સંગીતનો પહેલો સૂર છે- “સા”. સફળતાનું સંગીત પણ આવા જ એક “સા”થી શરૂ થાય છે, જેનું નામ છે “સાદાઇ”. ભારતના મહાન દેશભક્ત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા ત્યારે એમની પાસે કેટલી મૂડી હતી? માત્ર ૪૦૦ રૂપિયા અને ચાર જોડ કપડાં. એમનાં દીકરી મણિબહેનનાં ચીંથરેહાલ લૂગડાં જોઈને મહાવીર ત્યાગી કહે કે “આમને કોઈ ભિખારણ સમજીને બે આના આપશે.” આ પ્રસંગ વાંચવામાં ઘણો રોમાંચક લાગે છે, પરંતુ આપણને આ પ્રમાણેનું સાદગીયુક્ત જીવન જીવવાનું કહેવામાં આવે તો? સ્પષ્ટ છે કે સાદાઈ એ નિર્માનીપણા જેવો ભારે મોટો સદ્ગુણ જણાતો નથી, પરંતુ જીવનમાં ઉતારવો અતિ કપરો છે !
દિલ્હીનું અક્ષરધામ, લંડનનું મંદિર કે વિરાટ સેવાસંકુલો જેવા મહાકાર્યોથી સફળતાનો હિમાલય ખડો કરી દેનાર પ્રમુખસ્વામીના જીવનની સાદાઈ પણ હિમાલય જેટલી જ ઊંચી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ આ વિષે કહે છે “સહિષ્ણુતા, પ્રામાણિકતાની માફક જ સાદાઈ પણ પ્રમુખસ્વામી મહારાજનો હ્રદગત મંત્ર છે.” એમને એમ લાગ્યું એનાં પૂરતાં કારણો છે. પ્રમુખસ્વામીએ સાત લાખથી વધુ પત્રો લખ્યા છે, પરંતુ ક્યારેય સારી પેન વાપરી નથી. ૧૭ હજારથી વધુ ગામોમાં અઢી લાખથી વધુ ઘરોમાં ઘૂમી વળનાર આ પરિવ્રાજકે ક્યારેય કોઈ પાસે એક સારું ચંપલ માગ્યું નથી. સતત પધરામણીઓ કરીકરીને તેઓ પગરખાંનો તો એવો દાટ વાળી દેતા કે લોકો કહેતાં કે સ્વામી જોડાંને “બ્રહ્મરૂપ” કરી નાખે છે, પણ બદલતા નથી.
“ જ્યાં-ત્યાં, જેમ-તેમ, જેવું-તેવું ચલાવી લેવું”- આ એમનું જીવન-સૂત્ર હતું. સવારથી સાંજ સુધીમાં સહેજે ત્રણચારથી માંડીને ક્યારેક દસેક ગામોમાં પણ તેઓ ઘૂમી વળતા, પરંતુ જીંદગીમાં ક્યાંય, ક્યારેય ઉતારા-ભોજન-વાહન કે રોજબરોજની વપરાશની વસ્તુઓમાં “મને આવું જોઇશે” અથવા “મને આવું નહીં ચાલે”- આવા શબ્દો એમના મુખેથી નીકળ્યા નથી.
