો કહી કાઢી મૂક્યો. રાત્રે ઘરમંદિરમાં આરતી કર્યા બાદ પ્રભુ સમક્ષ આ ભાઈ કહેવા લાગ્યા, 'પ્રભુ, આજે મેં એક નાસ્તિકને બરાબર શિક્ષા કરી, તેને તગેડી મૂક્યો, એ આપની નિંદા કરતો હતો.' જાણે મૂર્તિમાંથી અવાજ સંભળાયો, 'ભાઈ, તેં આ બહુ ખોટું કર્યું, એ માણસ મને જન્મથી જ ગાળો ભાંડતો આવ્યો છે. મેં તેને આજ સુધી નિભાવ્યો અને હજી ય નિભાવ્યા કરું છું. તું તેને એક રાત પૂરતો પણ ન રાખી શક્યો ?' ભગવાન આપણી અગણિત ક્ષતિઓને માફ કરે છે. ઘરની વ્યક્તિઓમાં જો એક ક્ષમાનો સદ્‌ગુણ વિકસે તો ઘરમાંથી કજિયા-કંકાસ ટળે, શાંતિ પ્રસરે અને ઘર એક સુખસદન બની જાય. શ્રીહરિલીલામૃતમાં ક્ષમા-ગુણનો કેટલો બધો મહિમા ગાયેલો છે. 'ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે, ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય.'

વળી, ક્ષમા જેવો કોઈ જાપ નહીં એમ વર્ણવતાં કહે છે કે, 'ક્ષમાની તુલ્યે નહીં કોઈ જાપ, નિંદાની તુલ્યે નહીં કોઈ પાપ.' આજના આ વિષમકાળમાં કુટુંબનું એકમ હવે તૂટું તૂટું થઈ રહ્યું છે. એક જ કુંટુંબની વ્યક્તિઓ વચ્ચે વિસંવાદિતા અને વિરોધનું વાતાવરણ જોવા મળે છે. કુટુંબરથનાં બે મુખ્ય પૈડાં-પતિ અને પત્ની વચ્ચે પણ એકરાગ હોતો નથી. સાસુ-વહુ વચ્ચેનો ખટરાગ એ પરાપૂર્વથી ચાલી આવતી દુર્ઘટના છે. પિતા-પુત્ર વચ્ચેનો વિચારભેદ વકરતો વકરતો અબોલામાં પરિણમે છે. એક જ કુટુંબમાં સાથે વસતાં આ સઘળાં પાત્રો જો ક્ષમાનો એક જ ગુણ કેળવવાનો અભ્યાસ કરે તો એનાં અદ્‌ભુત પરિણામો પ્રાપ્ત થાય છે. પત્નીના કોઈ વર્તન કે કડવા વેણ સામે પતિ થોડી ક્ષમા દાખવે અને પત્ની પતિની જો કોઈ વિચિત્રતાઓ હોય તો તે નિભાવવા શીખે, સાસુ વહુ પ્રત્યે થોડી ઉદારતાથી જુએ અને વહુ પણ સાસુની જૂની રહનસહન અને રૂઢિગતતાને થોડી સહન કરે, પિતા પુત્રના અપરિપકવ અભિગમને માફ કરી દે અને પિતા એ આખરે કુટુંબના વડા છે એમ સમજી પુત્ર પણ એમના ઘડપણને સહર્ષ સ્વીકારે તો, કુટુંબમાં કલેશ અને ઉદ્વેગને ઠેકાણે પ્રેમ અને ઐક્યના અંકૂરો ફૂટી નીકળે. સંપ, સુહૃદભાવ અને એકતાથી ઓપતું કુટુંબ વિશેષે કરીને, કુટુંબમાં ઉછરતા બાળકોના જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપી શકે. કુટુંબમાં એકરાગ, અન્યોન્ય પ્રત્યે ક્ષમાભાવના હોવી જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે આપેલી 'ઘરસભા'ની એક મહાન સંકલ્પના, જેણે હજારો તૂટતાં નષ્ટપ્રાય થતાં કુટુંબોને સુગંધિત કરી, ઉગારી, સુખનાં સદન બનાવી દીધાં, એ સંકલ્પનાને વધુ ને વધુ ચરિતાર્થ કરવામાં, કુટુંબના સભ્યોની એકમેક પ્રત્યેની ક્ષમાભાવના અત્યંત આવશ્યક સદ્‌ગુણ બની રહે છે. આજે સ્વામીશ્રીએ આપેલ અમોઘ શસ્ત્ર 'ઘરસભા'એ કેટલાં કંકાસિયાં કુટુંબોનાં કલેવર બદલી નાખ્યાં! વિષમતા, વિસંવાદિતા અને ખટરાગના ખડની જગ્યાએ સમતા, સંવાદિતા