૧૯૬૯ની સાલમાં ભાદરા મંદિરની પ્રતિષ્ઠાનું કામકાજ ચાલતું હતું. યોગીબાપા પ્રતિષ્ઠા પહેલાં ઘણો સમય ભાદરા રહેલા અને યુવકો-સંતોની સેવા ઉપર દેખરેખ, માર્ગદર્શન આપતા. કથાવાર્તા કરીને બળ આપતા. એ સમયે સ્વામીશ્રી(પ્રમુખસ્વામી મહારાજ)ને તો ઘડીની નવરાશ રહેતી નહીં. રાતના પણ મોડે સુધી સેવામાં હોય. પાણીની પાઇપ નાખવાનું કામ ચાલતું ત્યારે મેં એમને થાક્યા પાક્યા રેતીના ઢગલા ઉપર કાંઈ પણ પાથર્યા વિના સૂતેલા જોયા છે! સંસ્થાના પ્રમુખ, સંપ્રદાયના વડીલ સંત અને સેવકો એક કહેતાં પાંચ મળે એવી સ્થિતિમાં પણ એમણે ક્યારેય ગુરુભક્તિ માટે કે ઠાકોરજીની ભક્તિ માટે દેહને ગણકાર્યો નથી.
યોગીજી મહારાજના ધામગમન પછી એમના સ્થાને ગુરુપદે આવેલા પ્રમુખસ્વામી મહારાજ પહેલીવાર ગોંડલ પધાર્યા હતા. ત્યાં પારાયણ હતી. સ્વામીશ્રી માટે પાટ પર આસન બનાવ્યું હતું. હું બાજુમાં ઊભો હતો. સ્વામીશ્રી આવીને પાટ પાસે ઊભા રહ્યા. પછી ખૂબ નમ્રતાથી મને પૂછ્યું: 'હું બેસું?' સાવ નાનો પ્રશ્ન હતો. પણ પ્રશ્નમાં જે નમ્રતા હતી તે બહુ મહાન હતી. મેં કહ્યું: 'બિરાજો! આપના માટે જ છે. આસન પણ આપનું જ છે. ને અમેય આપના જ છીએ.' ત્યારે જરા સંકોચાઈ ગયા. એમની એ માનશૂન્યતા મને દિવ્ય લાગી. હું એમને નમી પડ્યો.