સંસ્થાને ખર્ચ ન થતો હોય અને કોઈ પ્રેમથી આપતાં હોય છતાં પણ એમણે ક્યારેય સારી વસ્તુ સ્વીકારી નથી, માત્ર સાદાઈનો જ આગ્રહ રાખ્યો છે. તા. ૧૪-૫-૨૦૦૯, મુંબઈમાં એક પ્રખ્યાત ઇન્ટીરીયર ડેકોરેટર એમને મળ્યા, જેમણે ક્વીન એલિઝાબેથ માટે તાજમહાલ હોટેલના સ્વિટનું ઈન્ટિરિયર ડેકોરેશન કર્યું હતું અને એવાં જ વિશ્વકક્ષાનાં કામો કર્યાં હતાં. એમણે પ્રમુખસ્વામીને પ્રાર્થના કરી કે એમના ઉતારાની રૂમનું ઇન્ટિરિયર ડેકોરેશન તેઓ પોતાના ખર્ચે સારામાં સારું કરી આપશે, તે સ્વામીએ સ્વીકારવું. ત્યારે પ્રમુખસ્વામી આ લોભામણી ઓફરને વિવેકપૂર્વક નકારી કાઢતાં બોલ્યા, “અમે સાધુ છીએ. અમને સાદગી જ સારી લાગે. અમે આવામાં રહીએ છીએ અને આવામાં જ રહેવામાં અમને વાંધો નથી. આપની ભાવના સારી છે પણ અમારે તો સાદું જ સારું”
તા. ૬-૪-૮૪, વિશ્વવિખ્યાત પ્રમાણભૂત સમાચાર સંસ્થા રોઈટર્સ(Reuters)ના પત્રકાર ફિલીપ પુલેલાએ વિદેશની ધર્મયાત્રાએ નીકળેલા પ્રમુખસ્વામીનો ઇન્ટરવ્યૂ લીધો. કારણ એ હતું કે બીજે દિવસે સ્વામી એક અગ્રગણ્ય ધાર્મિક મહાનુભાવને મળવાના હતા. પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે “આવતી કાલે આપ જે સ્થળની મુલાકાત લેવાના છો એ સુખ-સાહ્યબીથી ભરેલું છે. એના માલિક પણ ઊચ્ચ કક્ષાના વસ્ત્ર-અલંકારો પહેરે છે, જ્યારે તમારી પાસે માત્ર બે ધોતીયાં જ છે તો તમને કઈ લાગણી થાય છે?” ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે “ભગવાનના માર્ગે ચાલતાં હોય અને ચલાવતાં હોય તે અમને ગમે છે. હવે રહી વસ્ત્ર-અલંકારોની વાત, તો એમને જે યોગ્ય લાગતું હોય તેમ એ ભલે કરે. અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ એટલે એમની આજ્ઞા પ્રમાણે અમે ફક્ત બે સિવ્યા વગરના વસ્ત્રો- ધોતિયું અને ગાતરિયું (ઉપવસ્ત્ર/ચાદર) જ કાયમ દેશ-વિદેશમાં પહેરીએ છીએ અને કાલે પણ એ જ પહેરવાના છીએ.” જે પ્રમુખસ્વામીએ જીવનભર આજ્ઞા બહારની એક પણ વસ્તુ અંગીકાર કરી નથી, તેઓ બીજે દિવસે એ જ રોજેરોજના સામાન્ય કપડાં પહેરીને જ પેલા મહાનુભાવને મળેલા.
એક વખત ન્યૂયોર્કમાં સ્વામીની આંખો ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે ચશ્માના નંબર બદલાયા છે. તરત એક ભક્તે ચશ્માની નવી ફ્રેમોનો ઢગલો કરી દીધો અને સ્વામીને એક ફ્રેમ પસંદ કરવા કહ્યું. ત્યારે સ્વામીએ આગ્રહ રાખ્યો કે જૂની ફ્રેમમાં જ નવા નંબરના કાચ નાખી આપો. પેલા ભાઈએ ઘણી દલીલો કરી કે “આ નવી ફ્રેમ કંઈ એટલી ભભકાદાર નથી અને વળી હું સેવા કરવાનો છું.” પણ સ્વામીનો નિર્ણય અફર રહ્યો. ઘણી ખેંચતાણ થઈ ત્યારે સ્વામીએ છેલ્લી દલીલ રજૂ કરી કે “મારે કાચમાંથી જોવાનું છે કે ફ્રેમમાંથી જોવાનું છે?“ પેલા ભાઈ નિરુત્તર થઈ ગયા અને જૂની ફ્રેમમાં નવા કાચ બેસાડીને લાવ્યા ત્યારે સ્વામીને જંપ વળ્યો.
સારંગપુરમાં એક વખત પ્રમુખસ્વામી સભામાં બેઠા હતા અને લાઈટ ગઈ. બે સંતો હાથથી પવન નાખવાના બે વીંઝણા લઈ આવ્યા. સ્વામીએ એક વીંઝણો વાપરવાની હા પાડી અને બીજો પાછો મૂકાવી દીધો. એમને આમ કરવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે હકીકતમાં સ્વામીએ જે વીંઝણાની દાંડી સ્ટીલની અને કારીગરીયુક્ત હતી તેને વાપરવાની ના પાડી હતી અને લાકડાની સાદી દાંડીવાળો વીંઝણો પસંદ કર્યો હતો. માત્ર થોડા સમય માટે વપરાનારી વસ્તુમાં પણ સ્વામી સાદાઈપૂર્ણ વસ્તુ વાપરવાનો જ દ્રઢ આગ્રહ રાખતા.
પ્રમુખસ્વામીએ સાદાઈ જેવા ગુણને પણ અતિ ઊંચાઈએ પહોંચાડયો કારણ કે એમનું જીવન એવું ઊંચું હતું.