અને એકરાગનાં ઉપવન ખીલી ઊઠ્યાં. થોડાં વર્ષો પહેલાં અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત કાર્યકરોની એક શિબિરમાં ગ્રામ વિસ્તારના એક કાર્યકરે ઘરસભાનો સ્વાનુભવ વર્ણવતાં કહેલું, 'ધૂન, કીર્તનગાન, સત્સંગ સાહિત્ય વાંચન અને નિરૂપણ પત્યા બાદ તેઓશ્રી ઘરના સૌને પ્રેમપૂર્વક પૂછે છે, 'ચાલો, કહો આજે ઘરમાં કોઈ ચડભડ થઈ હોય તો.' નિખાલસપણે સૌ વાત કરે કે આમ થયેલું - ખાસ કરીને ઘરનાં સ્ત્રી સભ્યો જાતે જ બધું જણાવે!! જો કોઈકને ઊંચે અવાજે બોલવાનું કે વિવાદ થયો હોય તો આ ભાઈ જ ન્યાય આપે અને સૌ તે માન્ય રાખે : 'જુઓ તમે નાનાં કહેવાઓ, આ તમારાં જેઠાણી કહેવાય - આવું પણ એમની સામે ન બોલાય. અવિવેક થયો કહેવાય. સ્વામીને આવું ન ગમે. જાવ, હવે સાત માળા ફેરવીને પ્રાર્થના કરજો કે ફરી આવું ન થાય.' આવી સાત કે અગિયાર માળાઓએ તો કેટલાંય કુટુંબોના માળા પીંખાતા રોક્યા ! સૌ એકમેકને માફ કરી દેવાનું શીખ્યા. ક્ષમા બક્ષવામાં, ક્ષમા બક્ષનારની પ્રૌઢતા સાચા સ્વરૂપે પ્રગટે. વડીલપણું એકવેંત ઊંચું જાય અને અંતરે આનંદ છવાઈ જાય. સાસુ વહુને માફ કરે, એમાં સાસુ અને જનેતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય. પિતા પુત્રને માફ કરે તો તે બંને વચ્ચે મિત્રતાનું અદ્વૈત રચાય. પતિ, પત્નીને અને પત્ની પતિને માફ કરે ત્યારે જ સાચી સંલગ્નતા કેળવાય - તેમનાં લગ્ન ૨૫ વર્ષ પૂર્વે થયાં હોય, પરંતુ આવી ક્ષમાભાવનાથી, જાણે હજુ ગઈ કાલે જ લગ્ન થયાં ન હોય એવો ઉલ્લાસ જળવાય. બાળપણનો એક નજરે જોયેલો પ્રસંગ યાદ આવે છે. એક કુટુંબમાં સરકારી નોકરી કરતો, બચરવાળ એવો નાનો ભાઈ છાશવારે ઘર છોડી ચાલ્યો જાય. બીજે ગામ ઉચ્ચ સરકારી નોકરી કરતા તેના મોટાભાઈને ખબર મળે એટલે તેઓ તેની શોધ આદરે, અને શોધી કાઢી તેને પાછો ઘેર લાવે. વર્ષમાં પાંચ-છ વાર આમ જ બને. પેલા મોટાભાઈ પણ કંટાળ્યા વિના, સમય અને નાણાં ખર્ચી, તેની આ કુટેવને નિભાવ્યા કરે. થોડો ઠપકો આપે પણ ખરા, પરંતુ બહુધા માફ કરી દે. મોટાભાઈના આ વર્તનની એવી તો અસર ઊભી થાય કે અમને સૌને પણ તે અમારા મોટાભાઈ હોય, એવો તેમના પ્રત્યે આદર થાય. આ રીતે ક્ષમા બક્ષનારનું ગૌરવ વધે. ક્ષમાનો આ સદ્‌ગુણ જો અંતરે ધારીએ તો એકમેકની બદબોઈની બદબૂ દૂર થઈ તેને ઠેકાણે પ્રેમનો પરિમલ પ્રસરી રહે. આનંદની લહેરીઓ ઊઠે. અને આમ જો નિરંતર કરવાનું વ્યસન પાડીએ તો આનંદના ઓઘ ઊઠે. યોગીજી મહારાજ એવા મહાપુરુષ, જેમણે જીવનની પ્રત્યેક પળે સૌને નભાવ્યા, અદકામાં અદકા જનની પણ ક્ષમા માંગી, અન્યના દોષોને દરગુજર કરી ક્ષમા જ બક્ષી, તેઓ શાશ્વત આનંદના ઓઘની અનુભૂતિ કરતાં આપણને પ્રબોધે છે કે 'સહનશક્તિ એ જબરો ગુણ છે. કો'ક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતાં સહન કરવું. તેમને ક્ષમા ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે, ને આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે...' પોતાની ક્ષતિ ન હોવા છતાં ક્ષમા માગવી અને અન્યની મહામોટી ભૂલ હોવા છતાં ક્ષમા આપવી, આવા મહાપુરુષો તો જવલ્લે જ જોવા મળે. અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની ગુરુપરંપરા એ આવા વિરલ પુરુષોની પરં_પરા છે. એકવાર ન્યૂયોર્કમાં અલ્પાહાર વખતે યોગી નામનો બાળક કીર્તનગાન કરી રહ્યો હતો. બાજુમાં બેઠેલા એક સેવક સંત કોઈક કારણસર કાંઈક વાત કરી રહ્યા હતા. પેલા બાળકે કીર્તન ગાવાનુ _એકાએક બંધ કર્યું ! સ્વામીશ્રી કહે : 'કેમ ઉદાસ થઈને બેસી ગયો ? આગળ બોલ.' 'હું બોલ્યો પણ કોઈ સાંભળતું નથી વાતો કર્યા કરે છે.' પેલા બાળકે અણગમો વ્યક્ત કર્યો. એકદમ સ્વામીશ્રી એને કહે : 'સોરી, મારી ભૂલ થઈ ગઈ.' એક નાના બાળકની, અન્ય કોઈકની ક્ષતિને કારણે જાતે ક્ષમા યાચવી, એ ઉદારચરિતપણાની ઉપલી સીમા છે. ૧૯૮૧માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં 'છપૈયાપુરમ્‌' ઉતારાના તંબુઓની નજીક એક ઊંચો ટેકરો હતો. જેનો લાભ લઈને સંતોએ એક ગોળ ઊંચો પાણીનો હોજ બનાવ્યો હતો. પાણી વિભાગના મુખ્ય સંત તરીકે અક્ષરવિહારી સ્વામી સેવા આપી રહ્યા હતા. પાણીનો વાલ્વ ખોલે તો જ હોજમાં પાણી ભરાય એવી વ્યવસ્થા હતી. રાત્રે કોઈએ ભૂલથી વાલ્વ ખોલ્યો હશે તેથી સવારે બોર ચાલુ કરતાં જ આ હોજ ઊભરાઈ ગયો અને માટીની દીવાલો તોડી પાણી પ્રસરી ગયું. મોટું નુકસાન થઈ ગયું. અક્ષરવિહારી સ્વામીને જાણ થતાં જ દોડતા ત્યાં આવ્યા પરંતુ કોઈ ઉપાય નહોતો. સૂનમૂન તેઓ ત્યાં ઊભા રહ્યા હતા. અને પ્રમુખસ્વામી મહારાજ ત્યાં આવી પહોંચ્યા, 'વિહારી ? શું જુઓ છો ?' સ્વામીશ્રીએ પ્રેમથી પૂછ્યું. 'સ્વામીબાપા! આ હોજ ફાટી ગયો.' સખેદ ઉત્તર વાળ્યો. 'એમ! હોજ ફાટી ગયો?' એમ કહેતાં સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા. ન ડાંટ, ન ડપટ, વાતાવરણ હળવું બનાવી દીધું. પ્રસન્નમુદ્રામાં આશીર્વાદ આપી ત્યાંથી નીકળ્યા. 'જેવા મેં નીરખ્યા રે' ભાગ-૩ માં પૂજ્ય અક્ષરવિહારી સ્વામીએ જાતે જ આ પ્રસંગ વર્ણવ્યો છે. કુદરતે કેટકેટલી અમૂલ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ આપણને આપ્યો છે!! મફત હવા, મફત સૂર્યપ્રકાશ, મફત વરસાદ, આકાશના ચંદરવામાં ઉષા-સંધ્યાની વિવિધ રંગગૂંથણીનાં મફત દર્શન, જમીનનો ઉપયોગ વિના રોકટોક અને એવું તો ઘણુંય છે. આપણે નથી કશાનું ભાડું ચૂકવતા. તો આનો ૠણ સ્વીકાર, આપણે આટલું કરીને તો ચોક્કસ કરી શકીએ કે કુટુંબમાં કોઈક સભ્યની વિચિત્રતા કે સ્વભાવની અવળાઈને ક્ષમ્ય ગણી, એને નિભાવી તો લઈએ જ. આપણી ગરવી ગુરુપરંપરા, જે ક્ષમાનાં મૂર્તિમંત સ્વરૂપો છે, આવો, એમાંથી આપણે બોધ ગ્રહીએ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS